બપોર પછી ભક્તો પંચવટી નીચે કીર્તન કરી રહ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પણ તેમની સાથે જોડાયા છે. આજ ભક્તોની સાથે ‘મા’ – જગંદબાના નામનું સંકીર્તન કરતાં કરતાં સૌ આનંદમાં મગ્ન બન્યા છે.

ગીતઃ
શ્યામા-પદ-આકાશમાંહી મન-પતંગ ઊડતો હતો,
પાપ-વાયુ લાગીને ગોથું ખાઈને પડી ગયો.
માયા-પૂંછડી થઈ ભારી, હવે શકું નવ ઉઠાવી,
દારા-સુતરૂપી દોરીમાં ફાંસો લાગી ફસાઈ ગયો.
જ્ઞાન-મૂંડ ગયો તૂટી, ઉઠાવતાં તરત પડે,
મૂંડ વિના પછી શું ઊડે, સાથેના છ જણ થયા જયી.
ભક્તિ-દોર હતો બાંધેલ, રમવા આવતાં થયો ગોટાળો,
નરેશચંદ્ર હસે રડે, કહે ન આવત, તો સારું થાત.

વળી પાછું ગીત શરૂ થયું. ગીતની સાથે સાથે ખોલ-કરતાલ વાગવા લાગ્યાં. ઠાકુર ભક્તો સાથે નાચે છે.

ગીતઃ
મસ્ત થયો મન-ભમરો શ્યામાપદ નીલ કમળે,
(શ્યામાપદ નીલ કમળે, કાળીપદ નીલ કમળે)
વિષય-મધુ તુચ્છ થયા, કામાદિ કુસુમ સર્વે.
ચરણ કાળાં, ભ્રમર કાળા, કાળામાં કાળો મળી ગયો,
પંચતત્ત્વ, પ્રધાન મા, રંગ દેખી ભંગ દીધો.
કમલાકાન્તના મનમાં, આશા પૂર્ણ આટલા દિવસે,
તેને સુખદુઃખ સમાન થયાં, આનંદ-સાગર ઊછળ્યો.
કીર્તન ચાલે છે, ભક્તો ગાય છેઃ

ગીતઃ
શ્યામા માએ શું સંચો કર્યો છે,
(કાલી માએ શું સંચો કર્યો છે,)
ચૌદ વેંતના આ સંચામાં, શા શા રંગ દેખાડે છે,
પોતે રહી સંચા માંહીં, ફેરવે દોરી ધરી,
સંચો જાણે પોતે ફરું, જાણે નહિ કે ફેરવે કોણ;
જે સંચાએ જાણ્યા માને, સંચો થવું પડે નહિ તેને,
કોઈક સંચાના ભક્તિદોરે શ્યામા પોતે બંધાયાં છે.

ગીતઃ
સંસારે ખેલવા પાસા આવવું છે, આવીને અહીં મોટી કરી આશા;
આશાની આશા છે ભગ્નાવસ્થા, પહેલાં મારે ભાગે આવ્યો પંજો થયા પોબારા!
જેમ અઢાર-સોળ વારંવાર આવે તેમ હું આવતો ગયો યુગે યુગે ;
કાચા બારના પડ્યા માડી, પંજે છક્કે બંધાવું પડ્યું મુજને;
છ-બે-આઠ, છ-ચાર-દસ, આવા કોઈ નહિ વશ મારે;
જશ ન મળ્યો આ ખેલે, હવે તો બાજી ખતમ થવા ચહે.

ભક્તો આનંદ કરવા લાગ્યા. તેઓ જરા અટક્યા, એટલે ઠાકુર ઊઠ્યા. જરા બહાર ગયા. ઓરડામાં અને આજુબાજુ હજીયે ઘણાય ભક્તો છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ પંચવટીથી દક્ષિણાભિમુખ થઈને પોતાના ઓરડા તરફ જઈ રહ્યા છે, સાથે માસ્ટર, બકુલતલા નીચે આવ્યા એટલે શ્રીયુત્ ત્રૈલોક્યની સાથે મેળાપ થયો. તેમણે પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (ત્રૈલોક્યને): પંચવટીમાં પેલા બધા કીર્તન કરે છે, ચાલો ને એક વાર.

ત્રૈલોક્ય: હું જઈને શું કરવાનો?

શ્રીરામકૃષ્ણ: કેમ, જોવાની મજા આવત.

ત્રૈલોક્ય: એક વાર જોઈ આવ્યો છું.

શ્રીરામકૃષ્ણ: સારું, સારું; મજાનું.

Total Views: 553
ખંડ 11: અધ્યાય 8: ઠાકુર શ્રીરામકૃષ્ણ, નિત્યસિદ્ધ અને કુમારવૈરાગ્ય
ખંડ 11: અધ્યાય 10: ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ-ધર્મ