ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે પોતાના ઓરડામાં ઊભા છે અને ભક્ત સાથે વાત કરી રહ્યા છે. આજ રવિવાર, ૧૪, જેઠ વદ પાંચમ, તા. ૨૭મી મે, ઈ.સ. ૧૮૮૩. સમય નવેક વાગ્યાનો હશે. ભક્તો એક પછી એક આવીને એકઠા થતા જાય છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટર વગેરે ભક્તોને): દ્વેષભાવ સારો નહિ. શાક્તો, વૈષ્ણવો, વેદાન્તીઓ વગેરે બધા ઝઘડો કરે, એ સારું નહિ. પદ્મલોચન વર્ધમાનના રાજાનો સભાપંડિત હતો. ત્યાં પંડિતોની સભામાં ચર્ચા નીકળી હતી કે શિવ મોટા કે બ્રહ્મા? પછી પદ્મલોચનને પૂછવામાં આવ્યું. ત્યારે તેણે બહુ મજાનું કહી દીધું કે બાપુ, મને ખબર નથી, મારી શિવની સાથેયે મુલાકાત થઈ નથી ને બ્રહ્માની સાથેય થઈ નથી. (સૌનું હાસ્ય).

‘અંદર આતુરતા હોય તો બધા પંથો દ્વારા ઈશ્વરને પામી શકાય. તો પણ એકનિષ્ઠા હોય તે સારું. નિષ્ઠા-ભક્તિનું જ બીજું એક નામ છે અવ્યભિચારિણી ભક્તિ. જેમ કે એક ડાળીનું ઝાડ, સીધું ઊગ્યે જાય. વ્યભિચારિણી ભક્તિ, જેમ કે અનેક ડાળીવાળું ઝાડ. ગોપીઓની એવી નિષ્ઠા કે વૃંદાવનના પીતાંબરધારી, મયૂરપિચ્છધારી મનોમોહન ગોપાળકૃષ્ણ વિના તેમને બીજું કોઈ ગમતું જ નહિ. મથુરામાં જ્યારે રાજાનો પોશાક પહેરેલા, માથે પાઘડીવાળા કૃષ્ણને જોયા ત્યારે તેમણે ઘૂમટો તાણ્યો, અને બોલી કે ‘આ વળી કોણ, આની સાથે બોલીને શું આપણે વ્યભિચારિણી થવું?’

‘સ્ત્રી જે પોતાના સ્વામીની સેવા કરે એય નિષ્ઠા-ભક્તિ. દિયર, જેઠ, સસરા વગેરેને જમાડે, પગ ધોવાનું પાણી આપે વગેરે બધી સેવા કરે, પરંતુ સ્વામીની સાથે જુદો જ સંબંધ. એવી રીતે પોતાના ધર્મમાંય નિષ્ઠા હોઈ શકે. પણ એટલે કાંઈ બીજા ધર્મની ઘૃણા કરવી એમ નહિ. તેમની સાથે મીઠો વહેવાર રાખવો.’

જગન્માતાની પૂજા અને આત્મપૂજા – ‘વિપદનાશિની’ મંત્ર અને નૃત્ય

ઠાકુર ગંગાસ્નાન કરીને કાલીમંદિરમાં ગયા છે, સાથે માસ્ટર. ઠાકુર પૂજાને આસને બેસીને માતાજીનાં ચરણકમલમાં ફૂલ અર્પણ કરે છે, વચ્ચે વચ્ચે પોતાના માથા પર પણ ચડાવે છે અને ધ્યાન કરે છે. ઘણી વાર પછી ઠાકુર આસનેથી ઊઠ્યા, ભાવમાં વિભોર, નૃત્ય કરે છે, અને મોઢેથી માતાજીનું નામ લે છે. બોલે છેઃ ‘મા વિપદ-નાશિની, રે વિપદ-નાશિની!’ દેહ ધારણ કર્યો એટલે દુઃખવિપદ આવવાનાં જ. એટલે ઠાકુર જાણે કે જીવોને, ‘વિપદ-નાશિની’ એ મહામંત્રનો ઉચ્ચાર કરીને, માતાજીને આતુરતાથી બોલાવવાનું શીખવે છે.

