શ્રીમંદિર – ઉદ્દીપન – શ્રીરાધાનો પ્રેમોન્માદ

ઠાકુર શ્રીરામકૃષ્ણ નંદનબાગાન- બ્રાહ્મસમાજ- મંદિરમાં ભક્તો સાથે બેઠેલા છે. બ્રાહ્મભક્તોની સાથે વાતો કરી રહ્યા છે. સાથે રાખાલ, માસ્ટર વગેરે છે. સમય સાંજના પાંચ.

શ્રીકાશીશ્વર મિત્રનું મકાન નંદનબાગાન લત્તામાં. તેઓ પહેલાં સબ-જજ હતા. આદિ-બ્રાહ્મ-સમાજના સભ્ય. તેઓ પોતાના મકાનમાં જ મેડી ઉપર મોટા ઓરડામાં ઈશ્વરની ઉપાસના કરતા, અને ભક્તોને આમંત્રણ આપીને અવારનવાર ઉત્સવ પણ કરતા. તેમના સ્વર્ગવાસ પછી શ્રીનાથ, યજ્ઞનાથ વગેરે તેમના પુત્રો કેટલાક દિવસ સુધી એ રીતે ઉત્સવ કરતા આવ્યા હતા. તેઓ જ ઠાકુરને આગ્રહપૂર્વક આમંત્રણ આપીને તેડી લાવ્યા છે.

ઠાકુર આવીને પ્રથમ નીચે એક દીવાનખાનામાં બેઠા હતા. એ ઓરડામાં બ્રાહ્મભક્તો ક્રમે ક્રમે આવીને એકત્રિત થયા હતા. શ્રીયુત્ રવીન્દ્રનાથ ટાગોર વગેરે ટાગોર-કુટુંબના ભક્તો આ ઉત્સવમાં હાજર હતા.

તેડું આવ્યું એટલે ઠાકુર ભક્તોની સાથે મેડી ઉપર ઉપાસના-મંદિરમાં જઈને બેઠા. ઉપાસનાના ઓરડામાં પૂર્વ બાજુએ વેદીની રચના કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં એક પિયાનો છે. ઓરડાની ઉત્તર બાજુમાં કેટલીક ખુરશીઓ મૂકેલી છે. એની જ પૂર્વ બાજુએ એક બારણું છે, ત્યાંથી અંદરના ભાગમાં જવાય.

સંધ્યા વખતે ઉત્સવની ઉપાસના શરૂ થવાની છે. આદિ-બ્રાહ્મસમાજના શ્રીયુત્ ભૈરવ બંદોપાધ્યાય એકબે ભક્તો સાથે વેદી ઉપર બેસીને ઉપાસનાનો કાર્યક્રમ ચલાવવાના છે.

ઉનાળો. આજ બુધવાર, ૨૦ વૈશાખ, ચૈત્ર વદ દશમ, ઈ.સ. ૧૮૮૩ના મે માસની બીજી તારીખ. ઘણા બ્રાહ્મભક્તો નીચેના મોટા આંગણામાં અથવા ઓસરીમાં ફરી રહ્યા છે. શ્રીયુત્ જાનકી ઘોષાલ વગેરે કોઈ કોઈ ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે ઉપાસનાના ઓરડામાં આવીને બેઠા છે, તેમના શ્રીમુખથી ઈશ્વરીય વાતો સાંભળવા સારુ. ઓરડામાં પ્રવેશ કરતાંની સાથે જ વેદીની સન્મુખે ઠાકુરે પ્રણામ કર્યા. પોતાની જગાએ બેઠા પછી ઠાકુર રાખાલ, માસ્ટર વગેરેને કહે છેઃ

‘નરેન્દ્ર મને કહેતો હતો કે સમાજ-મંદિરમાં પ્રણામ કરવાથી શું વળે?’

