ભક્તો આશ્ચર્યચક્તિ થઈને આ અવતાર-તત્ત્વ સાંભળી રહ્યા છે. કોઈ કોઈ વિચાર કરી રહ્યા છે કે શી નવાઈ! વેદમાં કહેલ અખંડ સચ્ચિદાનંદ, કે જેને વેદમાં વાણી અને મનથી અતીત કહ્યા છે, એ જ પુરુષ આપણી સામે સાત વેંતનો માણસ થઈને આવે! ઠાકુર શ્રીરામકૃષ્ણ જ્યારે કહે છે ત્યારે અવશ્ય બને છે. જો તેમ થતું હોય તો ‘રામ, રામ’ કહેતાં કહેતાં આ મહાપુરુષને સમાધિ શા માટે થાત? જરૂર હૃદયકમલમાં તે રામનાં દર્શન કરતા હશે.

જોતજોતામાં કોન્નગરથી ભક્તો ખોલ-કરતાલ લઈને કીર્તન કરતાં કરતાં બગીચામાં આવી પહોંચ્યા. મનોમોહન, નવાઈ અને બીજા કેટલાય નામ-સંકીર્તન કરતાં કરતાં પેલી ઉત્તર-પૂર્વની ઓસરીમાં ઠાકુરની પાસે આવી પહોંચ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રેમોન્મત્ત થઈને તેમની સાથે સંકીર્તન કરવા લાગ્યા.

નૃત્ય કરતાં કરતાં અવારનવાર સમાધિ. ત્યારે વળી સંકીર્તનની વચ્ચે ચિત્રમાં આલેખેલની પેઠે ઊભા થઈ રહે છે. એ અવસ્થામાં ભક્તોએ પુષ્પમાળા પહેરાવીને શણગાર્યા. ગૂંથેલાં ફૂલોની મોટી મોટી માળા. ભક્તો જુએ છે તો જાણે કે શ્રીગૌરાંગ સામે ઊભેલા, ગંભીર ભાવ-સમાધિમાં મગ્ન! પ્રભુની ક્યારેક અંતર્દશા, એ વખતે જડની પેઠે ચિત્રમાં આલેખેલની માફક બાહ્ય જગતની સંજ્ઞાનો લોપ થઈ જાય. ક્યારેક અર્ધબાહ્યદશા, એ વખતે પ્રેમમગ્ન થઈને નૃત્ય કરે. વળી બાહ્યદશા થાય, ત્યારે શ્રીગૌરાંગની પેઠે ભક્તો સાથે સંકીર્તન કરે.

ઠાકુર સમાધિ-મગ્ન, ઊભેલા, ગળામાં માળા. વખતે પડી જાય એમ ધારીને એક ભક્ત તેમને ઝાલી રહેલ છે. ભક્તો ચારે બાજુએ ઊભા રહીને ખોલ-કરતાલ લઈને કીર્તન કરી રહ્યા છે. ઠાકુરની દૃષ્ટિ સ્થિર, ચંદ્ર સમું પ્રેમાનુરંજિત વદન. ઠાકુર પશ્ચિમાભિમુખ.

ભક્તો આ આનંદમૂર્તિ ઘણીયે વાર સુધી જોયા કરે છે. આખરે સમાધિ ભંગ થઈ. સમય પણ થઈ ગયો છે. થોડી વાર પછી કીર્તન બંધ થયું. ભક્તો ઠાકુરને જમાડવા સારુ ઉતાવળા થવા લાગ્યા.

ઠાકુર જરા આરામ લઈને નવું પીતાંબર પહેરીને નાની પાટ પર બેઠા. એ પીતાંબરધારી આનંદમય મહાપુરુષના જ્યોતિર્મય ચિત્ત-વિનોદિત, અપરૂપ રૂપનાં ભક્તો દર્શન કરી રહ્યા છે. એ દેવદુર્લભ, પવિત્ર, મોહન-મૂર્તિનાં દર્શન કરીને નયનોને તૃપ્તિ થાય નહિ. ઇચ્છા થાય કે હજીયે દેખીએ, હજીયે દેખીએ, એ રૂપ-સાગરમાં મગ્ન થઈએ.

ઠાકુર જમવા બેઠા. ભક્તોએ પણ આનંદથી પ્રસાદ લીધો.

Total Views: 543
ખંડ 11: અધ્યાય 5: સાકાર - નિરાકાર - ઠાકુર શ્રીરામકૃષ્ણને રામનામે સમાધિ
ખંડ 11: અધ્યાય 7: ગોસ્વામી સાથે સર્વધર્મસમન્વયની ચર્ચા