મણિલાલ (શ્રીરામકૃષ્ણને): સંધ્યા-વંદન (જપધ્યાન) કરતી વખતે કયે ઠેકાણે ઈશ્વરનું ધ્યાન કરવું?

શ્રીરામકૃષ્ણ: હૃદય તો સૌથી ઉત્તમ, પ્રસિદ્ધ જગા. ત્યાં ધ્યાન કરો.

શ્રદ્ધા જ બધું – હલધારીની નિરાકારમાં શ્રદ્ધા – શંભુ મલ્લિકની શ્રદ્ધા

મણિલાલ બ્રાહ્મસમાજી, નિરાકારવાદી. ઠાકુર તેને ઉદ્દેશીને કહે છે કે ‘કુબીર (કબીર) કહેતા કે સાકાર મારી મા, નિરાકાર મારો બાપ; કોને નિંદું, કોને વંદું, બન્ને પલ્લાં ભારે!

‘હલધારી દિવસે સાકારવાદી અને રાતે નિરાકારવાદી રહેતો. (હાસ્ય). તે ગમે તે ભાવનો આધાર લો ને, પણ દૃઢ શ્રદ્ધા હોય તો બસ. સાકારમાં શ્રદ્ધા રાખો, યા નિરાકારમાં શ્રદ્ધા રાખો, પરંતુ તે સાચી હોવી જોઈએ.

પૂર્વકથા – પ્રથમ ઉન્માદ – ઈશ્વર કર્તા કે કાકતાલીય

શંભુ મલ્લિક બાગબજારથી પગે ચાલીને પોતાને બગીચે આવતો. ત્યારે કોઈએ કહ્યું કે ‘આટલો લાંબો પંથ, તે તમે ગાડી કરીને કેમ નથી આવતા? વચમાં કોઈ અકસ્માત થાય તો?’ એટલે શંભુ મોઢું લાલ કરીને બોલી ઊઠ્યાઃ ‘શું, હું ભગવાનનું નામ લઈને નીકળ્યો છું ને પછી વળી આફત?’

‘શ્રદ્ધાથી જ બધું થાય. હું કહેતો કે જો અમુકને મળું, જો અમુક ખજાનચી મારી સાથે વાત કરવા આવે તો ખરું માનું. અને હું જે ધારતો તે બરાબર સાચું પડતું.’

માસ્ટર અંગ્રેજી ન્યાયશાસ્ત્ર ભણ્યા છે. સવારમાં આવેલું સ્વપ્ન સાચું પડે (coincidence of dreams with actual events) એ માન્યતા ખોટા સંસ્કાર પરથી બંધાયેલી છે એ વાત તેમણે એમાં વાંચેલી. (Chapter on Fallacies)

એટલે તેમણે પૂછ્યુંઃ વારુ, કોઈ ઘટના સાચી ન પડી હોય એવું બનેલું?’

શ્રીરામકૃષ્ણ: ના, એ વખતે બધું ખરું પડતું. એ વખતે ભગવાનનું નામ લઈને જેમાં શ્રદ્ધા રાખતો તે બરાબર સાચું પડતું. (મણિલાલને) પણ તમને ખબર છે? મન સરલ ઉદાર ન હોય તો એવી શ્રદ્ધા આવે નહિ. બહાર દેખાઈ આવતાં હાડવાળો અને ઊંડી કે ત્રાંસી આંખવાળો, એવાં કેટલાંક લક્ષણવાળામાં શ્રદ્ધા જલદી આવે નહિ.

‘દક્ષિણે કેળ અને ઉત્તરે પૂંઈ (એક પ્રકારની ભાજી), એક કાળો બિલાડો શું કરું મૂઈ?’ (સૌનું હાસ્ય)

ભગવતીદાસી પ્રત્યે દયા – શ્રીરામકૃષ્ણ અને સતીત્વધર્મ

સંધ્યા થઈ. કામવાળી આવીને ઘરમાં ધૂપ કરી ગઈ. મણિલાલ વગેરે ચાલ્યા ગયા પછી એકાદ બે ભક્તો હજુ બેઠા છે. ઓરડો નિઃશબ્દ, ધૂપની સુવાસ મઘમઘે છે. ઠાકુર નાની પાટ ઉપર બેઠેલ છે, જગદંબાનું ચિંતન કરી રહ્યા છે. માસ્ટર જમીન પર બેઠેલા છે. રાખાલ પણ છે.

