સમય પાંચ વાગ્યાનો છે. ઠાકુર ઓસરીને અડીને પગથિયાંની જે સીડી છે તેના પર બેઠા છે. રાખાલ, હાજરા અને માસ્ટર પાસે બેઠા છે. હાજરાના મનનો ભાવ સોહમ્ (હું જ તે પરમાત્મા).

શ્રીરામકૃષ્ણ (હાજરાને): હાં, બધી ગરબડ મટી જાય. તે જ (આત્મા જ) આસ્તિક તેમજ નાસ્તિક; તે જ સારું, તે જ નરસું; તે જ સત્, તે જ અસત્. જાગવું ઊંઘવું એ બધી અવસ્થા તેની જ. તેમજ વળી તે એ બધી અવસ્થાઓથી પર.’

‘એક ખેડૂતને મોટી ઉંમરે એક દીકરો થયો. એ છોકરાને તે ખૂબ જતનપૂર્વક સાચવે. છોકરો ધીમે ધીમે મોટો થયો. એક દિવસ ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો છે. એવે સમયે એક જણે આવીને ખબર આપ્યા કે છોકરો બહુ જ માંદો થઈ ગયો છે; મરવાની અણી ઉપર છે. તરતોતરત ખેડૂત ઘેર આવ્યો, પણ ત્યાં તો છોકરો મરી ગયો હતો અને સ્ત્રી ખૂબ રડારોળ કરી રહી હતી. પરંતુ ખેડૂતની આંખમાં જરાય પાણી દેખાયાં નહિ. એથી સ્ત્રી પાડોશીઓ પાસે જઈને વધુ શોક કરવા લાગી કે આવો રતન જેવો દીકરો ચાલ્યો ગયો પણ એમની આંખમાં આંસુનું ટીપું સરખુંય નહિ. કેટલીક વાર પછી ખેડૂત પોતાની સ્ત્રીને કહે છે કે હું શું કરવા રડતો નથી ખબર છે? કાલે મને એક સ્વપ્નું આવ્યું હતું. તેમાં હું રાજા થયો હતો અને સાત દીકરાનો બાપ થયો હતો. એ સાતે દીકરા ગુણવાન, કેટલા સુંદર અને હોશિયાર. એ બધા મોટા થયા, વિદ્યા ભણીગણીને રાજ્યનો કારભાર ચલાવવા લાગ્યા. એટલામાં મારી ઊંઘ ઊડી ગઈ. હવે હું તો વિચારમાં પડી ગયો છું કે મારા એ સાત દીકરાઓને માટે રોઉં કે તારા આ એક દીકરાને રોઉં?’ જ્ઞાનીઓને હિસાબે સ્વપ્ન-અવસ્થા જેટલી સાચી, જાગ્રત અવસ્થાય તેટલી જ સાચી!

ઈશ્વર જ કરવાવાળો, તેની ઇચ્છાથી જ બધું થાય છે.

હાજરા: પણ એ સમજાવું બહુ કઠણ. ભૂકૈલાસના સાધુને કેટલું કષ્ટ દઈને એક પ્રકારે મારી જ નાંખવામાં આવ્યો. સાધુ સમાધિ અવસ્થામાં મળી આવેલો. લોકો ક્યારેક તેને જમીનમાં દાટે, ક્યારેક પાણીમાં ડુબાડે, ક્યારેક શરીરે ડામ દે. એમ કરી કરીને ચેતન આણ્યું. પણ આ બધા ત્રાસને અંગે તેનું શરીર છૂટી ગયું. માણસોએ ત્રાસ આપ્યો, ને ઈશ્વરની ઇચ્છાથી તે મરીયે ગયો.

(Problem of Evil and the Immortality of the Soul)

અનિષ્ટની સમસ્યા અને આત્માની અમરતા

શ્રીરામકૃષ્ણ: જેનું જેવું કર્મ, તેવું ફળ તે પામે. પરંતુ ઈશ્વરની ઇચ્છાથી જ તે સાધુનો દેહત્યાગ થયો. વૈદ્યો શીશીની અંદર મકરધ્વજ તૈયાર કરે. તેમાં ચારે બાજુ માટીનો લેપ લગાડીને એ બાટલીને અગ્નિમાં નાખી રાખે. બાટલીની અંદર સોનું હોય. તે સોનું અગ્નિની આંચથી બીજી ચીજોની સાથે મળીને મકરધ્વજ બને. એ તૈયાર થઈ જાય એટલે વૈદ્ય બાટલી કાઢી લઈને આસ્તે આસ્તે ભાંગીને અંદરનો મકરધ્વજ કાઢીને રાખી મૂકે. એ પછી બાટલી રહી તોય શું ને ગઈ તોય શું? તેમ માણસો માને કે સાધુને મારી નાખ્યો. પણ કદાચ તેની અંદર વસ્તુ તૈયાર થઈ ગઈ હશે. ભગવત્-પ્રાપ્તિ થઈ ગયા પછી શરીર રહે તોય શું ને ગયું તોય શું?

