ભોજન કરી રહ્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર આરામ કરે છે. ઓરડામાં માણસોની મેદની વધતી જાય છે. બહારની ઓસરીઓ પણ માણસોથી ભરપૂર છે. ઓરડાની અંદર ભક્તો જમીન પર બેઠા છે અને ઠાકુરની સામે એક નજરે જોયા કરે છે. કેદાર, સુરેશ, રામ, મનોમોહન, ગિરીન્દ્ર, રાખાલ, ભવનાથ, માસ્ટર વગેરે કેટલાય ભક્તો ઓરડામાં બેઠા છે. રાખાલના પિતાજી આવ્યા છે, તે પણ એ ઓરડામાં બેઠા છે.

એક વૈષ્ણવ ગોસ્વામી પણ એ ઓરડામાં બેઠેલા છે. ઠાકુર તેને સંબોધીને વાત કરે છે. ગોસ્વામીઓને સામે દેખતાં જ ઠાકુર માથું નમાવીને પ્રણામ કરતા, ક્યારેક ક્યારેક સાષ્ટાંગ પ્રણામ કરતા.

નામ માહાત્મ્ય કે અનુરાગ – અજામિલ

શ્રીરામકૃષ્ણ: વારુ, તમે શું કહો છો? ઉપાય શો?

ગોસ્વામી: જી, નામથી જ ઈશ્વરપ્રાપ્તિ થાય. કળિયુગમાં નામ-માહાત્મ્ય.

શ્રીરામકૃષ્ણ: હાં. નામનું ખૂબ માહાત્મ્ય છે ખરું, પણ અનુરાગ ન હોય તો શું વળે? ઈશ્વરને માટે પ્રાણ આતુર થવા જોઈએ. માત્ર નામ લીધે જઈએ છીએ, પણ મન કામ-કાંચનમાં પડ્યું હોય, એથી વળે?

વીંછીનો કે ઝેરીલા મોટા કરોળિયાનો ડંખ એમ એકલા મંત્રથી ન મટે. છાણાનો શેક-બેક કરવો જોઈએ.

ગોસ્વામી- તો પછી અજામિલ? અજામિલ મહાપાતકી, એવું પાપ નથી કે જે તેણે કર્યું ન હોય. પરંતુ મરતી વખતે ‘નારાયણ’ કહીને છોકરાને બોલાવવાથી તેનો ઉદ્ધાર થઈ ગયો.

શ્રીરામકૃષ્ણ: કદાચ અજામિલે પૂર્વ જન્મમાં ઘણીયે સાધના કરી હશે. અને કહે છે કે તેણે પાછળથી તપસ્યા કરી હતી.

એમ પણ કહી શકાય કે એનો એ વખતે અંતિમ કાળ! ‘હાથીને નવરાવ્યે શું વળે? પાછો ધૂળ, માટી માથા ઉપર ઉડાડે, એટલે હતો તેવો ને તેવો જ. પણ હાથીશાળામાં પૂરી દીધા પહેલાં જ જો કોઈ ધૂળ ખંખેરી નાખે અને નવરાવી દે તો પછી તેનું શરીર સાફ રહે.’

‘નામ લેવાથી માણસ એકવાર શુદ્ધ થાય, પરંતુ પાછો તરત જ અનેક જાતનાં પાપોમાં લેપાય. મનમાં જોર નહિ. પ્રતિજ્ઞા કરે નહિ કે હવે પાપ નહિ કરું. ગંગાસ્નાન કર્યે બધાં પાપ ધોવાઈ જાય, પણ ધોવાયે વળે શું? માણસો કહે કે ગંગામાં નાહ્યે પાપ બધાં નીકળી જઈને કાંઠા પરનાં ઝાડ પર બેસી રહે. ગંગા નાહીને માણસ જેવો પાછો ફરે કે તરત જ એ પુરાણાં પાપો ઝાડ પરથી પેલાની કાંધ ઉપર ચડે. નાહીને બે ડગલાં આવતાં ન આવતાંમાં જ પાછાં માથે ચડે.

‘એટલે ભગવાનનું નામ લો, તેની સાથે સાથે પ્રાર્થના કરો કે જેથી ઈશ્વરમાં અનુરાગ આવે. અને જે બધી ચીજો બે દિવસ સારુ, જેવી કે પૈસાટકા, માન, દેહસુખ, એ બધાં ઉપરથી આસક્તિ ઓછી થઈ જાય, એવી પ્રાર્થના કરો.’

