શ્રીરામકૃષ્ણ (કેશવને, સહાસ્ય) – તમને મંદવાડ આવ્યો છે શા માટે? તેમાં એક અર્થ છે. શરીરની અંદર થઈને અનેક ઈશ્વરીય ભાવો ચાલ્યા ગયા છે ને, એટલે આ પ્રમાણે થયું છે. ભાવ જ્યારે આવે, ત્યારે એ વખતે કશું સમજી શકાય નહિ, પણ ઘણા દિવસ પછી શરીરને આઘાત લાગે. મેં જોયું છે કે મોટું જહાજ જ્યારે ગંગામાં થઈને ચાલ્યું જાય, ત્યારે કાંઈ ખબર પડે નહિ. પણ ઓ મા! ઘડીક વાર પછી જુઓ તો કિનારા ઉપર પાણી ધબાક ધબાક કરતુંને અથડાય છે, અને ઊથલપાથલ કરી નાખે છે! કાં તો કિનારાનો થોડોક ભાગ જ ધસી જઈને પાણીમાં પડી જાય!

‘નાના ઝૂંપડામાં હાથી ઘૂસે તો ઝૂંપડાને તોડીફોડી નાંખે. તેમ ભાવ-હાથી દેહરૂપી ઓરડામાં પ્રવેશ કરે ત્યારે ઊથલપાથલ કરી નાખે.

‘એમાં થાય શું, તમને ખબર છે? આગ લાગે ત્યારે કેટલીક વસ્તુઓ બળીને ખાખ થઈ જાય, અને એક દેકારો મચાવી દે. તેમ જ્ઞાનાગ્નિ પણ પ્રથમ કામ, ક્રોધ એ બધા રિપુઓનો નાશ કરે, પછી અહંબુદ્ધિનો નાશ કરે, ત્યાર બાદ ઊથલપાથલ શરૂ કરે! 

તમે માનતા હશો કે બધું થઈ રહ્યું! પરંતુ જ્યાં સુધી રોગનો લેશ સરખોય બાકી રહે ત્યાં સુધી ઈશ્વર છોડવાનો નહિ. ઇસ્પિતાલમાં જો તમે નામ દાખલ કરાવો તો પછી તમારી ઇચ્છા મુજબ નીકળી શકાય નહિ. જ્યાં સુધી રોગની જરાક પણ કસર રહે, ત્યાં સુધી ડૉક્ટર સાહેબ રજા આપે નહિ. તમે નામ નોંધાવ્યું શું કામ?’ (સૌનું હાસ્ય).

કેશવ ઇસ્પિતાલની વાત સાંભળીને વારંવાર હસે છે. હસવું ખાળી શકતા નથી. રહી રહીને વળી હસવા લાગે છે. ઠાકુર વળી વાતો કરે છે.

(પૂર્વકથા – ઠાકુરની પીડા – રામ કવિરાજની ચિકિત્સા)

શ્રીરામકૃષ્ણ (કેશવને) – હૃદુ કહેતો હતો કે તેણે મારા જેવો ભાવ પણ જોયો નથી, ને એવો રોગ પણ જોયો નથી. એ વખતે મને ખૂબ મંદવાડ. તગારાં ભરી ભરીને ઝાડા. માથામાં જાણે કે બે લાખ કીડીઓ કરડી રહી છે. તેમ છતાંય રાતદિવસ ઈશ્વર સંબંધી વાતો ચાલી જ રહી છે. નાટાગઢનો રામ વૈદ્યરાજ મને જોવા આવ્યો. તેણે જોયું તો હું બેઠો બેઠો તત્ત્વ-વિચાર કરી રહ્યો છું! એટલે એ બોલ્યો : ‘આ તે કેવો પાગલ! બે હાડકાંનું શરીર લઈને તત્ત્વ-વિચાર કરે છે!’ 

(કેશવને) ઈશ્વરની ઇચ્છા, બધીયે તમારી ઇચ્છા.’

‘સકળ તમારી ઇચ્છા, 

ઇચ્છામયી તારા તમે,

તવ કર્મ તમે કરો, 

લોકો બોલે કરીએ અમે…

માળી હિમ ખવરાવવા સારુ બસરાઈ ગુલાબના ઝાડનાં મૂળિયાં સુધ્ધાં ઉઘાડી નાખે. હિમ ખાય તો ઝાડ સારી રીતે ખીલી ઊઠે. એટલે એમ લાગે છે કે ઈશ્વર તમારાંય મૂળિયાં સુધ્ધાં ઉખેડી નાખે છે. (ઠાકુર અને કેશવનું હાસ્ય). ફરી પાછા આવશો ત્યારે, એમ લાગે છે કે એક મોટી ધમાલ થવાની!

