એકઠા થયેલા બ્રાહ્મ-ભક્તોને સંબોધીને શ્રીરામકૃષ્ણ બોલે છે : ‘નિર્લેપ થઈને સંસાર ચલાવવો કઠણ. પ્રતાપ કહે કે ‘મહાશય, અમારું તો જનક રાજાની જેમ. જનકે નિર્લેપ રહીને સંસાર કર્યાે હતો. અમે પણ એમ જ કરવાના.’ મેં કહ્યું, ‘મનથી માની લીધે જ શું જનક રાજા થઈ જવાય છે? જનક રાજાએ કેટલી તપસ્યા કરીને જ્ઞાન-પ્રાપ્તિ કરી હતી! નીચું મસ્તક, ઊંચા પગ રાખીને કેટલાંય વરસ સુધી ઘોર તપસ્યા કરીને પછી સંસારમાં પાછા ગયા હતા.’

‘ત્યારે સંસારીને માટે શું કોઈ ઉપાય નહિ?

‘હા. જરૂર છે. કેટલોક વખત એકાંતમાં સાધના કરવી જોઈએ. ત્યારે જ ભક્તિ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય. ત્યાર પછી જઈને સંસાર કરો તો તેમાં દોષ નહિ. એકાંત સ્થાનમાં જ્યારે સાધના કરો, ત્યારે સંસારથી બિલકુલ અલગ રહેવું. એ વખતે સ્ત્રી, પુત્ર, કન્યા, માતા, પિતા, ભાઈ, બહેન, સગાં કુટુંબીઓમાંથી કોઈ પાસે ન રહે. એકાંતમાં સાધના કરતી વખતે માનવું કે મારું કોઈ નથી, ઈશ્વર જ મારું સર્વસ્વ. અને રડી રડીને ઈશ્વર પાસે જ્ઞાન માટે, ભક્તિ માટે પ્રાર્થના કરવી.

‘જો એમ પૂછો કે સંસાર મૂકીને કેટલા દિવસ એકાંતમાં રહેવું? તો એક દિવસ જો એ પ્રમાણે રહો તો એ પણ સારું; ત્રણ દિવસ રહેવાય તો વધુ સારું; અથવા બાર દિવસ, એક મહિનો, ત્રણ મહિના, એક વરસ; જે જેટલું રહી શકે તેટલું. જ્ઞાન-ભક્તિ પ્રાપ્ત કરીને સંસાર કરે તો પછી વધારે ભય નહિ.

‘હાથે તેલ ચોપડીને ફણસ ચીરીએ તો ફણસનું દૂધ હાથે ચોંટે નહિ. ‘એન ઘેન ડાહીનો ઘોડો’ રમતી વખતે જો ડોશીને અડકી જાઓ તો પકડાવાની બીક નહિ. એક વાર પારસમણિને અડકીને સોનું બની જાઓ. સોનું થઈ ગયા પછી હજાર વરસ સુધી જમીનમાં દટાઈ રહો ને, તોય જમીનમાંથી નીકળો એટલે એનું એ સોનું જ રહેશે.

‘મન છે દૂધના જેવું. એ મનને જો સંસાર-જળમાં રાખો તો દૂધ-પાણી ભળીને એક થઈ જાય. એટલા માટે એકાંતમાં દૂધનું દહીં જમાવીને માખણ કાઢવું જોઈએ. જ્યારે એકાંતમાં સાધના કરીને મનરૂપી દૂધમાંથી જ્ઞાન-ભક્તિરૂપી માખણ કાઢવામાં આવે ત્યારે એ માખણને અનાયાસે સંસાર-જળમાં રાખી શકાય. એ માખણ ક્યારેય જળની સાથે ભળી જાય નહિ, સંસાર-જળની ઉપર નિર્લેપ રહીને તરે.

Total Views: 335
ખંડ 16: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણનું સિંદુરિયાપટી બ્રાહ્મ-સમાજમાં આગમન અને શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામી વગેરે સાથે વાર્તાલાપ
ખંડ 16: અધ્યાય 3 : શ્રીયુત્ વિજય ગોસ્વામીની એકાંતમાં સાધના