ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરથી કોલકાતા આવી રહ્યા છે. બલરામને ઘેર થઈને અધરને ઘેર જવાના. ત્યાર પછી રામને ઘેર જવાના. અધરને ઘેર મનોહર સાંઈનાં કીર્તન થવાનાં. રામને ઘેર હરિકથા થવાની. આજ શનિવાર, ૨૦, જેઠ વદ બારશ, (૧૨૯૦), ૨જી જૂન ઈ.સ. ૧૮૮૩.

ઠાકુર ગાડીમાં બેસીને આવતાં આવતાં રાખાલ અને માસ્ટર વગેરે ભક્તોને કહે છે કે જુઓ, ‘ભગવાન ઉપર સ્નેહ આવે તો પાપ-બાપ બધું ભાગી જાય, જેમ સૂર્યના તાપથી ખેતરમાંહેના ખાબોચિયાંનું પાણી સૂકાઈ જાય તેમ.’

સંન્યાસી અને ગૃહસ્થની વિષયાસક્તિ

‘વિષયો ઉપર, કામિનીકાંચન ઉપર પ્રેમ હોય તો (ઈશ્વર-દર્શન) થાય નહિ. સંન્યાસ લેવા છતાંય ન થાય, જો વિષયાસક્તિ હોય તો. એ જાણે કે થૂંકેલું પાછું ગળવું.’

થોડી વાર પછી ગાડીમાં ઠાકુર વળી પાછા કહે છે, ‘બ્રાહ્મસમાજીઓ સાકાર માને નહિ. (સહાસ્ય) નરેન્દ્ર કહે છે ‘પુત્તળિકા!’ પાછો કહે છે કે ‘એ (ઠાકુર) હજીયે કાલીમંદિરમાં જાય છે!’

શ્રીરામકૃષ્ણ અને નરલીલાદર્શન અને તેનું આસ્વાદન

ઠાકુર બલરામને ઘેર આવ્યા છે.

ઠાકુર અચાનક ભાવ-મગ્ન થયા છે. જાણે કે જોઈ રહ્યા છે કે, ઈશ્વર જ જીવ, જગત થઈ રહ્યો છે, ઈશ્વર જ માણસ થઈને ફરી રહ્યો છે. જગન્માતાને કહે છે, ‘મા, આ શું દેખાડો છો? ખમો, વળી કેટલુંક! રાખાલ-બાખાલની દ્વારા શું દેખાડો છો? રૂપ-બૂપ બધું ઊડી ગયું! તે મા, માણસ તો કેવળ ઉપરનું ખોખું, ખોખા વિના બીજું કાંઈ નહિ. ચૈતન્ય તો તમારું જ.

‘મા, અત્યારના બ્રાહ્મ-સમાજીઓએ મીઠો રસ ચાખ્યો નથી. એમનાં નેત્રો સૂકાં, મોઢાં સૂકાં. પ્રેમભક્તિ ન હોય તો કાંઈ જ ન વળ્યું.

‘મા, તમને કહ્યું હતું કે એક સાથીદાર આપો મારા જેવો. એટલે રાખાલને આપ્યો લાગે છે!’

અધરને ઘરે હરિકીર્તનાનંદ

ઠાકુર અધરને ઘેર પધાર્યા છે. મનોહર સાંઈનાં કીર્તનની તૈયારી થઈ રહી છે.

શ્રીઅધર સેન

અધરના દીવાનખાનામાં કેટલાય ભક્તો અને પાડોશીઓ ઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. સૌની ઇચ્છા છે કે ઠાકુર કંઈક બોલે.

શ્રીઅધર સેનનું ઘર

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): સંસાર અને મુક્તિ એ બન્ને ઈશ્વરની ઇચ્છાથી. એમણે જ સંસારમાં અજ્ઞાની કરીને રાખ્યા છે, તેમ વળી એ જ જ્યારે ઇચ્છા કરીને બોલાવે ત્યારે મુક્તિ થાય. જેમ કે છોકરું રમવા ગયું હોય, ને જમવાનો વખત થાય એટલે મા સાદ પાડે તેમ.

‘ઈશ્વર જ્યારે મુક્ત કરવાના હોય ત્યારે સાધુસંગ કરાવી લે, તેમજ ઈશ્વરને મેળવવા સારુ અંતરમાં આતુરતા જગાવી દે.

પાડોશી: મહાશય, કેવી જાતની આતુરતા?

શ્રીરામકૃષ્ણ: નોકરી છૂટી જતાં કારકુનને જેવી વ્યાકુળતા થાય તેવી. એ જેમ રોજ ઓફિસે ઓફિસે ભટકે અને પૂછે કે હેં જી, કોઈ જગા ખાલી થઈ છે? અંતરમાં આતુરતા આવ્યે હૈયું તરફડે, કે કેમ કરીને ઈશ્વરને પામું.’

