શ્રીરામકૃષ્ણનું આત્મચરિત્ર-કથન

ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં પોતાના ઓરડામાં ક્યારેક ઊભા ઊભા તો ક્યારેક બેઠા બેઠા ભક્તો સાથે વાતો કરે છે.

આજ રવિવાર, ૧૦મી જૂન, ઈ.સ. ૧૮૮૩. જેઠ સુદ પાંચમ, દશેક વાગવાનો સમય. રાખાલ, માસ્ટર, લાટુ, કિશોરી, રામલાલ, હાજરા વગેરે કેટલાય છે.

ઠાકુર પોતાના ચરિત્રનું, પૂર્વ-ઇતિહાસનું વર્ણન કરે છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): ત્યાં દેશમાં નાનપણમાં મને સ્ત્રીપુરુષો સૌ ચાહતાં. મારાં ગીત સાંભળતાં. તેમ વળી હું લોકોની આબેહૂબ નકલ કરી શકતો. એ બધું તેઓ જોતાં અને સાંભળતાં. તેમના ઘરની વહુઓ મારા સારુ ખાવાની ચીજો રાખી મૂકતી. કોઈ મારા પર અવિશ્વાસ રાખતું નહિ. સૌને લાગતું કે જાણે ઘરનો છોકરો.

‘પરંતુ હું સુખિયું કબૂતર હતો. જ્યાં સારો મજાનો સુખી સંસાર જોતો, ત્યાં આવજા કરતો. જે ઘરમાં દુઃખ, આફત વગેરે જોતો ત્યાંથી ભાગતો.

‘છોકરાઓમાં એકબે સારા સ્વભાવના જોતાં તેમની સાથે ખૂબ પ્રીતિ રાખતો. કોઈ કોઈની સાથે તો દોસ્તી બાંધતો. પણ અત્યારે તો તેઓ સંસાર-વહેવારના કીડા થઈ ગયા છે. અત્યારે તેઓમાંથી કોઈ કોઈ અહીંયાં આવે, ત્યારે આવીને મને કહેશે, ‘વોય મા! તું જેવો પાઠશાળામાં હતો, અલ્યા, અહીંયાં પણ તેવો જ છો!’

‘પાઠશાળામાં અંકગણિતના દાખલા ગણતાં માથું ભમતું. પણ ચિત્રો સરસ દોરી શકતો; અને નાની નાની દેવમૂર્તિ સરસ બનાવી શકતો.

(Fond of Charitable Houses, Ramayana and Mahabharata)

સદાવ્રત, આતિથ્યભાવના અને રામાયણ-મહાભારત પ્રત્યે પ્રેમ

સદાવ્રત, અતિથિશાળા જ્યાં નજરે ચડતાં ત્યાં જતો; જઈને કેટલીયે વાર સુધી ઊભો ઊભો જોયા કરતો.

જો ક્યાંય રામાયણ કે ભાગવતનો પાઠ થતો હોય તો ત્યાં જઈને બેઠો બેઠો સાંભળતો. પણ જો વાંચનારો ઢોંગ કરીને સૂર કાઢીને વાંચતો તો એની નકલ કરતો અને બીજા લોકોને સંભળાવતો.

બૈરાંના ઢોંગ સારી રીતે સમજી શકતો. તેમની વાતો, અવાજ વગેરેની નકલ કરતો. બાળવિધવા બાપને જવાબ આપે છે, ‘એ-આવી-ઈ-ઈ-ઈ’. ચારિત્ર્ય ભ્રષ્ટ સ્ત્રીઓ ઓસરીમાં આવી મોટે અવાજે બોલે, ‘ઓ તપસે (એક પ્રકારની માછલી) માછલીવાળા.’ એવી સ્ત્રીને હું પારખી શકતો. એવી વિધવાએ સીધો સેંથો પાડેલો હોય અને ખૂબ હોંસે હોંસે અંગે તેલ ચોળીને નાહવા બેસે, લાજશરમ ઓછી, એની બેસવાની રીત જ જુદી.

‘જવા દો એ બધી સંસારીઓની વાતો.’

ઠાકુર રામલાલને ગીત ગાવાનું કહે છે. શ્રીયુત્ રામલાલ ગીતો ગાય છેઃ

ગીત (૧) કોણ રણે નાચે છે વામા નીરદવરણી!

રક્ત સરોવર માંહી તરે જાણે નીલનલિની!

કોણ આ ધૂર્ણિતલોચની ત્રિનયની દિગંબરી?

ડગ ભરે ધરાધર અસ્થિર ધરણી,

એમ જાણી શ્રીચરણે પડી રહ્યા શૂલપાણિ.

હવે રામલાલ રાવણવધ થયા પછી મંદોદરીના વિલાપનું ગીત ગાય છે.

