સુરેન્દ્રના મકાનના ચોગાનમાં શ્રીરામકૃષ્ણ ભક્તોની સભા શોભાવીને બેઠેલા છે. સાંજના આશરે છ વાગ્યાનો સમય.
ચોગાનમાંથી પૂર્વાભિમુખ થઈને મંદિરની ઓસરીમાં ચડાય. ઓસરીમાં સુંદર દેવી-પ્રતિમા છે. માતાજીને પગે જાસૂદનાં ફૂલ, બીલીપત્ર, ગળામાં પુષ્પમાળા. માતાજી પણ મંદિરની ઓસરી શોભાવીને બિરાજેલાં છે.
આજે શ્રીશ્રીઅન્નપૂર્ણા પૂજા, ચૈત્ર સુદ આઠમ, તા. ૧૫મી એપ્રિલ, ૧૮૮૩, રવિવાર, (૩ વૈશાખ, ૧૨૯૦) સુરેન્દ્રે માતાજી તેડ્યાં છે, એટલે ઠાકુરને આમંત્રણ આપ્યું છે. ઠાકુર ભક્તો સાથે આવ્યા છે. આવીને દેવમંદિરની ઓસરીમાં ચડીને શ્રીદેવીપ્રતિમાનાં દર્શન કર્યાં. પ્રણામ અને દર્શન કર્યા પછી ઊભા રહીને માતાજીની સામે જોઈ રહ્યા છે અને પોતાના હાથથી મૂલ-મંત્રનો જપ કરી રહ્યા છે. ભક્તો દેવીપ્રતિમાનાં દર્શન અને પ્રણામ કરી રહ્યા પછી ઠાકુરની પાસે ઊભા છે.
ઠાકુર ભક્તો સાથે ચોગાનમાં આવ્યા છે. ચોગાનમાં શેતરંજી પાથરેલી છે. તેના ઉપર ચાદર, તેના ઉપર કેટલાક તકિયા, એક બાજુએ ખોલ-કરતાલ લઈને કેટલાક વૈષ્ણવો બેઠા છે, સંકીર્તન થવાનું છે એટલા માટે. ઠાકુરને ઘેરીને ભક્તો બધા બેઠા છે.
ઠાકુર શ્રીરામકૃષ્ણને એક તકિયાને અઢેલીને બેસવાનું કહેવામાં આવ્યું, પણ તે તકિયાની પાસે બેઠા નહિ, તકિયો ખસેડીને બેઠા.
શ્રીરામકૃષ્ણ (ભક્તોને): તકિયાને અઢેલીને બેસવું! ખબર છે, અભિમાન જવું બહુ કઠણ. આ ઘડીએ વિચાર કરો કે આપણામાં જરાય અભિમાન નથી, પણ કોણ જાણે ક્યાંથી આવી જાય!
બકરીને કાપી નાખી છે છતાંય એનાં અંગપ્રત્યંગ હલે છે.
સ્વપ્નામાં બીક લાગી હોય, પછી ઊંઘ ઊડી ગઈ, સારી રીતે જાગી ઊઠ્યા, છતાં છાતી ધબધબ કરે! અભિમાનનું પણ બરાબર એવું જ. હાંકી કાઢવા છતાં વળી કોણ જાણે ક્યાંથી આવી પડે! તરત મોઢું ભારે કરીને બોલેઃ ‘એહ્, અમારી સરભરા કરી નહિ!’
કેદાર: તૃણાદપિ સુનીચેન તરોરિવ સહિષ્ણુના ।
શ્રીરામકૃષ્ણ: હું તો ભક્તોની રજનીયે રજ. (વૈદ્યનાથનો પ્રવેશ).
વૈદ્યનાથ સુશિક્ષિત, કોલકાતાની હાઈકોર્ટના વકીલ. તેમણે હાથ જોડીને ઠાકુરને પ્રણામ કર્યા અને એક બાજુએ બેઠા.

સુરેન્દ્રનાથ મિત્ર
સુરેન્દ્ર (શ્રીરામકૃષ્ણને): એ મારા સગા થાય.
શ્રીરામકૃષ્ણ: હાં, એમનો સ્વભાવ તો સારો જોઉં છું.
સુરેન્દ્ર: એ આપને કંઈક પૂછવા ઇચ્છે છે એટલે આવ્યા છે.
