શ્રીયુત્ વિજય ગોસ્વામી તરતમાં જ ગયા-ધામ જઈને પાછા આવ્યા છે. ત્યાં તેમને ઘણા દિવસ સુધી એકાંતવાસ અને સાધુ-સંગ થયેલો. હવે તેમણે ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં છે. અવસ્થા ઘણી સુંદર, જાણે કે સદા અંતર્મુખ. પરમહંસદેવની પાસે અવનત મસ્તકે બેઠેલા છે, જાણે કે મગ્ન થઈને કાંઈક વિચાર કરી રહ્યા છે. 

વિજયને જોતાં જોતાં પરમહંસદેવે તેને કહ્યું, ‘વિજય! તમે શું ઉતારો નક્કી કરી લીધો છે?’

‘જુઓ, બે સાધુઓ ફરતાં ફરતાં એક શહેરમાં આવી ચડ્યા. તેમાંથી એક જણ આશ્ચર્યચકિત થઈને શહેરનાં ઘર, બજાર, દુકાન, બંગલા વગેરે જોતો જોતો ફરતો હતો. એટલામાં બીજાની સાથે ભેટો થયો. ત્યારે બીજા સાધુએ કહ્યું, ‘તમે તન્મય થઈને શહેર જુઓ છો, તે તમારાં બિસ્ત્રા-પોટલાં ક્યાં?’ એટલે પહેલા સાધુએ જવાબ આપ્યો કે ‘હું તો પહેલાં ઉતારો નક્કી કરી, બિસ્ત્રા-પોટલાં તેમાં રાખી, ઓરડાને તાળું દઈ, નિશ્ચિંત થઈને બહાર નીકળ્યો છું; અને હવે શહેરનો રંગ જોતો ફરી રહ્યો છું!’ એટલે તમને પૂછું કે વિજય, તમે શું ઉતારો નક્કી કરી લીધો છે? (માસ્ટર વગેરેને) જુઓ, આટલા દિવસ સુધી વિજયનો ફુવારો દબાઈ રહેલો હતો, તે હવે ખૂલી ગયો છે.

(વિજય અને શિવનાથ – નિષ્કામકર્મ – સંન્યાસીનો વાસનાત્યાગ)

શ્રીરામકૃષ્ણ (વિજયને) – જુઓ, શિવનાથને ભારે ઉપાધિ. સમાચારપત્રોમાં લખવું પડે, અને બીજાં કેટલાંય કામ કરવાં પડે. સંસાર-વહેવારનું કામ કરીએ એટલે અશાન્તિ ઊભી થાય જ; અનેક વિચાર, ચિંતાઓ આવીને વળગે.

‘શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે અવધૂતે ચોવીસ ગુરુઓમાંથી સમળીને પણ એક ગુરુ કરી હતી. એક જગ્યાએ માછીમારો માછલાં પકડતા હતા. એટલામાં એક સમળી આવીને ઝડપ મારીને એક માછલું ઉઠાવી ગઈ. પણ સમળી પાસે માછલું જોતાં જ તેની પાછળ હજારેક કાગડા પડ્યા અને કાં કાં કરીને ભારે ગરબડ મચાવી મૂકી. માછલું લઈને સમળી જે બાજુએ જાય, કાગડાઓ પણ તેની પાછળ પડીને તે જ બાજુએ જાય. દક્ષિણ બાજુએ સમળી ગઈ, તો કાગડા પણ એ જ બાજુએ ગયા. વળી ઉત્તર બાજુએ સમળી ગઈ તો કાગડાઓ પણ એ બાજુએ ગયા. એ પ્રમાણે પૂર્વ બાજુએ, પશ્ચિમ બાજુએ, એમ સમળી ચારે કોર ભમવા લાગી. છેવટે હેરાન થઈને ચક્કર મારતી મારતી ફરતી હતી એવામાં માછલું તેની ચાંચમાંથી પડી ગયું. એટલે કાગડાઓ સમળીને છોડીને માછલાની પાછળ ગયા. એટલે પછી સમળી નિશ્ચિંત થઈને એક ઝાડની ડાળી ઉપર જઈને બેઠી. બેસીને વિચાર કરવા લાગી કે આ માછલાએ જ બધી ગરબડ ઊભી કરી હતી. હવે માછલું પાસે નથી એટલે હું નિશ્ચિંત થઈ.

