ઠાકુર શ્રીરામકૃષ્ણ પાણિહાટિના મહોત્સવ-સ્થળે જનસમુદાયથી ભરપૂર રાજમાર્ગ પર સંકીર્તન-મંડળીની વચ્ચે નૃત્ય કરી રહ્યા છે. એક વાગ્યો છે. આજે સોમવાર, જેઠ સુદ તેરશ, ૧૮મી જૂન ઈ.સ. ૧૮૮૩.

સંકીર્તનમાં ઠાકુરનાં દર્શન કરવા માટે માણસો ચારે બાજુએ હારબંધ ઊભેલા છે. ઠાકુર ઈશ્વર-પ્રેમમાં મસ્ત થઈને નાચી રહ્યા છે. કોઈ કોઈ વિચાર કરી રહ્યા છે કે શ્રીગૌરાંગ શું વળી પાછા પ્રકટ થયા કે શું? ચારે કોર હરિ-ધ્વનિ સમુદ્ર-કલ્લોલની પેઠે વધી રહ્યો છે. ચારે બાજુથી પુષ્પવૃષ્ટિ અને હરિ-લૂંટનો પ્રસાદ પડી રહ્યો છે. નવદ્વીપ ગોસ્વામી પ્રભુ-કીર્તન કરતાં કરતાં રાઘવ-મંદિર તરફ જઈ રહ્યા હતા. એટલામાં ઠાકુર ક્યાંકથી તીરવેગે દોડી આવીને કીર્તન-મંડળની વચ્ચે નૃત્ય કરી રહ્યા છે.

આ રાઘવ પંડિતનો પૌંવાનો મહોત્સવ. જેઠ સુદ તેરશની તિથિએ દર વરસે એ થાય. દાસ રઘુનાથે સૌથી પહેલો એ મહોત્સવ કર્યો હતો. ત્યાર પછી રાઘવ પંડિત વરસો વરસ કરતા આવ્યા હતા. દાસ રઘુનાથને નિત્યાનંદ બોલ્યા હતા, ‘અરે ચોર, તું ઘેરથી માત્ર દોડાદોડીને ભાગી આવે છે અને ચોરી કરીને કીર્તનમાં પ્રેમનો સ્વાદ લે છે, અને અમને કોઈને તેની ખબર પડતી નથી! આજે તને શિક્ષા કરું છું કે તું પૌંવાનો મહોત્સવ કરીને ભક્તોની સેવા કર.’

રાઘવ પંડિતનું મકાન

ઠાકુર આ ઉત્સવમાં ઘણેભાગે દર વરસે આવે. રામ વગેરે ભક્તોની સાથે આજે પણ અહીં આવવાની વાત થયેલી. રામ સવારમાં કોલકાતાથી માસ્ટરની સાથે દક્ષિણેશ્વર આવી પહોંચ્યા હતા. આવીને ઠાકુરનાં દર્શન તથા પ્રણામ કરીને ઉત્તરની ઓસરીમાં પ્રસાદ લીધો. રામ જે ગાડીમાં કોલકાતાથી આવ્યા હતા તે જ ઘોડાગાડીમાં ઠાકુરને પાણિહાટિ લાવવામાં આવ્યા. એ જ ગાડીમાં રાખાલ, માસ્ટર, રામ, ભવનાથ અને બીજા એક બે ભક્તો બેઠા. તેમાંથી એક જણ ગાડીના છાપરા ઉપર બેઠો હતો.

ચૈતન્ય મહાપ્રભુ અને શ્રીઠાકુરે કીર્તનાનંદે પવિત્ર કરેલ પાણિહાટિનું વટવૃક્ષ

ગાડી મેગેઝિન રોડ પર થઈને ચાનકના મોટા રોડ (ટ્રંક રોડ) પર જઈ પહોંચી. જતાં જતાં ઠાકુર યુવક-ભક્તો સાથે વિનોદ કરી રહ્યા છે.

પાણિહાટિના મહોત્સવમાં શ્રીરામકૃષ્ણનો મહાભાવ

ગાડી પાણિહાટિના મહોત્સવ-સ્થાનમાં પહોંચતાંની સાથે જ રામ વગેરે ભક્તો તો જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયા કે ઠાકુર એક જરાક પહેલાં તો હજી આનંદ-મજાક કરતા હતા, તે ગાડીમાંથી અચાનક એકલા ઊતરી પડીને તીરવેગે દોડી જઈને ગુમ થયા છે! તેઓએ કેટલીય શોધ કરી ત્યારે દેખાયું કે નવદ્વીપ ગોસ્વામીની કીર્તન-મંડળીની વચમાં ઠાકુર નૃત્ય કરી રહ્યા છે, અને વચ્ચે વચ્ચે સમાધિ-મગ્ન થતા જાય છે. તેમને સમાધિ-મગ્ન જોઈને વખતે પડી જાય, એટલા માટે શ્રીયુત્ નવદ્વીપ ગોસ્વામી તેમની ખૂબ સંભાળ લઈ રહ્યા છે. ચારે બાજુએ ભક્તો હરિ-ધ્વનિ કરીને ઠાકુરને ચરણે પુષ્પો અને પતાસાં ફેંકી રહ્યા છે અને એક વાર તેમનાં દર્શન કરવા માટે ધક્કાધક્કી કરી રહ્યા છે. ઠાકુર અર્ધ-બાહ્ય દશામાં નૃત્ય કરી રહ્યા છે.

