આજ વૈશાખ વદ બારસ, શનિવાર, બીજી જૂન, ૧૮૮૩. અધરને ઘરે કલહાન્તરિતા (નાયક નાયિકા વચ્ચે વિવાદને કારણે નાયક નાયિકાનો વિચ્છેદ અને નાયિકાનો વિલાપ) કીર્તન સાંભળીને રામને ઘેર આવ્યા, સિમુલિયામાં મધુ રાયની ગલીમાં. 

રામચંદ્ર દાકતરી અભ્યાસ કરીને ક્રમેક્રમે મેડિકલ-કોલેજમાં એસિસ્ટંટ કેમિકલ એક્ઝામિનર થયા હતા અને સાયન્સ-એસોસિયેશન (Science Association) માં રસાયણ-શાસ્ત્રના પ્રાધ્યાપક હતા. તેમણે પોતાની કમાણીમાંથી નવું મકાન બંધાવ્યું હતું. એ મકાનમાં ઠાકુર શ્રીરામકૃષ્ણ કેટલીયેવાર પધાર્યા હતા. એટલે ભક્તો માટે એ મકાન આજે મહાતીર્થ સમાન બન્યું છે. રામચંદ્ર દત્ત શ્રીગુરુની કરુણાના બળથી વિદ્યાનો સંસાર ચલાવવાનો પ્રયાસ કરતા હતા. ઠાકુર મુક્તકંઠે રામની પ્રશંસા કરતાઃ કહેતા કે ‘રામ પોતાને ઘેર ભક્તોને રહેવાની જગા આપે, કેટલી સેવા કરે; તેનું ઘર ભક્તોનો અડ્ડો. નિત્યગોપાલ, લાટુ, તારક એક રીતે રામચંદ્રના ઘરના માણસો જ થઈ ગયા હતા. તેમણે તેને ઘેર ઘણા દિવસ સુધી એકસાથે નિવાસ કર્યો હતો. રામના ઘરમાં શ્રીનારાયણની નિત્ય સેવા.

રામચંદ્ર દત્ત

રામ ઠાકુરને વૈશાખી પૂર્ણિમાને દિવસે, ફૂલ-દોલ (વૈશાખી પૂર્ણિમાને દિવસે શ્રીકૃષ્ણનાં પુષ્પસજ્જિત હિંડોળાનાં દર્શન) ને દિવસે, એ ઘરમાં પૂજા કરવા સારુ પ્રથમ લઈ આવેલા. ત્યાર પછી લગભગ દરેક વર્ષે એ દિવસે ઠાકુરને તેડી જઈને ભક્તોની સાથે મહોત્સવ કરતા. રામચંદ્રના સંતાનસમા શિષ્યોમાંથી ઘણાય હજુ એ દિવસે ઉત્સવ કરે છે.

આજ રામને ઘેર ઉત્સવ, પ્રભુ પધારવાના છે. રામે તેમને શ્રીમદ્ ભાગવત સંભળાવવાની વ્યવસ્થા કરી છે. આંગણું નાનું, પણ તેની અંદર કેટલી બધી સગવડ! વેદી બનાવેલી છે,તેના પર કથા વાંચનાર પુરાણી બેઠેલા છે. રાજા હરિશ્ચંદ્રની કથા ચાલે છે. એટલામાં બલરામ અને અધરને ઘેર થઈને ઠાકુર આવી પહોંચ્યા. રામચંદ્રે આગળ આવીને ઠાકુરની ચરણરજ માથે ચડાવી અને તેમની સાથેસાથે આવીને વેદીની સન્મુખે પહેલેથી જ તેમને માટે નક્કી કરી રાખેલા આસન પર બેસાડ્યા. આજુબાજુ ભક્તો બેઠા અને માસ્ટર તદ્દન પાસે બેઠા.

