જમ્યા પછી ઠાકુર જરા આરામ કરી રહ્યા છે. ગાઢ નિદ્રા નહિ, તંદ્રા જેવું. શ્રીયુત્ મણિલાલ મલ્લિક જૂના બ્રાહ્મસમાજી આવ્યા અને પ્રણામ કરીને બેઠા. ઠાકુર હજી પણ સૂતા છે. વચ્ચે વચ્ચે મણિલાલ એકાદ બે વાતો કરે છે. ઠાકુરની અર્ધનિદ્રા-અર્ધ-જાગરણની અવસ્થા, એકાદ બે જવાબ આપે છે.

મણિલાલ: શિવનાથ નિત્યગોપાલની પ્રશંસા કરે છે. કહે છે કે તેની બહુ સારી અવસ્થા.

ઠાકુર હજીયે સૂતા છે, આંખમાં જાણે ઊંઘ ભરી છે. પૂછે છે, ‘હાજરાને વિશે તેઓ શું કહે છે?’

ઠાકુર ઊઠીને બેઠા, અને મણિલાલને ભવનાથની ભક્તિની વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ: આહા! તેનો કેવો ભાવ? કીર્તનનો આરંભ થતાં જ તેની આંખમાં પાણી આવે. હરીશને જોઈને એકદમ ભાવસમાધિ. કહે કે આ લોકો મજામાં છે. હરીશ વચ્ચે વચ્ચે ઘર છોડીને અહીં રહે ને એટલે.

ઠાકુર માસ્ટરને પૂછે છે, ‘વારુ, આ લોકોની ભક્તિનું કારણ શું? ભવનાથ વગેરે આ છોકરાઓને ઉદ્દીપન શા માટે થતું હશે?’ માસ્ટર મૂંગા રહ્યા.

શ્રીરામકૃષ્ણ: તમને ખબર છે? માણસો બધા દેખાવમાં એકસરખા લાગે, પરંતુ કોઈ કોઈની અંદર માવાનું પૂરણ! જેમ કોઈ કરંજાની અંદર અડદની દાળનું પૂરણ પણ હોઈ શકે અને માવાનું પૂરણ પણ હોઈ શકે, પરંતુ દેખાવમાં તો બધા એક સરખા. ઈશ્વરને ઓળખવાની ઇચ્છા, ઈશ્વર ઉપર પ્રેમભક્તિ, એનું જ નામ માવાનું પૂરણ.

ગુરુકૃપાથી મુક્તિ અને સ્વરૂપદર્શન – ઠાકુરનું અભયદાન

હવે ઠાકુર ભક્તોને અભય આપે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): કોઈ કોઈ એમ ધારે કે, આપણને જ્ઞાન-ભક્તિ આવવાનાં નથી, આપણે તો બદ્ધ જીવ. પણ ગુરુની કૃપા હોય તો કશો ભય નહિ. બકરાંના એક ટોળામાં એક વાઘણે કૂદકો માર્યો. તે હતી ગાભણી; એટલે છલાંગ મારતાં પ્રસવ થઈ ગયો ને બચ્ચું બહાર આવી પડ્યું. ને એ સાથે જ વાઘણ મરી ગઈ. એ બચ્ચું બકરાંની સાથે મોટું થવા લાગ્યું. બકરાં ઘાસ ખાય તેમ તે વાઘનું બચ્ચું પણ ઘાસ ખાય. બકરાં બેં બેં કરે તેમ પેલું વાઘનું બચ્ચુંય બેં બેં કરે. એમ કરતાં કરતાં એ બચ્ચું ખૂબ મોટું થયું. એક દિવસ એ બકરાંના ટોળામાં બીજો એક વાઘ આવી પડ્યો. એ પેલા ઘાસ ખાતા વાઘને જોઈને નવાઈ પામી ગયો, એટલે દોડી જઈને તેણે તેને જ પકડ્યો. પેલો બેં બેં કરવા લાગ્યો. તેથી બીજો વાઘ પહેલા વાઘને તાણી ખેંચીને પાણીની પાસે લઈ ગયો અને કહ્યુંઃ ‘આ પાણીમાં તારું મોઢું જો, છે ને બરાબર મારા જેવું? અને આ લે, થોડુંક માંસ ખા.’ એમ કહીને તેને જોર કરીને ખવડાવવા લાગ્યો. પેલો કોઈ રીતે ખાય નહિ, ઊલટો બેં બેં કરવા લાગ્યો. આખરે રક્તનો સ્વાદ ચાખીને તેણે માંસ ખાવાનો આરંભ કર્યો. એ પછી પેલા વાઘે કહ્યું, ‘સમજ્યો હવે? જે હું તે જ તું! હવે ચાલ જંગલમાં, મારી સાથે ચાલ્યો આવ.’ એટલે ગુરુ-કૃપા હોય તો કોઈ વાતનો ડર નહિ. ગુરુ સમજાવી દે કે તમે કોણ? તમારું સ્વરૂપ શું?