અવધૂતે સમળીની પાસેથી એક ઉપદેશ લીધો કે જ્યાં સુધી પાસે માછલું હોય, એટલે વાસના હોય, ત્યાં સુધી જ કર્મ રહે. અને કર્મને અંગે વિચારો, ચિંતા અને અશાન્તિ આવે. વાસના-ત્યાગ થતાં જ કર્મનો ક્ષય થાય અને શાન્તિ મળે!’

તો પણ નિષ્કામ કર્મ સારું, એથી અશાન્તિ થાય નહિ. પરંતુ નિષ્કામ કર્મ કરવું બહુ કઠણ. મનમાં માનીએ કે નિષ્કામ કર્મ કરીએ છીએ, પણ કોણ જાણે ક્યાંથી કામના આવી જાય, તેની ખબર પણ પડે નહિ. જો અગાઉની ખૂબ સાધના હોય, તો એ સાધનાના જોરે કોઈ કોઈ નિષ્કામ કર્મ કરી શકે. ઈશ્વર-દર્શન પછી નિષ્કામ કર્મ અનાયાસે કરી શકાય. ઈશ્વર-દર્શન પછી મોટે ભાગે કર્મ-ત્યાગ થાય. કોઈક લોકો (નારદ વગેરે જેવા) લોકોને ઉપદેશ આપવા માટે કર્મ કરે.

(સંન્યાસી પરિગ્રહ ન કરે – પ્રેમ હોય તો કર્મત્યાગ થાય)

શ્રીરામકૃષ્ણ – અવધૂતનો બીજો એક ગુરુ હતો મધમાખી. મધમાખી ખૂબ મહેનત કરીને કેટલાય દિવસો સુધી મધ એકઠું કરે. પણ એ મધ પોતાથી ખવાય નહિ. બીજો કોઈ આવીને મધપૂડો પાડીને ઉઠાવી જાય. મધમાખીની પાસેથી અવધૂત એ શીખ્યા કે સંચય કરવો નહિ. સાધુઓએ ઈશ્વર ઉપર સોળે સોળ આના આધાર રાખવો, તેમણે સંચય કરવો નહિ. 

આ વિધાન સંસારીને માટે નથી. સંસારીને સંસાર વહેવાર ચલાવવો પડે, એટલે તેને સંગ્રહની જરૂર પડે. પંછી (પક્ષી) ઔર દરવેશ (સાધુ) સંચય ન કરે. પરંતુ પંખી પણ બચ્ચાં થાય એટલે સંચય કરે; બચ્ચાં માટે ચાંચમાં ખાવાનું લઈ આવે. 

જુઓ વિજય, સાધુની સાથે જો પોટલીપોટલાં હોય, દસ પંદર ગાંઠો મારેલાં લૂગડાનાં બચકાં બચકી હોય તો તેનો વિશ્વાસ ન કરવો. મેં વડની નીચે એવા સાધુઓ જોયા હતા. બેત્રણ જણા બેઠા છે, કોઈ દાળ વીણે છે, તો કોઈ કપડાં સીવે છે અને કોઈ મોટા માણસે આપેલા જમણની વાત કરે છે. કહે છે કે ‘અરે ઓ બાબુને લાખો રૂપિયા ખરચ કિયા, સાધુ લોગોંકો બહુત ખિલાયા; પૂરી, જલેબી, પેંડા, બરફી, માલપૂઆ વગેરે બહુત ચીજ તૈયાર કિયા થા.’ (સૌનું હાસ્ય).

વિજય – જી હાં, ગયામાં એવો સાધુ જોયો હતો, ગયાનો લોટાવાળો સાધુ. (સૌનું હાસ્ય)

શ્રીરામકૃષ્ણ (વિજયને) – ઈશ્વર ઉપર પ્રેમ આવે એટલે કર્મત્યાગ એની મેળે થઈ જાય. જેમની પાસે ઈશ્વર કર્મ કરાવે છે એ લોકો ભલે કરે, તમારો હવે સમય થયો છે. બધું છોડીને તમે કહો, ‘મન તું દેખ ને હું દેખું, બીજું કોઈ નવ દેખે.’