વૈષ્ણવધર્મ અને સાંપ્રદાયિકતા – સર્વધર્મસમન્વય

શ્રીરામકૃષ્ણ (ગોસ્વામીને): સાચા અંતરથી હોય તો બધા ધર્માે દ્વારા ઈશ્વરને પામી શકાય. વૈષ્ણવો પણ ઈશ્વરને પામે, શાક્તો પણ પામે. વેદાન્તવાદીઓ પણ પામે, બ્રાહ્મસમાજીઓ પણ પામે, તેમજ મુસલમાન, ખ્રિસ્તી, તેઓ પણ પામે. અંતરથી હોય તો સહુ પામે. કોઈ કોઈ ઝઘડા કરી બેસે, એમ કહીને ‘કે અમારા શ્રીકૃષ્ણને ન ભજો તો કાંઈ નથી વળવાનું.’ અથવા ‘અમારી મા કાલીને નહિ ભજો, તો કાંઈ નહિ વળે,’ યા ‘અમારા ખ્રિસ્તી ધર્મને નહિ સ્વીકારો તો કંઈ ફાયદો થશે નહિ.’

‘આવા બધા વિચારો એકપંથિયા વિચારો’, એટલે કે અમારો ધર્મ જ બરાબર, ને બીજા બધાનો ખોટો. એ વિચારો ખોટા. ઈશ્વરની પાસે જુદે જદે માર્ગે થઈને પહોંચી શકાય.

‘વળી કોઈ કોઈ કહે કે ‘ઈશ્વર સાકાર જ, નિરાકાર નહિ,’ એમ કહીને ઝઘડો! જે વૈષ્ણવ તે વેદાન્તવાદીની સાથે ઝઘડો કરે.

જો ઈશ્વરનાં સાક્ષાત્ દર્શન થાય તો બરાબર કહી શકાય. જેણે દર્શન કર્યાં છે તે બરાબર જાણે કે ઈશ્વર સાકાર તેમજ નિરાકાર. એ ઉપરાંત ઈશ્વર કેટલા રૂપે છે તે કહી શકાય નહિ.

કેટલાક આંધળા એક હાથીને જોવા ગયા. એક જણે બતાવી દીધું કે આ જનાવરનું નામ હાથી. એટલે એ આંધળાઓ હાથીના શરીર પર હાથ ફેરવીને જોવા લાગ્યા. પછી તેમને પૂછવામાં આવ્યું કે હાથી કેવો? એક જણ કહે કે હાથી થાંભલા જેવો. એ આંધળાએ કેવળ હાથીના પગને જ સ્પર્શ કર્યો હતો. બીજા એક જણે કહ્યું કે હાથી સૂપડા જેવો. તેણે માત્ર એક કાનને જ હાથ લગાડી જોયો હતો. એ પ્રમાણે જેમણે સૂંઢ કે પેટને હાથ લગાડીને તપાસ્યો હતો તેઓ જુદી જુદી રીતે કહેવા લાગ્યા. તેમજ ઈશ્વર સંબંધે જેણે જેટલું જોયું, તે એમ માની બેસે કે ઈશ્વર આવો જ, એ સિવાય બીજો જરાય નહિ.

‘એક જણ જંગલ જઈ આવીને કહેવા લાગ્યો કે પેલા ઝાડ નીચે એક સુંદર લાલ પ્રાણી હું જોઈ આવ્યો. એ સાંભળીને બીજો કહેવા લાગ્યો, ‘હું તમારી પહેલાં જ એ ઝાડ નીચે ગયો હતો. પણ એ પ્રાણીને લાલ શેનું કહો છો? તે લીલું છે. મેં મારી આંખે જોયું છે.’ ત્રીજાએ કહ્યું એને હું બરાબર જાણું છું. તારી પહેલાં હું ત્યાં જઈ આવ્યો છું. તે પ્રાણી મેં પણ જોયું છે. એ લાલેય નથી તેમ લીલુંય નથી. મારી સગી આંખે જોયું છે કે તે છે વાદળી. બીજા બે જણા હતા તેઓએ કહ્યું કે પીળું, બદામી, એમ જુદા જુદા રંગનું. આખરે એ બધા વચ્ચે તકરાર થઈ. સૌ માને કે પોતે જે જોયું છે તે જ સાચું. તેમને ઝઘડતા જોઈને એક માણસે ‘પૂછ્યું, ભાઈ, વાત શી છે? શા માટે લડો છો?’ જ્યારે બધાએ પોતપોતાની હકીકત કહી સંભળાવી ત્યારે એ બોલ્યો, ‘હું એ ઝાડ નીચે જ રહું છું અને એ પ્રાણી શું છે તે હું જાણું છું. તમે બધા જે જે કહો છો એ બધું ખરું છે. એ છે કાકીડો. એ ક્યારેક લાલ, ક્યારેક લીલો, તો ક્યારેક વાદળી, એમ જુદા જુદા રંગનો દેખાય. તેમજ વળી ક્યારેક જોઉં તો તેનો કશો રંગ જ નહિ, નિર્ગુણ.’

