આજ શનિવાર, ૨૨મી ડિસેમ્બર ૧૮૮૩. સમય નવેક વાગ્યાનો. બલરામના પિતા આવ્યા છે. રાખાલ, હરીશ, માસ્ટર, લાટુ, અહીં જ નિવાસ કરે છે. શ્યામપુકુરના દેવેન્દ્ર ઘોષ આવેલ છે. શ્રીરામકૃષ્ણ દક્ષિણ-પૂર્વ તરફની ઓસરીમાં ભક્તો સાથે બેઠા છે.

એક ભક્ત પૂછે છે :ભક્તિ કેમ કરીને આવે?

શ્રીરામકૃષ્ણ (બલરામના પિતા વગેરે ભક્તોને) – આગળ વધો. સાત દોઢી વટાવ્યા પછી રાજા છે. બધી દોઢી પાર કરી જાઓ ત્યારે તો રાજાને જોઈ શકાય ને?

‘મેં ચાનકમાં અન્નપૂર્ણા- પ્રતિષ્ઠાને વખતે દ્વારિકા બાબુને (૧૮૭૪-૭૫) કહ્યું હતું કે ‘મોટા સરોવરના ઊંડા પાણીમાં મોટાં માછલાં છે. ચારો નાખો, એટલે એ ચારાની ગંધથી મોટું માછલું આવશે. ક્યારેક ક્યારેક ઉછાળો મારશે. પ્રેમ-ભક્તિ ચારો.

(શ્રીરામકૃષ્ણ અને અવતારતત્ત્વ)

‘ઈશ્વર નર-લીલા કરે. ઈશ્વર માણસરૂપે અવતરે. જેમ કે શ્રીકૃષ્ણ, રામચંદ્ર, ચૈતન્યદેવ.

‘મેં કેશવ સેનને કહ્યું હતું કે ઈશ્વરનો મનુષ્યની અંદર વધુ પ્રકાશ. (વર્ષાકાળે) ખુલ્લા મેદાનની ધારે નાના ઊંડા ખાડા હોય, તેને ભોણ-બખોલ કહેવાય. ભોણમાં માછલાં, કરચલા પણ હોય છે. એમને શોધવાં હોય તો આ ભોણની અંદર જવું પડે. એવી જ રીતે ઈશ્વરને શોધવો હોય તો અવતારની અંદર શોધવો જોઈએ.

‘આ સાડા ત્રણ હાથના માનવીની અંદર જગન્માતા પ્રગટ થાય! ગીતમાં કહ્યું છે ને કે 

‘શ્યામા મા શું આ સંચો કર્યાે છે!… 

(કાલી માએ શું સંચો કર્યાે છે)

ચૌદ વેંતના આ સંચામાં, શા શા રંગ દેખાડે છે!

પોતે રહી સંચા માંહીં, ફેરવે દોરી ધરી,

સંચો જાણે પોતે ફરું, જાણે નહિ કે ફેરવે કોણ;

જે સંચાએ જાણ્યાં માને, સંચો થવું પડે નહિ તેને,

કોઈક સંચાના ભક્તિદોરે શ્યામા પોતે બંધાયાં છે.’

‘પરંતુ ઈશ્વરને ઓળખવો હોય, અવતારને ઓળખવો હોય તો સાધનાની જરૂર. સરોવરમાં મોટાં મોટાં માછલાં છે, તેમને બહાર લાવવા માટે ચારો નાખવો જોઈએ. દૂધમાં માખણ છે, પણ તેને બહાર લાવવા માટે વલોવવું જોઈએ. તલમાં તેલ રહ્યું છે, પણ તલને પીલવા જોઈએ. મેંદીથી હાથ લાલ થાય, પણ મેંદીને વાટવી જોઈએ.

(નિરાકારસાધના અને શ્રીરામકૃષ્ણ)

ભક્ત (શ્રીરામકૃષ્ણને) – વારુ, ઈશ્વર સાકાર કે નિરાકાર?

શ્રીરામકૃષ્ણ – અરે જરા ઊભા રહો, પહેલાં કોલકાતા જાઓ. ત્યારે ખબર પડે ને, કે ક્યાં મોન્યુમેન્ટ, ક્યાં મેદાન, ક્યાં એશિયાટીક સોસાયટી, ક્યાં બેંગાલ બેંક! 

‘ખડદાહના બ્રાહ્મણ-પાડામાં જવું હોય તો પહેલાં તો ખડદાહમાં પહોંચવું જોઈએ ને?