ગીત (૨) કાંત, તમે આ શું કર્યું? અબલાના પ્રાણ હે કાંત,

આ પ્રાણના અંત વિના, થાય ના શાંત.

રામનામમાં શ્રીરામકૃષ્ણ વિહ્વળ – ગોપીપ્રેમ

એ સાંભળતાં સાંભળતાં ઠાકુર અશ્રુ સારી રહ્યા છે અને કહે છે કે ‘હું ઝાઉતલા (શરુ વૃક્ષઝુંડ) નીચે શૌચ ગયો ત્યારે આ સાંભળ્યું હતું. એક નૌકાનો ખલાસી હોડીમાં આ ગીત ગાતો હતો. ઝાઉતલા નીચે જ્યાં સુધી બેઠો હતો ત્યાં સુધી માત્ર રડ્યા જ કર્યું હતું. મારો હાથ ઝાલીને ઘરમાં લઈ આવ્યા હતા.

ગીત (૩) સૂણ્યું કે રામ તારક-બ્રહ્મ, માનવ નહિ રામ જટાધારી;

પિતાનો શું નાશવા વંશ, તેથી સીતાની કરી છે ચોરી? …

અક્રૂર શ્રીકૃષ્ણને રથમાં બેસાડીને મથુરા લઈ જાય છે. એ જોઈને ગોપીઓએ રથનાં પૈડાંને મજબૂત પકડી રાખ્યાં છે અને કોઈ રથનાં પૈડાંની આગળ સૂઈ ગઈ છે. તેઓ અક્રૂરનો વાંક કાઢે છે. શ્રીકૃષ્ણ પોતાની ઇચ્છાથી જાય છે એ તેઓ જાણતી નથી.

ગીત (૪) ધરો મા ધરો મા રથચક્ર, રથ શું ચક્રે ચાલે?

જે ચક્રના ચક્રી હરિ, જેના થકી જગત ચાલે,

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): ગોપીઓનો શો સ્નેહ, કેવો પ્રેમ! શ્રીમતીએ પોતાને હાથે શ્રીકૃષ્ણનું ચિત્ર દોર્યું, પરંતુ પગ દોર્યા નહિ; પાછા એ મથુરા ચાલ્યા જાય તો!

‘હું આ બધાં ગીતો નાનપણમાં ખૂબ ગાતો. કોઈ કોઈ લીલાનાં તો આખેઆખાં આખ્યાન ગાઈ બતાવી શકતો; કોઈ કોઈ તો એમ સુધ્ધાં કહેતું કે હું કાલીયદમન-લીલાની મંડળીમાં હતો.

એક ભક્ત અંગે નવો ખેસ નાખીને આવ્યો છે. રાખાલનો નાના છોકરા જેવો સ્વભાવ, તે કાતર લાવીને તેના ખેસની લટકતી કિનારના છેડા કાપવા જાય છે.

ઠાકુર બોલ્યા, ‘શું કામ કાપે છે? ભલેને રહ્યા, શાલની પેઠે સરસ દેખાય છે! હેં ભાઈ, આની શું કિંમત બેઠી?’ એ દિવસોમાં વિલાયતી ચાદરની કિંમત ઓછી હતી. ભક્ત બોલ્યો કે ‘એક રૂપિયો છ આને જોડી.’ ઠાકુર કહે છે કે ‘શું કહો છો? જોડી? એક રૂપિયો અને છ આને જોડી?’

થોડીક વાર પછી ઠાકુર ભક્તને કહે છે કે, ‘જાઓ ગંગામાં નાહી આવો; અરે, આમને ચોળવા તેલ દેજે.’

ગંગાસ્નાન પછી એ આવ્યા એટલે ઠાકુરે છાજલી પરથી એક કેરી લઈને તેને આપી. કહે છે કે ‘આ કેરી આમને જ દઉં; એમણે ત્રણ પાસ કરી છે. વારુ, તમારા ભાઈને હવે કેમ છે?’

ભક્ત: હાં, એને યોગ્ય દવા આપી છે; હવે એની અસર થાય એટલે બસ.

શ્રીરામકૃષ્ણ: એને એકાદી નોકરી ગોતી દઈ શકો? વારુ, ત્યારે તમે મુરબ્બી થઈ શકો.

ભક્ત: એને આરામ થાય એટલે સૌ સારાં વાનાં થઈ રહેશે.

Total Views: 364
ખંડ 13: અધ્યાય 7: ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં - શ્રીયુત્ રાખાલ, રામ, કેદાર, તારક, માસ્ટર વગેરે ભક્તો સાથે
ખંડ 13: અધ્યાય 9: શ્રીરામકૃષ્ણ મણિરામપુરના ભક્તો સાથે