સાધુ અને અવતાર વચ્ચેનો ભેદ

ભૂકૈલાસનો સાધુ સમાધિમાં હતો. સમાધિનાય ઘણા પ્રકાર છે. હૃષીકેશના સાધુએ કરેલા સમાધિના વર્ણન સાથે મારી અવસ્થાઓ બરાબર મળતી આવી હતી. ક્યારેક જોઉં તો શરીરની અંદર વાયુ (કુંડલિની) ચડે છે, તે કીડીની પેઠે. ક્યારેક વળી સડાક્ સડાક્ કરીને ચડે, જેમ વાંદરો એક ડાળીથી બીજી ડાળે કૂદતો કૂદતો જાય તેમ. ક્યારેક માછલીની જેવી ગતિ હોય. જેને થાય તેને જ આ સમજાય. એ વખતે જગત ભુલાઈ જાય. મન જરાક નીચે ઊતરે તે પછી બોલી શકું કે ‘મા! મને સ્વસ્થ કરી દો, તો હું વાતો કરું.’

‘ઈશ્વરકોટિ (અવતારાદિ) સિવાય બીજા સાધારણ જીવો સમાધિ પ્રાપ્ત થયા પછી પાછા (જાગ્રતમાં) ઊતરી શકે નહિ. જીવકોટિમાંથી કોઈ કોઈ સાધનાના બળે સમાધિસ્થ થાય, પરંતુ પાછા ફરે નહિ. ભગવાન પોતે જ્યારે મનુષ્ય થઈને આવે, અવતાર લે ત્યારે જીવોની મુક્તિની ચાવી તેમના હાથમાં રહે. એ અવતાર-પુરુષ સમાધિમાં ગયા પછીયે નીચે આવે, લોકોના કલ્યાણને માટે.

માસ્ટર (સ્વગત): જીવોની મુક્તિની ચાવી શું ઠાકુરના હાથમાં?

હાજરા: ઈશ્વરને સંતુષ્ટ કરી શકીએ એટલે બસ. અવતાર હો યા ન હો.

શ્રીરામકૃષ્ણ (હસીને): હાં, હાં, વિષ્ણુપુરમાં રજિસ્ટ્રારની મોટી ઓફિસ છે. ત્યાં રજિસ્ટર કરી શકીએ તો ગોઘાટે ગરબડ રહે નહિ.

ગુરુશિષ્ય-સંવાદ – શ્રીમુખ-કથિત ચરિતામૃત

આજ મંગળવાર, અમાવાસ્યા. સંધ્યા થઈ, દેવમંદિરોમાં આરતી થઈ રહી છે. બાર શિવમંદિરમાંથી, શ્રી રાધાકાંતના મંદિરમાંથી અને શ્રી ભવતારિણીના મંદિરમાંથી શંખ, ઘંટા વગેરેના મંગલ અવાજ આવી રહ્યા છે. આરતી સમાપ્ત થઈ એટલે થોડીવાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાંથી દક્ષિણ બાજુની ઓસરીમાં આવીને બેઠા. ચારે બાજુ અંધકાર. માત્ર દેવમંદિરમાં ઠેકઠેકાણે દીવા બળી રહ્યા છે. ભાગીરથીની વિશાળ કાયા પર આકાશની કાળી છાયા પડી છે. આજે અમાસ છે. ઠાકુર સહેજે ભાવમય, પણ આજ ભાવ વધુ ગાઢ થયો છે. વચ્ચે વચ્ચે ઠાકુર શ્રીમુખે ૐ નું ઉચ્ચારણ અને જગદંબાનું નામસ્મરણ કરી રહ્યા છે. ગ્રીષ્મઋતુ, ઓરડાની અંદર બહુ જ ગરમ છે એટલે ઠાકુર ઓસરીમાં આવ્યા છે. એક ભક્તે એક ‘મછલંદ’ની (અતિ સૂક્ષ્મ, ઉત્કૃષ્ટ પ્રકારની શણગારયુક્ત) ચટાઈ આપી છે તે ઓસરીમાં પાથરવામાં આવી. ઠાકુરનું માનું ચિંતન અહર્નિશ ચાલે. સૂતાં સૂતાં મણિની સાથે ‘ઘુસપુસ, ઘુસપુસ’ વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ: જુઓ, ઈશ્વરનાં દર્શન કરી શકાય. … ને ઈશ્વર-દર્શન થયાં છે, પરંતુ કોઈને બોલતા નહિ. વારુ, તમને ઈશ્વરનું રૂપ ગમે કે નિરાકાર ગમે?

