ઠાકુર શ્રીરામકૃષ્ણ બિલ્વ-વૃક્ષની પાસે મણિની સાથે વાતો કરી રહ્યા છે. સમય આશરે નવેક વાગ્યાનો હશે.

આજે બુધવાર, ૧૯મી ડિસેમ્બર, ૧૮૮૩. ૫ પૌષ, ૧૨૯૦ (બંગાબ્દ) વદ પાંચમ.

બિલ્વ-તળું ઠાકુરની સાધના-ભૂમિ. તદ્દન એકાંત સ્થળ. ઉત્તર બાજુએ દારૂખાનું અને દીવાલ. પશ્ચિમે સરુનાં ઝાડ હંમેશાં મનને ઉદાસ કરે એવો સૂ-સૂ અવાજ કરી રહ્યાં છે. એમની પાછળ ભાગીરથી. દક્ષિણે પંચવટી દેખાય છે. ચારે બાજુએ એટલી બધી ઝાડી છે કે દેવાલયો દેખાતાં નથી.

બિલ્વ વૃક્ષ, દક્ષિણેશ્વર

શ્રીરામકૃષ્ણ (મણિને) – પણ કામિની-કાંચનનો ત્યાગ કર્યા વિના ઈશ્વર-દર્શન થાય નહિ.

મણિ – કેમ? વસિષ્ઠ મુનિએ તો રામચંદ્રને કહેલું કે ‘રામ, સંસાર જો ઈશ્વર વિનાનો હોય તો ત્યાગ કરો.’

શ્રીરામકૃષ્ણ (સહેજ હસીને) – એ તો રાવણનો વધ કરવા સારુ. તેથી જ રામ સંસારમાં રહ્યા, અને વિવાહ કર્યાે!

મણિ સ્તબ્ધ થઈને લાકડાની પેઠે ઊભા થઈ રહ્યા!

એટલું કહીને ઠાકુર પોતાના ઓરડામાં જવા સારુ પંચવટી તરફ ગયા. સવારના નવ વાગ્યા છે. પંચવટીની નીચે શ્રીરામકૃષ્ણની મણિ સાથે વાતો થાય છે.

મણિ (શ્રીરામકૃષ્ણને) – જ્ઞાન અને ભક્તિ બેઉ શું આવે નહિ?

શ્રીરામકૃષ્ણ – ખૂબ ઊંચો આધાર હોય તો આવે. ઈશ્વર-કોટિને આવે, જેમ કે ચૈતન્યદેવને. જીવ-કોટિની જુદી વાત.

‘પ્રકાશના પાંચ પ્રકાર. દીવાનો પ્રકાશ, વિવિધ અગ્નિનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, સૂર્ય-પ્રકાશ અને ચંદ્ર-સૂર્યનો એકસાથે પ્રકાશ. ભક્તિ ચંદ્ર; જ્ઞાન સૂર્ય.

‘ક્યારેક ક્યારેક આકાશમાં સૂર્ય આથમતાં ન આથમતાં જ ચંદ્રોદય દેખાય. અવતારી પુરુષોમાં ભક્તિ-ચંદ્ર ને જ્ઞાન-સૂર્ય એકી સાથે જોવામાં આવે.

‘ઇચ્છા કરતાં જ શું સૌ કોઈને જ્ઞાન ને ભક્તિ બંને એકી સાથે થાય કે? તેને માટે ખાસ વિશેષ આધાર (પાત્ર) જોઈએ. કોઈ વાંસનું પોલાણ વધારે, કોઈ વાંસનું ખૂબ સાંકડું. ઈશ્વર-વસ્તુની ધારણા શું સર્વ આધાર (માનવ-મન) કરી શકે? એક શેરના લોટામાં કંઈ બશેર દૂધ સમાઈ શકે?

મણિ – કેમ, ઈશ્વરની કૃપાથી? એ જો કૃપા કરે તો સોયના નાકામાંથી ઊંટ જઈ શકે!

શ્રીરામકૃષ્ણ – પણ કૃપા કાંઈ એમ જ થઈ જાય? ભિખારી જો પૈસા માગે તો દેવાય. પણ એકસામટું રેલ-ભાડું માગી બેસે તો?

મણિ મૂંગા થઈને સાંભળી રહ્યા. શ્રીરામકૃષ્ણેય ચૂપ થઈને ઊભા છે. અચાનક બોલી ઊઠ્યા, ‘હા ખરું; કોઈ કોઈ આધારમાં, ઈશ્વરની કૃપા થાય તો, થઈ શકે; બંને થઈ શકે.’

(નિરાકાર સાધના ખૂબ જ કઠિન)

ઠાકુર શ્રીરામકૃષ્ણ પંચવટી-તળા પાસે મણિની સાથે વાતો કરી રહ્યા છે. સમય છે આશરે દસ વાગ્યાનો.

મણિ (શ્રીરામકૃષ્ણને) – નિરાકારની સાધના શું ન થાય?

શ્રીરામકૃષ્ણ – થાય નહિ શું કામ? પણ એ માર્ગ અતિશય કઠણ. (ક્લેશોઽધિકતરસ્તેષામ્ અવ્યક્તાસક્ત ચેતસામ્। અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે।। ગીતા, ૧૨.૫) આગળના ઋષિઓ અનેક જાતની તપશ્ચર્યા કરીને બોધ-સ્વરૂપમાં બોધ-સ્વરૂપને અનુભવતા, બ્રહ્મ શી વસ્તુ એ અનુભવ કરતા. એ ઋષિઓ મહેનત કેટલી લેતા? સવારના પહોરમાં પોતાની કુટિરમાંથી નીકળી જતા. આખો દિવસ તપ કરીને સંધ્યાકાળ પછી પાછા ઝૂંપડીએ આવતા. ત્યાર પછી સાધારણ ફળ-મૂળ ખાતા.