થોડીવાર પછી કાલી-મંદિરના માલિકોની દાસી ભગવતીએ આવીને દૂરથી પ્રણામ કર્યા. ઠાકુરે એને બેસવાનું કહ્યું. ભગવતી ઘણી જૂની દાસી. ઘણાં વરસથી કાલી-મંદિરના માલિકોના કુટુંબમાં છે. ઠાકુર તેને ઘણા વખતથી ઓળખે છે. જુવાન વયમાં તેનું ચારિત્ર્ય સારું ન હતું, પરંતુ ઠાકુર દયાના સાગર, પતિત-પાવન, તેની સાથે કેટલીયે જૂની વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ: હવે તો ઉંમર થઈ છે, પૈસા ટકા જે કમાઈ તે સાધુસંતોને ખવરાવે છે ને?

ભગવતી (સહેજ હસીને): એ હું મારે મોઢેથી કેમ કરીને કહું?

શ્રીરામકૃષ્ણ: કાશી, વૃંદાવન એ બધાં તીરથ કર્યાં?

ભગવતી (કંઈક સંકોચપૂર્વક): એ હું મારે મોઢેથી કેમ કરીને બોલી બતાવું? ત્યાં એક ઘાટ બંધાવી આપ્યો છે; ત્યાં પથ્થર ઉપર મારું નામ લખ્યું છે.

શ્રીરામકૃષ્ણ: વાત શી કરે છે?

ભગવતી – હા, નામ લખ્યું છેઃ શ્રીમતી ભગવતી દાસી!

શ્રીરામકૃષ્ણ (જરા હસીને): સારું, સારું.

એ વખતે ભગવતીએ હિંમત કરીને ઠાકુરને પગે હાથ લગાડીને પ્રણામ કર્યા.

વીંછી ડંખ મારતાં જેમ માણસ ચમકી ઊઠે અને બેબાકળો થઈને ઊભો થઈ જાય, તે જ પ્રમાણે શ્રીરામકૃષ્ણ બેબાકળા થઈને ‘ગોવિંદ’ ‘ગોવિંદ’ એ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં ઊભા થઈ ગયા. ઓરડાના ખૂણામાં ગંગાજળની એક કોઠી હતી, તે હજીયે છે, તેની પાસે જાણે કે ખૂબ ઉતાવળા ઉતાવળા હાંફતા હાંફતા ગયા અને પગે જે ઠેકાણે દાસીએ સ્પર્શ કર્યો હતો તે જગા ગંગાજળથી ધોવા લાગ્યા.

એક બે ભક્તો જેઓ ઓરડામાં બેઠા હતા, તેઓ નવાઈ પામીને અને સ્તબ્ધ થઈને એક નજરે એ ઘટના જોઈ રહ્યા છે. દાસી જીવતાં મરેલી જેવી થઈને બેઠેલી છે. દયાસિંધુ, પતિત-પાવન ઠાકુર શ્રીરામકૃષ્ણ દાસીને સંબોધીને કરુણાપૂર્ણ સ્વરે બોલે છે, ‘તમારે લોકોએ એમ ને એમ ત્યાંથી જ પ્રણામ કરવા.’ એમ કહીને પાછા પોતાની જગાએ જઈ ને દાસીને ભુલાવીને રાજી કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. ઠાકુર કહે છે, ‘જરા ભજન સાંભળ.’

ઠાકુર ભજન સંભળાવે છેઃ

ગીત (૧) – મસ્ત થયો મન-ભમરો શ્યામાપદ નીલ કમળે,

(શ્યામાપદ નીલ કમળે, કાળીપદ નીલ કમળે), વગેરે.

ગીત (૨) શ્યામા-પદ-આકાશ માંહી, મન-પતંગ ઊડતો હતો,

પાપ-વાયુ લાગીને ગોથું ખાઈને પડી ગયો.

ગીત (૩) પોતે પોતામાં રહો મન, જાઓ ના કોઈને ઘેરે,

જે જોઈએ તે બેઠે પામીશ, શોધો પોતાના અંતઃપુરે…

પરમ ધન આ પારસમણિ, માગીશ તે તે આપી શકે,

કેટલા મણિ પડેલા છે, મમ ચિંતામણિને પાછલે દ્વારે…

Total Views: 351
ખંડ 13: અધ્યાય 3: મણિલાલ વગેરે સાથે - ઠાકુર ‘અહેતુક કૃપાસિંધુ’
ખંડ 13: અધ્યાય 5: ઠાકુર શ્રીરામકૃષ્ણની પ્રથમ પ્રેમોન્માદ-કથા