શ્રીરામકૃષ્ણે રાખાલને આરામ થઈ જાય એ માટે શ્રી સિદ્ધેશ્વરી દેવીને લીલું નાળિયેર ને ખાંડની માનતા કરેલી છે. મણિને કહે છે કે ‘ખાંડ-નાળિયેરના પૈસા તમે ચૂકવજો.’

બપોર પછી શ્રીરામકૃષ્ણ રાખાલ, મણિ વગેરેની સાથે ગાડીમાં બેસીને ઠનઠનિયાનાં શ્રી સિદ્ધેશ્વરીદેવીના મંદિર તરફ આવી રહ્યા છે. વચમાં આવે સિમુલિયા બજાર. ત્યાંથી લીલું નાળિયેર ને ખાંડ ખરીદ્યાં.

મંદિરે પહોંચીને ઠાકુર ભક્તોને કહે છે કે એક લીલું નાળિયેર ઉપરથી છોલીને, તેમાં ખાંડ નાખીને માતાજીની પાસે ધરો.

જ્યારે મંદિરમાં આવી પહોંચ્યા ત્યારે જોયું તો પૂજારીઓ પોતાના ભાઈબંધોની સાથે મા કાલીની સામે ગંજીપે રમી રહ્યા છે. એ જોઈને ઠાકુર ભક્તોને કહે છે, ‘જોયું ને? આવી જગાએ પાને રમવું! અહીંયાં ઈશ્વર-ચિંતન કરવું જોઈએ!’

હવે શ્રીરામકૃષ્ણ શ્રીયદુ મલ્લિકને ઘેર આવ્યા છે. મલ્લિકની સાથે કેટલાય બાબુઓ બેઠેલા છે.

યદુ કહે છે, ‘આવો, આવો!’ પરસ્પર કુશળ પ્રશ્ન થઈ રહ્યા પછી શ્રીરામકૃષ્ણ વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – તમે આટલા બધા ભાંડ, ખુશામતિયા રાખો છો શા માટે?

યદુ (હસીને) – તમે ઉદ્ધાર કરવાના છો એટલા માટે. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ – ખુશામતિયાઓ મનમાં માને કે શેઠ એમની ઉપર રૂપિયા વરસાવશે. પણ શેઠની પાસેથી પૈસા કઢાવવા બહુ જ કઠણ. એક શિયાળિયું એક સાંઢને જોઈને તેની સોબત કોઈ રીતે મૂકે નહિ. એ ચરતો ફરે, તો પેલું શિયાળ પણ તેની સાથે સાથે જાય. શિયાળે મનમાં ધારેલું કે પેલા સાંઢના વૃષણ-અંડકોશ જે ટીંગાય છે, એ ક્યારેક ને ક્યારેક ખરી પડવાના અને આપણને ખાવા મળવાના! એટલે પેલો સાંઢ જ્યારે ઊંઘે, ત્યારે એ શિયાળ પણ તેની પાસે લંબાવીને ઊંઘી લે; અને જ્યારે ઊઠીને ચરતો ફરે, ત્યારે એ પણ પાછળ પાછળ ફર્યા કરે. કેટલાય દિવસો એ પ્રમાણે ગયા, પરંતુ અંડકોષ કંઈ પડ્યા નહિ. એટલે પછી અંતે એ નિરાશ થઈને ચાલ્યું ગયું! (સૌનું ખડખડાટ હાસ્ય). ખુશામતિયાઓની પણ એવી જ દશા!

યદુ અને તેમનાં માતુશ્રીએ શ્રીરામકૃષ્ણ અને ભક્તોને નાસ્તો કરાવ્યો.

Total Views: 312
ખંડ 17: અધ્યાય 12 : દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે
ખંડ 17: અધ્યાય 14 : બિલ્વ-વૃક્ષના થડ પાસે અને પંચવટી નીચે શ્રીરામકૃષ્ણ