ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ વેણીપાલના સિંથિના બગીચામાં પધાર્યા છે. આજ સિંથિના બ્રાહ્મ-સમાજનો અર્ધ-વાર્ષિક મહોત્સવ. ચૈત્રી પૂર્ણિમા. (૧૦ વૈશાખ) રવિવાર તા. ૨૨મી એપ્રિલ ૧૮૮૩. બપોર પછી. કેટલાય બ્રાહ્મભક્તો હાજર છે. ભક્તો ઠાકુરને વીંટળાઈને દક્ષિણબાજુની ઓસરીમાં બેઠા છે. સંધ્યા પછી આદિ-બ્રાહ્મ-સમાજના આચાર્ય શ્રીયુત્ બેચારામ ઉપાસના કરવાના છે.

બ્રાહ્મભક્તો વચ્ચેવચ્ચે ઠાકુરને પ્રશ્નો કરતા રહે છે.

બ્રાહ્મભક્ત: મહાશય, ઉપાય શું?

શ્રીરામકૃષ્ણ: ઉપાય અનુરાગ, અર્થાત ઈશ્વરને ચાહવો અને પ્રાર્થના.

બ્રાહ્મભક્ત: અનુરાગ કે પ્રાર્થના?

શ્રીરામકૃષ્ણ: પહેલાં અનુરાગ, પછી પ્રાર્થના. 

બોલાવને મન પૂરા પ્રયાસે, કેમ મા શ્યામા આવે ના!

શ્રીરામકૃષ્ણ સૂર સાથે આ ગીત ગાય છે.

અને હમેશાં ઈશ્વરનાં નામગુણગાન, કીર્તન, પ્રાર્થના કરવાં જોઈએ. જૂનો લોટો રોજ માંજવો જોઈએ, એક વાર મોં શું વળે? અને વિવેક, વૈરાગ્ય, સંસાર અનિત્ય એ જ્ઞાન થવું જોઈએ.

બ્રાહ્મભક્ત અને સંસારત્યાગ – સંસારમાં નિષ્કામ કર્મ

બ્રાહ્મભક્ત: સંસારત્યાગ શું સારો?

શ્રીરામકૃષ્ણ: સૌને માટે સંસારત્યાગ નથી. જેમના ભોગનો અંત આવ્યો નથી તેમને માટે સંસારત્યાગ નથી. બે આનાની પ્યાલીથી કાંઈ નશો ચડે?

બ્રાહ્મભક્ત: ત્યારે તેઓ સંસારમાં રહે?

શ્રીરામકૃષ્ણ: હા. તેઓ નિષ્કામભાવે કર્મ કરવાનો પ્રયાસ કરે. હાથે તેલ ચોપડીને ફણસ કાપે. મોટા માણસના ઘરની કામવાળી કામ બધું કરે, પરંતુ તેનું મન ગામડામાં પોતાને ઘેર પડ્યું હોય. એનું જ નામ નિષ્કામ કર્મ. (કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, ગીતા. ૨.૪૭) (યત્ કરોષિ યદશ્નાસિ.. કુરુષ્વ મદર્પણમ્, ગીતા. ૯.૨૭) એનું જ નામ મનથી ત્યાગ. તમે લોકો મનથી ત્યાગ કરો. સંન્યાસી બહારથી ત્યાગ તેમ જ મનથી ત્યાગ બંને કરે.

બાહ્મભક્તો અને ભોગાન્ત – વિદ્યારૂપિણી સ્ત્રીનાં લક્ષણો – વૈરાગ્ય ક્યારે થાય

બ્રાહ્મભક્ત: ભોગાન્ત એટલે?

શ્રીરામકૃષ્ણ: કામિની-કાંચનના ભોગનો અંત. ઓરડામાં અથાણાં, આંબલી અને પાણીનું માટલું હોય, એ ઓરડામાં વિકારનો રોગી હોય તો તેને આરામ થવો કઠણ થઈ પડે. પૈસા ટકા, માનમરતબો, શરીરસુખ એ બધાંનો એક વાર ભોગ થઈ ગયા વિના અને એમ ભોગોનો અંત આવ્યા વિના સૌ કોઈમાં ઈશ્વરને માટે આતુરતા આવે નહિ.’

બ્રાહ્મભક્ત: સ્ત્રીજાત ખરાબ કે અમે પુરુષ ખરાબ?

શ્રીરામકૃષ્ણ: વિદ્યારૂપી સ્ત્રી છે, તેમ અવિદ્યારૂપી સ્ત્રી પણ છે. વિદ્યારૂપી સ્ત્રી ભગવાન તરફ લઈ જાય અને અવિદ્યારૂપિણી ઈશ્વરને ભુલાવી દે, સંસારમાં ડૂબાડી દે.

‘ભગવાનની મોહમાયાથી આ જગત-સંસાર છે. આ માયાની અંદર વિદ્યામાયા અને અવિદ્યા-માયા બંને છે. વિદ્યા-માયાનો આશ્રય લેવાથી સાધુસંગ, જ્ઞાન, ભક્તિ, ઈશ્વરપ્રેમ, વૈરાગ્ય, એ બધું થાય. અવિદ્યા-માયા એટલે પંચભૂત અને ઇન્દ્રિયોના વિષયો, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ – ઇન્દ્રિયોના ભોગની બધી વસ્તુઓ; એ બધાં ઈશ્વરને ભુલાવી દે.

