એ પ્રમાણે વાતચીત ચાલી રહી છે એટલામાં બીજા કેટલાક આમંત્રિત બ્રાહ્મ-ભક્તો આવી પહોંચ્યા. તેઓમાંથી કેટલાક પંડિત અને ઉચ્ચ હોદ્દો ધરાવનારા સરકારી અમલદારો; એક જણ શ્રીરજનીનાથ રાય.

‘ભાવ થાય એટલે વાયુ સ્થિર થાય,’ એમ ઠાકુર બોલી રહ્યા છે. વળી કહે છેઃ ‘અર્જુને જ્યારે લક્ષ્યવેધ કર્યાે, ત્યારે તેની નજર માત્ર ફરતી માછલીની આંખ ઉપર હતી, બીજી કોઈ પણ બાજુએ નહિ. તે એટલે સુધી કે માછલીની આંખ સિવાય બીજું કોઈ અંગ તે દેખી શકતો ન હતો. એવી અવસ્થામાં પ્રાણવાયુ સ્થિર થાય, કુંભક થાય. 

ઈશ્વર-દર્શનનું એક લક્ષણ એ કે અંદર મહાવાયુ ગરગર કરતો ઊઠે અને માથા તરફ ચડે. એ વખતે જો સમાધિ થાય તો ભગવાનનાં દર્શન થાય.

(માત્ર પાંડિત્ય મિથ્યા છે – ઐશ્વર્ય, વૈભવ, માન, પદ, 

આ બધું મિથ્યા છે)

શ્રીરામકૃષ્ણ (આવેલા બ્રાહ્મ-ભક્તોને જોઈને) – જેઓ કેવળ પંડિત, અને જેમની ભગવાનમાં ભક્તિ નહિ, તેમની વાતો ગોટાળાભરી હોય છે. સમાધ્યાયી નામે એક પંડિતે કહ્યું, ‘ઈશ્વર નીરસ, તમે તમારી પ્રેમ-ભક્તિ દ્વારા તેને સરસ કરો. જુઓ તો, વેદમાં જેને રસ-સ્વરૂપ કહેલ છે, (રસો વૈ સઃ), તેને તે નીરસ કહે છે! એથી સમજી શકાય કે એ વ્યક્તિએ ઈશ્વર શી ચીજ, તે ક્યારેય જાણ્યું નથી. એટલે જ એવી ગોટાળાભરી વાત!

‘એક જણ કહે કે ‘મારા મામાને ઘેર ગૌશાળા ભરીને ઘોડા છે! એ વાતથી સમજવું જોઈએ કે ઘોડા મુદ્દલ નથી, કારણ કે ઘોડા ગૌશાળામાં રહે નહિ.’ (સૌનું હાસ્ય).

‘કોઈ કોઈ ઐશ્વર્ય, વૈભવ, માન, પદ એ બધાનું અભિમાન રાખે. પણ એ બધાં બે દિવસ સારુ. મૂઆ પછી કશુંય સાથે આવવાનું નથી. એક ગીતમાં છે કે :

‘વિચારી જો મન, કોઈ કોઈનું નહિ, ખોટો ભ્રમ આ જગમાં;

ભૂલ મા, દક્ષિણા કાલી માને, બંધાઈ માયાજાળમાં…

જેના સારુ ચિંતાથી મરો, એ શું તારી સાથે જશે?

એ જ પ્રિયા છાંટશે પાણી; અમંગળ થવાની બીકે,…

દિન બે ત્રણ સારુ જગે, માલિક કહીને સૌયે માને;

એ માલિકને દેશે ફેંકી, કાળ-અકાળનો માલિક આવ્યે…

(અહંકારની મહૌષધિ – એનાથી વધુ છે)

એવી જ રીતે પૈસાનો અહંકાર કરવો નહિ. જો એમ કહો કે હું પૈસાદાર, તો પૈસાદારોમાંય વળી એથીયે મોટો, એથીયે મોટો છે. સંધ્યા પછી જ્યારે આગિયો ઊડે, ત્યારે તે મનમાં માને કે આ જગતને હું અજવાળું આપું છું. પણ જેવા તારા ઊગ્યા કે તરત આગિયાનું અભિમાન ગળી ગયું. એ પછી તારાઓ વિચારવા લાગ્યા કે અમે જગતને પ્રકાશ આપીએ છીએ. થોડીક વારમાં જ્યાં ચંદ્રમા ઊગ્યો એટલે તારાઓ લજ્જાથી ઝાંખા પડી ગયા. એટલે ચંદ્ર મનમાં મલકાવા લાગ્યો કે મારી જ્યોત્સનાથી જગત હસી રહ્યું છે, હું જગતને પ્રકાશ આપી રહ્યો છું. પણ જોતજોતામાં અરુણોદય થયો, સૂર્ય ઊગ્યો. એટલે ચંદ્ર પણ મલિન થઈ ગયો, અને થોડીક વાર પછી તો દેખાતોય બંધ થઈ ગયો. 

પૈસાદારો આ બધાંનો વિચાર કરે તો પૈસાનો અહંકાર થાય નહિ.’

ઉત્સવ પ્રસંગે મણિલાલે કેટલાય પ્રકારની ભોજન-સામગ્રી તૈયાર કરાવી છે. તેમણે શ્રીરામકૃષ્ણ અને એકત્રિત ભક્તોને આગ્રહ કરી કરીને સંતોષપૂર્વક જમાડ્યા. જ્યારે સૌ ઘેર પાછા ફર્યા ત્યારે મોડી રાત થઈ ગઈ હતી.

Total Views: 342
ખંડ 16: અધ્યાય 3 : શ્રીયુત્ વિજય ગોસ્વામીની એકાંતમાં સાધના
ખંડ 16: અધ્યાય 5 : કેશવના મકાનની સન્મુખ - ‘પશ્યતિ તવ પંથાનમ્’