હવે કેશવ ઊંચે અવાજે બોલે છે – ‘હું આવ્યો છું, હું આવ્યો છું!’ એમ કહીને શ્રીરામકૃષ્ણનો ડાબો હાથ હાથમાં લીધો અને એ જ હાથે હાથ ફેરવવા લાગ્યા. ઠાકુર ઘનિષ્ઠ ભાવમાં મગ્ન છે. પોતાની મેળે કેટલીયે વાતો કરી રહ્યા છે. ભક્તો બધા એકચિત્તે સાંભળી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – જ્યાં સુધી ઉપાધિ, ત્યાં સુધી વિવિધતાનું ભાન, જેમ કે કેશવ, પ્રસન્ન, અમૃત એવું બધું. પૂર્ણ જ્ઞાન થાય એટલે એક ચૈતન્યનું ભાન.

‘તેમ જ વળી પૂર્ણ જ્ઞાન થાય ત્યારે દેખે કે એ એક ચૈતન્ય જ આ જીવ, જગત, ચોવીસ તત્ત્વો વગેરે બધું થઈ રહેલ છે. 

તો પણ શક્તિનો ભેદ. એ ચૈતન્ય જ બધું થઈ રહેલ છે ખરું, પણ કોઈ જગાએ શક્તિનો વધુ પ્રકાશ, તો કોઈ જગાએ ઓછો પ્રકાશ.’

‘વિદ્યાસાગર કહે કે ઈશ્વરે શું કોઈને વધુ શક્તિ આપી છે ને કોઈને ઓછી શક્તિ આપી છે? મેં કહ્યું કે જો એમ ન હોત તો એક માણસ પચાસ માણસને હરાવી દે કેમ કરીને? અને તમને જ અમે મળવા આવ્યા છીએ શું કરવા?

‘ઈશ્વર પોતાની લીલા જે આધારે પ્રકાશ કરે ત્યાં વધુ શક્તિ. 

જમીનદાર તેની બધી જગાએ રહે. પરંતુ અમુક દીવાનખાનામાં એ મોટે ભાગે બેસે. તેમ ભક્ત ભગવાનનું દીવાનખાનું. ભક્તના હૃદયમાં ભગવાનને લીલા કરવાનું ગમે, ભક્તના હૃદયમાં ભગવાનની વિશેષ શક્તિ અવતીર્ણ થાય.

એનાં લક્ષણ શું? જ્યાં કાર્ય વધુ, ત્યાં શક્તિનો વધુ પ્રકાશ. 

એ આદ્યશક્તિ અને પરબ્રહ્મનો અભેદ. એકને છોડીને બીજાનો વિચાર કરી શકાય નહિ. જેમ કે જ્યોતિ અને મણિ. મણિને છોડીને મણિની જ્યોતિનો વિચાર કરી શકાય નહિ. તેમ જ જ્યોતિને છોડીને મણિનો વિચાર કરી શકાય નહિ. જેમ કે સાપ અને તેની વાંકીચૂકી ચાલ. સાપને મૂકીને તેની વાંકીચૂકી ચાલનો વિચાર કરી શકાય નહિ, તેમ જ સાપની વાંકીચૂકી ચાલને મૂકીને સાપનો વિચાર કરી શકાય નહિ.’

(બ્રાહ્મસમાજ અને મનુષ્યમાં ઈશ્વર-દર્શન – સિદ્ધ અને સાધકના પ્રભેદ)

‘આદ્યશક્તિ જ આ જીવ, જગત અને ચોવીસ તત્ત્વો થઈ રહેલ છે. અનુલોમ અને વિલોમ. (ઈશ્વરમાંથી આ જગત-બ્રહ્માંડના ઉત્પન્ન થવાની રીતને અનુલોમ-માર્ગ કહેવાય, અને આ સમસ્ત જગત-બ્રહ્માંડનો તેના મૂળ કારણમાં લય થવાની રીતને વિલોમ-માર્ગ કહેવાય.) રાખાલ, નરેન્દ્ર અને બીજા ભક્તો સારુ હું વ્યાકુળ થાઉં છું શા માટે? હાજરાએ કહ્યું, ‘એ છોકરાઓ માટે તમે વ્યાકુળ થઈને ફરો છો તો પછી ઈશ્વરનું ચિંતન કરશો ક્યારે?’ (કેશવ અને બધાનું થોડું હાસ્ય).

‘એ સાંભળીને મને તો મોટી ચિંતા થઈ. મેં માને કહ્યું : ‘મા! આ શું થયું? હાજરા કહે છે કે એ છોકરાઓને માટે તમે શું કામ ચિંતા કરો છો?’ ત્યાર પછી ભોળાનાથને મેં પૂછ્યું. ભોળાનાથ કહે કે ‘ભારત (મહાભારત)માં એનો ખુલાસો છે. (ભોળાનાથ એ વખતે કાલી-મંદિરના કારકુન હતા, ઠાકુરના ભક્ત હતા. વચ્ચે વચ્ચે શ્રીઠાકુર પાસે જઈને મહાભારત સંભળાવતા. દીનનાથ ખજાનચીના મૃત્યુ પછી તેઓ ખજાનચી બન્યા.) સમાધિવાન પુરુષ સમાધિમાંથી ઊતરીને જગતમાં શેને આધારે રહે? એટલે સત્ત્વગુણી ભક્તોને લઈને રહે.’ મહાભારતનું એ પ્રમાણ મળ્યું ત્યારે ચિંતા ગઈ!’ (સૌનું હાસ્ય).

