શ્રીરામકૃષ્ણ: સાધનાની બહુ જ જરૂર છે. પણ એવું કેમ ન થાય? જો દૃઢ શ્રદ્ધા હોય તો સાધનામાં બહુ મહેનત કરવી ન પડે. ગુરુ-વાક્યમાં શ્રદ્ધા જોઈએ. 

વ્યાસ મુનિને યમુના ઓળંગવી હતી. તે ઊભા હતા. એટલામાં ગોપીઓ આવી પહોંચી. તેમને પણ સામે પાર જવું હતું. પણ મછવો ન હતો. ગોપીઓએ કહ્યું કે, ‘મુનિજી, હવે શું થશે?’ વ્યાસ મુનિ બોલ્યા, ‘વારુ, તમને પાર ઉતારી દઉં છું, પરંતુ મને ખૂબ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું છે?’ ગોપીઓની પાસે દૂધ, ખીર, માખણ વગેરે ઘણું હતું, તે બધું આપ્યું. વ્યાસ મુનિ તે બધુંય ખાઈને બેસી ગયા. પછી ગોપીઓ બોલી, ‘પણ મુનિ! પાર ઉતારવાનું શું કર્યું?’ એટલે વ્યાસ મુનિ યમુનાને કાંઠે જઈને કહે છે, ‘હે યમુને! મેં જો આજ કાંઈ ખાધું ન હોય, તો તમારા જળના બે ભાગ થઈને વચ્ચે માર્ગ થઈ જાઓ, અને અમે બધાં એ માર્ગ પરથી પાર થઈ જઈએ.’ બસ, બોલતા ન બોલતામાં તો જળ બે બાજુએ ખસી ગયાં. ગોપીઓ તો આશ્ચર્યમાં ગરકાવ! તેઓ વિચારમાં પડી ગઈ કે મુનિએ આ હજી હમણાં જ આટલું બધું ખાધું, છતાં કહે છે કે ‘જો મેં કાંઈ ખાધું ન હોય તો!’

આવી પાકી શ્રદ્ધા, કે મેં નહિ પરંતુ હૃદયની અંદરના નારાયણે ખાધું છે!

શંકરાચાર્ય જો કે બ્રહ્મજ્ઞાની ખરા, છતાં શરૂઆતમાં ભેદ-દૃષ્ટિ હતી ખરી. તેમને પાકો વિશ્વાસ ન હતો. (બ્રહ્મ-દૃષ્ટિ જોઈએ તેવી પાકી ન હતી). ચંડાળ માંસનો બોજો લઈને ચાલ્યો આવે છે. આચાર્ય ગંગા-સ્નાન કરીને આવી રહ્યા છે. રસ્તામાં ચંડાળ તેમને અડકી ગયો. એટલે આચાર્ય બોલી ઊઠ્યા, ‘અરે, તેં મને સ્પર્શ કર્યો?’ ચંડાળે જવાબ આપ્યો કે ‘મહારાજ, આપેય મને સ્પર્શ નથી કર્યો, તેમ જ મેંય આપને સ્પર્શ નથી કર્યો. જે શુદ્ધ આત્મા છે, તે શરીર નથી, પંચભૂત નથી, ચોવીસ તત્ત્વ નથી.’ એ પરથી શંકરાચાર્યને જ્ઞાન સ્ફુરી આવ્યું.’

જડભરત રાજા રહૂગણની પાલખી લઈને ચાલતાં ચાલતાં જ્યારે આત્મજ્ઞાનની વાતો કરવા લાગ્યા, ત્યારે રાજા પાલખીમાંથી નીચે ઊતરી આવીને બોલ્યોઃ ‘આપ કોણ છો?’

જવાબમાં જડભરત બોલ્યા, ‘હું નેતિ નેતિ, શુદ્ધ આત્મા.’ તેમની બરાબર પાકી શ્રદ્ધા કે હું શુદ્ધ આત્મા છું!