શ્રીરામકૃષ્ણ (વૈદ્યનાથને): જે કાંઈ જુઓ છો, એ બધુંય ઈશ્વરની શક્તિ, ઈશ્વરની શક્તિ સિવાય, કોઈની કાંઈ કરવાની તાકાત નહિ. પણ એક વાત છે કે, તેમની શક્તિ બધી જગાએ સમાન નથી. વિદ્યાસાગર કહેતા હતા કે ‘ઈશ્વરે શું કોઈને વધુ શક્તિ આપી છે?’ મેં કહ્યું કે શક્તિ ઓછીવત્તી આપી ન હોત તો તમને અમે મળવા આવ્યા છીએ શું કરવા? તમને શું કાંઈ બે શિંગડાં ઊગ્યાં છે? એથી જ સાબિત થયું કે ઈશ્વર વિભુરૂપે સર્વભૂતમાં છે, માત્ર શક્તિમાં ભેદ છે.
સ્વાધીન ઇચ્છા અથવા ઈશ્વર-ઇચ્છા? Free Will or God’s Will
વૈદ્યનાથ: મહાશય, મને એક શંકા છે. આ જે કહે છે કે આપણને Free Will અર્થાત્ સ્વતંત્ર ઇચ્છાશક્તિ છે, ધારીએ તો સારું કામ પણ કરી શકીએ ને નરસું કામ પણ કરી શકીએ, એ શું ખરું? શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ?
શ્રીરામકૃષ્ણ: બધું ઈશ્વરાધીન. તેમની જ એ બધી લીલા. તેમણે જ જુદી જુદી ચીજો બનાવી છે. નાનો, મોટો, બળવાન, દુર્બળ, સારું-નરસું, સારા માણસ, ખરાબ માણસ, એ બધી તેમની માયા, તેમનો ખેલ. આમ જુઓ ને બગીચાનાં બધાં વૃક્ષો કાંઈ એકસરખાં ઊગતાં નથી.
‘જ્યાં સુધી ઈશ્વર-પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણને લાગે કે આપણે સ્વતંત્ર. એ ભ્રમ ઈશ્વર જ આપણામાં રાખી દે. જો એમ ન હોત તો પાપની વૃદ્ધિ થાત, પાપનો ડર રહેત નહિ, પાપની શિક્ષા થાત નહિ.
‘જેણે ઈશ્વર-પ્રાપ્તિ કરી હોય, તેનો અંતરનો ભાવ કેવો હોય ખબર છે? હે પ્રભુ! હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર; હું ઘર, તમે ઘર-માલિક; હું રથ, તમે રથ હાંકનાર; તમે જેમ ચલાવો તેમ ચાલું, જેમ બોલાવો તેમ બોલું.
ઈશ્વર-દર્શન શું એક દિવસમાં થાય? સાધુસંગનું પ્રયોજન
શ્રીરામકૃષ્ણ (વૈદ્યનાથને): વાદ કરવો એ સારું નહિ, આપ શું કહો છો?
વૈદ્યનાથ: જી હા. જ્ઞાન થાય તો વાદ કરવાની ઇચ્છા જાય.
શ્રીરામકૃષ્ણ: ‘Thank you.’ (સૌનું હાસ્ય). તમને (ઈશ્વરપ્રાપ્તિ) થશે. ઈશ્વરની વાત જો કોઈ બોલે તો માણસો માને નહિ. જો કોઈ મહાપુરુષ કહે કે ‘મેં ઈશ્વરને જોયો છે, તોય સાધારણ માણસો એ મહાપુરુષની વાત માને નહીં. માણસો એમ કહેશે કે એણે જો ઈશ્વરને જોયો છે તો અમને દેખાડી દે ને? પરંતુ એક દિવસમાં નાડી જોતાં શીખી શકાય કે? વૈદ્યની સાથે ઘણા દિવસો સુધી રહેવું જોઈએ. ત્યારે પછી કઈ કફની, કઈ વાતની, કઈ પિાની નાડી એ કહી શકાય. જેમનો નાડી જોવાનો ધંધો હોય તેમનો સંગ કરવો જોઈએ. (સૌનું હાસ્ય).
‘અમુક નંબરનું સૂતર એ કંઈ જે તે ઓળખી શકે? સૂતરનો ધંધો કરો, જેઓ એ ધંધો કરે તેમની દુકાને થોડા દિવસ બેસો, ત્યારે કયું ચાલીસ નંબરનું, કયું એકતાલીસ નંબરનું સૂતર એ ઝટ દઈને કહી શકો.’






