તાંત્રિક ભક્ત અને સંસાર – નિર્લિપ્તને પણ ભય

ઠાકુર શ્રીરામકૃષ્ણે દક્ષિણેશ્વર-મંદિરે પોતાના ઓરડામાં જમ્યા પછી સહેજ આરામ કરી લીધો છે. અધર અને માસ્ટરે આવીને પ્રણામ કર્યા. એક તાંત્રિક ભક્ત પણ આવ્યા છે. રાખાલ, હાજરા, રામલાલ વગેરે આજકાલ ઠાકુરની પાસે રહે છે. આજ રવિવાર, ૧૭મી જૂન, ઈ.સ. ૧૮૮૩. (૪, અષાઢ, બંગાબ્દ), જેઠ સુદ બારસ.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): સંસારમાં (ઈશ્વરપ્રાપ્તિ) થાય નહિ શું કામ? પરંતુ બહુ જ કઠણ. જનક વગેરેએ જ્ઞાનપ્રાપ્તિ કરીને પછી સંસારમાં પ્રવેશ કર્યો હતો. છતાંય બીક તો ખરી. નિષ્કામ સંસારીનેય ભય. ભૈરવીને જોતાં જનકે મુખ નીચું કરેલું. સ્ત્રીને જોઈને સંકોચ થયો. એટલે એ ભૈરવીએ કહ્યું કે ‘જનક! મને લાગે છે કે તમને હજી જ્ઞાન થયું નથી; તમને હજીયે સ્ત્રીપુરુષનો ભેદ છે.’ ‘કાજળની કોટડીમાં, ગમે તેટલા સાવચેત રહો ને તોય, જરાક ને જરાક કાળો ડાઘ શરીરે લાગે જ.’

‘મેં જોયું છે કે સંસારી ભક્ત જ્યારે પૂજા કરે અબોટિયું પહેરીને, ત્યારે અંતરનો ભાવ સરસ હોય; એટલે સુધી કે નાસ્તો કરે ત્યાં સુધીયે એવો એક સરખો ભાવ રહે. પણ ત્યાર પછી પોતાનું ખરું સ્વરૂપ. વળી પાછો રજોગુણી, તમોગુણી થઈ જાય.

‘સત્ત્વગુણથી ભક્તિ આવે. પરંતુ ભક્તિનો સત્ત્વ, ભક્તિનો રજોગુણ, ભક્તિનો તમોગુણ છે. ભક્તિનો સત્ત્વ, વિશુદ્ધ સત્ત્વ. એ આવે તો ઈશ્વર વિના બીજા કશામાંય મન રહે નહિ, માત્ર જેટલાથી શરીરનું રક્ષણ થાય એટલું જ શરીરની ઉપર મન રહે.’

પરમહંસ ત્રિગુણાતીત – કર્મફળથી પણ અતીત – પાપ-પુણ્યથી અતીત – કેશવ સેન અને એમનું જૂથ

પરમહંસ ત્રણે ગુણથી અતીત. (માં ચ યોઽવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે । સ ગુણાન્ સમતીત્યૈતાન્ બ્રહ્મભૂયાય કલ્પતે ।। ગીતા. ૧૪.૨૬) તેની અંદર ત્રણે ગુણો છે તેમ જ નથી. બરાબર બાળકની જેમ, કોઈ ગુણને વશ નહિ. એટલે પરમહંસો નાનાં નાનાં છોકરાંને પાસે આવવા દે, તેમનો સ્વભાવ પોતામાં આરોપણ કરવા માટે.

પરમહંસ સંચય કરી શકે નહિ. પરંતુ આ વાત સંસારીઓને માટે નથી, તેમણે પોતાના પરિવારને માટે સંચય કરવો જોઈએ.

તાંત્રિક ભક્ત: પરમહંસને શું પાપ-પુણ્યનું ભાન હોય?

શ્રીરામકૃષ્ણ: કેશવ સેને પણ આ સવાલ પૂછેલો. મેં કહ્યું કે વધારે કહીશ તો તમારો સમાજ- બમાજ રહેશે નહિ. કેશવે કહ્યું કે, ‘ત્યારે રહેવા દો, મહાશય.’