ઠાકુર શ્રીરામકૃષ્ણ અને યોગતત્ત્વ – જ્ઞાનયોગ અને ભક્તિયોગ

સોઽહમ્, હું જ તે શુદ્ધ આત્મા, જ્ઞાનીઓનો એવો મત. ભક્તો કહેશે આ બધું ભગવાનનું ઐશ્વર્ય. ઐશ્વર્ય ન હોત તો ધનવાનને કોણ ઓળખી શકત? પરંતુ સાધકની ભક્તિ દેખીને ભગવાન જ્યારે કહે કે ‘અરે જે હું છું તે જ તું છો,’ ત્યારે જુદી વાત. દાખલા તરીકે રાજા બેઠેલ છે. એ વખતે કોઈ હજૂરિયો રાજાના આસન પર જઈને બેસે, અને કહે કે રાજા, જે તમે તે હું, તો માણસો તેને પાગલ કહેશે. પણ હજૂરિયાની સેવાથી સંતુષ્ટ થઈને રાજા એક દિવસ કહે કે ‘અરે, તું મારી પાસે બેસ, તેમાં વાંધો નહિ, જે હું છું, તે જ તું છો!’ એ વખતે જો તે જઈને બેસે તો તેમાં વાંધો નહિ. તેમ સામાન્ય જીવો જો કહે કે સોડહમ્ તો એ સારું નહિ. જળનો જ તરંગ કહેવાય, કાંઈ તરંગનું જળ કહેવાય?’

‘મૂળ વાત એટલી કે મન સ્થિર ન હોય તો યોગ થાય નહિ, પછી ગમે તે માર્ગે જાઓ. મન યોગીને વશ હોવું જોઈએ, યોગી મનને વશ નહિ.

‘મન સ્થિર થાય તો વાયુ સ્થિર થાય, કુંભક થાય. એ કુંભક ભક્તિયોગથી પણ થાય, ભક્તિથી વાયુ સ્થિર થઈ જાય. ચૈતન્ય સંપ્રદાયના કીર્તનમાં ‘નિતાઈ મારો મસ્ત હાથી, નિતાઈ મારો મસ્ત હાથી’ એમ બોલતાં બોલતાં જ્યારે ભાવ થઈ જાય, ત્યારે બધા શબ્દો બોલી શકે નહિ, માત્ર ‘હાથી’ ‘હાથી’, બોલી શકે. ત્યાર પછી કેવળ ‘હા.’ ભાવ-અવસ્થામાં પ્રાણવાયુ સ્થિર થાય, કુંભક થાય.

એક જણ ઘરમાં વાસીદું કાઢે છે. એ વખતે બીજું કોઈ આવીને કહે છે કે ‘અરે એય! અમુક હતો ને, તે મરી ગયો! હવે મરનારો, જે ઝાડુ કાઢે છે તેનો જો નજીકનો સંબંધી ન હોય તો જેમ તે ઝાડુ કાઢે છે, તેમ જ તે કાઢતો રહે, અને વચ્ચે વચ્ચે કહે કે ‘એમ કે? એ બિચારો મરી ગયો? માણસ બિચારો સારો હતો!’ આ બાજુ ઝાડુ પણ ચાલતું હોય. પણ મરનાર જો તેનું પોતાનું જ ખાસ નજીકનું સગું હોય તો ઝાડુ હાથમાંથી પડી જાય, અને હેં! કહેતો ને બેસી પડે. એ વખતે વાયુ સ્થિર થઈ જાય. કશું કામ કે વિચાર કરી શકે નહિ. સ્ત્રીઓને જોઈ નથી? જો કોઈ સ્ત્રી, એકીટસે એકાદ વસ્તુને જોઈ રહે, અથવા એકાદ વાત સાંભળવામાં તલ્લીન થઈ જાય, તો બીજી સ્ત્રીઓ કહેશે કે ‘એલી એય! તને ભાવ લાગ્યો કે શું?’ ત્યાં પણ વાયુ સ્થિર થઈ ગયો છે એટલે ચૂપ! હાં-આં-આં કરી રહે.

જ્ઞાનીનાં લક્ષણ – સાધનસિદ્ધ અને નિત્યસિદ્ધ

સોઽહમ્ સોઽહમ્ મોઢેથી કર્યે કાંઈ ન વળે. જ્ઞાનીનાં કેટલાંક લક્ષણો છે. નરેન્દ્રનાં ચક્ષુ જુઓ આગળ પડતાં. આનાં પણ કપાળ અને આંખનાં લક્ષણ સારાં.