પૂર્વકથા – શ્રીરામકૃષ્ણ અને ઝામાપુકુરના નકુડ બાબાજી

હવે ઠાકુર પોતાના ઓરડાની પશ્ચિમ બાજુની ઓસરીમાં આવીને બેઠા છે. હજી સુધી ભાવનો આવેશ રહેલો છે. પાસે રાખાલ, માસ્ટર, નકુડ વૈષ્ણવ વગેરે. નકુડ વૈષ્ણવને ઠાકુર ૨૮-૨૯ વરસથી ઓળખે. ઠાકુર જ્યારે પહેલવહેલા કોલકાતામાં આવીને ઝામાપુકુરમાં રહેતા હતા અને ઘેર ઘેર પૂજા કરતા હતા ત્યારે નકુડ વૈષ્ણવની દુકાને આવીને ક્યારેક ક્યારેક બેસતા અને આનંદ કરતા.

પાણિહાટિમાં રાઘવ પંડિતના પૌંવાના મહોત્સવ પ્રસંગે નકુડ બાબાજી થોડાં વર્ષાેથી લગભગ દરેક વરસે ઠાકુરનાં દર્શન કરતા. નકુડ ભક્ત-વૈષ્ણવ, વચ્ચે વચ્ચે એ પણ મહોત્સવ કરતા. નકુડ માસ્ટરના પડોશી. ઠાકુર જ્યારે ઝામાપુકુરમાં રહેતા ત્યારે ગોવિંદ ચેટરજીને ઘેર રહેતા. એ જૂનું મકાન માસ્ટરને નકુડે બતાવેલું.

શ્રીરામકૃષ્ણ જગન્માતાના નામ-કીર્તનાનંદમાં

ઠાકુર ભાવના આવેશમાં આવીને ગીતો ગાય છેઃ

ગીત

‘સદાનંદમયી કાલી, મહાકાલની મનમોહિની;

પોતે નાચો, પોતે ગાઓ, પોતે દો મા, કરતાલી…

આદિરૂપા, સનાતની, શૂન્યરૂપા, શશીભાલી,

બ્રહ્માંડ હતું નહિ જ્યારે, મુંડમાળા આ ક્યાંથી મળી?…

સર્વની છે તું જ યંત્રી, તંત્રે તારા અમે ચાલી,

જેમ રાખો મા તેમ રહી, જેમ બોલાવો તેમ બોલી…

અશાંત કમલાકાન્ત, બોલે દઈ ગાળાગાળી,

હવે સર્વનાશી ધરી અસિ, ધર્માધર્મ બેઉ ખાધાં…

ગીત

‘આવો મા આવો મા, ઓ હૃદયરમા, પ્રાણપૂતળી ઓ,

હૃદય-આસને, થાઓ બિરાજિત, દેખીએ તમોને ઓ.’

ગીત

 મા, તું તારા; તમે ત્રિગુણધરા પરાત્પરા!

હું જાણું કે તમે દીનદયામયી, તમે દુઃખોમાં છો દુઃખહરા…

તમે સંધ્યા, તમે ગાયત્રી, તમે જગદ્ધાત્રી ઓ મા;

તમે ડૂબતાંનાં ત્રાણકારી, સદાશિવની મનોહારી…

તમે જળે, તમે સ્થળે, તમે આદ્યમૂળે છો મા,

તમે સર્વ ઘટે, તમે અર્ઘ્ય-પૂટે, સાકાર આકાર નિરાકારા…

૩. ગોલમાલે માલ છે, ગોલ છોડી લઈ લો માલ.

૪. મન, ચાલ જઈએ તારાના તાલુકામાં; હવે કાંઈ કામ નથી.

૫. મા ભવસાગરે પડીને દેહનૌકા ડૂબે છે મારી,

માયામોહ આંધી અધિકાધિક વધે છે શંકરી.

૬. મા-દીકરે કરી થોડી દુઃખકહાણી

કોઈ હાથી પર અંબાડીની છત્રી નીચે બેસે, કોઈ પૌંવા સાથે દહીં દબાવે.

કીર્તનો થઈ રહ્યા પછી શ્રીરામકૃષ્ણ ભક્તોને કહે છે, ‘સંસારીઓની સામે માત્ર દુઃખની જ વાતો સારી નહિ. આનંદ જોઈએ. જેમને ખાવાના વાંધા હોય, તેઓ કદાચ બે દિવસના ઉપવાસ ખેંચી કાઢી શકે, પણ જેઓને ખાવાનું જરા મોડું થતાં તબિયત બગડે, એવાઓની પાસે કેવળ રોદણાંની વાત, દુઃખની વાત, એ સારું નહિ.