જરા સાધના કરતાં જ ગુરુ સમજાવી દે કે આ આમ થાય. પછી શિષ્ય પોતે જ સમજી શકે કે કયું સત્, કયું અસત્; ઈશ્વર જ સત્ય, આ સંસાર અસત્ય, અનિત્ય.’

કપટ સાધના પણ સારી – જીવનમુક્ત સંસારમાં રહી શકે

‘એક માછીમાર રાતના કોઈકના બગીચામાં પેસીને અંદરના તળાવમાં જાળ નાખીને ચોરીથી માછલાં પકડવા લાગ્યો. પણ માલિકને ખબર પડતાં તેણે પોતાના માણસોને મોકલીને તેને ચારે બાજુએ ઘેરી લીધો. એ લોકો મશાલ બશાલ સળગાવીને બગીચામાં ચોરને શોધવા લાગ્યા. આ બાજુ પેલો માછીમાર આખે શરીરે ભભૂત લગાવીને એક ઝાડની નીચે સાધુ થઈને બેસી ગયો. માણસોએ ઘણી શોધ કરીને જોયું તો માછીમાર-બાછીમાર કોઈ નથી, માત્ર એક ઝાડની નીચે એક સાધુ ભસ્મ લગાવીને ધ્યાનમગ્ન થઈને બેઠો છે. બીજે દિવસે સવારમાં આજુબાજુમાં વાત ફેલાઈ ગઈ કે એક મોટો મહાત્મા તેમના બગીચામાં આવ્યો છે. એ પરથી બધા લોકો ફળ, ફૂલ, પેંડા, મીઠાઈ વગેરે લઈને આવીને સાધુને પ્રણામ કરવા લાગ્યા. પુષ્કળ પૈસા પણ તેની સામે પડવા લાગ્યા. માછીમારને વિચાર આવ્યો કે શી નવાઈ! હું ખરેખરો સાધુ નથી, છતાં મારા પર લોકોની આટલી ભક્તિ! તો જો હું ખરેખરો સાધુ થાઉં તો જરૂર ભગવત્-પ્રાપ્તિ થાય, એમાં સંદેહ નહીં.’

કપટની (દેખાવની) સાધનાથીયે જો આટલી જાગૃતિ આવી તો સાચી સાધના કરી હોય તો તો કહેવાની વાત શી? કયું સત્, કયું અસત્, એ બધું સમજી શકાય, ઈશ્વર જ સત્ય, સંસાર અનિત્ય.

એક ભક્ત વિચાર કરે છે કે શું સંસાર અનિત્ય? માછીમારે પણ સંસારનો ત્યાગ કર્યો. તો પછી જેઓ સંસારમાં છે તેમનું શું? તેમણે શું ઘરબારનો ત્યાગ કરવો? શ્રીરામકૃષ્ણ અહેતુક કૃપાસિંધુ, ભક્તના મનનો વિચાર વાંચી લઈને તરત જ બોલવા લાગ્યા. જો કોઈ કારકુનને કોઈ કારણસર જેલમાં નાખે તો તે જેલ ભોગવે ખરો, પણ જ્યારે જેલમાંથી તેને છોડી મૂકવામાં આવે, ત્યારે તે શું રસ્તા પર આવીને ‘થેઈ થેઈ’ કરીને નાચતો ફરે? કે વળી પાછો કારકુની શોધી લે? એ પહેલાંનું કારકુનનું જ કામ કરે. ગુરુકૃપાથી જ્ઞાનપ્રાપ્તિ થયા પછીયે સંસારમાં જીવન્મુક્ત થઈને રહી શકાય.

એમ કહીને ઠાકુર શ્રીરામકૃષ્ણે સંસારી ભક્તોને અભયદાન આપ્યું.

Total Views: 305
ખંડ 13: અધ્યાય 2: પૂર્વકથા - શ્રીરામકૃષ્ણનો પ્રેમોન્માદ અને રૂપદર્શન
ખંડ 13: અધ્યાય 4: મણિલાલ વગેરે સાથે શ્રીરામકૃષ્ણ અને નિરાકારવાદ