બેલઘરિયાથી શ્રીગોવિંદ મુખોપાધ્યાય વગેરે ભક્તો આવેલા છે. ઠાકુર જે દિવસે તેમને ઘેર પધાર્યા હતા, તે દિવસે ત્યાં ગાયકનું ‘જાગો, જાગો, જનની!’ એ ગીત સાંભળીને સમાધિ-મગ્ન થઈ ગયેલા. ગોવિંદ એ ગાયકને પણ લાવેલા છે. ઠાકુર ગાયકને જોઈને ખુશી થયા છે અને કહે છે, ‘તમે કંઈક ગીત ગાઓ.’ ગાયક ગાય છે-

ગીત (૧) દોષ કોઈનો નથી ઓ મા!

મેં ખોદ્યા ખાડામાં હું ડૂબી મરું શ્યામા…

ગીત (૨) ‘યમદેવ, અડશો મા મને, જાત ગઈ છે મારી

જો તું પૂછીશ કે’ કેમ ગઈ જાત મારી?

સર્વનાશી મા કાલીએ મને બનાવ્યો સંન્યાસી!’

ગીત (૩) જાગો! જાગો! જનની!

મૂલાધારે નિદ્રાધીન બહુદિન વીતી ગયા કુલકુંડલિની!

સ્વકાર્ય સાધવા ચલો મા! શિરમધ્યે!

પરમશિવ જહાં સહસ્રદલપદ્મે,

કરી ષટ્ચક્રભેદ (ઓ મા) દૂર કરો મનસંતાપ, ચૈતન્યરૂપિણી!..

શ્રીરામકૃષ્ણ: આ ગીતમાં ષટ્ચક્રભેદની વાત છે. ઈશ્વર બહાર પણ છે અને અંદર પણ છે. એ અંદર રહીને મનની વિવિધ અવસ્થા કરે છે. ષટ્ચક્રભેદ થયે જીવાત્મા માયાનું રાજ્ય છોડીને પરમાત્માની સાથે એક થઈ જાય. એનું જ નામ ઈશ્વર-દર્શન.

માયા રસ્તો છોડી ન દે ત્યાં સુધી ઈશ્વર-દર્શન થાય નહિ. રામ, લક્ષ્મણ અને સીતા એકસાથે જઈ રહ્યાં છે. સૌથી આગળ રામ, વચમાં સીતા, પાછળ લક્ષ્મણ, સીતા વચમાં હોવાને લીધે લક્ષ્મણ જેમ રામને જોઈ શકતા નથી, તેમ માયા વચમાં હોવાને લીધે જીવ ઈશ્વરનાં દર્શન કરી શકતો નથી. (મણિ મલ્લિકને) છતાંય ઈશ્વરની કૃપા થાય તો માયા રસ્તો છોડી દે. જેમ દરવાનો કહે છે, ‘શેઠ હુકમ કરે તો એને દરવાજો ઉઘાડી દઉં.’ (મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે । ગીતા – ૭.૧૪)

વેદાંત-મત અને પુરાણ-મત. વેદાંત-મતમાં કહે છે કે ‘આ સંસાર બધો ખોટો, અર્થાત્ જગત બધું ભ્રમ, સ્વપ્નવત્. પરંતુ પુરાણ-મત યા ભક્તિ-શાસ્ત્ર કહે છે કે ઈશ્વર જ આ ચોવીસ તત્ત્વરૂપ થઈ રહેલ છે. અંદર-બહાર તે ઈશ્વરની પૂજા કરો.

‘જ્યાં સુધી ‘હું’ એ ભાન ઈશ્વરે આપણામાં રાખેલું છે ત્યાં સુધી બધુંય ખરું છે. ત્યાં સુધી સ્વપ્નવત્ કહી શકાય નહિ. નીચે અગ્નિ સળગે છે એટલે તપેલાની અંદર દાળ, ભાત, બટાટા, રીંગણાં વગેરે ખદબદ કરી રહ્યાં છે, કૂદકા મારે છે અને જાણે કે બોલે છે કે ‘હું છું’ ‘હું કૂદું છું.’ શરીર જાણે કે તપેલું, મન-બુદ્ધિરૂપી જળ, ઇન્દ્રિયોના વિષયો જાણે કે દાળ, ભાત, બટાટા, પરવળ વગેરે. ‘હું પણું’ એ જાણે કે તેમનું અભિમાન કે હું ખદબદ કરું છું; અને સચ્ચિદાનંદ એ અગ્નિ.

‘એટલે ભક્તિ-શાસ્ત્રમાં આ જ સંસારને ‘મોજની કુટિર’ કહી છે. રામપ્રસાદના ગીતમાં છે કે ‘આ સંસાર છે ભ્રમની રચના!’ એનો જ એક જણે ઉત્તર આપેલો કે ‘આ સંસાર છે મોજની કુટિર.’ કાલીનો ભક્ત જીવન્મુક્ત નિત્યાનંદમય. ભક્ત જુએ કે ઈશ્વર જ માયા થયેલ છે, એ જ જીવ જગત છે. ઈશ્વર, માયા, જીવ જગતને એક દેખે. કોઈ કોઈ ભક્ત બધુંય રામમય દેખે, રામ જ સર્વ થઈ રહ્યા છે. કોઈ રાધા-કૃષ્ણમય દેખે, કૃષ્ણ જ આ ચોવીસ તત્ત્વ થઈ રહ્યા છે, લીલાં ચશ્માં પહેર્યે જેમ બધું લીલું દેખે તેમ.

‘પરંતુ ભક્તિ-માર્ગમાં શક્તિનો તફાવત રહ્યો છે. રામ જ બધું થઈ રહેલ છે ખરા, પરંતુ ક્યાંક વધુ શક્તિ અને ક્યાંક ઓછી શક્તિ. અવતારમાં એમની શક્તિનો અમુક એક રીતે પ્રકાશ, તેમ પાછો જીવમાં બીજી એક રીતે. અવતારનેય દેહ-ભાન હોય. શરીર લીધું એટલે માયા છે જ. જુઓને સીતાને માટે રામ રોયા હતા. પરંતુ અવતાર જાણી જોઈને પોતાની આંખે પાટો બાંધે, જેમ છોકરાં આંધળો-પાડો રમે તેમ. પરંતુ મા બોલાવે કે તરત રમત બંધ કરે. પણ જીવોની જુદી વાત; તેમને તો જે પાટાથી આંખો ઢાંકી હોય એ પાટાની પાછળ આઠ સ્ક્રૂ ટાઈટ કરેલા હોય, આઠ પાશ!  (ઘૃણા, લજ્જા, ભયમ્, શંકા, જુગુપ્સા, ચેતિ પંચમ્, કુલમ્, શીલમ્ તથા જાતિરષ્ટૌ પાશાઃ પ્રકીર્તિતાઃ। – કુલાર્ણવતંત્ર) લજજા, ઘૃણા, ભય, જાતિ, કુળ, શીલ, શોક, નિંદા એ આઠ પાશ. ગુરુ પાશ ખોલી ન દે ત્યાં સુધી ઈશ્વર-દર્શન થાય નહિ.

Total Views: 335
ખંડ 13: અધ્યાય 9: શ્રીરામકૃષ્ણ મણિરામપુરના ભક્તો સાથે
ખંડ 13: અધ્યાય 11: બેલઘરિયાના ભક્તોને ઉપદેશ - વ્યાકુળ બનીને પ્રાર્થાે - સાચા ભક્તનાં લક્ષણ