મણિલાલ, ત્રૈલોક્ય વિશ્વાસ, રામ ચેટર્જી, બલરામ, રાખાલ

આજ જેઠ વદ ચૌદશ, સાવિત્રી-ચૌદશ, સાથે જ અમાસ અને ફલહારિણી પૂજા. ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાના ઓરડામાં બેઠા છે. ભક્તો તેમનાં દર્શન કરવા આવતા જાય છે. સોમવાર તા. ૪થી જૂન, ૧૮૮૩.

માસ્ટર આગલે દિવસે રવિવારે આવ્યા છે. આજે રાત્રે કાત્યાયિની-પૂજા છે. ઠાકુર પ્રેમના આવેશમાં સભામંડપમાં માની સામે ઊભા રહીને બોલી રહ્યા છેઃ

‘(બોલો રે શ્રી દુર્ગાનામ) મા તમે જ વ્રજની કાત્યાયિની, તમે સ્વર્ગ,

તમે મર્ત્ય, મા તમે એ પાતાળ; તમારામાંથી હરિ, 

બ્રહ્મા, દ્વાદશ ગોપાળ, દશ મહાવિદ્યા, માતા દશ અવતાર;

આ વખતે કોઈ પણ રીતે મને કરવો પડશે પાર…’

ઠાકુર ગીત ગાય છે અને માની સાથે વાતો કરી રહ્યા છે. પ્રેમમાં એકદમ મતવાલા! પોતાના ઓરડામાં આવીને પાટ પર બેઠા.

તે રાત્રે રાતના બે પ્રહર સુધી માતાજીનું નામ-સંકીર્તન થયા કર્યું.

સોમવારે સવારે બલરામ અને બીજા કેટલાક ભક્તો આવ્યા. ફલહારિણી પૂજા પ્રસંગે ત્રૈલોક્ય વિશ્વાસ વગેરે કાલીમંદિરના માલિકો પણ સહકુટુંબ આવ્યા છે.

સમય નવ વાગ્યાનો. ઠાકુર સહાસ્યવદન, ગંગા તરફની ગોળ ઓસરીમાં બેઠા છે. પાસે માસ્ટર. રમતને મિષે ઠાકુરે રાખાલનું માથું ખોળામાં લીધું છે, રાખાલ સૂતેલ છે. કેટલાક દિવસ થયાં ઠાકુર રાખાલને સાક્ષાત્ ગોપાલરૂપે જુએ છે.

સામેથી પસાર થઈને ત્રૈલોક્ય મા કાલીનાં દર્શન કરવા જાય છે. પાછળ નોકર માથા પર છત્રી ધરીને જાય છે. ઠાકુર રાખાલને બોલ્યા, ‘અરે ઊઠ, ઊઠ.’

ઠાકુર બેઠા છે. ત્રૈલોક્યે નમસ્કાર કર્યા.

શ્રીરામકૃષ્ણ (ત્રૈલોક્યને): હેં ભાઈ! ભવાઈ-લીલા થઈ નહીં?

ત્રૈલોક્ય: જી, ભવાઈ-લીલા કરાવવાની જોઈએ તેવી સગવડ થઈ નહીં.

શ્રીરામકૃષ્ણ: તે આ વખતે જે થયું તે થયું; જો જો કે ફરીવાર એ પ્રમાણે ન થાય! જેવો નિયમ છે બરાબર તે પ્રમાણે થવું સારું.

ત્રૈલોક્ય યોગ્ય ઉત્તર દઈને ચાલ્યા ગયા. થોડીક વારમાં શ્રીરાધાકાન્તના મંદિરના પૂજારી શ્રીયુત્ રામ ચેટર્જી આવ્યા.

ઠાકુર: રામ! ત્રૈલોક્યને કહ્યું કે ‘આ વખતે ભવાઈ-લીલા થઈ નહિ, પણ જો જો કે ફરી વાર એવું ન થાય.’ તે એમ કહ્યું તે શું સારું થયું?

રામ ચેટર્જી: મહાશય, એમાં હવે શું થઈ ગયું? ઠીક જ કહ્યું છે. જે પ્રમાણે નિયમ છે, તે પ્રમાણે જ તો હંમેશાં થવું જોઈએ!

શ્રીરામકૃષ્ણ (બલરામને): અરે ભાઈ! આજ તમે અહીં જમજો.

