એ દરમિયાન ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે તેમના ઓરડાની ઉત્તર-પૂર્વ બાજુની ઓસરીમાં આવ્યા છે. ભક્તોમાં દક્ષિણેશ્વર-નિવાસી એક ગૃહસ્થ પણ બેઠેલા છે. એ ઘેર વેદાન્ત-ચર્ચા કરે. ઠાકુરની સામે શ્રીયુત્ કેદાર ચેટર્જીની સાથે એ શબ્દ-બ્રહ્મ સંબંધી વાત કરે છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ અને અવતારવાદ – શ્રીરામકૃષ્ણ અને સર્વધર્મસમન્વય

દક્ષિણેશ્વરવાસી – આ અનાહત શબ્દ હંમેશાં અંદર બહાર થયા કરે છે.

શ્રીરામકૃષ્ણ- એકલો શબ્દ હોવાથી તો ચાલે નહિ ને? શબ્દનું પણ પ્રતિપાદ્ય કંઈક છે. તમારા એકલા નામથી શું મને આનંદ થાય? તમને જોયા વિના સોળ આના આનંદ થાય નહિ.

દક્ષિણેશ્વરવાસી – આ શબ્દ જ બ્રહ્મ; એ અનાહત શબ્દ.

શ્રીરામકૃષ્ણ (કેદારને): ઓ, તમે સમજ્યા કે? આમનો ઋષિઓના જેવો મત. ઋષિઓ રામચંદ્રને કહે કે ‘હે રામ, અમે તો જાણીએ છીએ કે તમે દશરથના પુત્ર. ભરદ્વાજ વગેરે ઋષિઓ ભલે તમને અવતાર માનીને પૂજા કરે. અમારે તો અખંડ સચ્ચિદાનંદ જોઈએ.’ રામ એ સાંભળીને હસતા હસતા ચાલ્યા ગયા.

કેદાર: ઋષિઓ રામને અવતાર તરીકે જાણતા નહિ. ઋષિઓ મૂર્ખ હતા.

શ્રીરામકૃષ્ણ (ગંભીરતાથી): તમે એવા શબ્દો કાઢો નહિ! જેની જેવી રુચિ, તેમ જ જેના પેટને જે અનુકૂળ. ઘઉંના લોટમાંથી મા છોકરાંને જુદી જુદી જાતની વાનીઓ કરી ખવરાવે. કોઈને લાડુ કરી આપે, કોઈને કંસાર કરી દે, કોઈને શીરો કરી દે, વળી કોઈને માત્ર રોટલી જ કરી આપે, જેના પેટને જે માફક આવે તે; તો વળી કોઈને પૂડલો કરી આપે, જેને જેવું ગમે. (સૌનું હાસ્ય)

‘ઋષિઓ જ્ઞાનમાર્ગી હતા. એટલે તેઓ અખંડ સચ્ચિદાનંદની અભિલાષા રાખતા હતા. તેમ ભક્તો વળી અવતારને ઇચ્છે, ભક્તિનો આસ્વાદ લેવા સારુ. ભગવાનનાં દર્શન થયે મનનો અંધકાર દૂર થાય. પુરાણમાં કહ્યું છે કે રામચંદ્ર જ્યારે સભામાં આવ્યા ત્યારે સભામાં જાણે કે સો સૂર્યનો ઉદય થયો! તો પછી સર્વે સભાસદો બળી કેમ ન ગયા? તેનો જવાબ એ કે તેમનો પ્રકાશ એ જડ પ્રકાશ નથી. સભા માંહેના સર્વ લોકોનાં હૃદય-પદ્મ ખીલી ઊઠ્યાં. સૂર્ય ઊગ્યે, પદ્મ ખીલી ઊઠે.’

શ્રીરામકૃષ્ણ ઊભા ઊભા ભક્તોની પાસે એ વાત કરી રહ્યા છે, ત્યાં વાત કરતાં કરતાં જ તેમનું મન એકદમ બાહ્ય રાજ્ય છોડીને અંતર્મુખ થયું. ‘હૃદય-પદ્મ ખીલી ઊઠ્યાં,’ એ શબ્દોનું ઉચ્ચારણ કરતાં ન કરતાં જ ઠાકુર એકદમ સમાધિ-મગ્ન!

ઠાકુર સમાધિભાવમાં. ભગવાનનાં દર્શન કરીને શ્રીરામકૃષ્ણનું હૃદય-પદ્મ શું ખીલી ઊઠ્યું? એ એક જ ભાવે ઊભા રહેલા છે, પણ બાહ્ય સંજ્ઞારહિત, ચિત્રમાં આલેખેલ મૂર્તિ જેવા! શ્રીમુખ ઉજ્જવળ અને સહાસ્ય. ભક્તો કોઈ કોઈ ઊભા, કોઈ બેઠેલા. બધાય ચૂપ, એક નજરે આ અદ્ભુત પ્રેમરાજયની છબી, આ અપૂર્વ સમાધિ-ચિત્ર નિહાળી રહ્યા છે.

કેટલીયવાર પછી સમાધિ ઊતરી.

ઠાકુર દીર્ઘ નિઃશ્વાસ મૂકીને ‘રામ’ નામનું વારે વારે ઉચ્ચારણ કરી રહ્યા છે. નામને વર્ણે વર્ણે જાણે કે અમૃત ઝરી રહ્યું છે. ઠાકુર બેઠા. ભક્તો ચારેબાજુએ બેસીને એક નજરે તેમને જોયા કરે છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): અવતાર જ્યારે આવે ત્યારે સાધારણ માણસો તેને ઓળખી શકે નહિ. એ ગુપ્ત રીતે આવે. બેચાર અંતરંગ ભક્તો જાણી શકે. રામ પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ અવતાર, એ વાત માત્ર બાર ઋષિઓ જાણતા. બીજા ઋષિઓ કહેતા કે ‘હે રામ, અમે તમને દશરથના પુત્ર તરીકે ઓળખીએ છીએ.’

‘અખંડ સચ્ચિદાનંદને શું સૌ કોઈ ઓળખી શકે? પરંતુ નિત્ય-સ્વરૂપના અનુભવની ભૂમિકાએ પહોંચીને જે ભગવદ્વિલાસને માટે લીલાની ભૂમિકાએ રહે તેની જ પાકી ભક્તિ કહેવાય. વિલાયતમાં રાણી (એ વખતનીઃ વિકટોરિયા)ને જોઈ આવ્યા પછી રાણીની વાતો, રાણીનાં કાર્યો વગેરેનું વર્ણન કરવું ઠીક ગણાય, ત્યારે રાણીની વાતોનું વર્ણન બરાબર થાય. ભરદ્વાજ વગેરે ઋષિઓએ રામની સ્તુતિ કરીને કહ્યું હતું કે ‘હે રામ, તમે જ તે અખંડ સચ્ચિદાનંદ. તમે અમારી પાસે મનુષ્યરૂપે અવતાર લીધો છે. વાસ્તવિક રીતે તો તમે તમારી માયાનો આશ્રય લીધો છે, એટલે તમે માણસ જેવા દેખાઓ છો.’ ભરદ્વાજ વગેરે ઋષિઓ રામના પરમ ભક્ત હતા. તેમની ભક્તિ પાકી ભક્તિ.

Total Views: 544
ખંડ 11: અધ્યાય 4: જન્મોત્સવ પ્રસંગે ભક્તો સંગે - સંન્યાસીના કઠિન નિયમો
ખંડ 11: અધ્યાય 6: કીર્તનાનંદમાં અને સમાધિમાં