રાખાલ, અધર, માસ્ટર, રાખાલના પિતા અને પિતાના સસરા વગેરે

આજ ગંગા-દશહરા, (૨, અષાઢ) જેઠ સુદ દશમ, શુક્રવાર, ૧૫મી જૂન, ૧૮૮૩. ભક્તો શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા દક્ષિણેશ્વર કાલી-મંદિરે આવ્યા છે. અધર અને માસ્ટરને આજ ગંગા-દશહરાને લીધે રજા છે.

રાખાલના પિતા અને પિતાના સસરા આવ્યા છે. પિતાએ બીજી વાર લગ્ન કર્યાં હતાં. સસરાએ ઠાકુરનું નામ ઘણા દિવસ થયાં સાંભળ્યું છે. એ સાધક માણસ, શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા આવ્યા છે. ઠાકુર જમીને નાની પાટ પર બેઠા છે. રાખાલના પિતાના સસરાને ક્યારેક ક્યારેક જુએ છે. ભક્તો જમીન પર બેઠેલા છે.

સસરો: મહાશય, ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત્પ્રાપ્તિ થાય?

શ્રીરામકૃષ્ણ (હસીને): કેમ ન થાય? કાદવી-માછલીની પેઠે રહો. એ માછલી રહે કાદવમાં, પરંતુ શરીરે કાદવ જરાય ન લાગે અને છિનાળ સ્ત્રીની પેઠે રહો. છિનાળ સ્ત્રી ઘરનું બધું કામકાજ કરે, પણ મન યારની પાસે હોય. મન ઈશ્વરમાં રાખીને સંસારનું બધું કામ કરો. પરંતુ એ બહુ કઠણ. બ્રાહ્મ-સમાજીઓને મેં કહ્યું હતું કે ‘જે ઓરડામાં અથાણાં, આંબલી અને પાણીનું માટલું હોય, તે જ ઓરડામાં વિકાર-જ્વરનો રોગી! તો પછી રોગ કેમ કરીને મટે? અથાણાં-આંબલીનો વિચાર આવતાં જ મોઢામાં પાણી છૂટે! પુરુષોને માટે સ્ત્રી અથાણાં-આંબલી જેવી. અને વિષયની તરસ તો સદા લાગેલી જ છે. એ પાણીનું માટલું. એ તૃષ્ણાનો અંત નહિ. વિકાર-જ્વરનો રોગી કહેશે કે એક માટલું ભરીને પાણી પી જાઉં. સંસારમાં અનેક જાતની ઉપાધિઓ. આ બાજુ જાઓ તો ચિંથરાનો માર, પેલી બાજુએ જાઓ તો ઝાડુનો માર, ત્રીજી બાજુએ જાઓ તો ખાસડાંનો માર અને નિર્જન સ્થાન ન હોય તો ભગવત્ચિંતન થાય નહિ. સોનું ગાળીને ઢાળિયો પાડવો હોય, તો જો ગાળતી વખતે જ પાંચ વાર બોલાવે તો સોનું ગાળવાનું બને કેમ કરીને? ચોખા છડવા હોય તો એકલા બેસીને છડવા જોઈએ. વચ્ચે વચ્ચે ચોખા હાથમાં લઈને જોવા જઈએ કે કેવાક સાફ થયા. છડતાં છડતાં જો પાંચ વાર બોલાવે તો પછી સારી રીતે છડાય કેમ કરીને?

ઉપાય – તીવ્ર વૈરાગ્ય ; પૂર્વકથા – ગંગાપ્રસાદ સાથે મિલન

એક ભક્ત: મહાશય, ત્યારે હવે ઉપાય શો?

શ્રીરામકૃષ્ણ: છે. જો તીવ્ર વૈરાગ્ય આવે તો થાય. જે કાંઈ મિથ્યા તરીકે જાણો, તેનો જોર કરીને તે જ ક્ષણે ત્યાગ કરો. જ્યારે મને બહુ જ મંદવાડ થયો ત્યારે ગંગાપ્રસાદ સેન વૈદ્યની પાસે લઈ ગયા- ગંગાપ્રસાદ બોલ્યા કે ‘સુવર્ણ-પર્પટી ખાવી પડશે. પરંતુ પાણી પીવાશે નહિ, દાડમનો રસ પી શકશો, સૌને લાગ્યું કે પાણી વિના હું કેમ કરીને રહી શકીશ. મેં મનમાં જોર કર્યું કે હવે પાણી નહિ પીઉં! પરમહંસ! હું તો સાધારણ હંસ નહિ, રાજહંસ! દૂધ પીઉં!’

થોડા દિવસ એકાંત સ્થાનમાં રહેવું જોઈએ. સંતાકૂકડીની રમતમાં ડોશીને અડી જઈએ તો પછી ડર નહિ. સોનું થઈ ગયા પછી ગમે ત્યાં રહો. એકાંત સ્થાનમાં રહીને જો ભક્તિ પ્રાપ્ત થાય, જો ભગવત્પ્રાપ્તિ થાય તો પછી સંસારમાંય રહી શકાય. (રાખાલના પિતાને) એટલે તો છોકરાઓને અહીં રહેવાનું કહું છું, કારણ કે અહીં થોડાક દિવસ રહેવાથી ભગવાનમાં ભક્તિ આવે, પછી મજાના સંસારમાં જઈને રહી શકે.

