સંધ્યા પછી આદિ-બ્રાહ્મસમાજના આચાર્ય શ્રીયુત્ બેચારામે વેદી પર બેસીને ઉપાસના કરી. વચ્ચે વચ્ચે બ્રહ્મ-સંગીત અને ઉપનિષદમાંથી પાઠ થવા લાગ્યો. ઉપાસના થઈ રહ્યા પછી શ્રીરામકૃષ્ણની સાથે બેસીને આચાર્ય કેટલીયે વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ: વારુ, નિરાકાર પણ સાચું અને સાકાર પણ સાચું; આપ શું કહો છો?

સાકાર-નિરાકાર ચિન્મયરૂપ અને ભક્તો

આચાર્ય: જી, નિરાકાર જાણે કે Electric Current (વીજળીનો પ્રવાહ), આંખે દેખાય નહિ, પણ અનુભવ કરી શકાય.

શ્રીરામકૃષ્ણ: હાં બેઉ સાચાં. સાકાર નિરાકાર બેઉ સાચાં. એકલું નિરાકાર જ ખરું એમ કહેવું એ શેના જેવું ખબર છે? જેમ કે શરણાઈ વગાડનારાઓમાંથી એક જણ માત્ર પોં – ઓં – ઓં… વગાડ્યે રાખે, તેની શરણાઈમાં સાત કાણાં હોવા છતાંય. જ્યારે બીજો એક જણ જુઓ કેટલા રાગ-રાગિણી બજાવે! એ રીતે સાકારવાદીઓ જુઓ, તેઓ ઈશ્વરની સાથે કેટલે પ્રકારે આનંદ કરે, શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, મધુર એમ વિવિધ ભાવે આનંદ કરે.

વાત એ છે કે અમૃતકુંડમાં કોઈ પણ રીતે પડવું. પછી એ પ્રાર્થના કરીને હો કે કોઈ ધક્કો મારે ને તમે કુંડમાં જઈ પડો, એ બેઉનું એક જ ફળ. બઉ રીતે અમર થવાય.  (‘બ્રહ્મૈવેદમમૃતં પુરસ્તાદ્બ્રહ્મ પશ્ચાદ્બ્રહ્મ દક્ષિણતશ્ચોારેણ, અધશ્ચોર્ધ્વઞ્ચ પ્રસૃતં બ્રહ્મૈવેદં વિશ્વમિદં વરિષ્ઠમ્ ।’ મુંડકોપનિષદ – ૨.૨.૧૧)

‘બ્રાહ્મ-સમાજીઓ માટે પાણી ને બરફની ઉપમા સારી. સચ્ચિદાનંદ જાણે કે અનંત જળરાશિ. મહાસાગરનું જળ ઠંડા પ્રદેશોમાં ઠેકઠેકાણે જેમ બરફનો આકાર ધારણ કરે, તેવી રીતે ભક્તિરૂપી ઠંડીથી એ જ સચ્ચિદાનંદ (સગુણ બ્રહ્મ) ભક્તને માટે સાકાર રૂપ ધારણ કરે. ઋષિઓએ એ અતીન્દ્રિય ચિન્મય રૂપનું દર્શન કર્યું હતું, તેમજ તેમની સાથે વાત કરી હતી.

ભક્તનું પ્રેમનું શરીર, તેના ‘ભગવતી તનુ’ વડે એ ચિન્મયરૂપનાં દર્શન થાય.

(શ્રી નારદજીએ કહ્યુંઃ મને શુદ્ધા સર્વમયી ભાગવતીતનુ પ્રાપ્ત થઈ ગયું છે.’ પ્રયુમાને મયિ તાં શુદ્ધાં ભાગવતીં તનુમ્ । આરબ્ધકર્મનિર્વાણો ન્યપતત્ પાંચભૌતિકઃ ।। શ્રીમદ્ ભાગવત – ૧.૬.૨૯)

‘વળી એમ છે કે બ્રહ્મ અવાઙમનસગોચર. જ્ઞાનસૂર્યના તાપથી સાકાર બરફ ઓગળી જાય. બ્રહ્મજ્ઞાન થયા પછી, નિર્વિકલ્પ સમાધિ થયા પછી પાછું એ જ અનંત, વાક્યમનથી અતીત, અરૂપ નિરાકાર બ્રહ્મ!