(કેશવ માટે શ્રીરામકૃષ્ણનું રુદન અને સિદ્ધેશ્વરી માને 

નાળિયેર-સાકરની માનતા)

‘તમને મંદવાડ આવે એટલે મારું મન બહુ વ્યાકુળ થાય. અગાઉને વખતે તમને મંદવાડ આવ્યો હતો ત્યારે રાતના પાછલે પહોરે હું રડતો ને કહેતો : ‘મા, કેશવને જો કાંઈ થાય, તો પછી હું વાતો કોની સાથે કરીશ?’ એ વખતે કોલકાતામાં આવ્યો ત્યારે સિદ્ધેશ્વરીને નાળિયેર ને સાકર ધરાવ્યાં હતાં. તમારી માંદગી મટી જાય એ સારુ માન્યાં હતાં.’

કેશવની ઉપર ઠાકુરનો આ અકૃત્રિમ પ્રેમ અને તેમના સારુ વ્યાકુળતાની વાત, બધા નવાઈ પામી જઈને સાંભળી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – પણ આ વખતે એટલી બધી વ્યાકુળતા થઈ નથી. ઠીક, તો સાચી વાત કહીશ,

‘બે ત્રણ દિવસ જરાક થઈ હતી.’

પૂર્વ બાજુના જે બારણામાંથી કેશવે દીવાનખાનામાં પ્રવેશ કર્યાે હતો, એ બારણાની પાસે કેશવનાં પૂજનીય માતુશ્રી આવ્યાં છે. 

એ બારણામાંથી ઉમાનાથ ઊંચે અવાજે શ્રીરામકૃષ્ણને કહે છે, ‘મા આપને પ્રણામ કરે છે.’ 

પરમહંસદેવ હસે છે. ઉમાનાથ કહે છે, ‘મા કહે છે કે કેશવનો મંદવાડ મટે એમ કરો.’ ઠાકુર બોલે છે ‘મા સુવચની, આનંદમયીને બોલાવો, તે દુઃખ દૂર કરશે!’

કેશવને કહે છે :

‘ઘરની અંદર એટલા બધા રહો મા, સ્ત્રી-પુત્રોની વચ્ચે રહેવાથી ઊલટા વધારે ડૂબશો. ઈશ્વરીય વાતો કરવાથી વધારે સારા રહેશો.’

ગંભીરતાથી એ શબ્દો કહીને ઠાકુર વળી બાળકની પેઠે હસે છે. કેશવને કહે છે ‘જોઉં, તમારો હાથ જોઉં?’ નાનાં છોકરાંની પેઠે કેશવનો હાથ લઈને વજન કરે છે. છેવટે બોલ્યા, ‘ના, તમારો હાથ હલકો છે, લુચ્ચાઓનો હાથ ભારે હોય! (સૌનું હાસ્ય).

ઉમાનાથ બારણામાંથી જ વળી બોલે છે : ‘મા કહે છે કે કેશવને આશીર્વાદ આપો.’

શ્રીરામકૃષ્ણ (ગંભીર અવાજે) – મારી શી શક્તિ! ભગવાન આશીર્વાદ આપશે. ‘તમારું કામ તમે કરો મા! લોકો કહે કરીએ અમે.’ 

ઈશ્વર બે વાર હસે. એક વાર હસે, જ્યારે બે ભાઈ જમીનના ભાગ પાડે અને દોરીથી માપીને કહે, કે આ બાજુની મારી ને પેલી બાજુની તારી! ત્યારે ઈશ્વર એમ ધારીને હસે કે મારું આ જગત; તેની થોડીક ધૂળ લઈને આ બેઉ જણ કહે છે કે આ બાજુની મારી ને પેલી બાજુની તારી!

‘ઈશ્વર બીજી એક વાર હસે. દીકરો મરણપથારીએ પડ્યો છે, મા રડે છે. વૈદ્ય આવીને કહે છે : ‘બીવા જેવું કાંઈ નથી મા, હું સાજો કરી દઉં છું!’ વૈદ્યને ખબર નથી કે ઈશ્વર જો મારે, તો કોની તાકાત છે કે દરદીને બચાવી શકે!’ (સૌ સ્તબ્ધ).

બરાબર એ જ વખતે કેશવ કેટલીક વાર સુધી ઉધરસ ખાવા લાગ્યા. એ ખાંસી કોઈ રીતે અટકે નહિ. એ ખાંસીનો શબ્દ સાંભળીને સૌને દુઃખ થાય છે. કેટલીય વાર પછી અને ઘણા કષ્ટે એ ખાંસી જરાક બંધ પડી. પણ એ પછી કેશવથી બેસી શકાતું નથી. તેમણે ઠાકુરને જમીન પર નમીને પ્રણામ કર્યા. કેશવ પ્રણામ કરીને અતિ કષ્ટે દીવાલ પકડીને એ જ બારણામાં થઈને પોતાના ઓરડામાં પાછા ગયા.

Total Views: 313
ખંડ 16: અધ્યાય 8 : બ્રાહ્મસમાજ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન - પૂર્વકથા
ખંડ 16: અધ્યાય 10 : બ્રાહ્મ-સમાજ અને વેદના દેવતા - ગુરુગીરી નીચબુદ્ધિ