રાખાલના પિતા બેઠા છે. રાખાલ આજકાલ ઠાકુરની પાસે રહે છે. રાખાલની માતાના પરલોક-ગમન પછી તેના પિતાએ બીજીવાર લગ્ન કર્યું છે. રાખાલ અહીં રહે છે, એટલે તેના પિતા ક્યારેક ક્યારેક આવે છે. રાખાલ અહીં રહે એ સામે તેના પિતા ખાસ વાંધો લે નહિ. એ પૈસાપાત્ર અને જમીન વગેરે સંપત્તિવાળા માણસ છે એટલે મામલા મુકદ્દમા નિરંતર લડવા પડે. ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે કેટલાય વકીલ, ડેપ્યુટી-મેજિસ્ટ્રેટ વગેરે આવે. રાખાલના પિતા તેમની સાથે વાતચીત કરવા અવારનવાર આવે, તેમની પાસે કાયદા-કાનૂનની બાબતોમાં ઘણીયે જાતની સલાહ મળે એ સારુ.

ઠાકુર શ્રીરામકૃષ્ણ વચ્ચે વચ્ચે રાખાલના પિતાને નીરખે છે. ઠાકુરની ઇચ્છા, કે રાખાલ તેમની પાસે દક્ષિણેશ્વર રહી જાય.

શ્રીરામકૃષ્ણ (રાખાલના પિતા અને ભક્તોને): આહા, આજકાલ રાખાલનો સ્વભાવ કેવો થઈ ગયો છે! એના મોઢા સામે નજર નાખો તો દેખાશે કે વચ્ચે વચ્ચે તેના હોઠ હાલે છે. મનમાં ઈશ્વરના નામનો જપ કરે ને, એટલે હોઠ હાલે.

આ બધા છોકરાઓ નિત્ય-સિદ્ધના વર્ગના. ઈશ્વરનું જ્ઞાન લઈને જ જન્મ્યા છે. જરાક ઉંમરલાયક થતાં જ સમજી શકે કે સંસારમાં એક વાર પડ્યા પછી બચવું મુશ્કેલ. વેદમાં હોમા પંખીની વાત આવે છે. એ પંખી આકાશમાં જ રહે. જમીન ઉપર ક્યારેય આવે નહિ. આકાશમાં જ ઈંડું મૂકે. એ ઈંડું પડવા માંડે. પણ એ પક્ષી એટલે ઊંચે હોય કે ત્યાંથી ઈંડું પડતાં પડતાં સેવાઈને ફૂટી જાય. એટલે એમાંથી બચ્ચું બહાર આવે. એ પણ નીચે ઊતર્યા કરે. એ વખતેય તે એટલું બધું ઊંચે હોય કે પડતાં પડતાં તેને પાંખ ફૂટે અને આંખો ઊઘડે. ત્યારે એ જોઈ શકે કે હું જમીન તરફ પડ્યે જાઉં છું, જમીન પર પછડાયું કે તરત જ મોત! તેથી જેવી જમીન નજરે પડે કે તરત જ મા પાસે સીધી દોટ. એકદમ ઉપર ઊડવાની શરૂઆત કરે કે જેથી તે માની પાસે પહોંચી શકે. તેનું એક જ ધ્યેય કે મા પાસે પહોંચવું.

આ બધા છોકરાઓનું પણ બરાબર તેના જેવું. નાનપણથી જ સંસાર દેખીને બીક, એક જ ચિંતા, કે કેમ કરીને મા પાસે જવું, કેમ કરીને ઈશ્વરપ્રાપ્તિ થાય.

‘જો એમ પૂછો કે સંસારીઓને પેટે તેમનો જન્મ, સંસારીઓની વચ્ચે રહેવું, તો પછી એવી ભક્તિ, એવું જ્ઞાન થાય કેવી રીતે? તો તેનો જવાબ એ કે જો ચણો વિષ્ટાવાળી જમીનમાં પડી જાય, તો પણ તેમાંથી ચણાનો છોડ જ થાય, એ ચણાથી કેટલું સારું કામ થાય! વિષ્ટાવાળી જમીનમાં પડ્યો એથી શું કાંઈ બીજું ઝાડ થઈ જાય?

રાખાલ (સ્વામી બ્રહ્માનંદ)

‘અહા, રાખાલનો સ્વભાવ આજકાલ કેવો મજાનો થયો છે! તે થાય નહિ કેમ? સૂરણની આંખ જો સારી હોય તો તેનો ફણગોય સારો થાય. (સૌનું હાસ્ય). જેવો બાપ તેવો બેટો.’

માસ્ટર (એક બાજુએ ગિરીન્દ્રને): સાકાર નિરાકારની વાત એમણે કેવી સમજાવી દીધી! મને લાગે છે કે વૈષ્ણવો ઈશ્વરને એકલો સાકાર જ કહે, એટલે.

ગિરીન્દ્ર: એ સંભવ છે. તેઓ એકમતિયા.

માસ્ટર: ‘નિત્ય સાકાર’ તમે સમજ્યા છો? સ્ફટિકની વાત? હું એ બરાબર સમજી શકતો નથી.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): હેં ભાઈ, તમે શી વાત કરો છો?

માસ્ટર અને ગિરીન્દ્ર જરા હસીને ચૂપ રહ્યા.

વૃંદા કામવાળી (રામલાલને): ઓ રામલાલ! આ માણસનું ખાવાનું તેને હમણાં આપી દો અને મારું ખાવાનું એની પછી આપો.

શ્રીરામકૃષ્ણ: વૃંદાનું ખાવાનું હજી અપાયું નથી?

Total Views: 552
ખંડ 11: અધ્યાય 7: ગોસ્વામી સાથે સર્વધર્મસમન્વયની ચર્ચા
ખંડ 11: અધ્યાય 9: પંચવટી તળે કીર્તનાનંદ