એમ કહીને ભગવાન શ્રીરામકૃષ્ણ પોતાના અતુલનીય કંઠે માધુર્ય વરસાવતાં વરસાવતાં ગીત ગાવા લાગ્યા :

‘જતન કરી હૈયે રાખો, આદરિણી શ્યામા માને,

મન તું જ દેખ, અને હું દેખું, બીજું કોઈ નવ ભાળે એને…

કામાદિને છેતરી રે મન, છાનુંમાનું જો શ્રીમાને,

જિહ્વાને સંગે રાખો સદા, જેથી મા, મા કહી એ બોલાવે.

(વચ્ચે વચ્ચે ક્યારેક મા કહી બોલાવે)

કુરુચિ કુસંગો જે, તેને પાસ ન આવવા દો,

જ્ઞાનચક્ષુને પ્રહરી બનાવો, જેથી સર્વદા જાગ્રત હો!

(તેને કહો રહે ખૂબ સાવધાન)…

શ્રીરામકૃષ્ણ (વિજયને) – ભગવાનના શરણાગત થઈને હવે લજ્જા, ભય, એ બધાનો ત્યાગ કરો. હું હરિનામ લેતો લેતો નાચું તો માણસો શું કહેશે, એ બધા ખ્યાલ છોડી દો. 

(લજ્જા – ઘૃણા – ભય)

લજ્જા, ઘૃણા, ભય, એ ત્રણ રહેતાં, (ઈશ્વરદર્શન) ન થાય. લજ્જા, ઘૃણા, ભય, જાતિ-અભિમાન, છુપાવવાની ઇચ્છા એ બધાય પાશ (બંધન) છે. એ બધા જાય તો જીવની મુક્તિ થાય. પાશ-બદ્ધ જીવ, પાશ-મુક્ત શિવ! ભગવાન પર પ્રેમ દુર્લભ વસ્તુ છે. પ્રથમ તો સ્ત્રીની સ્વામીમાં જેવી નિષ્ઠા હોય, એવી નિષ્ઠા ઈશ્વરમાં આવે ત્યારે જ ખરી ભક્તિ આવે. શુદ્ધ ભક્તિ આવવી બહુ કઠણ. ભક્તિથી મન ઈશ્વરમાં લીન થાય. 

ત્યાર પછી ભાવ, ભાવ થતાં  માણસ આશ્ચર્યથી વાણી-શૂન્ય થઈ જાય, પ્રાણ-વાયુ સ્થિર થઈ જાય, એની મેળે કુંભક થાય. જેવી રીતે બંદૂકમાંથી ગોળી છોડતી વખતે, જે માણસ ગોળી છોડે તે વાણી-શૂન્ય થઈ જાય અને તેનો પ્રાણ-વાયુ સ્થિર થઈ જાય, તેવી રીતે.

‘ઈશ્વર પર પ્રેમ આવવો એ બહુ દૂરની વાત. ચૈતન્ય દેવને પ્રેમ થયો હતો. ઈશ્વર પર પ્રેમ આવે એટલે બહારની વસ્તુઓ ભૂલી જવાય, જગત ભૂલી જવાય, પોતાનો દેહ જે આટલી પ્રિય વસ્તુ, તે પણ ભૂલી જવાય.’ એમ કહીને પરમહંસદેવ વળી ગીત ગાય છે.

ગીત : એ દિન ક્યારે આવશે?

હરિ બોલતાં (આંસુની) ધારા વહે, 

(એ દિન ક્યારે આવશે?)

સંસારની વાસના જાયે, (એ દિન ક્યારે આવશે?)

અંગે રોમાંચ થાયે, (એ દિન ક્યારે આવશે?)

Total Views: 327
ખંડ 16: અધ્યાય 2 : ગૃહસ્થોને ઉપદેશ
ખંડ 16: અધ્યાય 4 : ભાવ અને કુંભક - મહાવાયુ જાગ્રત થવાથી ઈશ્વર-દર્શન