‘પાપ, પુણ્ય એ શું તમને ખબર છે? પરમહંસની અવસ્થામાં એ જુએ કે ઈશ્વર જ સુમતિ દે, એ જ કુમતિ દે. મીઠાં તેમજ કડવાં ફળ શું નથી? કોઈ ઝાડનાં ફળ મીઠાં હોય છે, તો કોઈ ઝાડનાં કડવાં કે ખાટાં. ઈશ્વરે મીઠાં આંબાનાં ઝાડ પણ કર્યાં છે, તેમજ ખાટાં આમળાંનાં ઝાડ પણ કર્યાં છે.’

તાંત્રિક ભક્ત: જી હાં; પહાડોમાં જોવામાં આવ્યું કે ગુલાબનાં ખેતરનાં ખેતર. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ગુલાબનાં જ ખેતર!

શ્રીરામકૃષ્ણ: પરમહંસ જુએ કે આ બધું ઈશ્વરની માયાનું ઐશ્વર્ય, સત્, અસત્, સારું, નરસું, પાપ, પુણ્ય. એ બધી બહુ દૂરની વાતો! એ અવસ્થામાં મંડળ-બંડળ રહે નહિ.

તાંત્રિક ભક્ત અને કર્મફળ, પાપ-પુણ્ય – Sin and Responsibility

તાંત્રિક ભક્ત: ત્યારે કર્મફળ છે?

શ્રીરામકૃષ્ણ: એ પણ છે. સારું કર્મ કર્યે સુફળ, ખોટું કર્મ કર્યે કુફળ. મરચું ખાઓ તો તીખું લાગે નહિ કે? એ બધી ઈશ્વરની લીલા, એનો ખેલ.

તાંત્રિક ભક્ત: અમારે માટે ઉપાય શું? કર્મનું ફળ તો છે ને?

શ્રીરામકૃષ્ણ: તે ભલેને રહ્યું. ભગવાનના ભક્તની વાત જુદી.

આમ કહીને તેઓ ગીત ગાય છેઃ

‘મન તું ખેતી-કામ ન જાણે,

આવી માનવ જમીન રહી છે પડી, 

ખેતી કર્યે પાકત સોનું…

કાલી નામની દે રે તું વાડ, પાક-ખરાબ જરી થાય ના;

એ તો મુક્ત-કેશીની સખ્ત વાડ, તેને અડીને જમ જાયે ના…

ગુરુદત્ત બીજ વાવણી કરી, ભક્તિ-વારિ પાઈ દે ને;

એકલો કરી ન શકે તો મન, રામપ્રસાદને સંગે લે ને…

ફરીથી ગીત ગાય છેઃ

‘જે માર્ગે યમરાજ આવે તે માર્ગ તો ગયો છે ભૂંસાઈ

મારા મનના સંદેહ બધા ગયા છે ઘસાઈ

અરે મારા ઘરનાં નવદ્વારે ચાર શિવ ચોકી કરે

એક થાંભલે ઘર છે મારું, ત્રણ રજ્જુનાં બંધન રે!

સહસ્રદલ કમલે શ્રીનાથ અભય દેતા બેઠા રે!’

‘કાશીમાં બ્રાહ્મણ મરો, કે વેશ્યા મરો, પણ શિવ-સ્વરૂપ થાય.’ ‘જ્યારે હરિ-નામ કે, કાલી-નામ કે રામ-નામ લેતાં આંખમાં જળ આવે, ત્યારે સંધ્યા વગેરે કર્મકાંડની જરૂર નહિ, ત્યારે કર્મત્યાગ થઈ જાય. કર્મનું ફળ તેની પાસે જાય નહિ.’ ઠાકુર વળી પાછા ગાય છેઃ-

ચિંતનથી ભાવનો ઉદય થાય,

(અરે) એ તો જેવો ભાવ તેવો લાભ, 

મૂળમાં એ શ્રદ્ધા જોઈએ.

કાલીપદ સુધા સરે, ચિત્ત જો ડૂબી રહે, (ચિત્ત જો ડૂબી રહે).

તો પૂજા, હોમ, યાગ, યજ્ઞનું નવ મૂલ્ય રહે.

ઠાકુર પાછા ગાય છેઃ

ત્રિસંધ્યા જે બોલે કાલી, પૂજા સંધ્યા શું તે ચ્હાય,

સંધ્યા તેને શોધતી ફરે, સંધાન નવ પમાય…

ગયા ગંગા પ્રભાસાદિ કાશી કાંચી કોણ રે જાય, 

કાલી કાલી બોલતાં મારો શ્વાસ જો ચાલ્યો જાય.