‘મૂછે તાવ દઈને, પગ ઉપર પગ ચડાવીને બેઠા છે, પાન ચાવ્યે જાય છે, મનમાં કશી કાળજી નહિ, એવી અવસ્થામાં ઈશ્વર-પ્રાપ્તિ થાય નહિ.

પાડોશી: સાધુસંગ કરીએ તો એવી આતુરતા આવી શકે?

શ્રીરામકૃષ્ણ: હા, આવી શકે, પરંતુ પાખંડીને આવે નહિ. સાધુનું તૂંબડું ચારે ધામ ફરી આવ્યું, તોય હતું તેવું ને તેવું જ કડવું!

હવે કીર્તનની શરૂઆત થઈ છે. ગોસ્વામી કલહ અંતરિતા, (રાધાકૃષ્ણ-પ્રેમ-કલહ- વિરહનાં ગીત) ગાય છેઃ શ્રીમતી બોલે છે,

‘સખી પ્રાણ જાય છે, કૃષ્ણને લાવી દે!’

સખીઃ – રાધે, કૃષ્ણ-મેઘ તો વરસત, પણ તારા ગુમાનરૂપી પવને મેઘને ઉડાવી દીધો. તું જ કૃષ્ણસુખે સુખી નથી; નહિ તો પછી ગુમાન કરે શા માટે?

શ્રીમતી – સખી, ગુમાન તો મારું નથી. જેનું ગુમાન હતું તેની સાથે ગયું છે!

લલિતા શ્રીમતીને લઈને એકબે વાતો કહે છેઃ

સહુએ મળીને કરી રે પ્રીત,

કોઈએ દેખાડ્યો ઘાટે, વાટે, વિશાખાએ બતાવ્યો ચિત્રપટે.

હવે ગોસ્વામી કીર્તનમાં બોલે છે કે, સખીઓ રાધાકુંડની નજીકમાં શ્રીકૃષ્ણની શોધ કરવા લાગી. ત્યાર પછી યમુનાની રેતીમાં શ્રીકૃષ્ણનાં દર્શન, શ્રીદામ, સુદામ, મધુમંગલની સાથે; વૃંદાની સાથે શ્રીકૃષ્ણનો મેળાપ; શ્રીકૃષ્ણનો યોગીવેશ, જટિલાની સાથેનો સંવાદ, રાધાએ ભિક્ષા આપવી; રાધાનો હાથ જોઈને ભવિષ્ય વિપદકથન. કાત્યાયિની-પૂજા કરવા જવાની તૈયારીની વાત વગેરે વગેરે.

The Humanity of Avatars – અવતારોનો માનવભાવ

કીર્તન સમાપ્ત થયું. ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્ત સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ: ગોપીઓએ કાત્યાયિની-પૂજા કરી હતી. સૌ કોઈ એ મહામાયા આદ્ય શક્તિને અધીન. અવતારો સુધ્ધાં માયાનો આધાર લે ત્યારે લીલા કરે. એટલા માટે તેઓ આદ્ય-શક્તિની પૂજા કરે. જુઓને, રામ સીતા સારુ કેટલા રડ્યા છે! ‘પંચભૂતમાં પડે, તો બ્રહ્મ સુધ્ધાં રડે.’

‘હિરણ્યાક્ષનો વધ કરીને વરાહ-અવતાર પોતાનાં બચ્ચાં-કચ્ચાં લઈને પડ્યા’તા- આત્મવિસ્મૃતિ થઈ ગયેલ, અને બચ્ચાંને ધવરાવતા’તા. દેવતાઓએ મસલત કરીને શિવને મોકલી દીધા. શિવે પૂછ્યું, ‘તમે તમારું સ્વરૂપ વિસરી ગયા છો કેમ?’ એટલે વરાહ-અવતાર બોલ્યા કે, ‘હું અહીં આ બાળબચ્ચાં સાથે બહુ મજામાં છું. મારે વૈકુંઠમાં નથી આવવું!’ એટલે પછી શિવે પોતાનું ત્રિશૂળ મારીને વરાહ-શરીરને તોડી નાખ્યું. એટલે પછી વિષ્ણુ ખડખડાટ હસીને સ્વધામે ચાલ્યા ગયા. તેમ અવતાર પણ માનવશરીર ધારણ કરે ત્યારે સામાન્ય માનવી પ્રમાણે રહે.

અધરને ઘેર થઈને પછી ઠાકુર રામને ઘેર ગયા.

ત્યાં ઠાકુરે કથાકારના મુખે ઉદ્ધવસંવાદ વિશે સાંભળ્યું. રામના ઘરે કેદાર વગેરે ભક્તગણ ઉપસ્થિત હતા.

Total Views: 367
ખંડ 12: અધ્યાય 8: દક્ષિણેશ્વરના મંદિરમાં ભક્તો સંગે શ્રીરામકૃષ્ણ
ખંડ 12: અધ્યાય 10: ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં ભક્તના ઘરે - શ્રીયુત્ રામચંદ્ર દત્તના ઘરે કીર્તનાનંદ