‘પણ મંદિરને જોતાં તેની (ઈશ્વરની) યાદ આવે, અંતરમાં ઉદ્દીપન થાય, જ્યાં ઈશ્વરની કથા થાય ત્યાં ઈશ્વર પ્રગટ થાય, અને સર્વ તીર્થાે હાજર થાય. એવી બધી જગાઓને જોવાથી ભગવાનની જ યાદ આવે.

‘એક ભક્ત બાવળનું ઝાડ જોઈને ભાવમગ્ન થયો હતો, – એમ ધારીને કે ભગવાન રાધાકાંતજીના બગીચા માટે આ લાકડાનો કુહાડાનો હાથો બને છે.

‘એક ભક્તની એવી ગુરુ-ભક્તિ કે ગુરુના લત્તાના કોઈ પણ માણસને જોઈને ભાવમગ્ન થઈ જતો!

મેઘ જોઈને, વાદળી વસ્ત્ર જોઈને, ચિત્ર જોઈને શ્રીમતી રાધાને કૃષ્ણનું ઉદ્દીપન થતું. તેઓ એ બધાંને જોઈને પાગલની પેઠે ‘ક્યાં છો કૃષ્ણ?’ કહીને આકુળવ્યાકુળ થઈ જતાં.

ઘોષાલ – પાગલ થવું કાંઈ સારું નહિ!

શ્રીરામકૃષ્ણ: એ શી વાત! આ તે શું વિષયોનું ચિંતન કર્યાનો ઉન્માદ, કે જેથી ભાન ગુમાવાય! આ અવસ્થા તો ભગવાનનું ચિંતન કરવાથી થાય! પ્રેમોન્માદ, જ્ઞાનોન્માદ, એ તમે સાંભળ્યું નથી?

ઉપાય – ઈશ્વરને પ્રેમ અને ષડ્‌રિપુનાં મોઢાં ફેરવવાં

એક બ્રાહ્મભક્ત: કયા ઉપાયે ઈશ્વરને પામી શકાય?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વર ઉપર પ્રેમ; અને હંમેશાં આ વિચાર કે ઈશ્વર જ સત્ય, જગત અનિત્ય; અશ્વત્થ (પીપળો) વૃક્ષ જ સાચું, ફળ ચાર દિવસ માટે.

બ્રાહ્મભક્ત: કામ, ક્રોધ વગેરે રિપુઓ અંદર પડ્યા છે, એનું શું કરવું?

શ્રીરામકૃષ્ણ: ષડ્‌રિપુઓનાં મોઢાં ઈશ્વર તરફ ફેરવી નાંખો. કામના કરવી હોય તો આત્મા સાથે રમણની કામના રાખવી.

ક્રોધ થતો હોય તો જેઓ ઈશ્વરના માર્ગમાં વિઘ્ન કરે તેઓના ઉપર ક્રોધ કરવો. લોભ રાખવો તો ઈશ્વર મેળવવાનો લોભ રાખવો. ‘મારું મારું’ જો કરવું હોય તો ભગવાનને લઈને કરો, જેવું કે મારા કૃષ્ણ, મારા રામ વગેરે. જો અહંકાર કરવો હોય તો વિભીષણની પેઠે, કે ‘મેં રામને માથું નમાવ્યું છે, તો આ માથું હવે બીજા કોઈની પાસે નહિ નમે.’

બ્રાહ્મભક્ત: ભગવાન જ જો બધું કરાવે છે તો તો પછી પાપને માટે આપણી જવાબદારી નહિ?

Free Will – સ્વતંત્ર ઇચ્છા, Responsibility – પાપનું દાયિત્વ

શ્રીરામકૃષ્ણ (હસીને): દુર્યોધને પણ એમ જ કહેલું –

ત્વયા હૃષીકેશ હૃદિસ્થિતેન યથા નિયુક્તોઽસ્મિ તથા કરોમિ ।

‘પણ જેની પાકી ખાતરી છે કે ઈશ્વર જ કર્તા અને હું અકર્તા, તેનાથી પાપ થાય જ નહિ. જે નાચવાનું બરાબર શીખ્યો હોય તેનો પગ તાલથી બહાર પડે જ નહિ.