રાજા હરિશ્ચંદ્રની કથા અને ઠાકુર શ્રીરામકૃષ્ણ

રાજા હરિશ્ચંદ્રની કથા ચાલવા લાગી. વિશ્વામિત્ર બોલ્યા, ‘મહારાજ! આપે મને સાગર સહિત સમસ્ત પૃથ્વીનું દાન કર્યું છે, એટલે આ પૃથ્વી ઉપર તમારું સ્થાન નથી. છતાં કાશી-ધામમાં તમે રહી શકો, એ મહાદેવની જગા. ચાલો, તમને તમારી સહધર્મિણી શૈબ્યા અને પુત્ર સહિત ત્યાં પહોંચાડી દઉં, ત્યાં જઈને તમે દક્ષિણા કમાઈને આપજો.’ એમ કહી રાજાને લઈને વિશ્વામિત્ર કાશીધામ તરફ રવાના થયા. કાશીમાં પહોંચીને સૌએ વિશ્વેશ્વરનાં દર્શન કર્યાં.

વિશ્વેશ્વરનાં દર્શનની વાત આવતાંની સાથે જ ઠાકુર એકાએક ભાવ-સમાધિમાં આવી ગયા, ‘શિવ, શિવ’, એ શબ્દોનું અસ્પષ્ટ રીતે ઉચ્ચારણ કરે છે.

રાજા હરિશ્ચંદ્ર દક્ષિણા આપી શક્યા નહિ, એટલે તેમણે શૈબ્યાને વેચી. પુત્ર રોહિતાશ્વ શૈબ્યાની સાથે ગયો. પુરાણીએ શૈબ્યાના શેઠ બ્રાહ્મણને ઘેર રોહિતના ફૂલ ચૂંટવાની વાત તથા સર્પદંશની વાત કરી. એ અંધકારમય કાળરાત્રિએ પુત્રનું મૃત્યુ થયું. સ્મશાને બાળવા લઈ જનારું કોઈ મળે નહિ. વૃદ્ધ બ્રાહ્મણ શેઠ પથારી છોડીને ઊઠ્યો જ નહિ. શૈબ્યા એકલી પુત્રનું શબ ખભે લઈને સ્મશાન તરફ જવા લાગી. રસ્તામાં વચ્ચે વચ્ચે મેઘગર્જના અને વીજળીના કડાકા, જાણે કે ગાઢ અંધકાર ચીરીને વચ્ચે વીજળી ખેલી રહી છે. શૈબ્યા ભયથી, શોકથી, આકુળવ્યાકુળ થઈને રુદન કરતી આવી રહી છે.

દક્ષિણાની મહોરો પૂરી થઈ નહિ એટલે હરિશ્ચંદ્ર પોતે ચંડાળને ત્યાં વેચાયેલ છે, તે સ્મશાનમાં ચંડાળ થઈને બેઠેલ છે. કર લઈને પછી અગ્નિ-સંસ્કારનું કાર્ય કરવા દે. કેટલાંક શબો બળી રહ્યાં છે. કેટલાંક બળીને સાવ ભસ્મ થઈ ગયાં છે. એ ગાઢ અંધકારમય રાત્રિમાં સ્મશાન કેવું ભયંકર બન્યું છે! શૈબ્યા એ સ્થાને આવીને રુદન કરે છે. એ રુદન અને કલ્પાંતનું વર્ણન સાંભળીને કોનું હૃદય વિદીર્ણ ન થાય? કયા દેહધારીનું હૃદય પીગળી ન જાય? એકત્રિત થયેલો શ્રોતાગણ હાહાકાર કરીને રડી ઊઠ્યો છે.

ઠાકુર શું કરે છે? તે સ્થિર થઈને સાંભળી રહ્યા છે, તદ્દન સ્થિર. માત્ર એકવાર આંખને ખૂણે જળબિંદુ બહાર નીકળી આવ્યું તે લૂછી નાંખ્યું. ચંચળ થઈને તેમણે હાહાકાર કેમ ન કર્યો?