અને સૌની અવસ્થા એક સમાન નથી હોતી. જીવો ચાર પ્રકારના કહ્યા છે. બદ્ધ-જીવ, મુમુક્ષુ-જીવ, મુક્ત-જીવ, નિત્ય-જીવ. સૌ કોઈને સાધના કરવી જ પડે એમ પણ નથી. સિદ્ધ બે પ્રકારના, નિત્ય-સિદ્ધ અને સાધના-સિદ્ધ. કોઈ ખૂબ સાધના કરીને ઈશ્વરને પામે, તો કોઈ જન્મથી જ સિદ્ધ થાય, જેમ કે પ્રહ્લાદ.

હોમા પક્ષી આકાશમાં જ રહે, ત્યાં જ ઈંડું મૂકે, એ ઈંડું પડ્યા કરે, પડતાં પડતાં સેવાઈને એ ઈંડું ફૂટે ને તેમાંથી બચ્ચું નીકળે. એ બચ્ચું પડવા લાગે, તે છતાંય એ એટલું બધું ઊંચું હોય કે પડતાં પડતાં જ તેને પાંખો ફૂટે. પણ જ્યારે પૃથ્વીની નજીક આવી પહોંચે, ત્યારે એ પક્ષી દેખી શકે અને સમજી શકે કે જમીનને અડતાં વેંત મારા ચૂરા થઈ જવાના. એટલે એકદમ સીધેસીધું ઊંચે માની પાસે દોટ મૂકીને ઊડી જાય, મા ક્યાં? મા ક્યાં?’

‘પ્રહ્લાદ વગેરે નિત્ય-સિદ્ધોનાં સાધન-ભજન પાછળથી. એમને સાધના પહેલાં જ ભગવત્‌દર્શન થાય; જેમ કે દૂધી, પતકોળાને પહેલું ફળ અને પછી ફૂલ હોય. (રાખાલના પિતા તરફ જોઈને) હલકા કુળમાંય જો નિત્ય-સિદ્ધ જન્મે તોય એ નિત્ય-સિદ્ધ જ થાય, બીજું કાંઈ થાય નહિ. ચણો ઉકરડામાં પડે તોય ચણો જ ઊગે.’

શક્તિ વિશેષ અને વિદ્યાસાગર – કેવળ પાંડિત્ય

‘ઈશ્વરે કોઈને ઝાઝી શક્તિ, તો કોઈને ઓછી શક્તિ આપી છે. ક્યાંક નાનો દીવો બળે છે, તો ક્યાંક મશાલ બળે છે. વિદ્યાસાગરને તેની એક વાતમાં પારખી લીધા કે તેની બુદ્ધિની કેટલી દોટ. જ્યારે મેં કહ્યું કે શક્તિનો ભેદ, ત્યારે વિદ્યાસાગર બોલ્યા, ‘મહાશય, ત્યારે શું ઈશ્વરે કોઈને વધુ, તો કોઈને ઓછી શક્તિ આપી છે?’ મેં તરત જ કહ્યું કે ‘આપી નથી તો બીજું શું? શક્તિ વધુ ઓછી ન હોય તો તમારું નામ આટલું ફેલાય શા માટે? તમારી વિદ્યા, તમારી દયા, એ બધું સાંભળીને તો અમે તમને મળવા આવ્યા છીએ, તમને કાંઈ બે શિંગડાં ઊગ્યાં નથી!’

વિદ્યાસાગરની આટલી વિદ્યા, આટલી કીર્તિ, પણ તેણે એવી કાચી વાત કરી નાંખી, કે ‘ઈશ્વરે કોઈને વધારે ને કોઈને ઓછી શક્તિ આપી છે?’ વાત એમ છે કે માછીમારો જાળ નાખે, ત્યારે પ્રથમ પ્રથમ મોટાં મોટાં માછલાં સપડાઈ જાય, રોહીત, કાતલા વગેરે. ત્યાર પછી માછીમારો તળિયાનો કાદવ પગથી ડહોળી નાખે, એટલે નાની નાની બધી જાતની માછલીઓ બહાર નીકળી આવે અને જોતજોતામાં જરા વારમાં પકડાઈ જાય. તેમ ઈશ્વરને ન જાણ્યો હોય તો ધીમે ધીમે માણસની અંદરની ખાંચખૂંચ બહાર નીકળી આવે. એકલા પંડિત થયે શું વળે?

Total Views: 300
ખંડ 13: અધ્યાય 12: દક્ષિણેશ્વરમાં દશહરાના દિવસે ગૃહસ્થાશ્રમ-કથાપ્રસંગે
ખંડ 13: અધ્યાય 14: શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે