(કેશવ, પ્રસન્ન, અમૃત, ઉમાનાથ, કેશવનાં માતા, રાખાલ, માસ્ટર)

કાર્તિક વદ ચૌદશ, બુધવાર, ૨૮મી નવેમ્બર; ઈ.સ. ૧૮૮૩. આજે એક ભક્ત કમલ-કુટિર (Lily Cottage)ના ફાટકની પૂર્વ બાજુના ફૂટપાથ પર આંટા મારી રહ્યો છે, જાણે કે કોઈકના સારુ આતુર થઈને રાહ જોઈ રહ્યો છે.

કમલ-કુટિરની ઉત્તરમાં મંગળ-વાડી. ત્યાં ઘણા બ્રાહ્મ-સમાજી ભક્તો રહે છે. કમલ-કુટિરમાં કેશવ રહે છે. કેશવનો મંદવાડ વધી ગયો છે. ઘણા લોકો કહે છે કે કદાચ આ વખતે કેશવના બચવાની આશા નથી. 

શ્રીરામકૃષ્ણ કેશવને બહુ ચાહતા. આજે તેઓ કેશવને જોવા આવવાના છે. દક્ષિણેશ્વર કાલી-મંદિરથી તેઓ આવી રહ્યા છે. એટલે એ ભક્ત વાટ જોયા કરે છે કે તેઓ ક્યારે આવે! કમલ-કુટિર સરક્યુલર રોડની પશ્ચિમ બાજુએ. એટલે રસ્તા ઉપર જ ભક્ત ફરી રહ્યા છે. બપોરના બે વાગ્યાથી તે વાટ જોઈ રહ્યા છે. કેટલાય માણસો જઈ રહ્યા છે તે એ જોયા કરે છે.

રસ્તાની પૂર્વ બાજુએ વિકટોરિયા કૉલેજ. ત્યાં કેશવના બ્રાહ્મ-સમાજની ઘણી ખરી બ્રાહ્મ મહિલાઓ અને તેમની કન્યાઓ ભણે. રસ્તા પરથી સ્કૂલની અંદરનો ઘણો ખરો ભાગ જોઈ શકાય. તેની ઉત્તરે એક મોટા વાડી-બંગલામાં કોઈ અંગ્રેજ સજ્જન રહે છે. પેલો ભક્ત કેટલીય વાર થયાં જોયા કરે છે કે તે બંગલામાં કંઈક આફત આવી જણાય છે. થોડા વખત પછી કાળો પોશાક પહેરેલા કોચમેન અને ખાસદાર શબ લઈ જવાની ગાડી લઈને આવ્યા. દોઢ બે કલાકથી આ બધી તૈયારી થઈ રહી છે.

આ મર્ત્યધામ છોડીને કોઈક ચાલ્યું ગયું છે, એટલે આ તૈયારી.

પેલો ભક્ત વિચાર કરી રહ્યો છે કે માણસ દેહત્યાગ કરીને ક્યાં જાય?’ 

ઉત્તરથી દક્ષિણ બાજુએ કેટલીક ગાડીઓ આવી રહી છે. વચ્ચે વચ્ચે ભક્ત ધ્યાન દઈને જુએ છે કે ઠાકુર આવે છે કે નહીં? 

સમય લગભગ પાંચ વાગ્યાનો. ત્યાં ઠાકુરની ગાડી આવી પહોંચી. સાથે લાટુ અને બીજા એક બે ભક્તો. એ ઉપરાંત માસ્ટર અને રાખાલ પણ આવેલા છે.

કેશવના ઘરનાં માણસો આવીને ઠાકુરને સાથે લઈને ઉપર તેડી ગયા. દીવાનખાનાની દક્ષિણ બાજુની ઓસરીમાં એક પાટ મૂકેલી હતી, તેના પર ઠાકુરને બેસાડવામાં આવ્યા.

Total Views: 311
ખંડ 16: અધ્યાય 4 : ભાવ અને કુંભક - મહાવાયુ જાગ્રત થવાથી ઈશ્વર-દર્શન
ખંડ 16: અધ્યાય 6 : શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ - ઈશ્વરાવેશમાં શ્રીમા કાલી સાથે વાર્તાલાપ