વૈષ્ણવચરણ કહેતો કે કેવળ પાપ પાપ એ બધું શું? આનંદ કરો.’

જમીને ઠાકુર જરા આરામ કરે ન કરે, ત્યાં મનોહર સાંઈ ગોસ્વામી આવીને હાજર.

શ્રીરાધાના ભાવે મહાભાવમય શ્રીરામકૃષ્ણ – શું ઠાકુર ગૌરાંગ કે?

ગોસ્વામી પૂર્વરાગ-કીર્તન ગાય છે. જરાક સાંભળતાં સાંભળતાં જ ઠાકુરને રાધા-ભાવનો આવેશ થયો.

પહેલવહેલાં ગૌરચંદ્રિકા-કીર્તન.

‘હથેળીમાં હાથ રાખી ચિંતવે છે ગોરા, આજે શેનું ચિંતવન?….

લાગે મને રાધાભાવે ભાવિત એ જાણે!’

ગોસ્વામી વળી પાછા ગીત ગાય છેઃ

‘ઘરની બહાર, ઘડીકમાં સો વાર, ક્ષણે ક્ષણે, આવે ને જાય, 

શું ઉદાસ મન, નિસાસા સઘન, દૃષ્ટિ કદંબ વનમાં જાય –

(રાધા, આમ કેમ થયું રે!)

ગીતની એ લીટી સાંભળીને ઠાકુર શ્રીરામકૃષ્ણને મહાભાવની અવસ્થા થઈ છે. શરીર પરનું પહેરણ ફાડીને ફેંકી દીધું. કીર્તનિયાએ જ્યારે ગાયું કેઃ

શીતલ તેનું અંગ, તનુ-સ્પર્શે, તરત અવશ અંગ!

ત્યારે મહાભાવથી ઠાકુરને કંપ થઈ રહ્યો છે.

(કેદારને જોઈને) ઠાકુર કીર્તનના સૂરમાં બોલે છે, ‘પ્રાણનાથ, હૃદયવલ્લભ! તમે કૃષ્ણને લાવી આપો; સુહૃદયીનું તો એ કામ જ ને? કાં તો તેને લાવી દો, નહિતર મને ત્યાં લઈ જાઓ, હું તમારી સદાની દાસી થઈશ!’

ગોસ્વામી કીર્તનકાર ઠાકુરની મહાભાવની અવસ્થા જોઈને મુગ્ધ થયા છે. એ હાથ જોડીને કહે છે, ‘મારામાંથી વિષયવાસના મટાડી દો.’

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): ‘સાધુ વાસા પકડ લિયા!’ તમે આટલા બધા રસિક; તમારી અંદરથી આટલો મીઠો રસ બહાર આવે છે!

ગોસ્વામી: પ્રભુ, હું તો સાકરનો બોજો ઉપાડનારો બળદ છું. સાકરનો સ્વાદ ચાખવાનું ક્યાં મને મળ્યું છે?

વળી કીર્તન ચાલવા લાગ્યું. કીર્તનિયો શ્રીમતી રાધિકાની દશાનું વર્ણન કરે છેઃ

‘કોકિલ-કુલ કુર્વતિ કલનાદમ્!

કોકિલના કલનાદ સાંભળીને શ્રીમતીને મેઘ-ધ્વનિનો ખ્યાલ આવે છે. તેથી જૈમિનીનું નામ બોલે છે. એ વળી કહે છે, ‘સખી, કૃષ્ણ-વિરહમાં આ પ્રાણ ટકશે નહિ, રાખજો દેહ તમાલ ઉપર.’

ગોસ્વામીએ રાધાશ્યામના મિલનનું ગીત ગાઈને કીર્તન સમાપ્ત કર્યું.

Total Views: 400
ખંડ 12: અધ્યાય 7: હરિકીર્તનાનંદમાં શ્રીરામકૃષ્ણ - શ્રીરામચંદ્રના ઘેર હરિભક્તિ-પ્રદાયિની સભામાં
ખંડ 12: અધ્યાય 9: કોલકાતામાં બલરામ અને અધરને ઘેર શ્રીરામકૃષ્ણ