વાતો કરતાં કરતાં શ્રીરામકૃષ્ણ સ્વસ્થ થયા છે. કેશવની સાથે હસમુખે ચહેરે વાતો કરી રહ્યા છે. ઓરડો ભરીને માણસો આતુર થઈને બધું સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છે. સૌને નવાઈ લાગે છે કે ‘તમને કેમ છે?’ વગેરે વાતો જરાય થતી નથી. કેવળ ઈશ્વરની જ વાતો થઈ રહી છે!

શ્રીરામકૃષ્ણ (કેશવને) – બ્રાહ્મસમાજીઓ આટલું બધું ઈશ્વરના મહિમાનું વર્ણન કરે છે શા માટે? એમ કે ‘હે ઈશ્વર, તમે ચંદ્ર બનાવ્યો છે, તમે સૂર્ય બનાવ્યો છે, તમે નક્ષત્રો બનાવ્યાં છે!’ એ બધી વાતોની આટલી બધી શી જરૂર? ઘણા ખરા માણસો શેઠનો બગીચો જોઈને જ ફિદા! શેઠને મળવા માગે કેટલા માણસો? બગીચો મોટો કે શેઠ? 

દારૂ પીવો હોય તો કલાલની દુકાનમાં કેટલાં પીપ દારૂ ભર્યાે છે તેની ગણતરીની શી જરૂર? મને તો એક બાટલી જ બસ છે!

(પૂર્વકથા – વિષ્ણુ મંદિરના અલંકારની ચોરી અને સેજોબાબુ)

‘નરેન્દ્રને જ્યારે મળું, ત્યારે ક્યારેય પૂછું નહિ કે તારા બાપનું નામ શું, કે તારા બાપનાં કેટલાં મકાન! 

વાત એમ છે કે માણસને પોતાને ઐશ્વર્ય ગમે એટલે તે માને કે ઈશ્વરનેય તે ગમે. તે મનમાં એમ માને કે ઈશ્વરના ઐશ્વર્યની પ્રશંસા કર્યે ઈશ્વર રાજી થવાનો. શંભુ મલ્લિક કહેતો હતો કે ‘હવે એવો આશીર્વાદ આપો કે જેથી આ સંપત્તિ પ્રભુનાં ચરણકમળમાં સમર્પીને મરું!’ મેં કહ્યું કે ‘આ બધું તમારે મન ઐશ્વર્ય; પ્રભુને તમે શું આપવાના હતા? એમને મન તો આ બધું ધૂળરાખ!’

‘જ્યારે દક્ષિણેશ્વરમાં રાધાકાંતનાં ઘરેણાં મંદિરમાંથી ચોરાઈ ગયાં, ત્યારે મથુરબાબુ અને હું તે જોવા ગયા. દેવ-પ્રતિમાને જોઈને મથુરબાબુ બોલ્યા, ‘હટ્ ઠાકોરજી! તમારામાં કશી જ ત્રેવડ નથી, તમારા શરીર પરથી ઘરેણાં બધાં કોઈક કાઢી ગયું અને તમે કશું કરી શક્યા નહિ?’ મેં મથુરબાબુને કહ્યું કે ‘આ તે તમારી કેવી વાત! તમે જેને ઘરેણાં ઘરેણાં કહો છો એ બધાં ભગવાનને મન તો માટીનાં ઢેફાં! સ્વયં લક્ષ્મી જેની શક્તિ, એ ભગવાન તમારા થોડાક રૂપિયાનાં ઘરેણાં રહ્યાં કે ચોરાઈ ગયાં, તેના સારુ મોઢું વકાસીને બેઠા છે, કેમ? એવી વાત બોલવી નહિ.’

‘ઈશ્વર શું ઐશ્વર્યને વશ? એ ભક્તિને વશ. તેમને શું જોઈએ? રૂપિયા નહિ. ભાવ, પ્રેમ-ભક્તિ, વિવેક, વૈરાગ્ય એ બધું જોઈએ.

(ઈશ્વરનું સ્વરૂપ અને ઉપાસકભેદ – ત્રિગુણાતીત ભક્ત)

‘જેનો જેવો ભાવ, ઈશ્વરને તે તે પ્રમાણે જુએ. જે તમોગુણી ભક્ત હોય તે જુએ કે માતાજી બકરાં ખાય, એટલે તે બલિદાન દે. રજોગુણી ભક્ત તરેહતરેહનાં શાકભાજી વગેરે પદાર્થાે બનાવીને ભોગ ધરાવે. સત્ત્વગુણી ભક્તની પૂજામાં આડંબર ન હોય. તેની પૂજાની માણસોને ખબર પડે નહિ. ફૂલ ન હોય તો બિલ્વપત્ર કે ગંગાજળથી પૂજા કરે. થોડાક મમરા કે ચાર પતાસાં ધરાવીને નૈવેદ્ય કરે. ક્યારેક વળી જરા દૂધપાક કરીને ભગવાનને ધરાવે.

‘એ ઉપરાંત એક છે, ત્રિગુણાતીત ભક્ત. તેનો બાળક જેવો સ્વભાવ. ઈશ્વરનું નામ લેવું એ જ તેની પૂજા, કેવળ ઈશ્વરનું નામ!’

Total Views: 340
ખંડ 16: અધ્યાય 7 : બ્રહ્મ અને શક્તિ અભેદ - માનવલીલા
ખંડ 16: અધ્યાય 9 : કેશવ સાથે વાર્તાલાપ - ઈશ્વરની ઇસ્પિતાલમાં આત્માની ચિકિત્સા