ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં કાંસારિપાડામાં હરિ-ભક્તિ-પ્રદાયિની સભામાં પધાર્યા છે. રવિવાર, ૩૧, વૈશાખ સુદ સાતમ; તા. ૧૩મી મે, ઈ.સ. ૧૮૮૩. આજે સભાનો વાર્ષિક ઉત્સવ છે. મનોહર સાંઈનું કીર્તન ચાલી રહ્યું છે.

‘(રાધિકાનું) માન’ એ કીર્તન ચાલી રહ્યું છે. સખીઓ શ્રીમતીને કહે છે કે તેં શા માટે ગુમાન કર્યું? એટલે કે તું જ કૃષ્ણનું સુખ વાંછતી નથી. શ્રીમતી કહે છે, ‘ચંદ્રાવલિની કુંજમાં એ ગયા એટલા માટે નહિ. ત્યાં જવું જ શા માટે જોઈએ? એ સેવા કરવાનું જાણતી નથી.

ત્યાર પછીને રવિવારે તા. ૨૦મી મે, ૧૮૮૩. રામચંદ્રને ઘેર ફરી પાછું માથુર-કીર્તન થાય છે. ઠાકુર પધાર્યા છે. વૈશાખ સુદ ચૌદશ (૭, જ્યેષ્ઠ-બંગાબ્દ). કીર્તન ચાલી રહ્યું છે. શ્રીમતી કૃષ્ણના વિરહમાં કેટલીયે વાતો કરી રહ્યાં છેઃ ‘નાની છોકરી હતી ત્યારથી જ શ્યામને જોયા કરવાનું ગમતું. સખી! દિવસ ગણી ગણીને નથની વાળી ઘસાઈ ગઈ છે. જો, એમણે જે માળા આપી છે એ માળા સુકાઈ ગઈ છે, છતાંય ફેંકી નથી દીધી. કૃષ્ણચંદ્રનો ઉદય ક્યાં થયો? એ ચંદ્ર અભિમાન-રાહુના ડરથી, મને લાગે છે કે, ચાલ્યો ગયો! હાય, એ કૃષ્ણ-મેઘનાં દર્શન પાછાં ક્યારે થશે, ફરીથી શું દર્શન થશે? પ્રિય, હૃદય ભરીને તમને ક્યારેય દેખી શકી નથી. એક તો આંખો માત્ર બે જ, તેમાંય વળી પલક પડ્યા કરે, ને તેમાંય જળધારા. એમના શિરે મયૂરપિચ્છ જાણે કે સ્થિર વીજળી. મયૂરો એ મેઘ દેખીને કળા ચડાવીને નૃત્ય કરતા!

‘સખી, આ પ્રાણ તો રહેવાના નથી તો રાખી મૂકો દેહને તમાલવૃક્ષની ઉપર, અને મારે શરીરે કૃષ્ણનામ લખી નાખો.’

શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ભગવાન અને તેનું નામ અભિન્ન, એટલે શ્રીમતી એમ બોલે છે. જે રામ, એ જ નામ. ઠાકુર ભાવમગ્ન થઈને એ માથુરકીર્તન સાંભળી રહ્યા છે. ગોસ્વામી કીર્તનિયો એ બધાં ગીતો ગાય છે. આવતે રવિવારે પાછાં દક્ષિણેશ્વર મંદિરે એ ગીતો ગવાવાનાં છે. ત્યાર પછીને શનિવારે પાછાં અધરને ઘેર એ કીર્તન થવાનાં.

Total Views: 407
ખંડ 12: અધ્યાય 6: નંદનબાગાન-બ્રાહ્મસમાજમંદિરમાં રાખાલ, માસ્ટર, વગેરે ભક્તો સાથે
ખંડ 12: અધ્યાય 8: દક્ષિણેશ્વરના મંદિરમાં ભક્તો સંગે શ્રીરામકૃષ્ણ