આખરે વિશ્વામિત્રનું આગમન, રોહિતને જીવનદાન, સૌને શ્રીવિશ્વેશ્વરનાં દર્શન અને હરિશ્ચંદ્રને ફરીથી રાજ્ય-પ્રાપ્તિનું વર્ણન કરીને પુરાણીએ કથા પૂરી કરી. ઠાકુરે વેદીની સામે બેસીને ઘણી વાર સુધી હરિકથા શ્રવણ કરી. કથા પૂરી થઈ એટલે તે બહારના ઓરડામાં જઈને બેઠા. ચારે બાજુ ભક્તમંડળી. પુરાણી પણ પાસે આવીને બેઠા. ઠાકુર પુરાણીને કહે છેઃ ‘કંઈક ઉદ્ધવ-સંવાદ સંભળાવો.’

મુક્તિ અને ભક્તિ – ગોપીપ્રેમ – ગોપીઓ મુક્તિ ઇચ્છે નહિ

પુરાણી બોલ્યા – જ્યારે ઉદ્ધવજી શ્રીવૃંદાવનમાં આવ્યા ત્યારે તેમનાં દર્શન કરવા માટે ગોવાળિયાઓ અને વ્રજ-ગોપીઓ આતુર થઈને દોડી આવ્યાં. સૌએ પૂછ્યુંઃ ‘શ્રીકૃષ્ણ કેમ છે? એ અમને ભૂલી ગયા છે કે શું? તે અમને યાદ કરે છે?’ એમ કહીને કોઈ રડવા લાગ્યાં. કોઈ તેમને વૃંદાવનમાં જુદાં જુદાં સ્થળો દેખાડવા લાગ્યાં અને કહેવા લાગ્યાં કે ‘આ સ્થળે શ્રીકૃષ્ણે ગોવર્ધન ધારણ કર્યો હતો, અહીં ધેનકાસુરને માર્યો હતો, અહીં શકટાસુરને માર્યો હતો, આ મેદાનમાં શ્રીકૃષ્ણ ગાયો ચરાવતા, આ યમુના-રેતીમાં વિહાર કરતા. અહીં ગોવાળિયાઓ સાથે રમત રમતા, આ કુંજોમાં ગોપીઓ સાથે વાર્તા-વિનોદ કરતા.’ ઉદ્ધવજી બોલ્યા, ‘તમે લોકો કૃષ્ણને માટે આટલાં વ્યાકુળ થાઓ છો શા માટે? તેઓ તો સર્વભૂતમાં રહેલા છે, તેઓ સાક્ષાત્ ભગવાન! તેમના સિવાય આ જગતમાં બીજું કંઈ નથી.’ ગોપીઓ કહેવા લાગી, ‘ઓધવ, અમે એવું કશું સમજી ન શકીએ. અમે ભણેલાં ગણેલાં નથી. અમે તો માત્ર વૃંદાવનના કૃષ્ણને જાણીએ, કે જે અહીં જાત-જાતની ક્રીડા કરી ગયા છે.’ ઉદ્ધવ બોલ્યાઃ ‘તેઓ સાક્ષાત્ ભગવાન! એમનું ચિંતવન કરવાથી ફરી સંસારમાં આવવું ન પડે, જીવ મુક્ત થઈ જાય.’ ગોપીઓ બોલી, ‘અમે મુક્તિ-બુક્તિ અને એ બધી વાતો સમજીએ નહિ, અમે અમારા પ્રાણપ્રિય કૃષ્ણને નજરે જોવા ઇચ્છીએ.’

ઠાકુર શ્રીરામકૃષ્ણ આ બધી કથા એકધ્યાનથી સાંભળવા લાગ્યા અને ભાવ-સમાધિમાં મગ્ન થઈને કહેવા લાગ્યા કે ‘ગોપીઓએ બરાબર કહ્યું છે.’ એમ કહીને તે પોતાના મધુર કંઠે ગાવા લાગ્યાઃ

‘હું મુક્તિ દેવા નારાજ નહિ, શુદ્ધ ભક્તિ દેવા રાજી નાહિ,

મારી ભક્તિ પામે જો કોઈ, પહોંચી શકે નવ તેને કોઈ,

તે તો સેવા પામે થઈ ત્રિલોકમાં જયી.