‘નિરાકાર સાધનામાં વિષય-વાસનાનો લેશ માત્ર રહે તો બ્રહ્મનો અનુભવ ન થાય. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એ બધા વિષયો મનમાં જરાય રહેવા ન જોઈએ, ત્યારે મન શુદ્ધ થાય. જે એ શુદ્ધ મન, શુદ્ધ આત્મા પણ તે. મનમાં કામિની-કાંચન જરાક જેટલાંય રહેવાં ન જોઈએ.

‘ત્યારે પછી બીજી એક અવસ્થા થાય; ‘ઈશ્વર જ બધું કરનાર, હું અકર્તા’ એવી અવસ્થા. મારા વિના ચાલે નહિ એવી ભાવના રહે જ નહિ, સુખમાં કે દુઃખમાં.

‘એક મઠના સાધુને કોઈ દુષ્ટ માણસે માર્યાે હશે તેથી એ સાધુ બેભાન થઈ ગયેલો. જરા ભાનમાં આવ્યો ત્યારે તેને પૂછ્યું,‘મા’રાજ! તમને કોણ દૂધ પાય છે?’ એ સાધુએ જવાબ આપ્યો કે ‘જેણે મને માર્યાે હતો તે જ દૂધ પાય છે!’

મણિ – જી હા. એ જાણું છું.

(સ્થિતસમાધિ અને ઉન્મનાસમાધિ)

શ્રીરામકૃષ્ણ – એમ નહિ, એકલું જાણ્યે ન વળે; એની ધારણા થવી જોઈએ. 

વિષય-ચિંતા મનને સમાધિસ્થ થવા દે નહિ. એકદમ વિષયબુદ્ધિ ત્યાગ થતાં સ્થિત સમાધિ થાય. સ્થિત-સમાધિમાં મારો દેહત્યાગ થઈ શકે, પરંતુ ભક્તિ, ભક્તોને લઈને રહેવાની જરા ઇચ્છા છે. એટલે જરાક દેહ ઉપર પણ મન છે.

‘બીજી એક છે ઉન્મના-સમાધિ. વિખરાઈ પડેલું મન અચાનક એકત્રિત કરી લેવું. એ તમે સમજો છો?

મણિ – જી હા.

શ્રીરામકૃષ્ણ – ચારે કોર ભટકતા મનને અચાનક એકઠું કરી લેવું. આ સમાધિ વધારે વખત ટકે નહિ, વિષય-ચિંતન આવીને એનો ભંગ કરે, યોગીનો યોગભંગ થાય.

‘અમારા દેશમાં દીવાલની અંદર એક ખાડામાં નોળિયો રાખે. ખાડામાં હોય ત્યારે ખૂબ મજામાં હોય. લોકો નોળિયાની પૂંછડીએ એક ઈંટનો ટુકડો બાંધી દે. એટલે પછી એ ઈંટના વજનથી એ ખાડામાંથી બહાર નીકળી આવે. જેટલી વાર એ ખાડામાં જઈને આરામથી બેસવાનો પ્રયત્ન કરે, તેટલી વાર એ ઈંટના વજનથી બહાર આવી જાય. વિષય-ચિંતન પણ તેમ યોગીને યોગભ્રષ્ટ કરે.

‘સંસારી માણસોને ક્યારેક સમાધિની અવસ્થા થઈ શકે. સૂર્યાેદયથી કમળ ખીલે, પણ સૂર્ય વાદળાંથી ઢંકાઈ જાય તો વળી કમળ બિડાઈ જાય. વિષય-રૂપી વાદળું.

મણિ – સાધના કરવાથી જ્ઞાન અને ભક્તિ બેઉ થાય કે ન થાય?

શ્રીરામકૃષ્ણ – ભક્તિને લઈને રહેવાથી બંને થાય. જરૂર લાગે તો તેઓ જ બ્રહ્મજ્ઞાન આપી દે. બહુ ઊંચો આધાર હોય તો એક જ આધારે બંને થઈ શકે. 

મણિ પ્રણામ કરીને બેલ-તળા તરફ જાય છે.

બેલ-તળાથી પાછા ફરતાં બપોર થઈ ગયા છે. આટલું બધું મોડું થયું જોઈને શ્રીરામકૃષ્ણ બેલ-તળા તરફ આવી રહ્યા છે. મણિ શેતરંજી, આસન, પાણીનો લોટો વગેરે લઈને પાછા ફરી રહ્યા છે, ત્યાં પંચવટીની પાસે ઠાકુરની સાથે મેળાપ થયો. એમણે તરત જ જમીન પર નમીને ઠાકુરને પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (મણિને) – હું આવતો’તો તમને શોધવા. મને થયું કે આટલી બધી વાર લાગી, તે જણ વંડી ઠેકીને ભાગ્યો કે શું! તમારી આંખોનો ભાવ એ વખતે જે જોયો’તો, તેથી એમ થયું કે નારા’ણ શાસ્ત્રીની પેઠે આ પણ ભાગ્યો કે શું? ત્યાર પછી વળી વિચાર આવ્યો કે ના, એ એમ તો ભાગે નહિ; એ ખૂબ વિચાર કરીને કામ કરે.

Total Views: 375
ખંડ 17: અધ્યાય 13 :
ખંડ 17: અધ્યાય 15 : શ્રીરામકૃષ્ણ મણિ વગેરે ભક્તો સાથે