અંતર શુદ્ધ થયા વિના ઈશ્વર છે એવી શ્રદ્ધા જ બેસે નહિ.’

ઠાકુર ઉપાસના-ગૃહમાં એકત્રિત લોકોને જુએ છે અને કહે છે, ‘અવારનવાર આ રીતે એકસાથે મળીને ઈશ્વર-ચિંતન અને ઈશ્વરનું નામ-ગુણ-સંકીર્તન કરવું એ ઘણું સારું.

પરંતુ સંસારી માણસોનો ઈશ્વરમાં અનુરાગ ક્ષણિક, જેમ તપેલી લોઢીમાં પાણીનો છાંટો નાંખ્યે એ પાણી કેટલી વાર ટકે, તેમ.’

બ્રાહ્મ-ઉપાસના અને શ્રીરામકૃષ્ણ

હવે ઉપાસનાનો આરંભ થાય છે. ઉપાસના માટેનો મોટો ઓરડો બ્રાહ્મભક્તથી ભરાઈ ગયો. કેટલીક બ્રાહ્મ-સમાજી મહિલાઓ ઓરડાની ઉત્તર બાજુએ ખુરશીઓ ઉપર આવીને બેઠી, હાથમાં સંગીત-પુસ્તક.

પિયાનો અને હારમોનિયમની સાથે બ્રાહ્મ-સંગીત ગવાવા લાગ્યું. સંગીત સાંભળીને ઠાકુરના આનંદની સીમા ન રહી. પછી અનુક્રમે ઉદ્‌બોધન, પ્રાર્થના, ઉપાસના. વેદી ઉપર બેઠેલા આચાર્ય વેદમાંથી મંત્રપાઠ કરવા લાગ્યા.

ૐ પિતા નોઽસિ પિતા નો વોધિ

નમસ્તેઽસ્તુ મા મા હિંસીઃ।

‘(હે પરમાત્મા!) તમે અમારા પિતા છો, અમને તમે (સત્પથે) દોરો, તમને નમસ્કાર! અમારો વિનાશ ન કરો.

બ્રાહ્મભક્તો એક સ્વરે આચાર્યની સાથે બોલે છેઃ

ૐ સત્યં જ્ઞાનમનન્તં બ્રહ્મ । આનન્દરૂપમમૃતં યદ્વિભાતિ ।

શાન્તમ્ શિવમદ્વૈતમ્ । શુદ્ધમપાપવિદ્ધમ્ ।

હવે આચાર્ય સ્તોત્રપાઠ કરે છેઃ

ૐ નમસ્તે સતે તે જગત્કારણાય

નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય ।

નમોઽદ્વૈતતત્ત્વાય મુક્તિપ્રદાય

નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય । વગેરે.

સ્તોત્રપાઠ થઈ રહ્યા પછી આચાર્ય સૌની સાથે પ્રાર્થના કરે છેઃ

ૐ અસતો મા સદ્ગમય । તમસો મા જ્યોતિર્ગમય ।

મૃત્યોર્માઽમૃતં ગમય । … આવિરાવિર્મએધિ ।..

રુદ્ર યો દક્ષિણં મુખં તેન માં પાહિ નિત્યમ્ ।।

પ્રાર્થના, સ્તોત્રપાઠ વગેરે સાંભળીને ઠાકુર ભાવ-મગ્ન થતા જાય છે. હવે આચાર્ય ઉપદેશ-પ્રવચન વાંચે છે.

અક્રોધ પરમાનંદ શ્રીરામકૃષ્ણ: અહેતુક કૃપાસિંધુ

ઉપાસના થઈ ગઈ. ભક્તોને પૂરી, મીઠાઈ વગેરેથી જમાડવાની તૈયારી થઈ રહી છે. બ્રાહ્મભક્તોમાંથી મોટા ભાગના નીચેના આંગણામાં અને ઓસરીમાં હવા ખાઈ રહ્યા છે.

