રાતના લગભગ સાડા નવ. મા શ્રીઅન્નપૂર્ણા મંદિરની ઓસરીને શોભાવી રહ્યાં છે. સામે ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે ઊભેલા છે. સુરેન્દ્ર, રાખાલ, કેદાર, માસ્ટર, રામ, મનોમોહન અને બીજા કેટલાય ભક્તો સાથે ઊભા રહ્યા છે. તે સર્વેએ ઠાકુરની સાથે પ્રસાદ લીધો છે. સુરેન્દ્રે સૌને તાણ કરી કરીને જમાડ્યા છે. હવે ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરને બગીચે પાછા ફરવાના છે. ભક્તો પણ પોતપોતાને ઘેર જવા તૈયાર થઈ રહ્યા છે. સૌ કોઈ મંદિરની ઓસરીમાં આવીને એકઠા થયા.

સુરેન્દ્ર (શ્રીરામકૃષ્ણને): પણ આજે માતાજીનું કીર્તન એક પણ ન થયું.

શ્રીરામકૃષ્ણ (દેવી-પ્રતિમા દેખાડીને): આહા, ચોગાનની કેવી મઝાની શોભા થઈ રહી છે? માતાજી જાણે કે બધું પ્રકાશમય કરીને બેઠાં છે! આવું દર્શન કરવાથી આનંદ આવે. ભોગની ઇચ્છા, શોક એ બધું નાસી જાય. પણ ત્યારે શું નિરાકારનાં દર્શન ન થાય? ન થાય એમ નહિ. વિષયવાસના જરા સરખીયે હોય તો ન થાય. ઋષિઓએ બધું છોડીને અખંડ સચ્ચિદાનંદનું ચિંતન કર્યું હતું.

‘અત્યારના બ્રાહ્મ-સમાજીઓ ‘અચલ ઘન’ વાળું ગીત ગાય ભલે, પણ મને ફિક્કું લાગે. જેઓ ગીત ગાય, તેઓ જાણે કે તેની મીઠાશ અનુભવે જ નહિ. ચીકણા ગોળનું પાણી પીવામાં જ ભૂલી રહે તો સાકરનું શરબત શોધવાની ઇચ્છા થાય નહિ.

તમે બધા, જુઓ કેવાં બહાર દર્શન કરો છો, અને આનંદ પામો છો. જેઓ ‘નિરાકાર નિરાકાર’ કરીને કશું પામે નહિ, તેમને તો નથી બહાર કે નથી અંદર!

ઠાકુર માતાજીનું નામ લઈને ગીત ગાય છેઃ

મા આનંદમયી થઈ, મને નિરાનંદ કરો મા,

એ બે ચરણ વિના મારું મન, બીજું કશું હવે જાણે ના.

યમરાજ મને મંદ કહે, એને શું કહું એ તો જાણું ના,

ભવાની નામ લઈને, ભવસાગર જઈશ તરીને. મનમાં હતી એ વાસના…

અફાટ સાગરે ડુબાવશે મને, સ્વપ્નેય તે જાણ્યું ના,

અહર્નિશ શ્રીદુર્ગા નામે તરું, તોય દુઃખરાશિ ટળ્યો ના;

આ વખતે જો મરું, તો હે હરસુંદરી! તારું દુર્ગાનામ કોઈ લેશે ના.

વળી ગાય છે –

બોલો બોલો રે દુર્ગાનામ,

(અરે મારા મનજી રે!)

દુર્ગા, દુર્ગા, દુર્ગા, બોલી વાટે ચાલ્યો જાય,

શૂલ-હાથે શૂલપાણિથી તેની રક્ષા થાય…

તમે દિવસ, તમે સંધ્યા, તમે જ એ યામિની,

ક્વ્‌ચિત તમે પુરુષ થાઓ, મા, ક્યારેક કામિની.

તમો કહો છોડ છોડ, હું નવ છોડું,

ચરણનૂપુરે થઈ તવ, હું ચરણે રણકું, 

(જય દુર્ગા, શ્રીદુર્ગા બોલીને)

શંકરી (સમળી) થઈને મા આકાશમાં ઊડશો,

મીન થઈ રહું જળમાં, નખથી ઊંચકી લેશો.

નખ આઘાતથી બ્રહ્મમયી, જ્યારે જાય મારા પ્રાણ,

કૃપા કરી આપો લાલ ચરણ મમ ત્રાણ…

ઠાકુર શ્રીરામકૃષ્ણે વળી પ્રતિમાની સામે પ્રણામ કર્યા. એ પછી હવે પગથિયાં પરથી ઊતરતી વખતે રાખાલને સંબોધીને બોલે છે; ‘એ રા-જો – છે?’ અર્થાત્ (એય રાખાલ, જોડા છે? – કે ચોરાઈ ગયા છે?)

ઠાકુર ગાડીમાં બેઠા. સુરેન્દ્રે પ્રણામ કર્યા. બીજા ભક્તોએ પણ પ્રણામ કર્યા. રસ્તામાં ચંદ્રનો પ્રકાશ હજીયે છે. ઠાકુરની ગાડી દક્ષિણેશ્વર તરફ ચાલવા લાગી.

Total Views: 343
ખંડ 12: અધ્યાય 2: ભક્તો સંગે સંકીર્તનાનંદમાં - સમાધિ અવસ્થામાં
ખંડ 12: અધ્યાય 4: સિંથિના બ્રાહ્મ-સમાજમાં બ્રાહ્મભક્તો સાથે શ્રીરામકૃષ્ણ