ભોજનની જરા પહેલાં ઠાકુર ભક્તોને પોતાની અવસ્થા સંબંધી ઘણીયે વાતો કહેવા લાગ્યા. રાખાલ, બલરામ, માસ્ટર, રામલાલ અને બીજા ય એક બે ભક્તો બેઠા છે.

હાજરા ઉપર ક્રોધ – ઠાકુર શ્રીરામકૃષ્ણ અને મનુષ્યમાં ઈશ્વર-દર્શન

શ્રીરામકૃષ્ણ: હાજરા વળી મને શીખવવા આવે કે તમે છોકરાઓના સારુ આટલી બધી ચિંતા શું કરવા રાખો છો? ગાડીમાં બેસીને બલરામને ઘેર જાઉં છું, એ વખતે રસ્તામાં મોટી ચિંતા થવા લાગી. મેં માતાજીને કહ્યું કે મા, હાજરા કહે છે કે નરેન્દ્ર અને બીજા છોકરાઓના સારુ હું આટલી બધી ચિંતા શા માટે રાખું છું? વળી તે કહે છે કે ઈશ્વર-ચિંતન મૂકીને આ બધા છોકરાઓને માટે ચિંતા કરો છો શું કામ? એ વાત કરતાં કરતાં એકદમ એણે (માતાજીએ) દેખાડી દીધું કે તે પોતે જ મનુષ્ય થઈ રહેલ છે. શુદ્ધ અંતઃકરણરૂપી આધારમાં (ઈશ્વર) સ્પષ્ટ રીતે પ્રકાશિત થાય. એ પ્રમાણે દર્શન કર્યાં પછી જ્યારે સમાધિ સહેજ ઊતરી ત્યારે હાજરા પર હું ગુસ્સો કરવા લાગ્યો. મેં કહ્યું, ‘સાલા, તેં મારું મન ખરાબ કરી દીધું હતું!’ વળી પાછો એમ વિચાર આવ્યો કે એ બિચારાનોય શો દોષ? એ સમજે કેવી રીતે?

નરેન્દ્ર સાથેનું શ્રીરામકૃષ્ણનું પ્રથમદર્શન

શ્રીરામકૃષ્ણ: હું આ છોકરાઓને જાણું છું સાક્ષાત્ નારાયણ. નરેન્દ્રની સાથે પ્રથમ મુલાકાત થઈ, ત્યારે જોયું તો તેનામાં દેહભાન જ નહિ. તેની છાતીએ જરાક હાથ મૂકતાં જ તે બહારની સંજ્ઞારહિત થઈ ગયો. હોશમાં આવતાં તે બોલી ઊઠ્યો ‘અરે, તમે મને આ શું કર્યું? મારે હજી માબાપ બેઠાં છે’, યદુ મલ્લિકને ઘેર પણ બરાબર એ જ પ્રમાણે થયું હતું. પછીથી ધીરે ધીરે તેને મળવા માટે મારી વ્યાકુળતા વધવા લાગી. પ્રાણ આકુળવ્યાકુળ થવા લાગ્યા. એટલે ભોળાનાથને (ભોળાનાથ મુખોપાધ્યાય ઠાકુરવાડીના મુન્શી હતા, અને પછીથી ખજાનચી થયા.) મેં કહ્યું, ‘હેં ભાઈ! મારું મન આમ કેમ કરે છે? નરેન્દ્ર નામનો એક કાયસ્થનો છોકરો છે, તેના માટે મારું મન આમ કેમ કરે છે?’ ભોળાનાથ બોલ્યા કે એનો અર્થ (મહા)ભારતમાં છે. તેમાં કહ્યું છે કે સમાધિવાન માણસનું મન જ્યારે નીચે ઊતરે ત્યારે સત્ત્વગુણી લોકોની સાથે વિલાસ કરે. સત્ત્વગુણી માણસ જોઈને તેનું મન શાંત થાય. એ વાત સાંભળી ત્યારે મારા મનને શાંતિ થઈ. વચ્ચે વચ્ચે તો હું નરેન્દ્રને મળવા સારુ બેઠો બેઠો રડતો.

Total Views: 425
ખંડ 12: અધ્યાય 10: ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં ભક્તના ઘરે - શ્રીયુત્ રામચંદ્ર દત્તના ઘરે કીર્તનાનંદ
ખંડ 13: અધ્યાય 2: પૂર્વકથા - શ્રીરામકૃષ્ણનો પ્રેમોન્માદ અને રૂપદર્શન