શ્રીરામકૃષ્ણ: ઓહ! શી અવસ્થાઓ ગઈ છે મારી! પ્રથમ જ્યારે આ અવસ્થા થઈ ત્યારે દિવસરાત ક્યાં ચાલ્યાં જતાં તેની ખબર પણ ન પડતી. સૌ કહેવા લાગ્યાં કે હું ગાંડો થઈ ગયો. એટલા માટે અમારા લોકોએ મારો વિવાહ કર્યો. એ વખતે મારી ઉન્માદની અવસ્થા. વિવાહ પછી શરૂઆતમાં તો એવો વિચાર આવ્યો કે પત્ની પણ એ પ્રમાણે રહેશે ને ખાશે-પીશે. સાસરે ગયો તો ત્યાં ખૂબ સંકીર્તન. નફર દિગંબર બાંડુજ્યના પિતાજી વિ. બધા આવ્યા, ખૂબ સંકીર્તન થયું. ક્યારેક ક્યારેક ચિંતા થતી કે શું થશે? વળી માતાજીને કહેતો કે ‘મા, ગામનો જમીનદાર જો આદર સત્કાર કરે તો માનીશ કે તારું દર્શન થયું છે તે ખરું છે!’ અને ખરેખર તેઓ પણ ચાહી ચાહીને આવીને વાતો કરતા.

પૂર્વકથા – સુંદરીપૂજા અને કુમારીપૂજા – રામલીલા-દર્શન – કિલ્લાના મેદાનમાં બલૂનદર્શન – સિઓડમાં ગોવાળિયાને ભોજન – જાનબજારમાં મથુરબાબુ સાથે વાસ

‘મારી શી અવસ્થા ગઈ છે? એક સામાન્ય બાબતમાંથી એકદમ ઈશ્વરનું ઉદ્દીપન થઈ જતું. એક દિવસ સુંદરી-પૂજા કરી, ચૌદ વરસની છોકરીની. મેં જોયું કે તે સાક્ષાત્ મા ભગવતી. તેને પગે રૂપિયો ધરીને પ્રણામ કર્યા.

એક વાર રામલીલા જોવા ગયો. ત્યાં ખરેખર જોયું કે સાક્ષાત્ સીતા, રામ, લક્ષ્મણ, હનુમાન, વિભીષણ! જેમણે પાઠ લીધો હતો તેમની હું પૂજા કરવા લાગ્યો.

એ વખતે કુમારિકાઓને બોલાવીને પૂજા કરતો, હું જોતો કે તેઓ સાક્ષાત્ મા ભગવતી.

‘એક દિવસ બકુલના ઝાડ નીચે જોયું તો આસમાની રંગની સાડી પહેરીને એક સ્ત્રી ઊભેલી, વેશ્યા. તેને જોતાંની સાથે જ સીતાનું ઉદ્દીપન! વેશ્યા સ્ત્રીને ભૂલી ગયો. અને જોયું કે સાક્ષાત્ સીતા લંકામાંથી ઉદ્ધાર પામીને રામની પાસે જઈ રહી છે. કેટલાય વખત સુધી બાહ્ય-સંજ્ઞા રહિત થઈને સમાધિ અવસ્થામાં હતો.

બીજે એક દિવસે કોલકાતાના કિલ્લાના મેદાનમાં ફરવા ગયો હતો. ત્યાં બલૂન ઊડવાનું હતું, એટલે પુષ્કળ લોકોની મેદની જામી હતી. અચાનક નજરે ચડ્યો એક યુરોપિયન છોકરો, એક ઝાડને અઢેલીને તે ઊભો રહ્યો હતો, ત્રિભંગ થઈને. જેવો તેને જોયો કે તરત જ મને શ્રીકૃષ્ણનું ઉદ્દીપન થઈને સમાધિ થઈ ગઈ!

સિઓડમાં ગોવાળિયા-ભોજન કરાવ્યું. મેં તેમને હાથોહાથ ખાવાનું આપ્યું, જોયું કે સાક્ષાત્ વ્રજના ગોવાળિયા. તેમના ખાવામાંથી વળી હું પણ ખાવા લાગ્યો.

‘એ વખતે મોટે ભાગે મને બાહ્ય જગતનો ખ્યાલ રહેતો નહિ. મથુરબાબુએ મને તેમને જાનબજારને બંગલે લઈ જઈને કેટલાક દિવસ રાખ્યો. ત્યાં હું જોવા લાગ્યો કે હું સાક્ષાત્ જગદંબાની દાસી થયેલો છું. ઘરનાં બૈરાં મારાથી જરાય સંકોચાતાં નહિ, જેમ નાનાં છોકરાં છોકરીને જોઈ કોઈ શરમાય નહિ તેમ. આન્દિરની સાથે (જાનબજારના મથુરબાબુના બંગલાની છોકરી) મથુરબાબુની દીકરીને તેના વર પાસે લઈ જતો.’

મથુરબાબુનો જાનબજારનો બંગલો

‘હજીયે સહેજ વારમાં ઉદ્દીપન થઈ જાય. રાખાલ જપ કરતાં કરતાં બડબડ કરતો હોઠ હલાવતો. એ જોઈને હું સ્થિર રહી શકતો નહિ. તરત જ ઈશ્વરનું ઉદ્દીપન થઈને હું વિહ્વળ થઈ જતો.’

ઠાકુર પોતાની પ્રકૃતિભાવની સાધનાની વાતો હજી વધુ કહેવા લાગ્યા. તે બોલ્યા કે મેં એક કીર્તનકારને ગાવાવાળીના બધા ઢંગ દેખાડ્યા હતા. તેણે કહ્યું કે આપના આ બધા ઢંગ આબેહૂબ! આપે આ બધા જાણ્યા કેવી રીતે?’

એમ કહીને ઠાકુર ભક્તોને ગાવાવાળીના ઢંગ બતાવવા લાગ્યા. ભક્તો કોઈ હસવું ખાળી શક્યા નહિ.’

Total Views: 403
ખંડ 13: અધ્યાય 1: દક્ષિણેશ્વરે ફલહારિણી-પૂજા દિને ભક્તો સાથે
ખંડ 13: અધ્યાય 3: મણિલાલ વગેરે સાથે - ઠાકુર ‘અહેતુક કૃપાસિંધુ’