પૂર્વકથા – દેવેન્દ્ર ટાગોર – દીન મુખરજી અને કુયાર સિંગ

આજ અમાસ, મંગળવાર, ઈ.સ. ૧૮૮૩. જૂનની ૫મી તારીખ. શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરમાં બિરાજે છે. રવિવારે જ ભક્ત સમાગમ વધુ થાય. આજ મંગળવાર હોવાને લીધે વધારે માણસો નથી. રાખાલ ઠાકુરની પાસે રહે છે. હાજરા પણ છે. તેણે ઠાકુરના ઓરડાની સામે ઓસરીમાં આસન લગાવ્યું છે. માસ્ટર ગયા રવિવારે આવ્યા છે અને ત્યારથી કેટલાક દિવસ ત્યાં રહેવા માટે રોકાયા છે.

સોમવારે રાત્રે મા કાલીની સામેના સભામંડપમાં કૃષ્ણ-લીલા થઈ હતી. ઠાકુરે જરા વાર સાંભળી હતી. આ લીલા રવિવારે રાત્રે થવાની હતી, પણ થઈ શકી નહિ, એટલે સોમવારે કરવામાં આવી હતી.

બપોરે જમ્યા પછી ઠાકુર ફરીથી પોતાના પ્રેમોન્માદની અવસ્થાનું વર્ણન કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): શી અવસ્થાઓ ગઈ છે? અહીં જમતો નહિ. વરાહનગરમાં કે દક્ષિણેશ્વર ગામમાં એડેદહમાં કોઈ પણ બ્રાહ્મણને ઘરે જઈ ચડતો. તે પણ સમય વિનાનો, કટાણે જઈને બેસી રહેતો. મોઢેથી એક શબ્દેય બોલતો નહિ. ઘરના માણસોમાંથી કોઈ કાંઈ પૂછતું તો માત્ર એટલું કહેતો કે ‘મારે અહીં જમવું છે.’ વધુ એક શબ્દ સરખોય નહિ. આલમબજારમાં રામ ચેટરજીને ઘેર જતો, તો ક્યારેક દક્ષિણેશ્વરમાં સાવર્ણ ચૌધરીને ઘેર. જમતો ખરો પણ ભાવતું નહિ, રસોઈમાં જાણે કે એક જાતની ગંધ આવતી.

દેવેન્દ્રનાથ ટાગોર

‘એક દિવસ મેં હઠ પકડી કે દેવેન્દ્ર ઠાકુરને ઘેર જવું છે. મથુરબાબુને કહ્યું કે દેવેન્દ્ર ભગવાનનું નામ લે છે, માટે તેને મળવું છે, મને લઈ જાઓ ને! મથુરબાબુને વળી ખૂબ અભિમાન. એ વળી એમ વગર તેડાવ્યે કોઈને ઘેર જાય? એ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા. ત્યાર પછી તેણે કહ્યું કે ‘હાં, દેવેન્દ્ર અને હું એક સાથે ભણ્યા હતા, એટલે ચાલો બાબા, લઈ જઈશ.’ એક દિવસે સાંભળ્યું કે બાગબજારના પુલની પાસે દીન મુખરજી કરીને એક સારો માણસ છે, ભક્ત છે. મેં મથુરબાબુને પકડ્યા, કે દીન મુખરજીને ત્યાં જવું છે. મથુરબાબુ શું કરે? ગાડી કરીને લઈ ગયા. પેલાનું ઘર સાવ નાનું. તેમાં વળી મોટી ગાડી લઈને એક મોટો માણસ આવેલ છે! એ લોકો તો સંકોચ પામી ગયા અને અમેય શરમિંદા થઈ ગયા. પેલાને ત્યાં વળી એ જ વખતે છોકરાની જનોઈનો પ્રસંગ, એટલે ઘર મહેમાનોથી ભરાઈ ગયેલું! અમને બેસાડે ક્યાં? અમે બાજુના ઓરડામાં જતા હતા, ત્યાં તેઓ બોલી ઊઠ્યા કે ‘એ ઓરડામાં બૈરાં બેઠાં છે, ત્યાં જતા નહિ.’ અમે તો સાવ ભોંઠા પડી ગયા.

પાછા વળતાં મથુરબાબુ કહે છે કે ‘બાબા! તમારું કહ્યું હવેથી સાંભળવાનો જ નથી.’ હું હસવા લાગ્યો.

‘શી અવસ્થાય ગઈ છે મારી? કુયાર સિંગે સાધુઓને ભંડારો આપ્યો. તેમાં મનેય નોતરું દીધું હતું. મેં જઈને જોયું તો ઘણાય સાધુઓ આવેલા છે. મારા બેઠા પછી તેઓમાંથી કોઈ કોઈ પરિચય પૂછવા લાગ્યા. જેવા પૂછવા લાગ્યા કે હું ઊઠીને અલગ બેસવા ગયો. મને લાગ્યું કે આટલી બધી પંચાતની શી જરૂર? ત્યાર પછી જેવા સહુને પાતળ પીરસીને ભોજન પર બેસાડ્યા, એટલે કોઈ કાંઈ કહે ન કહે તે પહેલાં જ હું તો ખાવા લાગ્યો. મેં સાંભળ્યું કે, સાધુઓ કોઈ કોઈ કહેવા લાગ્યા, ‘અરે યે ક્યા રે!’

Total Views: 390
ખંડ 13: અધ્યાય 4: મણિલાલ વગેરે સાથે શ્રીરામકૃષ્ણ અને નિરાકારવાદ
ખંડ 13: અધ્યાય 6: હાજરા સાથે કથા - ગુરુશિષ્ય-સંવાદ