રાતના નવ વાગ્યા. ઠાકુરને પાછું દક્ષિણેશ્વર પહોંચવું છે. ઘરમાલિકો તો આમંત્રિત સંસારી ભક્તોની ખાતરબરદાસ્ત કરવામાં એટલા બધા મશગૂલ થઈ ગયા છે કે ઠાકુરનો તો કોઈ ભાવ જ પૂછતું નથી.

શ્રીરામકૃષ્ણ (રાખાલ વગરેને): એલા એય! આપણને તો કોઈ બોલાવતું જ નથી!

રાખાલ (ખિજાઈને): મહાશય, ચાલો; આપણે દક્ષિણેશ્વર ચાલ્યા જઈએ.

શ્રીરામકૃષ્ણ (હસીને): અરે રહે હવે! ગાડીભાડાના ત્રણ રૂપિયા ને બે આના કોણ દેશે? રોફ કર્યે તો કંઈ વળે નહિ? પાસે પૈસા નહિ ને પાછો ખોટો રોફ? અને આટલી રાતે ખાશું ક્યાં?

કેટલીયવાર પછી સાંભળવામાં આવ્યું કે પાતળ નખાયાં છે. બધા ભક્તોને એકીસાથે બેસી જવાનું કહેવામાં આવ્યું. એ ભીડમાં ઠાકુર, રાખાલ વગેરેની સાથે મેડી ઉપર જમવા સારુ ચાલ્યા. ઉપર એટલી ભીડ કે જમવા બેસવાની જગા મળે નહિ. કેટલીયે મુશ્કેલીએ ઠાકુરને એક બાજુએ બેસાડ્યા.

જગા ગંદી. એક રસોઈયણ બાઈએ આવીને શાક પીરસ્યું પણ એને હાથ લગાડવાની ઠાકુરની ઇચ્છા થઈ નહિ. તેમણે તો મીઠું ને ખાટી ચટણીની સાથે પૂરી ખાધી અને મીઠાઈ જરાક ચાખી જોઈ.

ઠાકુર દયાસિન્ધુ. ઘરમાલિકોની ઉંમર નાની. તેઓ ઠાકુરની સેવા કરવાનું જાણે નહિ, એટલે તેમના ઉપર કેમ નારાજ થાય? ઠાકુર જમ્યા વિના જો ચાલ્યા જાય તો તેમનું અમંગલ થાય ને? અને વળી ઈશ્વરના ઉદ્દેશથી જ તો આ બધો સમારંભ કર્યો છે.

જમી કરીને ઠાકુર ઘોડાગાડીમાં ચડ્યા. હવે ગાડીભાડું કોણ આપે? ઘરમાલિકો તો ક્યાંય નજરે જ નથી ચડતા. એ ગાડીભાડા સંબંધે પછીથી ઠાકુર ભક્તોની પાસે આનંદ કરતા કરતા બોલ્યા હતા કે ‘ગાડીભાડું માગવા (અમે) ગયા એટલે પહેલાં તો (અમને) તગડી મૂક્યા. ત્યાર પછી મહામહેનતે ત્રણ રૂપિયા મળ્યા, ઉપરના બે આના તો આપ્યા જ નહિ. કહે કે એટલાથી જ થઈ રહેશે.’

Total Views: 543
ખંડ 12: અધ્યાય 5: શ્રીરામકૃષ્ણ અને આચાર્ય શ્રીબેચારામ - વેદાંત અને બ્રહ્મ-તત્ત્વ વિશે
ખંડ 12: અધ્યાય 7: હરિકીર્તનાનંદમાં શ્રીરામકૃષ્ણ - શ્રીરામચંદ્રના ઘેર હરિભક્તિ-પ્રદાયિની સભામાં