શ્રીરાધા-કૃષ્ણનું મંદિર, પાણિહાટિ

બાહ્ય ભાનમાં આવતાં નામ-સંકીર્તન ઉપાડ્યુંઃ

‘જેમનાં હરિનામ લેતાં નયન ઝરે, અરે એવા એવા બે ભાઈ આવ્યા છે રે…

જેઓ પોતે નાચી જગત નચાવે, અરે એવા એવા બે ભાઈ આવ્યા છે રે…

(જેઓ પોતે રડી, જગત રડાવે), અરે એવા એવા બે ભાઈ આવ્યા છે રે…

(જેઓ માર ખાઈ પ્રેમ યાચે છે), એવા ગૌર-નિતાઈ બે આવ્યા છે રે…

ઠાકુરની સાથે સહુ કોઈ ઉન્મત્ત થઈને નાચવા લાગ્યા છે અને અનુભવ કરે છે કે, ગૌર-નિતાઈ આપણી સામે જ નાચી રહ્યા છે! ઠાકુરે વળી ગીત ઉપાડ્યુંઃ

નદિયા ડગમગ ડગમગ કરે, ગૌર પ્રેમના હિલ્લોળે,

ગૌર જુએ વૃંદાવન ભણી, ધારા વહે બેઉ નયને,

ભાવ થશે રે થશે, ભાવનિધિ શ્રીગૌરાંગને!

ભાવે હસે-રડે-નાચે-ગાય;

વન જોઈ વૃંદાવન ભાળે, સાગર જોઈ શ્રીયમુના ભાળે..

જેના અંતરે કૃષ્ણ અને બહાર ગૌર,

ગૌર પોતે જ પોતાનાં ચરણ પકડે, ગૌર ડૂસકે ડૂસકે રડે,

બોલે, ક્યાં રાધારાણી પ્રેમમયી વસે?

સંકીર્તન-તરંગ રાઘવ- મંદિરની તરફ આગળ વધી રહ્યો છે. ત્યાં પ્રદક્ષિણા તથા નૃત્ય કરીને અને શ્રીરાધા-કૃષ્ણની પ્રતિમાને પ્રણામ કરીને, ગંગાકુલના બાબુઓના સ્થાપિત શ્રીરાધા-કૃષ્ણના મંદિર તરફ આ તરંગાકાર જનસમુદાય આગળ વધી રહ્યો છે. શ્રીરાધા-કૃષ્ણના મંદિરમાં કીર્તન-મંડળીનો થોડોક જ ભાગ પ્રવેશ કરી શક્યો, મોટાભાગના લોકો પેસી ન શક્યા. તેઓ માત્ર બારણામાં ધક્કાધક્કી કરીને ડોક્યિાં કરે છે.

શ્રીરાધાકૃષ્ણમંદિરના આંગણમાં નૃત્ય

શ્રીરાધાકૃષ્ણ મંદિરનું આંગણ

શ્રીરાધા-કૃષ્ણમંદિરના આંગણામાં ઠાકુર વળી નૃત્ય કરે છે. કીર્તનના આનંદમાં ગદ્‌ગદ મતવાલા. વચ્ચે વચ્ચે સમાધિસ્થ થાય છે અને ચારેકોરથી પુષ્પો અને પતાસાં ચરણ પાસે પડી રહ્યાં છે. હરિ-નામનો અવાજ આંગણાની અંદર વારેવારે ઊઠે છે. રાજમાર્ગ પર પહોંચીને હજાર કંઠથી એ અવાજનો પડઘો પડવા લાગ્યો. ભાગીરથીના જળ પર જે બધી નૌકાઓ આવજા કરી રહી હતી તેમાંના મુસાફરો નવાઈ પામી જઈને આ સાગરનાં મોજાં સમો હરિ-ધ્વનિ સાંભળવા લાગ્યા અને પોતેય ‘હરિ બોલ’, ‘હરિ બોલ’ બોલવા લાગ્યા. પાણિહાટિના મહોત્સવમાં હજારોની સંખ્યામાં એકત્રિત થયેલાં નરનારીઓ વિચાર કરે છે કે આ મહાપુરુષની અંદર જરૂર શ્રીગૌરાંગ પ્રગટ થયા છે. એકબે જણ તો એમ પણ વિચારે છે કે આ પોતે જ એ સાક્ષાત્ ગૌરાંગ.

નાના આંગણામાં ઘણાં માણસો એકઠાં થઈ ગયાં છે. ભક્તો અતિશય સંભાળપૂર્વક ઠાકુર શ્રીરામકૃષ્ણને બહાર લાવ્યા.

શ્રી મણિ સેનના દીવાનખાનામાં શ્રીરામકૃષ્ણ

શ્રીમણિ સેન

ઠાકુર ભક્તોની સાથે શ્રીયુત્ મણિ સેનના દીવાનખાનામાં આવીને બેઠા. એ સેન કુટુંબની જ પાણિહાટિમાં શ્રીરાધા-કૃષ્ણની સેવા. અત્યારે તેઓ જ વરસો વરસ મહોત્સવનો સમારંભ કરતા આવે અને ઠાકુરને આમંત્રણ આપે.

મણિ સેનનું મકાન, પાણિહાટિ

ઠાકુર જરા વિસામો ખાઈ રહ્યા એટલે મણિ સેન અને તેમના ગુરુદેવ નવદ્વીપ ગોસ્વામીએ ઠાકુરને બીજા ઓરડામાં લઈ જઈને પ્રસાદ વડે તેમની સેવા કરી. થોડી વાર પછી રામ, રાખાલ, માસ્ટર, ભવનાથ વગેરે ભક્તોનેય બીજા એક ઓરડામાં બેસાડવામાં આવ્યા. ઠાકુર ભક્તવત્સલ. ઊભા રહીને આનંદ કરતાં કરતાં પોતે જ તેમને જમાડી રહ્યા છે.

Total Views: 354
ખંડ 13: અધ્યાય 14: શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે
ખંડ 14: અધ્યાય 2 : શ્રીયુત્ નવદ્વીપ ગોસ્વામીને ઉપદેશ