વળી પાછા રાત્રે શ્રીરામકૃષ્ણ મણિની સાથે વાતો કરે છે. રાખાલ, લાટુ, હરીશ વગેરે છે.

શ્રીરામકૃષ્ણ (મણિને) – વારુ, કોઈ કોઈ લોકો કૃષ્ણ-લીલાનો આધ્યાત્મિક અર્થ કરે છે; તમે શું કહો છો?

મણિ – જુદા જુદા મતો  છે; એમ કરે તોય શું ખોટું? ભીષ્મ પિતામહની વાત તો આપે કહી છે, કે બાણની પથારી પર પડ્યા પડ્યા શરીર છોડતી વખતે બોલેલા કે શા માટે હું રડું છું, કહું? મરણની વેદનાને લઈને નહિ. પરંતુ જ્યારે વિચાર કરું છું કે સાક્ષાત્ નારાયણ અર્જુનના સારથિ હતા છતાંય પાંડવોને આટલી વિપત્તિઓ, ત્યારે મને થયું કે ભગવાનની લીલા કાંઈ જ સમજી શક્યો નહિ; એટલે રડું છું! 

વળી હનુમાનની વાત આપે કહેલી. હનુમાન કહે કે ‘હું વાર, તિથિ, નક્ષત્ર વગેરે કાંઈ જાણતો નથી, હું માત્ર એક રામનું ચિંતન કરું!’ 

આપે તો કહ્યું છે કે બે વસ્તુ સિવાય બીજું કંઈ નથી, બ્રહ્મ અને શક્તિ. તથા આપે કહ્યું છે કે જ્ઞાન (બ્રહ્મ-જ્ઞાન) થયે એ બન્ને એક લાગે; જે એક છે બે નહિ!

શ્રીરામકૃષ્ણ- હા એ ખરું. જો ચીજ મેળવવી જ છે, તો પછી એ કાંટાવાળા રસ્તેથી મળો કે સારે રસ્તેથી!

‘મતો જુદા જુદા છે એ ખરું. નાગાજી કહેતા, કે પંથની મોકાણમાં સાધુ-સેવા થઈ શકી નહિ. એક જગાએ સાધુઓનો ભંડારો હતો. અનેક સંપ્રદાયના સાધુઓ આવેલા. સૌ કહેવા લાગ્યા કે અમારા સંપ્રદાયની પહેલી પૂજા થવી જોઈએ; બીજા સંપ્રદાયની ત્યાર પછી. એનું કાંઈ નિરાકરણ જ ન આવ્યું. છેવટે બધા જમ્યા વગર જ ચાલ્યા ગયા! અને આખરે એ બધું વારાંગનાઓને ખવડાવવામાં આવ્યું.

મણિ – તોતાપુરી જબરો માણસ!

શ્રીરામકૃષ્ણ – પણ હાજરા કહે છે કે સાધારણ! જવા દો બાપુ, વાત કરવામાં કાંઈ માલ નથી. સૌ કોઈ એમ જ કહે છે કે મારું ઘડિયાળ બરાબર ચાલે છે!

‘જુઓ, નારા’ણ શાસ્ત્રીને ખૂબ વૈરાગ્ય આવેલો. એવડો મોટો પંડિત, સ્ત્રીનો ત્યાગ કરીને અજ્ઞાતવાસમાં ચાલ્યો ગયો! મનમાંથી કામિની-કાંચનનો સંપૂર્ણપણે ત્યાગ કરી શકાય ત્યારે યોગ થાય. કોઈ કોઈમાં યોગીનાં લક્ષણ નજરે ચડે.

‘તમને ષટ્-ચક્રનો વિષય જરા બતાવી દેવો પડશે. યોગીઓ ષટ્-ચક્ર ભેદ કરીને એમની કૃપાથી એમનાં (ઈશ્વરનાં) દર્શન કરે. ષટ્-ચક્ર વિશે સાંભળ્યું છે?

મણિ – વેદાંત-મત પ્રમાણે સપ્ત-ભૂમિ.

શ્રીરામકૃષ્ણ – વેદાંત નહિ, વેદ-મત. ષટ્-ચક્ર શેના જેવાં ખબર છે? સૂક્ષ્મ શરીરની અંદર એ બધાં પદ્મો છે – યોગીઓ જોઈ શકે. જેમ કે મીણના ઝાડનાં ફળ, પાંદડાં વગેરે.