મણિ: જી, અત્યારે જરા નિરાકાર ગમે, પણ જરા જરા એ પણ સમજું છું કે ઈશ્વર જ આ બધું સાકારરૂપે થઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ: જુઓ, મને બેલઘરિયામાં મોતિલાલ શીલને ત્યાં તળાવ જોવા ગાડી કરીને લઈ જશો? ત્યાં પાણીમાં મમરા નાંખો એટલે માછલાં બધાં આવીને મમરા ખાય. અહા! માછલાં ગેલ કરતાં ફર્યા કરે એ જોઈને ખૂબ આનંદ થાય. એ જોઈને તમનેય ઈશ્વરીય ભાવનું ઉદ્દીપન થશે. જાણે કે સચ્ચિદાનંદ સાગરમાં આત્મારૂપી મીન ક્રીડા કરી રહ્યું છે. તેમજ ખૂબ મોટા મેદાનમાં ઊભા રહીએ તો પણ ઈશ્વરીય ભાવ ઉત્પન્ન થાય; જાણે કે હાંડલી માંહેનું માછલું સરોવરમાં આવ્યું.

ઈશ્વરનાં દર્શન કરવાં હોય તો સાધનાની જરૂર. મારે કઠોર સાધના કરવી પડી છે. બીલીના ઝાડ નીચે કેટલાય પ્રકારની સાધના મેં કરી છે. ઝાડ નીચે હું પડ્યો રહેતો. ‘મા દર્શન દો’ એમ કહીને આંખનાં આંસુથી અંગ ભીંજાઈ જતું.

મણિ: આપે કેટલી બધી સાધના કરી છે! અને માણસોને શું એક ક્ષણમાં ઈશ્વર-પ્રાપ્તિ થઈ જાય? ઘરની ચારે બાજુએ આંગળી ફેરવ્યે શું દીવાલ ઊભી થઈ જાય?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): અમૃત કહે છે કે એક જણ તાપણું કરે તો દસ જણ તાપે. અને બીજી એક વાતઃ નિત્યે પહોંચીને લીલામાં રહેવું સારું.

મણિ: આપ કહો છો કે લીલા વિલાસને માટે.

શ્રીરામકૃષ્ણ: ના. લીલા પણ સાચી. અને જુઓ જ્યારે જ્યારે અહીં આવવું ત્યારે હાથમાં કંઈક લઈને આવવું. પોતે મોઢેથી આ કહેવું ન જોઈએ, અભિમાન થાય. અધર સેનને પણ કહું છું કે ભલે ને એક પૈસાનું પણ કાંઈક લેતા આવવું. ભવનાથનેય કહું છું કે એક પૈસાનાં પાન લેતો આવજે. ભવનાથની કેવી ભક્તિ છે તે જોયું છે? નરેન્દ્ર અને ભવનાથ જાણે નરનારી. ભવનાથ નરેન્દ્રનો અનુગત. નરેન્દ્રને ગાડી કરીને લાવજો. કંઈક ખાવાનું લેતા આવવું. એથી બહુ જ સારું થશે.

જ્ઞાનપથ અને નાસ્તિકતા – Philosophy and Scepticism

જ્ઞાન અને ભક્તિ, એ બંનેય માર્ગ. ભક્તિમાર્ગમાં આચાર જરા વધુ પાળવો પડે. જ્ઞાનમાર્ગમાં જો કોઈ અનાચાર કરે તો તે નષ્ટ થઈ જાય. મોટો અગ્નિ સળગાવ્યે કેળાનું ઝાડ સુધ્ધાં જો અંદર નાંખો તો બળી જાય. જ્ઞાનીનો માર્ગ વિચાર-માર્ગ. વિચાર કરતાં કરતાં કદાચ ક્યારેક નાસ્તિક ભાવ પણ આવી પડે. ભક્તને અંતઃકરણથી ભગવાનને જાણવાની ઇચ્છા હોય તો નાસ્તિકભાવ આવે તોય તે ઈશ્વર-ચિંતન છોડે નહિ. જેના બાપદાદા ખેતર ખેડતા આવ્યા છે, તેઓ લીલાસૂકા વરસમાં પાક ન આવે તોય ખેડ કરે જ.

ઠાકુર તકિયાની ઉપર માથું રાખીને સૂતાં સૂતાં વાતો કરી રહ્યા છે. વચ્ચે મણિને કહે છે કે, ‘મારે પગે જરા કળતર થાય છે, તો જરા હાથ ફેરવી દો તો.’

મણિ આ અહેતુક કૃપાસિંધુ ગુરુદેવનાં શ્રીચરણકમલની સેવા કરતાં કરતાં શ્રીમુખથી નીકળતો વેદધ્વનિ સાંભળી રહ્યા છે.

Total Views: 431
ખંડ 13: અધ્યાય 5: ઠાકુર શ્રીરામકૃષ્ણની પ્રથમ પ્રેમોન્માદ-કથા
ખંડ 13: અધ્યાય 7: ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં - શ્રીયુત્ રાખાલ, રામ, કેદાર, તારક, માસ્ટર વગેરે ભક્તો સાથે