હવે સંકીર્તન શરૂ થાય છે. ખોલ વાગવા લાગ્યું. ગોષ્ટવિહારી ખોલ વગાડે છે. ગીત હજી શરૂ થયું નથી. ખોલનો મધુર અવાજ થાય છે. શ્રીગૌરાંગની ભક્ત-મંડળી અને તેમના નામ-સંકીર્તનની કથા મનમાં ઈશ્વરીય ભાવનું ઉદ્દીપન કરે. ઠાકુર ભાવમાં મગ્ન થતા જાય છે. વચ્ચે વચ્ચે ખોલ બજાવનાર તરફ નજર કરીને બોલે છે, ‘અહા! વારી જાઉં! મને રોમાંચ થાય છે.’

ગાવાવાળાએ પૂછ્યુંઃ ‘શેનું કીર્તન કરીએ?’ એટલે ઠાકુર શ્રીરામકૃષ્ણ નમ્રતાથી બોલ્યા, ‘જરા ગૌરાંગની કથા ગાઓ!’

કીર્તન શરૂ થયું. પ્રથમ ગૌર-ચંદ્રિકા,

ત્યાર પછી બીજાં ગીત.

ગીત
લાખો બાણ કાંચનનાં જય કરનાર જે, રસે ઢળઢળ લાવણ્ય ગોરા મુખચંદ્ર જે,
શી જરૂર કોટિ શરદ – શશિ, જગત પ્રકાશે ગૌર-મુખ-હાસી.

કીર્તનમાં ગૌરાંગના રૂપનું વર્ણન ચાલે છે. કીર્તનકાર ઉથલા બોલે છેઃ

(સખી! જોયો પૂર્ણ-શશી),(હ્રાસ નહિ, કલંક નહિ) (હૃદય ઉજાળે) કીર્તનિયા વળી ગાય છે – (કોટિ શશીના અમૃતથી મુખ માંજ્યું).

એ કડી સાંભળતાં સાંભળતાં ઠાકુર સમાધિમગ્ન થયા.

ગીત ચાલવા લાગ્યું. થોડીવાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણની સમાધિ ઊતરી. તેઓ ભાવમાં મગ્ન થઈને એકદમ ઊભા થઈ ગયા, અને પ્રેમોન્મત્ત ગોપીની પેઠે શ્રીકૃષ્ણના રૂપનું વર્ણન કરતાં કરતાં કીર્તનકારોની સાથે સાથે ઉથલા બોલે છે.

(સખી! રૂપનો દોષ કે મનનો દોષ?) (બીજું જોવાને, શ્યામમય જોઈ ત્રિભુવન!)

ઠાકુર નૃત્ય કરતાં કરતાં ઉથલા બોલે છે. ભક્તો આશ્ચર્યચક્તિ થઈને જોઈ રહ્યા છે. કીર્તનકાર વળી બોલે છેઃ ગોપીની ઉક્તિ –

‘બંસી વાગીશ નહિ! તને શું ઊંઘ જ નથી?’

ઉથલો દઈને બોલે છેઃ

(અરે ઊંઘ આવેય કેમ કરીને? સેજ તો કરપલ્લવ ઉપર)
(આહાર તો શ્રીમુખનું અમૃત!)
(તેમાં વળી આંગળીઓથી સેવા!)

ઠાકુર શ્રીરામકૃષ્ણ પાછા પોતાને આસને બેસે છે. કીર્તન ચાલવા લાગ્યું. શ્રીમતી રાધિકાજી બોલે છે,

‘નેત્ર ગયાં, કર્ણ ગયા, નાસિકા ગઈ, ઇન્દ્રિયો બધી ચાલી ગઈ,
(હું એકલી શા સારુ બાકી રહી ગઈ રે?)
છેવટે, શ્રીરાધાકૃષ્ણના મિલનનું કીર્તન ગવાયુંઃ
‘રાધા માલા ગૂંથે, શ્યામ ગલે ઝુલાવવા,
એ સમયે આવ્યા સન્મુખે, શ્યામ ગુણમણિ.’

(ગીત – યુગલમિલન)
નિધુવને શ્યામવિનોદિની મગન,
યુગલ રૂપની નવ ઉપમા, પ્રેમનો નહિ પાર…
હિરણ – કિરણ અર્ધવરણ, અર્ધ-નીલ-મણિ જ્યોતિ,
અર્ધગલે વનમાલા વિરાજિત, અર્ધગલે ગજમોતી…
અર્ધ-શ્રવણે મકર-કુંડલ, અર્ધે રત્નકણિ,
અર્ધ-કપાલે ચંદ્રનો ઉદય, અર્ધ-કપાલે રવિ…
અર્ધ-શિરે શોભે મયૂર શિખંડ, અર્ધ-શિરે સોહે વેણી,
કર-કમલ કરે ઝળહળે, જાણે ફણિ ઓકે મણિ.

કીર્તન પૂરું થયું. ઠાકુર ‘ભાગવત, ભક્ત, ભગવાન’, એ મંત્રનું ઉચ્ચારણ કરીને વારે વારે જમીન પર માથું નમાવીને પ્રણામ કરે છે, ચારે બાજુના ભક્તોને ઉદ્દેશીને પ્રણામ કરે છે, અને સંકીર્તન-ભૂમિની રજ લઈને માથે ચડાવે છે.

Total Views: 408
ખંડ 12: અધ્યાય 1: શ્રીઅન્નપૂર્ણાના પૂજાપ્રસંગે ભક્તો સાથે સુરેન્દ્રના ઘેર
ખંડ 12: અધ્યાય 3: ઠાકુર શ્રીરામકૃષ્ણ અને સાકાર-નિરાકાર