ઠાકુર ઘણી વાર સુધી બેસી રહ્યા. હવે કેશવને જોવા સારુ તે અધીરા થયા છે. કેશવના શિષ્યો નમ્રભાવે કહે છે કે તે હજી હમણાં જ સૂતા છે; થોડીવારમાં આવશે.

કેશવને બહુ જ ગંભીર માંદગી છે. તેથી તેના શિષ્યો અને ઘરનાં માણસો આટલાં સાવચેત. પણ પરમહંસદેવ કેશવને જોવા માટે વધુ ને વધુ ઉતાવળા થાય છે.

શ્રીરામકૃષ્ણ (કેશવના શિષ્યોને) – હેં ભાઈ! તેમને આવવાની શી જરૂર? હું જ અંદર શું કામ ન જાઉં?

પ્રસન્ન (નમ્રતાથી) – જી, હવે સહેજ વારમાં તેઓ આવશે.

ઠાકુર – જાઓ, જાઓ; તમે જ એમ કરો છો! હું પોતે જ અંદર જાઉં! પ્રસન્ન ઠાકુરને ભુલાવીને કેશવની વાતો કહે છે.

પ્રસન્ન – તેમની અવસ્થા હવે બીજી જાતની થઈ ગઈ છે. આપની પેઠે જ માની સાથે વાતો કરે; મા જે કહે તે સાંભળે, હસે, રડે! 

કેશવ જગન્માતા સાથે વાતો કરે, હસે, રડે – એ શબ્દો સાંભળતાંની સાથે ઠાકુર ભાવમગ્ન થાય છે. જોતજોતામાં ઠાકુર સમાધિમગ્ન!

ઠાકુર સમાધિમગ્ન! શિયાળાના દિવસો, એટલે શરીરે લીલા રંગની બનાતનું ગરમ પહેરણ, પહેરણની ઉપર એક બનાત ઓઢેલી, ઉન્નત દેહ, દૃષ્ટિ સ્થિર. બિલકુલ મગ્ન! ઘણી વાર સુધી એ અવસ્થામાં છે. સમાધિ ઊતરતી નથી.

સંધ્યા થઈ છે. ઠાકુર જરા સ્વસ્થ થયા છે. બાજુના દીવાનખાનામાં દીવો પેટાવવામાં આવ્યો છે. ઠાકુરને એ ઓરડામાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. 

મહામુસીબતે ઠાકુરને દીવાનખાનામાં લઈ જવામાં આવ્યા.

ઓરડામાં ઘણોય સામાન : કોચ, ખુરશી, કપડાં રાખવાના ઘોડા, ગેસનો દીવો. ઠાકુરને એક કોચ ઉપર બેસાડવામાં આવ્યા. 

કોચની ઉપર બેસતાં જ વળી બાહ્યજ્ઞાનરહિત, ભાવ-મગ્ન. 

કોચની ઉપર નજર કરીને જાણે કે નશાના ઘેનમાં કંઈક બોલી રહ્યા છે : ‘પહેલાં આ બધાની જરૂર હતી, હવે પછી શી જરૂર?’ 

(રાખાલને જોઈને) ‘રાખાલ તું આવ્યો છે?’

(જગન્માતાનાં દર્શન અને તેમની સાથે વાર્તાલાપ – Immortality of the Soul)

બોલતાં બોલતાં ઠાકુર વળી કંઈક જુએ છે, ને બોલે છે :

‘એય મા, આવ્યાં છો! વળી બનારસ સાડી પહેરીને શું દેખાડો છો? મા, ધાંધલ કરો મા! બેસો, મા બેસો!’ 

ઠાકુરને મહાભાવનો નશો ચડેલો છે. ઓરડો પ્રકાશમય. બ્રાહ્મ-ભક્તો ચારે બાજુએ બેઠા છે. લાટુ, રાખાલ, માસ્ટર વગેરે પણ પાસે બેઠેલા છે. ઠાકુર ભાવ-અવસ્થામાં પોતાની મેળે બોલે છે :

‘દેહ અને આત્મા. દેહ ઉત્પન્ન થયો છે, તેમ જ જશે. આત્માનું મૃત્યુ નથી. જેમ કે સોપારી. પાકી સોપારી છાલથી અળગી થઈ જાય; કાચી હોય ત્યારે ફળ અને છાલને જુદાં કરવાં બહુ કઠણ. ઈશ્વરનાં દર્શન કરવાથી, તેની પ્રાપ્તિ કરવાથી દેહ-ભાવના જાય. ત્યારે દેહ જુદો અને આત્મા જુદો એમ લાગે.’

(કેશવનો પ્રવેશ)

કેશવ ઓરડામાં પ્રવેશ કરે છે. પૂર્વ બાજુને બારણેથી આવી રહ્યા છે. જેમણે કેશવને બ્રાહ્મ-સમાજના મંદિરમાં કે ટાઉન-હૉલમાં જોયા હતા, તેઓ તેનું હાડચામના માળખા જેવું શરીર જોઈને સ્તબ્ધ થઈ રહ્યા! કેશવ ઊભા રહી શકતા નથી, દીવાલ પકડી પકડીને આગળ ચાલે છે. બહુ જ કષ્ટે કોચની સામે આવીને બેઠા. 

એટલામાં ઠાકુર કોચ ઉપરથી ઊતરીને નીચે બેઠા. કેશવ ઠાકુરનાં દર્શન કરીને જમીન પર માથું નમાવીને ઘણી વાર પ્રણામ કરી રહ્યા પછી ઊઠીને બેઠા. ઠાકુર હજીયે ભાવ અવસ્થામાં છે. પોતાની મેળે કંઈક બોલી રહ્યા છે. ઠાકુર માની સાથે વાતચીત કરી રહ્યા છે.

Total Views: 312
ખંડ 16: અધ્યાય 5 : કેશવના મકાનની સન્મુખ - ‘પશ્યતિ તવ પંથાનમ્’
ખંડ 16: અધ્યાય 7 : બ્રહ્મ અને શક્તિ અભેદ - માનવલીલા