સાકાર કે નિરાકાર

(ગોસ્વામીને) પણ ‘ઈશ્વર સાકાર’ એટલું માત્ર બોલ્યે જ શું વળે? ઈશ્વર શ્રીકૃષ્ણની પેઠે મનુષ્ય-શરીર ધારણ કરીને આવે એ પણ સાચું, જુદાં જુદાં રૂપ ધારણ કરીને ભક્તને દર્શન દે એ પણ સાચું, તેમજ વળી તે નિરાકાર, અખંડ સચ્ચિદાનંદ એ પણ સાચું. વેદમાં તેમને સાકાર નિરાકાર બન્ને કહેલ છે. સગુણ પણ કહેલ છે, નિર્ગુણ પણ કહેલ છે.

‘એ શેના જેવું ખબર છે? સચ્ચિદાનંદ જાણે કે અનંત સાગર. ઠંડીને લીધે સાગરનું જળ બરફ થઈને તરે, જુદા જુદા આકાર ધારણ કરીને બરફનાં ચોસલાં થઈને સાગરના જળમાં તરે. તેમ ભક્તિ-હિમ લાગીને સચ્ચિદાનંદ-સાગરમાં સાકાર મૂર્તિનાં દર્શન થાય. ભક્તને માટે સાકાર. વળી પાછો જ્ઞાન-સૂર્ય ઊગે, ત્યારે બરફ ઓગળીને પહેલાંની માફક જેવું જળ, તેવું જ જળ. નીચે ઉપર જળથી પરિપૂર્ણ, જળે જળ. એટલે શ્રીમદ્ ભાગવતમાં સ્તુતિ કરી છે કે પ્રભો, તમે જ સાકાર, તમે જ નિરાકાર. અમારી સામે તમે મનુષ્ય થઈને વિચરો છો, પરંતુ વેદમાં તમને જ વાણી અને મનથી અતીત કહેલ છે.

‘તેમ છતાંય, તમે એમ કહી શકો કે કોઈ કોઈ ભક્તની પાસે પ્રભુ નિત્ય-સાકાર. એવી એવી જગા પણ છે કે જ્યાં બરફ કદી ઓગળે જ નહિ. સ્ફટિકનો આકાર ધારણ કરે.’

કેદાર: જી હાં, શ્રીમદ્ ભાગવતમાં વ્યાસે ત્રણ દોષને માટે ભગવાનની પાસે ક્ષમા માગી છે. (રૂપં રૂપવિવર્જિતસ્ય ભવતો ધ્યાનેન યત્કલ્પિતં । સ્તુત્યાઽનિર્વચનીયતાઽખિલ ગુરો દૂરીકૃતા યન્મયા ।। વ્યાપિત્વં ચ નિરાકૃતં ભગવતો યાીર્થયાત્રાદિના । ક્ષન્તવ્યં જગદીશ! તદ્વિકલતાદોષત્રયં મત્કૃતમ્ ।।) એક જગાએ તે કહે છે કે ‘હે ભગવાન! આપ વાણી મનથી અતીત છો, પરંતુ મેં માત્ર તમારી લીલાનું, તમારા સાકાર રૂપનું જ વર્ણન કર્યું છે, એટલે એ અપરાધની ક્ષમા આપજો.’

શ્રીરામકૃષ્ણ: હાં. ઈશ્વર સાકાર તેમજ નિરાકાર, તેમજ સાકાર નિરાકારથીયે પર. ઈશ્વરની મર્યાદા બાંધી શકાય નહિ.

Total Views: 552
ખંડ 11: અધ્યાય 6: કીર્તનાનંદમાં અને સમાધિમાં
ખંડ 11: અધ્યાય 8: ઠાકુર શ્રીરામકૃષ્ણ, નિત્યસિદ્ધ અને કુમારવૈરાગ્ય