પાપ-પુણ્ય – સંસારવ્યાધિની મહૌષધિ સંન્યાસ

એક ભક્ત: ઈશ્વર જો બધું જ કરે છે, તો પછી સારું-નરસું, પાપ-પુણ્ય એ બધું કેમ કહેવાય છે? પાપ પણ, તો તો પછી, ઈશ્વરની જ ઇચ્છા?

રાખાલના પિતાનો સસરો – ઈશ્વરની ઇચ્છા આપણે કેમ કરીને સમજી શકીએ?

‘Thou Great First Cause least understood’ – Pope.

શ્રીરામકૃષ્ણ: પાપ-પુણ્ય છે. પરંતુ ઈશ્વર પોતે એમનાથી અલિપ્ત. વાયુમાં સુગંધ, દુર્ગંધ બેઉ હોય, પણ વાયુ પોતે અલિપ્ત. ઈશ્વરની સૃષ્ટિ જ એ પ્રકારની છે. તેમાં સારું-નરસું, સત્-અસત્ બંને છે. જેમ કે ઝાડની અંદર કોઈક આંબાનું ઝાડ, કોઈ ફણસનું તો કોઈ ખાટાં આમળાનું. જુઓને દુષ્ટ, કઠોર માણસનીયે જરૂર છે. જે તાલુકાના માણસો બહુ જ તોફાની હોય એ તાલુકામાં એક કડક માણસ મોકલવો જોઈએ, તો તાલુકો કાબૂમાં રહે.

ફરીથી ગૃહસ્થાશ્રમ વિશે વાત ચાલી.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): વાત એમ છે કે સંસાર ચલાવો એટલે મન નકામું ખરચાઈ જાય. એ નકામું ખરચ થવાને લીધે મનની જે ક્ષતિ થાય તે ક્ષતિ પાછી પૂરાય, જો કોઈ સંન્યાસ લે તો. બાપ પ્રથમ જન્મ દે. ત્યાર પછી બીજો જન્મ જનોઈ વખતે. વળી પાછો એક વાર જન્મ થાય સંન્યાસ વખતે. (Except ye be born again ye cannot enter into the Kingdom of Heaven – Christ.) કામિની અને કાંચન એ બે વિઘ્ન. સ્ત્રી પરની આસક્તિ ઈશ્વર-માર્ગથી વિમુખ કરી દે. કેમ કરીને પતન થાય, તે માણસને ખબરેય ન પડે. જ્યારે હું કિલ્લામાં જતો હતો ત્યારે જરાય સમજી શક્યો નહિ કે ઢોળાવવાળા રસ્તા પર થઈને જાઉં છું. કિલ્લાની અંદર ગાડી પહોંચી ત્યારે જોયું તો કેટલોય નીચે આવી ગયો છું. અહા! સ્ત્રીઓ પુરુષને સમજ પડવા દે નહિ. કેપ્ટન કહેશે કે ‘મારી સ્ત્રી જ્ઞાની!’ જેને ભૂત વળગ્યું હોય તેને ખબર ન હોય કે એને ભૂત વળગ્યું છે. તે કહેશે કે હું તો સાજો છું. (સૌ સ્તબ્ધ).

સંસારમાં કેવળ કામનો જ ભય છે એમ નથી. ક્રોધ પણ છે. કામનાના માર્ગમાં કાંટો આવ્યો કે ક્રોધ!

માસ્ટર: મારી થાળીની સામે બેઠેલી બિલાડી પંજો લાંબો કરીને થાળીમાંથી ખાવાનું લેવા આવે, તો પણ હું તેને કંઈ કહી શકું નહિ.

શ્રીરામકૃષ્ણ: કેમ ભલા? એકાદ વાર માર્યું તોય શો વાંધો? સંસારી જરાક ફૂંફાડો રાખે, વિષ રેડવું ઉચિત નહિ. કામમાં કોઈનું બૂરું ન કરવું. પરંતુ શત્રુઓના હાથથી પોતાનો બચાવ કરવા સારુ ક્રોધનો આકાર દેખાડવો જોઈએ. નહિતર શત્રુ આવીને બૂરું કરે. ત્યાગીને ફૂંફાડાની જરૂર નહિ.

એક ભક્ત: મહાશય, સંસારમાં રહીને પ્રભુ મેળવવા બહુ જ કઠિન લાગે છે. કેટલા માણસો એવા હોઈ શકે? ક્યાં છે? દેખવામાં તો આવતા નથી.

શ્રીરામકૃષ્ણ: કેમ ન હોઈ શકે? પેલી બાજુ દેશમાં સાંભળ્યું છે કે એક જણ ડેપ્યુટી માણસ છે, પ્રતાપસિંહ. તેનામાં દાન, ધ્યાન, ઈશ્વર-ભક્તિ વગેરે ઘણાય ગુણો છે. તેણે મને તેડવા માણસ મોકલ્યું હતું. એવા માણસોય જરૂર હોય છે.

Total Views: 290
ખંડ 13: અધ્યાય 11: બેલઘરિયાના ભક્તોને ઉપદેશ - વ્યાકુળ બનીને પ્રાર્થાે - સાચા ભક્તનાં લક્ષણ
ખંડ 13: અધ્યાય 13: સાધનાનું પ્રયોજન - ગુરુ-વાક્યમાં શ્રદ્ધા - વ્યાસદેવની શ્રદ્ધા