ગીત પૂરું થતાં ઠાકુર બોલે છેઃ

‘ઈશ્વરમાં મગ્ન થવાય, તો પછી ખોટી બુદ્ધિ, પાપબુદ્ધિ રહે નહિ.

તાંત્રિક ભક્ત: આપે કહ્યું છે કે ‘વિદ્યાનો અહં’ રહે.

શ્રીરામકૃષ્ણ: વિદ્યાનો અહં, ભક્તનો અહં, દાસ હું, સારો ‘હું’ રહે. ‘કમજાત અહં’ ચાલ્યો જાય. (હાસ્ય).

તાંત્રિક ભક્ત: જી, અમારા કેટલાય સંશય નીકળી ગયા.

શ્રીરામકૃષ્ણ: આત્માનો સાક્ષાત્કાર થયે, બધા સંશયોનું છેદન થઈ જાય.

તાંત્રિક ભક્ત અને ભક્તિનો તમોગુણ – ભુખાવડાનો સંશય – અષ્ટસિદ્ધિ

‘ભક્તિનો તમોગુણ લાવો. કહો કે ‘શું? રામ રામ બોલ્યો છું, કાલી બોલ્યો છું ને મને વળી બંધન, મારે વળી કર્મ-ફળ?’

ઠાકુર વળી પાછા ગીત ગાય છે;

હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું,

આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું.

મારું ગૌબ્રાહ્મણ, હત્યા કરું ભ્રૂણ, સુરાપાન વળી, મારું હું નારી.

પાપો એ સર્વેથી, લેશ ભય નથી, બ્રહ્મ પદવી છે મારી!

શ્રીરામકૃષ્ણ ફરી કહે છે – ‘વિશ્વાસ, વિશ્વાસ, વિશ્વાસ! ગુરુએ કહી દીધું છે કે રામ જ બધું થઈ રહેલ છે; વોહિ રામ ઘટઘટ મેં લેટા. કૂતરું રોટલી લઈને નાસી જાય છે, ત્યારે એક ભક્ત કહે છે કે ‘ઊભા રહો રામ, રોટલીમાં ઘી ચોપડી દઉં.’ એવો ગુરુ વાક્યમાં વિશ્વાસ. માલ વિનાના, ફોતરાં જેવાઓને વિશ્વાસ બેસે નહિ. તેમને હંમેશાં સંશય ઊઠે. આત્માનો સાક્ષાત્કાર થયા વિના સર્વ સંશયો જાય નહિ. (છિદ્યન્તે સર્વ સંશયા.. તસ્મિન્ દૃષ્ટે પરાવરે —। મુંડક. ૨.૨.૮) શુદ્ધભક્તિ એ કે જેમાં કશી કામના હોય નહિ. એવી ભક્તિ વડે ઈશ્વરને જલદી પામી શકાય. અણિમા વગેરે સિદ્ધિઓ, એ બધી કામનાઓ છે. કૃષ્ણે અર્જુનને કહેલું કે ભાઈ, અણિમા વગેરેમાંથી એકાદિયે સિદ્ધિ જો હોય તો ઈશ્વરપ્રાપ્તિ થાય નહિ; જરા શક્તિ વધે એટલું જ.

તાંત્રિક ભક્ત: જી, તાંત્રિક ક્રિયાઓ આજકાલ ફળતી કેમ નથી?

શ્રીરામકૃષ્ણ: સર્વાંગ-સંપૂર્ણ થાય નહિ, અને ભક્તિપૂર્વક થાય નહિ; એટલે ફળે નહિ.

હવે ઠાકુર કથા પૂરી કરે છે. તે કહે છે કે ભક્તિ જ સાર. ખરા ભક્તને કશી બીક કે ચિંતા હોય નહિ, મા જ બધું જાણે. બિલાડી ઉંદરને એક રીતે પકડે પરંતુ પોતાનાં બચ્ચાંને બીજી જ રીતે પકડે.

Total Views: 360
ખંડ 13: અધ્યાય 13: સાધનાનું પ્રયોજન - ગુરુ-વાક્યમાં શ્રદ્ધા - વ્યાસદેવની શ્રદ્ધા
ખંડ 14: અધ્યાય 1: શ્રીઠાકુર સંકીર્તનાનંદે - શ્રીઠાકુર શું શ્રી ગૌરાંગ કે?