શ્રીરામકૃષ્ણ હમેશાં સમાધિ-મગ્ન. માત્ર રાખાલ વગેરે ભક્તોના આધ્યાત્મિક વિકાસ માટે તેમની સાથે વાતચીત કરે, તેમને આત્મ-જાગૃતિ આવે એટલા માટે.

સવારમાં શ્રીરામકૃષ્ણ તેમના ઓરડાની પશ્ચિમ બાજુની ઓસરીમાં બેઠા છે. આજે મંગળવાર, માગશર-ચતુર્થી, ૧૮ ડિસેમ્બર, ૧૮૮૩. શ્રીયુત્ દેવેન્દ્રનાથ ટાગોરની ભક્તિ અને વૈરાગ્યની વાતમાં ઠાકુર તેમનાં વખાણ કરી રહ્યા છે. રાખાલ વગેરે નવયુવાન ભક્તોને જોઈને ઠાકુર કહે છે, ‘એ (દેવેન્દ્ર) સારા માણસ; પરંતુ જેઓ સંસારમાં ન પડતાં નાનપણથી જ શુકદેવ વગરેની પેઠે દિનરાત ઈશ્વરનું ચિંતન કરે, જેઓ કૌમાર-વૈરાગ્યવાન, તેઓ ધન્ય!’

‘સંસારી માણસોમાં કંઈક ને કંઈક કામના, વાસના હોય જ, આ બાજુ ભક્તિયે ખૂબ દેખાય. મથુરબાબુ કોઈ એક મુકદ્દમામાં સપડાયા’તા. તે મને કહે કે બાબા, મા કાલીને આ અર્ઘ્ય ચડાવો તો. મેં તો મોકળે મને માને પગે અર્ઘ્ય અર્પણ કરી દીધો. 

પરંતુ જુઓ, કેવી શ્રદ્ધા! કે હું અર્પણ કરીશ એટલે (કામ ફોહ) થવાનું જ!

‘રતિની માની, આ બાજુએ જુઓ તો કેટલી ભક્તિ! અવારનવાર અહીં આવ્યા કરતી અને કેટલી સેવા કરતી! રતિની મા હતી વૈષ્ણવ સંપ્રદાયની. પરંતુ, થોડા દિવસ પછી જેવું જોયું કે હું કાલી માતાજીનો પ્રસાદ પણ ખાઉં છું, એટલે પછી ત્યારથી આવતી જ બંધ થઈ ગઈ! એ બધાં એકધોયાં! માણસને જોતાંવેંત પહેલાં પહેલાં તો ઓળખાય નહિ!

શ્રીરામકૃષ્ણ ઓરડાની અંદર પૂર્વ બાજુના બારણાની પાસે બેઠેલા છે. શિયાળાના દિવસો છે, અંગે ગરમ ઉપરણું. અચાનક સૂર્ય-દર્શન, અને ઠાકુર સમાધિ-મગ્ન! પલકવિહીન નેત્ર! બાહ્યસંજ્ઞા રહિત!

આ શું ગાયત્રી મંત્રની સાર્થકતા? ‘ૐ તત્સવિર્તુવરેણ્યં ભર્ગાે દેવસ્ય ધીમહિ’!

કેટલીય વાર પછી સમાધિ ઊતરી. રાખાલ, હાજરા, માસ્ટર વગેરે પાસે બેઠેલા છે.

શ્રીરામકૃષ્ણ (હાજરાને) – સમાધિ, ભાવ એ ખરેખર ઈશ્વરી પ્રેમની વસ્તુઓ. ત્યાં (અમારા) દેશમાં (શ્યામબજારમાં) નટવર ગોસ્વામીને ઘેર લીલા-કીર્તન થતું હતું. ત્યાં શ્રીકૃષ્ણ અને ગોપીઓનાં દર્શન કરીને હું સમાધિ-મગ્ન થયો! એમ લાગ્યું કે મારું સૂક્ષ્મ લિંગ-શરીર શ્રીકૃષ્ણને પગલે પગલે ફરી રહ્યું છે!

‘જોડાસાંકોની હરિસભામાં એ રીતે કીર્તનને વખતે સમાધિ થઈ જતાં, સંપૂર્ણ રીતે બાહ્યભાન રહિત થઈ ગયેલો! તે દિવસે દેહત્યાગ થઈ જવાનો સંભવ હતો.

શ્રીરામકૃષ્ણ સ્નાન કરવા ગયા. સ્નાન કરી આવીને પાછા એ ગોપીપ્રેમની જ વાત કરે છે.

(મણિ વગેરેને) – ગોપીઓનો આ પ્રેમ અપનાવો.

આ બધાં ગાન ગાઓ –

સખી! એ વન કેટલું દૂર,

(જ્યાંહાં મારા શ્યામસુંદર)

(હું ચાલી ન શકું રે!)

ગીત – એ ઘરે મારે ન જવું કદીયે,

જ્યાં કૃષ્ણનામ રટવું સમસ્યા બને. (ઝીલનારા)

Total Views: 308
ખંડ 17: અધ્યાય 11 : જીવનનો ઉદ્દેશ ઈશ્વર-દર્શન - ઉપાય પ્રેમ
ખંડ 17: અધ્યાય 13 :