સુણો ચંદ્રાવલી, ભક્તિ-કથા કહું, મુક્તિ મળે ક્યારેક, ભક્તિ મળે નહિ,

ભક્તિને કારણે પાતાળ-ભવને બલિને દ્વારે દ્વારપાળ થાઉં.

શુદ્ધ ભક્તિ છે એક વૃંદાવનમાં ગોપગોપી વિણ અન્ય નવ જાણે,

ભક્તિને કારણે નંદ-ભવને પિતા ગણી નંદના પાટલા ઉઠાવું.

શ્રીરામકૃષ્ણ (પુરાણીને): ગોપીઓની ભક્તિ, પ્રેમલક્ષણા ભક્તિ, અવ્યભિચારિણી ભક્તિ, નિષ્ઠા ભક્તિ. વ્યભિચારિણી ભક્તિ કોને કહે ખબર છે? જ્ઞાનમિશ્ર ભક્તિ. જેમ કે કૃષ્ણ જ સર્વ થઈ રહેલ છે, એ જ પરબ્રહ્મ, એ જ રામ, એ જ શિવ, એ જ શક્તિ. પરંતુ પ્રેમ-ભક્તિમાં એ જ જ્ઞાન, પણ મિશ્રિત ન હોય. હનુમાનજી દ્વારકામાં આવીને કહે કે ‘મારે સીતારામનાં દર્શન કરવાં છે.’ એટલે કૃષ્ણ ભગવાને રુકિ્‌મણીજીને કહ્યું કે ‘તમે સીતારૂપ ધારણ કરીને બેસો, નહિતર હનુમાનજી પાસે નહિ ચાલે!’ પાંડવોએ જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે જેટલા રાજા હતા તે બધા યુધિષ્ઠિરને સિંહાસન પર બેસાડીને પ્રણામ કરવા લાગ્યા. એટલે વિભીષણે કહ્યું, ‘હું એક રામને માથું નમાવું, બીજા કોઈને નમન કરું નહિ.’ ત્યારે કૃષ્ણ ભગવાને પોતે જમીન પર માથું નમાવીને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. ત્યારે જ વિભીષણે રાજમુકુટ સહિત સાષ્ટાંગ થઈને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા.

‘એ શેના જેવું ખબર છે? જેમ કે ઘરની વહુ હોય, તે દિયર, જેઠ, સસરો, સાસુ વગેરે બધાંની સેવા કરે; પગ ધોવાનું પાણી આપે, ટુવાલ આપે, બેસવા પાટલો નાખી દે, તેમનું બધુંય કામ કરે. પણ માત્ર સ્વામી સાથે જુદી જાતનો સંબંધ.’

‘આ પ્રેમભક્તિમાં બે વસ્તુ છેઃ અહંતા અને મમતા. યશોદા ચિંતા કર્યા કરતાં કે હું નહિ સંભાળું તો ગોપાલને બીજું કોણ સંભાળશે? હું ન સંભાળું તો ગોપાલ માંદો પડી જાય. કૃષ્ણને ભગવાન તરીકે યશોદા માનતાં નહિ.

‘બીજી વસ્તુઃ મમતા, મારાપણાનું ભાન, ‘મારો ગોપાલ!’ ઉદ્ધવ બોલ્યા, ‘મા, તમારો કૃષ્ણ સાક્ષાત્ ભગવાન છે, તેઓ જગત-ચિંતામણિ છે, તેઓ સામાન્ય નથી.’ યશોદા બોલ્યાં, ‘અરે તમારો જગત-ચિંતામણિ નહિ, મારો ગોપાલ કેમ છે એ પૂછું છું! ચિંતામણિ નહિ, મારો ગોપાલ.’