‘બ્રહ્મનું સ્વરૂપ મોઢેથી બોલી શકાય નહિ, ત્યાં મૂંગા થઈ જવાય. અનંતને મુખેથી બોલીને કોણ સમજાવે? પંખી ગમે તેટલું ઉપર ચડે ને, તેની ઉપર, એથીયે વધુ છે જ. આપ શું કહો છો?

આચાર્ય: જી હા, વેદાંતમાં એ પ્રમાણે જ છે.

નિર્ગુણ બ્રહ્મ – ‘અવાઙ્ગમનસગોચરમ્’ – ત્રિગુણાતીતમ્

શ્રીરામકૃષ્ણ: મીઠાની પૂતળી સાગર માપવા ગઈ હતી, એણે પાછી ફરી આવીને કંઈ સમાચાર આપ્યા નહિ. એક મત પ્રમાણે એવું છે કે શુકદેવ વગેરેએ (સચ્ચિદાનંદ સાગરમાં) દર્શન-સ્પર્શન કર્યાં હતાં, તેમાં ડૂબકી મારી ન હતી.

મેં વિદ્યાસાગરને કહ્યું હતું કે બધી વસ્તુઓ એઠી થઈ ગઈ છે, પરંતુ બ્રહ્મ એઠું થયેલ નથી. (અચિન્ત્યમ્ અવ્યપદેશ્યમ્.. અદ્વૈતમ્, માંડુક્ય ઉપનિષદ, ૭) એટલે કે બ્રહ્મ શું એ કોઈ મોઢેથી બોલી શક્યું નથી. મોઢેથી બોલીએ એટલે વસ્તુ એઠી થાય. વિદ્યાસાગર પંડિત, એ સાંભળીને ખૂબ રાજી થયા.

‘મેં સાંભળ્યું છે કે કેદારની પેલી બાજુએ બરફથી ઢંકાયેલા પહાડો છે. તેના ઉપર ખૂબ ઊંચે ચડીએ તો પાછું આવી શકાય નહિ. જેઓ ખૂબ ઊંચે શું છે, ત્યાં જવાથી કેવી અવસ્થા થાય, વગેરે બધું જાણવા ગયા છે તેઓએ પાછા આવીને સમાચાર આપ્યા નથી.’

‘ઈશ્વરનાં દર્શન થયે માણસ આનંદથી વિહ્વળ થઈ જાય, ચૂપ થઈ જાય. (યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, તૈત્તિરીય ઉપનિષદ – ૨.૪) પછી સમાચાર આપે કોણ? સમજાવે કોણ?

‘સાત દોઢી (દેવડી)ની પછી રાજા. પ્રત્યેક દોઢીએ એક એક મહાઐશ્વર્યવાન પુરુષ બેઠેલ છે. પ્રત્યેક દોઢીએ શિષ્ય પૂછે છે કે આ શું રાજા? ગુરુ કહે છે, ના, નેતિ, નેતિ. સાતમી દોઢીએ જઈને શિષ્યે જે જોયું તે જોતાં જ તે એકદમ આશ્ચર્યચક્તિ! (છિદ્યન્તે સર્વસંશયાઃ … તસ્મિન્ દૃષ્ટે પરાવરે, મુંડક ઉપનિષદ – ૨.૨.૮) આનંદથી વિહ્વળ! પછી પૂછવાનું જ રહ્યું નહિ કે ‘આ શું રાજા?’ જોતાંવેંત સર્વ સંશય મટી ગયા.’

આચાર્ય: જી હા, વેદાંતમાં આ પ્રમાણે જ બધું છે.

શ્રીરામકૃષ્ણ: જ્યારે ઈશ્વર સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે, ત્યારે તેને સગુણ-બ્રહ્મ કે આદ્યશક્તિ કહું. જ્યારે એ ત્રણે ગુણોથી અતીત હોય, ત્યારે તેને નિર્ગુણ બ્રહ્મ, વાક્ય-મનથી પર કહેવાય; એ જ પરબ્રહ્મ.

