દક્ષિણેશ્વરના મંદિરમાં ઠાકુરનાં શ્રીચરણકમળની પૂજા

ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ સંધ્યા-આરતી થઈ ગયા પછી દક્ષિણેશ્વર કાલીમંદિરમાં દેવી-પ્રતિમાની સન્મુખે ઊભા ઊભા દર્શન કરી રહ્યા છે અને ચામર લઈને થોડીક વાર વાયુ ઢોળે છે.

ગ્રીષ્મકાળ. (શુક્રવાર) જેઠ સુદ ત્રીજ. તા. ૮મી જૂન, ૧૮૮૩. આજે સંધ્યાકાળ થઈ ગયા પછી કોલકાતાથી રામ, કેદાર (ચેટરજી), તારક, ઠાકુરને માટે ફૂલ, ફળ, મીઠાઈ વગેરે લઈને એક ઘોડાગાડી કરીને આવ્યા છે.

શ્રીયુત્ કેદારની ઉંમર લગભગ પચાસ હશે. એ મહાનભક્ત. ઈશ્વરસંબંધે વાતો થતાં જ તેનાં નેત્રો જળથી ભરાઈ જાય. પહેલાં બ્રાહ્મ-સમાજમાં આવજા કરતા, ત્યાર પછી કર્તા-ભજા, નવરસિક વગેરે કેટલાય પંથોમાં ભળીને છેવટે ઠાકુર શ્રીરામકૃષ્ણનાં ચરણનું શરણ લીધું છે. સરકારમાં એકાઉન્ટન્ટનું કામ કરે છે. તેનું ઘર કાંચનપાડાની નજીક હાલિસહર ગામમાં.

શ્રીયુત્ તારકની ઉંમર ૨૪ વરસ હશે. વિવાહ કર્યો હતો પણ થોડાક દિવસોમાં જ પત્ની પરલોકવાસી થઈ. તેમનું ઘર બારાસત ગામમાં. તેમના પિતા એક ઉચ્ચ કોટિના સાધક. તેમણે શ્રીરામકૃષ્ણનાં ઘણીયે વાર દર્શન કર્યાં હતાં. તારકની બા ગુજરી જતાં, તારકના પિતાએ ફરીવાર લગ્ન કર્યું હતું.

તારક રામને ઘેર હમેશાં આવજા કર્યા કરે. તેમની અને નિત્યગોપાલની સાથે તારક ઘણે ભાગે ઠાકુરનાં દર્શન કરવા આવે. હજીયે તે એક ઓફિસમાં કામ કરે છે, પણ હંમેશાં સંસાર પ્રતિ ઉદાસભાવ.

ઠાકુર શ્રીરામકૃષ્ણે કાલી-મંદિરમાંથી બહાર આવીને ઓટલા પર જમીન પર માથું નમાવીને માતાજીને પ્રણામ કર્યા. જુએ છે તો રામ, માસ્ટર, કેદાર, તારક વગેરે ભક્તો ત્યાં ઊભેલા છે.

શ્રીયુત્ તારક પ્રત્યે સ્નેહ – કેદાર અને કામિનીકાંચન

તેમાંથી ઠાકુર તારકની હડપચીએ હાથ લગાડીને સ્નેહ દર્શાવી રહ્યા છે. તેને જોઈને બહુ જ રાજી થયા છે. ઠાકુર ભાવ-મગ્ન થઈને પોતાના ઓરડામાં નીચે બેઠેલા છે. પગ બંને લાંબા કર્યા છે. રામ અને કેદારે જાતજાતનાં ફૂલ અને માળાઓથી ઠાકુરનાં ચરણકમલ શણગાર્યાં છે. ઠાકુર સમાધિમગ્ન. કેદારનો નવરસિકોના જેવો ભાવ. ઠાકુરનાં ચરણનો અંગૂઠો પકડી રાખ્યો છે, હેતુ એ કે એમ કરવાથી પોતામાં શક્તિ-સંચાર થાય. ઠાકુર જરા સ્વસ્થ થઈને બોલી ઊઠે છે, ‘મા, આંગળું પકડીને મારું શું કરી લેવાનો?’ કેદાર નમ્રભાવે હાથ જોડી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (કેદારને ભાવઅવસ્થામાં): કામિની-કાંચન મન તાણે છે તમારું; મોઢેથી બોલ્યે શું વળે, કે મારું એમાં મન નથી?

‘આગળ વધો. ચંદનના વનથી આગળ એથીયે વધુ છે, રૂપાની ખાણ, સોનાની ખાણ, હીરામાણેક વગેરે. એક જરાક ચેતન આવ્યું છે એટલે એમ માની લો મા કે બધુંય થઈ ગયું!’

ઠાકુર વળી પાછા જગન્માતાની સાથે વાતો કરી રહ્યા છે. બોલે છે કે ‘મા, આને હટાવી લો!’ એ સાંભળતાં જ કેદારનું ગળું સૂકાઈ ગયું! ભયભીત થઈને રામને કહે છે, ‘ઠાકુર આ શું કહે છે!’

અવતાર અને પાર્ષદ

શ્રીયુત્ રાખાલને જોઈને ઠાકુર વળી ભાવમગ્ન થાય છે. રાખાલને સંબોધીને કહે છેઃ ‘હું ઘણાય દિવસ થયાં અહીંયાં આવ્યો છું. તું ક્યારે આવ્યો?’

ઠાકુર શું સૂચન કરીને બોલી રહ્યા છે કે પોતે ઈશ્વરનો અવતાર, અને રાખાલ તેમનો એક પાર્ષદ, અંતરંગ ગણ?

Total Views: 321
ખંડ 13: અધ્યાય 6: હાજરા સાથે કથા - ગુરુશિષ્ય-સંવાદ
ખંડ 13: અધ્યાય 8: દક્ષિણેશ્વરમાં મણિરામપુર અને બેલઘરિયાના ભક્તો સંગે