બેલઘરિયાનો ભક્ત: આપ અમારા ઉપર કૃપા કરો.

શ્રીરામકૃષ્ણ: સૌ કોઈની અંદર તેઓ (ભગવાન) રહેલા છે. પણ ગેસ કંપનીને અરજી કરો. તમારા ઘરની સાથે જોડાણ આવી જશે.

પણ આતુર થઈને અરજી (પ્રાર્થના – Prayer) કરવી જોઈએ. એવું છે કે ત્રણ પ્રકારનું ખેંચાણ એકઠું થાય ત્યારે ઈશ્વર-દર્શન થાય. બાળક માટે માનું, સતી સ્ત્રીનું સ્વામી પ્રત્યેનું, અને વિષયીનું વિષય પ્રત્યેનું ખેંચાણ.

ખરા ભક્તનાં લક્ષણ છે. ગુરુનો ઉપદેશ સાંભળીને એ સ્થિર થઈ રહે; જેમ બેહુલાના ગાન (ભક્તિ અને કરુણામૂલક સંગીત) પાસે ફણિધર સાપ સ્થિર થઈને સાંભળે પરંતુ કોડીઓ નહિ, તેમ. બીજું એક લક્ષણઃ ખરા ભક્તમાં ધારણા-શક્તિ હોય. અમથા કાચ ઉપર ફોટાની છાપ પડે નહિ. પરંતુ માથે મસાલો ચોપડેલા કાચ ઉપર છબી પડે, જેમ કે ફોટોગ્રાફ. ભક્તિરૂપી મસાલો.

બીજું એક લક્ષણઃ ખરો ભક્ત જિતેન્દ્રિય હોય, કામજયી હોય. ગોપીઓને કામ થતો નહિ.

‘તે તમે સંસારમાં છો તેમાં શું વાંધો? એમાં તો સાધનાની વધુ સગવડ, જેમ કે કિલ્લામાંથી લડાઈ કરવી. જ્યારે શબ-સાધના કરે ત્યારે વચ્ચે વચ્ચે શબ મોઢું ફાડીને બીક દેખાડે. એટલે મમરા, શેકેલા ચણા વગેરે રાખવા જોઈએ. એ વચ્ચે વચ્ચે શબના મોઢામાં દેવા જોઈએ. એથી શબ શાંત રહે. એટલે પછી નચિંત થઈને જપ કરી શકાય. તેમ સ્ત્રી-પુત્રાદિ પરિવારને શાંત રાખવો જોઈએ. તેમનો ખાવા-પીવાનો બંદોબસ્ત બરાબર કરી દેવો જોઈએ. ત્યારે સાધનભજનની સગવડ થાય.

જેમનામાં ભોગવાસના જરા બાકી હોય, તેમણે સંસારમાં રહીને જ ઈશ્વરને ભજવા. ‘નિત્યાનંદે વ્યવસ્થા કરી હતી કે માગુર (માછલી)નો ઝોલ (રસાવાળું શાક) યુવતીનો ખોળો, બોલ હરિ બોલ.

ખરેખરા ત્યાગીની જુદી વાત. મધમાખી ફૂલ વિના બીજા કશા પર બેસે નહિ. ચાતકની પાસે બીજું બધું જળ ધૂળ. બીજું કોઈ પાણી પીએ નહિ, માત્ર સ્વાતિ નક્ષત્રના વરસાદને માટે મોઢું વકાસી રહે. ખરેખરો ત્યાગી બીજો કોઈ આનંદ લે નહિ, માત્ર ઈશ્વરનો જ આનંદ લે. મધમાખી માત્ર ફૂલ ઉપર જ બેસે. ખરેખરો ત્યાગી સાધુ જાણે કે મધમાખી જેવો. ગૃહસ્થ-ભક્ત જાણે કે આ બધી સાધારણ માખી જેવો. એ મીઠાઈ ઉપર બેસે, તેમ વળી સડેલા ઘા ઉપરેય બેસે.

‘તમે આટલી બધી તકલીફ લઈને અહીંયાં આવ્યા છો તે તમે ઈશ્વરને શોધતા ફરો છો એમ લાગે છે. બધા માણસો તો બગીચો જોઈને જ ફિદા! બગીચાના માલિકની તપાસ કરે કોઈક એકાદ બે જણ. બધા જગતનું સૌંદર્ય જ જુએ, જગતના કર્તાને કોઈ શોધે નહિ.’

હઠયોગ, રાજયોગ અને બેલઘરિયાના ભક્ત – ષટ્ચક્રભેદ અને સમાધિ

શ્રીરામકૃષ્ણ (ગાયકને દેખાડીને): આમણે ષટ્ચક્રનું ગીત ગાયું. એ બધી યોગની બાબત. હઠયોગ અને રાજયોગ. હઠયોગી શરીરની કેટલીક કસરતો કરે, હેતુ એ કે એથી સિદ્ધિ મળે, આયુષ્ય લાંબુ થાય, આઠ પ્રકારની સિદ્ધિઓ આવે. એનો એ બધો હેતુ. રાજયોગનો હેતુ ભક્તિ, પ્રેમ, જ્ઞાન, વૈરાગ્ય. રાજયોગ જ સારો.