‘એમાં હાજરાનો વાંક નથી. સાધક-અવસ્થામાં બધું મન, નેતિ નેતિ કરીને ઈશ્વર તરફ વાળવું જોઈએ. સિદ્ધ અવસ્થામાં જુદી વાત. ઈશ્વર-પ્રાપ્તિ થયા પછી અનુલોમ અને વિલોમ-માર્ગનો વિચાર. છાશ અલગ થઈને માખણ મળી આવે, ત્યારે એમ લાગે કે છાશનું જ માખણ, માખણની જ છાશ. એ વખતે બરાબર જ્ઞાન થાય કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે, ક્યાંક તેનો વધુ પ્રકાશ તો ક્યાંક ઓછો પ્રકાશ.

‘ઈશ્વરીય ભાવ-સમુદ્ર ઊછળે ત્યારે જમીન ઉપર જ એક વાંસ પાણી! પહેલાં નદીમાંથી હોડી હાંકીને સમુદ્રમાં પહોંચવું હોય તો વાંકુંચુકું ફરી ફરીને આવવું પડતું, પણ પૂર આવે તો જમીન ઉપર જ એક વાંસ ઊંડું પાણી થઈ જાય. ત્યારે પછી હોડી સીધી ચલાવી દો એટલે થયું. એ વખતે પછી ફરી ફરીને જવું પડે નહિ. ખેતરમાંથી પાક લણાઈ રહ્યો, એટલે પાળ ઉપર થઈને ફરી ફરીને આવવું પડે નહિ. એક બાજુએ થઈને સીધા ચાલીએ એટલે પત્યું!

‘ભગવત્પ્રાપ્તિ પછી ઈશ્વર સર્વ વસ્તુમાં દેખાય. મનુષ્યમાં ઈશ્વરનો વધુ પ્રકાશ. મનુષ્યોની અંદર, સત્ત્વગુણી ભક્તમાં એથીયે વધુ પ્રકાશ, કે જેમનામાં કામિની-કાંચનનો ભોગ ભોગવવાની મુદ્દલે ઇચ્છા ન હોય! (સૌ સ્તબ્ધ). સમાધિવાન વ્યક્તિ જો નીચે ઊતરી આવે તો તે શેના આધારે મનને ટકાવે? એટલે કામિની-કાંચન-ત્યાગી સત્ત્વગુણી શુદ્ધ ભક્તની સોબતની જરૂર પડે. નહિતર સમાધિવાન વ્યક્તિ રહે શેને આધારે?’

(બ્રાહ્મસમાજ અને ઈશ્વરનો માતૃભાવ – જગન્માતા)

‘જે બ્રહ્મ, તે જ આદ્યશક્તિ. એ જ્યારે નિષ્ક્રિય, ત્યારે તેને બ્રહ્મ કહું, પુરુષ કહું; જ્યારે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, એ બધું કરે, ત્યારે તેને શક્તિ કહું, પ્રકૃતિ કહું. પુરુષ અને પ્રકૃતિ. જે પુરુષ તે જ પ્રકૃતિ. આનંદમય અને આનંદમયી.’

‘જેને પુરુષનું જ્ઞાન છે તેને સ્ત્રીનું જ્ઞાન પણ છે. જેને બાપનું જ્ઞાન છે, તેને માનું જ્ઞાન પણ છે. (કેશવનું હાસ્ય). 

જેને અંધકારનું જ્ઞાન છે, તેને પ્રકાશનું જ્ઞાન પણ છે. જેને રાતનું જ્ઞાન છે, તેને દિવસનું જ્ઞાન પણ છે. જેને સુખનું જ્ઞાન છે, તેને દુઃખનું જ્ઞાન પણ છે. તમે એ સમજો છો?

કેશવ (સહાસ્ય) – હા, સમજું છું.

શ્રીરામકૃષ્ણ – મા તે કેવી મા? જગતની મા, કે જે જગતની ઉત્પત્તિ કરે છે, પાલન કરે છે, જે પોતાનાં સંતાનોનું હંમેશાં રક્ષણ કરે છે, અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ, જે જે ઇચ્છે તેને તે આપે છે. ખરેખરું બાળક મા વિના રહી શકે નહિ. તેની મા બધું જાણે. બાળક ખાય, પીએ ને મજા કરે. એ બીજી બધી પંચાતની ખબર રાખે નહિ.’

કેશવ – જી, હા.

Total Views: 526
ખંડ 16: અધ્યાય 6 : શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ - ઈશ્વરાવેશમાં શ્રીમા કાલી સાથે વાર્તાલાપ
ખંડ 16: અધ્યાય 8 : બ્રાહ્મસમાજ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન - પૂર્વકથા