મણિ – જી હા; યોગીઓ જોઈ શકે. એક ચોપડીમાં લખ્યું છે કે એક પ્રકારનો Magnifier (સૂક્ષ્મદર્શક) કાચ છે, તેની અંદરથી જોઈએ તો ખૂબ નાની વસ્તુય મોટી દેખાય. તે પ્રમાણે યોગ દ્વારા આ સૂક્ષ્મ પદ્મો બધાં દેખાય.

શ્રીરામકૃષ્ણે મણિને પંચવટીની ઓરડીમાં રહેવાનું કહ્યું છે. મણિ એ ઓરડીમાં રાત્રિએ વાસ કરે છે. 

વહેલા પ્રભાતમાં (એ ઓરડીમાં) મણિ એકલા ગીત ગાઈ રહ્યા છે :

‘ગૌર રે હું સાધન-ભજન-હીન, 

સ્પરશે પવિત્ર કરો, હું તો દીન-હીન…

ચરણ પામું પામું કરીને રે, 

(ચરણ તો કાંઈ પામ્યો ના, ગૌર!)

આશામાં આશામાં ગયા મમ દિન!…’

અચાનક બારી તરફ નજર કરતાં જુએ છે તો શ્રીરામકૃષ્ણ ઊભેલા! ‘સ્પરશે પવિત્ર કરો, હું તો દીન-હીન!’ એ શબ્દો સાંભળતાં ઠાકુરનાં નેત્રો અશ્રુપૂર્ણ થયાં છે! 

વળી એક ગીત ગાય છે :

‘ભગવાં વસ્ત્ર અંગે હું ધરીશ, શંખનું કુંડલ પ્હેરી, 

હું તો યોગિનીને વેશે જાઉં એ દેશે, 

જ્યાંહાં એ નિષ્ઠુર હરિ.’

શ્રીરામકૃષ્ણની સાથે રાખાલ ફરી રહ્યા છે.

બીજે દિવસે શુક્રવાર, ૨૧મી ડિસેમ્બર. (૭ પોષ, વદ આઠમ) સવારે શ્રીરામકૃષ્ણ એકલા બેલ-તળા પાસે મણિની સાથે કેટલીય વાતો કરી રહ્યા છે. સાધનાની અનેક ગુપ્ત વાતો, કામિની- કાંચન-ત્યાગની વાતો. અને ક્યારેક ક્યારેક મન જ ગુરુ થાય, એ બધી વાતો કરી રહ્યા છે.

જમી રહ્યા પછી ઠાકુર પંચવટીમાં આવ્યા છે, મજાનું મનોહર પીતાંબર ધારણ કરીને. પંચવટીમાં બે ત્રણ જણા વૈષ્ણવ બાબાજી આવ્યા છે, તેમાંથી એક જણ બાઉલ સંપ્રદાયનો. 

એ પેલા વૈષ્ણવને કહે છે, ‘તારા દોરી-કૌપીનનું સ્વરૂપ કહે જોઉં!’

બપોર પછી એક નાનક-પંથી સાધુ આવેલ છે. હરીશ, રાખાલ પણ છે. સાધુ નિરાકારવાદી. ઠાકુર તેને સાકારનુંયે ચિંતન કરવાનું કહે છે.

શ્રીરામકૃષ્ણ સાધુને કહે છે કે ડૂબકી મારો; ઉપર ઉપર તર્યે રત્ન મળે નહિ. અને ઈશ્વર નિરાકારેય ખરો તેમ વળી સાકાર પણ ખરો. સાકાર-રૂપે ચિંતન કરવાથી જલદી ભક્તિ આવે. ત્યાર પછી વળી નિરાકાર-રૂપે ચિંતન! જેમ કે આવેલો કાગળ વાંચી લઈને એ પત્ર ફેંકી દે. ત્યાર પછી તેમાં લખ્યા મુજબ કામ કરે, તેમ.

Total Views: 337
ખંડ 17: અધ્યાય 14 : બિલ્વ-વૃક્ષના થડ પાસે અને પંચવટી નીચે શ્રીરામકૃષ્ણ
ખંડ 17: અધ્યાય 16 : દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે - બલરામના પિતા વગેરે