‘વેદાંતની સાત ભૂમિકાઓ અને યોગ-શાસ્ત્રનાં ષટ્ચક્રોમાં ઘણો જ મેળ છે. વેદની પહેલી ત્રણ ભૂમિકા અને આમનાં ત્રણ ચક્રો મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર એ સરખાં. આ ત્રણ ભૂમિકાઓમાં મનનો વાસ ગુદા, લિંગ ને નાભિમાં હોય. મન જ્યારે ચોથી ભૂમિકાએ ચડે, એટલે કે અનાહત-પદ્મે ચડે, ત્યારે જીવાત્માનું શિખાની પેઠે દર્શન થાય અને જ્યોતિ-દર્શન થાય. એ જોઈને સાધક કહેશે, ‘આ શું! આ શું!’

‘પાંચમી ભૂમિકાએ મન ચડે ત્યારે માત્ર ઈશ્વરની વાતો જ સાંભળવાની ઇચ્છા થાય, ત્યાં વિશુદ્ધ ચક્ર, છઠ્ઠી ભૂમિકા અને આજ્ઞા-ચક્ર એક. મન ત્યાં પહોંચે એટલે ઈશ્વર-દર્શન થાય. પરંતુ જેમ ફાનસની અંદરના દીવાને અડી શકાય નહિ કારણ કે વચ્ચે કાચની આડશ છે, તેમ ત્યાં ઈશ્વરને પકડી શકાય નહિ.

‘જનક રાજા પાંચમી ભૂમિકાએથી બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ દેતા. તેઓ ક્યારેક પાંચમી ભૂમિકાએ, તો ક્યારેક છઠ્ઠી ભૂમિકાએ રહેતા.

‘ષટ્ચક્ર-ભેદની પછી સાતમી ભૂમિકા, મન ત્યાં ગયે મનનો લય થાય, જીવાત્મા  પરમાત્મા એક થઈ જાય, સમાધિ થાય, દેહભાન ચાલ્યું જાય, બાહ્ય-ભાન રહિત થાય; અનેકતાનું જ્ઞાન ચાલ્યું જાય; વિચાર બંધ થઈ જાય.

‘ત્રૈલંગ સ્વામી કહેતા કે વિચાર દ્વારા અનેકતાનું ભાન થાય છે, વિવિધતાનું ભાન થાય છે. સમાધિ પછી છેવટે એકવીસ દિવસે મૃત્યુ થાય!’

‘પરંતુ કુલકુંડલિની જાગ્રત ન થાય ત્યાં સુધી ચૈતન્ય થાય નહિ.

ઈશ્વર-દર્શનનાં લક્ષણ

‘જેણે ઈશ્વરપ્રાપ્તિ કરી છે, તેનાં લક્ષણ છેઃ એ થઈ જાય બાળક જેવો, ગાંડા જેવો, જડ જેવો યા પિશાચ જેવો. અને તેને બરાબર અનુભવ થાય કે ‘હું યંત્ર અને ઈશ્વર યંત્ર ચલાવનાર; ઈશ્વર જ બધાનો કર્તા, બીજા બધા અકર્તા. શીખો જેમ કહેતા હતા કે એક પાંદડું સરખું હાલે છે તેય ઈશ્વરની મરજીથી. રામની ઇચ્છાથી જ બધું થાય છે, એવો અનુભવ. પેલો વણકર જેમ કહેતો કે રામની ઇચ્છાથી જ ધોતિયાંની કિંમત એક રૂપિયો છ આના, રામની ઇચ્છાથી જ ચોરી થઈ, રામની મરજીથી જ ચોરો પકડાઈ ગયા, રામની મરજીથી જ મને પોલીસ લઈ ગયા, તેમ વળી રામની મરજીથી જ મને છોડી દીધો.’

સંધ્યા થવાની અણી ઉપર છે. ઠાકુરે જરા વાર પણ આરામ લીધો નથી. ભક્તો સાથે હરિકથા એકસરખી ચાલી રહી છે. હવે મણિરામપુરના તથા બેલઘરિયાના અને બીજા ભક્તો તેમને નીચે નમી પ્રણામ કરી, દેવમંદિરમાં દેવતાઓનાં દર્શન કરીને પોતપોતાને ઘર પાછા ફરે છે.

Total Views: 304
ખંડ 13: અધ્યાય 10: બેલઘરિયાના ભક્તો સાથે
ખંડ 13: અધ્યાય 12: દક્ષિણેશ્વરમાં દશહરાના દિવસે ગૃહસ્થાશ્રમ-કથાપ્રસંગે