‘ગોપીઓની કેવી નિષ્ઠા! મથુરામાં દ્વારપાળને અનેક વિનંતી કરી કરીને સભામાં ગઈ. દ્વારપાળ તેમને કૃષ્ણની પાસે લઈ ગયો. પરંતુ પાઘડી બાંધેલા શ્રીકૃષ્ણને જોઈને ગોપીઓ માથું નીચું કરી રહી. એક બીજીને બોલવા લાગી કે ‘આ પાઘડી બાંધેલો વળી કોણ? આની સાથે વાત કરીને છેવટે શું આપણે વ્યભિચારિણી થવું? આપણો પીતાંબરધારી મોહન, ચૂડા પહેરેલ એ પ્રાણવલ્લભ ક્યાં છે?’

જુઓ છો, એમની કેવી નિષ્ઠા? વૃંદાવનનો મનોભાવ જ જુદો. સાંભળ્યું છે કે દ્વારકા તરફના લોકો અર્જુનના કૃષ્ણની પૂજા કરે, તેઓને રાધા ન જોઈએ.

ગોપીઓની નિષ્ઠા – જ્ઞાનભક્તિ અને પ્રેમાભક્તિ

ભક્ત: ભક્તિ કઈ સારી? જ્ઞાનમિશ્ર-ભક્તિ કે પ્રેમ-ભક્તિ?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વર પર અત્યંત પ્રેમ ન આવે ત્યાં સુધી પ્રેમ-ભક્તિ આવે નહિ, અને ઈશ્વર પર મારાપણાની ભાવના. ત્રણ ભાઈબંધો વનમાં થઈને ચાલ્યા જાય છે. એટલામાં એક વાઘ દેખાયો. એક જણે કહ્યું ‘અલ્યા, હવે આપણા બધાનું મોત છે!’ બીજાએ કહ્યું કે કેમ, મોત શું કામ? ચાલો ઈશ્વરને બોલાવીએ! એટલે ત્રીજાએ કહ્યું, ‘ના, ઈશ્વરને શા માટે તસ્દી આપવી, ચાલોને આપણે જ આ ઝાડ પર ચઢી જઈએ.’

જેણે કહ્યું, ‘આપણા બધાનું મોત આવ્યું,’ તે જાણતો નથી કે ઈશ્વર રક્ષણહાર છે. જે બોલ્યો કે ‘ચાલો આપણે ઈશ્વરને બોલાવીએ’ એ જ્ઞાની. તેને જ્ઞાન છે કે ઈશ્વર જ સૃષ્ટિ, સ્થિતિ, સંહાર બધું કરે છે. અને જે બોલ્યો કે ‘ઈશ્વરને શા માટે કષ્ટ દેવું? ચાલો, આપણે જ ઝાડ ઉપર ચડી જઈએ.’ તેની અંદર ઈશ્વર ઉપર સ્નેહ જન્મ્યો છે, પ્રેમનો ઉદય થયો છે. અને પ્રેમનો સ્વભાવ જ એવો છે કે પ્રેમી પોતાને મોટો માને અને પ્રેમના પાત્રને નાનો માને; કદાચ પાછું તેને દુઃખ થાય તો? તેની માત્ર એક જ ઇચ્છા હોય કે જેને તે ચાહે, તેના પગમાં કાંટો સરખોય ન વાગે.

એ પછી ઠાકુર અને ભક્તોને ઉપલે મજલે લઈ જઈને રામે વિવિધ પ્રકારનાં મિષ્ટાન્નોથી તેમની સેવા કરી. ભક્તોએ પણ આનંદપૂર્વક પ્રસાદ લીધો.

Total Views: 568
ખંડ 12: અધ્યાય 9: કોલકાતામાં બલરામ અને અધરને ઘેર શ્રીરામકૃષ્ણ
ખંડ 13: અધ્યાય 1: દક્ષિણેશ્વરે ફલહારિણી-પૂજા દિને ભક્તો સાથે