‘માણસ ઈશ્વરની માયામાં પડીને સ્વસ્વરૂપને ભૂલી જાય, પોતે પિતાના અનંત ઐશ્વર્યનો અધિકારી છે એ ભૂલી જાય. ઈશ્વરની માયા ત્રિગુણમયી. આ ત્રણ ગુણો જ લૂંટારા, જીવનું સર્વસ્વ હરણ કરે, સ્વસ્વરૂપને ભુલાવી દે. સત્ત્વ, રજ, ને તમ એ ત્રણ ગુણ. એમાંથી સત્ત્વગુણ જ ઈશ્વરનો માર્ગ બતાવી દે. પરંતુ ઈશ્વરની પાસે તો સત્ત્વગુણ પણ લઈ જઈ શકે નહિ.

‘એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારાઓએ આવીને તેને ઘેરી લઈ તેનું સર્વસ્વ લૂંટી લીધું. બધું લૂંટી લીધા પછી એક લૂંટારો કહે છે કે ‘હવે આને જીવતો શું કામ રાખવો? એને મારી નાખો.’ એમ કહી તેને કાપી નાખવા ગયો. ત્યાં બીજો લૂંટારો બોલ્યો કે ‘ઠાર મારી નાખવાની કાંઈ જરૂર નથી. એને મુશ્કેટાટ બાંધીને અહીં જ મૂકી જઈએ. એટલે એ પોલીસમાં ખબર આપી શકશે નહિ.’ એમ કહીને એને સજ્જડ બાંધી મૂકીને લૂંટારાઓ ચાલ્યા ગયા. ‘થોડી વાર પછી ત્રીજો લૂંટારો પાછો આવ્યો. આવીને કહ્યું કે ‘અરે ભાઈ, તમને બહુ જ દુઃખ થાય છે, ખરું ને? ચાલો હું તમારું બંધન છોડી નાંખું છું.’ એમ કહીને દોરડાં છોડી નાખ્યાં. અને પછી એ માણસની સાથે રહીને તેને જંગલમાંથી રસ્તો દેખાડતો દેખાડતો ચાલવા લાગ્યો અને મોટા રસ્તા પર લાવીને તેને મૂકી દીધો. અને કહ્યું કે ‘આ રસ્તે રસ્તે તમે ચાલ્યા જાઓ, એટલે તમે અનાયાસે તમારે ઘેર પહોંચી જશો.’ પેલા માણસે કહ્યું, ‘ભાઈ, આપ પણ મારે ઘેર પધારો, આપે મારા પર કેટલો ઉપકાર કર્યો! આપ અમારે ઘેર આવશો તો અમને કેટલો આનંદ થશે.’ લૂંટારો કહે, ‘ના જી, મારાથી ત્યાં અવાય નહિ; પોલીસ પકડે.’ એમ કહીને એ લૂંટારો રસ્તો બતાવીને ચાલ્યો ગયો.

‘પહેલો લૂંટારો તમોગુણ, કે જેણે કહ્યું કે ‘આને રાખવો શું કામ, મારી નાખો!’ તમોગુણથી વિનાશ થાય. બીજો લૂંટારો રજોગુણ. રજોગુણથી માણસ સંસારમાં બદ્ધ થાય, અનેક કામકાજમાં ગૂંચાય. રજોગુણ ઈશ્વરને ભુલાવી દે. માત્ર સત્ત્વગુણ જ ઈશ્વરનો માર્ગ દેખાડી દે. દયા, ધર્મ, ભક્તિ વગેરે બધાં સત્ત્વગુણથી થાય. સત્ત્વગુણ જાણે કે સીડીનું છેલ્લું પગથિયું, ત્યાર પછી જ અગાસી. માણસનું સ્વધામ છે પરબ્રહ્મ. ત્રિગુણાતીત થયા વિના બ્રહ્મજ્ઞાન થાય નહિ.

આચાર્ય: વાતો બધી સરસ થઈ!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): ભક્તનો સ્વભાવ કેવો ખબર છે? હું બોલું ને તમે સાંભળો, તમે બોલો ને હું સાંભળું. તમે તો રહ્યા આચાર્ય, કેટલા લોકોને ઉપદેશ આપો છો. તમે તો મોટાં જહાજ, અમે તો નાની હોડી. (સૌનું હાસ્ય).

Total Views: 480
ખંડ 12: અધ્યાય 4: સિંથિના બ્રાહ્મ-સમાજમાં બ્રાહ્મભક્તો સાથે શ્રીરામકૃષ્ણ
ખંડ 12: અધ્યાય 6: નંદનબાગાન-બ્રાહ્મસમાજમંદિરમાં રાખાલ, માસ્ટર, વગેરે ભક્તો સાથે