બ્રાહ્મભક્ત: અવિદ્યા જો અજ્ઞાનમાં રાખે, તો પછી ભગવાને અવિદ્યા કરી છે શું કામ?

શ્રીરામકૃષ્ણ: એ એની લીલા; અંધકાર ન હોય તો અજવાળાનો મહિમા સમજાય નહિ. દુઃખ ન હોય તો સુખ સમજાય નહિ. ‘નરસું’ એવું જ્ઞાન હોય તો ‘સારું’ એવું જ્ઞાન થાય.

‘તેમ વળી માથેનું છોતરું છે એટલે તો કેરી વધે અને પાકે. કેરી પાકીને તૈયાર થઈ જાય એટલે છોતરું ફેંકી દેવાનું. માયારૂપી છોતરું હોય ત્યારે જ ક્રમે ક્રમે બ્રહ્મજ્ઞાન થાય. વિદ્યા-માયા અને અવિદ્યા-માયા કેરીનાં છોતરાંની પેઠે છે; બેઉની જરૂર.

બ્રાહ્મભક્ત: વારુ, સાકારપૂજા, માટી-પથ્થરના બનાવેલા દેવતાની પૂજા, એ બધું શું સારું? (મૃણ્મયના આધારે ચિન્મયીદેવી – કેશવ સેનને આપેલો ઉપદેશ)

શ્રીરામકૃષ્ણ: તમે સાકાર માનો નહિ, તેનો કાંઈ વાંધો નહિ. તમારે માટે મૂર્તિ નહિ, ભાવ. તમે લોકો પ્રેમ ગ્રહણ કરજો, જેમ કૃષ્ણ ઉપર રાધાનો પ્રેમ, સ્નેહ, તેમ. સાકારવાદીઓ જેમ મા કાલી, મા દુર્ગાની પ્રેમથી પૂજા કરે, ‘મા’ ‘મા’ કહીને કેટલું પોકારે, કેટલું ચાહે, એ ભાવ તમે લેજો. મૂર્તિને ન માનો તો કાંઈ નહિ.

બ્રાહ્મભક્ત: વૈરાગ્ય કેમ કરીને આવે? અને સૌને કેમ આવતો નથી?

શ્રીરામકૃષ્ણ: ભોગોની શાંતિ થયા વિના વૈરાગ્ય આવે નહિ. નાના બાળકને ખાવાનું અને રમકડું દઈને મજાનું ભુલાવી દેવાય. પણ જ્યારે ખાવાનું ખાઈ રહે, અને રમકડાંથી તેનું રમવાનું પૂરું થઈ રહે, ત્યારે ‘બા પાસે જવું છે’ એમ કહે. માની પાસે ન લઈ જાઓ તો રમકડું ફેંકી દે અને ચીસો પાડીને રડે.’

સચ્ચિદાનંદ જ ગુરુ – ઈશ્વરલાભ પછી સંધ્યાદિ કર્મત્યાગ

બ્રાહ્મભક્તો ગુરુવાદના વિરોધી, એટલે બ્રાહ્મભક્ત એ વિષે વાત કરે છે.

બ્રાહ્મભક્ત: મહાશય, ગુરુ ન હોય તો શું જ્ઞાન થાય નહિ?

શ્રીરામકૃષ્ણ: સચ્ચિદાનંદ જ ગુરુ; જો માણસ ગુરુરૂપે ચૈતન્ય કરે, તો જાણવું કે સચ્ચિદાનંદે જ એ રૂપ ધારણ કર્યું છે. ગુરુ જાણે કે સાથી; હાથ ઝાલીને લઈ જાય. ભગવાનનાં દર્શન થાય પછી ગુરુ-શિષ્યનું ભેદજ્ઞાન રહે નહિ. ‘બહુ કઠણ જગા એ ભાઈ, જ્યાં ગુરુ-શિષ્યનો મેળાપ નહિ!’ એટલે તો જનકે શુકદેવને કહ્યું ‘જો બ્રહ્મજ્ઞાન જોઈએ તો પહેલાં દક્ષિણા મૂકો.’ કારણ કે, બ્રહ્મજ્ઞાન થયા પછી ગુરુ શિષ્ય એવી ભેદબુદ્ધિ રહેવાની નહિ. જ્યાં સુધી ઈશ્વર-દર્શન ન થાય, ત્યાં સુધી જ ગુરુ-શિષ્ય સંબંધ.

એટલામાં સંધ્યા થઈ. બ્રાહ્મભક્તો કોઈ કોઈ ઠાકુરને કહે છે કે ‘આપને હવે સંધ્યા કરવી હશે, નહિ?’

શ્રીરામકૃષ્ણ: ના, એમ નથી. એ બધાં પહેલાં પહેલાં એક એક વાર કરી લેવાં જોઈએ. ત્યાર પછી એ આચમની, પંચપાત્ર, તરભાણાં કે નિયમોની જરૂર રહે નહિ.

Total Views: 378
ખંડ 12: અધ્યાય 3: ઠાકુર શ્રીરામકૃષ્ણ અને સાકાર-નિરાકાર
ખંડ 12: અધ્યાય 5: શ્રીરામકૃષ્ણ અને આચાર્ય શ્રીબેચારામ - વેદાંત અને બ્રહ્મ-તત્ત્વ વિશે