‘નિરાકાર સાધના થાય નહિ શું કામ? પણ એ બહુ જ કઠણ. કામિની-કાંચનનો ત્યાગ કર્યા વિના થાય નહિ. બહારથી ત્યાગ, તેમ જ અંદર પણ ત્યાગ. વિષય-વાસનાનો લેશ માત્ર હોય તો એ થઈ શકે નહિ.

તેના કરતાં સાકાર સાધના સહેલી. પણ એય ધારો છો એટલી સહેલી નથી.

‘નિરાકાર સાધના, જ્ઞાન-યોગની સાધના, ભક્તિ-માર્ગવાળાઓની પાસે બતાવવી નહિ. કેટલીયે મહેનતે જરાતરા ભક્તિ આવતી હોય, ત્યાં એને બધું સ્વપ્નવત્ કહેવાથી ભક્તિની હાનિ થાય.

‘કબીરદાસ હતા નિરાકારવાદી. શિવ, કાલી, કૃષ્ણ વગેરેને એ માનતા નહિ. કબીર કહેતા કે કાલી ભાત-કેળાં ખાય; કૃષ્ણ ગોપીઓની હાથતાલીની સાથે સાથે વાંદરાની પેઠે નાચ નાચતા! (સૌનું હાસ્ય).

‘નિરાકાર સાધકને કદાચ પહેલાં દશભૂજા દેવીનાં દર્શન થાય; ત્યાર પછી ચતુર્ભુજ; ત્યાર પછી દ્વિભુજ ગોપાલ; છેવટે અખંડ જ્યોતિનાં દર્શન કરે અને તેમાં જ લીન!

‘એમ પણ કહેવાય છે કે દત્તાત્રેય, જડભરત તેઓ બ્રહ્મ-દર્શન થયા પછી પાછા  ફર્યા નથી.

‘એક મત એવો છે કે શુકદેવે એ બ્રહ્મ-સમુદ્રનું એક બિંદુ માત્ર ચાખેલું. બ્રહ્મ-સમુદ્રના હિલ્લોળા, કલ્લોલનાં દર્શન, શ્રવણ કરેલાં; પરંતુ બ્રહ્મ-સમુદ્રમાં ડૂબકી મારેલી નહિ.

‘એક બ્રહ્મચારી કહેતો હતો કે કેદારનાથની પેલે પાર ગયે શરીર ટકે નહિ. તેવી રીતે બ્રહ્મ-જ્ઞાનની પ્રાપ્તિ પછી શરીર ટકે નહિ. એકવીસ દિવસમાં મૃત્યુ!

‘એક દીવાલની પેલી બાજુએ અનંત મેદાન છે. ચાર ભાઈબંધોએ એ દીવાલની પેલી બાજુએ શું છે એ જોવાનો પ્રયત્ન કર્યાે. એક પછી એક દરેક જણ દીવાલ ઉપર ચડે ને મેદાન જોઈને, આહાહાહા! કરી હસીને બીજી બાજુએ ઊતરી પડે. ત્રણ જણે કશાય ખબર ન આપ્યા. માત્ર એક જણે સમાચાર આપ્યા. તેનું બ્રહ્મ-જ્ઞાનની પછીયે શરીર રહ્યું, લોકોપદેશને માટે. જેમ કે અવતાર વગેરેનું.

‘પાર્વતીએ હિમાલયને ઘરે જન્મ લીધો અને પિતાને પોતાનાં અનેક સ્વરૂપો દેખાડવા લાગ્યાં. હિમાલય બોલ્યા, ‘મા એ બધાં સ્વરૂપો તો જોયાં. પરંતુ તમારું એક બ્રહ્મ-સ્વરૂપ છે, તે એક વાર બતાવો.’ પાર્વતીએ કહ્યું ‘બાબા, તમારે જો બ્રહ્મ-જ્ઞાન જોઈતું હોય તો સંસાર-ત્યાગ કરીને સાધુસંગ કરવો પડે.

‘હિમાલય કોઈ રીતે માને નહિ. ત્યારે પછી પાર્વતીએ એક વાર બ્રહ્મ-સ્વરૂપ દેખાડ્યું. જોતાંવેંત ગિરિરાજ એકદમ મૂર્છિત!

(શ્રીરામકૃષ્ણ અને ભક્તિયોગ)

શ્રીરામકૃષ્ણ – આ જે બધું કહ્યું એ બધી વિચારની, જ્ઞાનમાર્ગની વાતો. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એવો વિચાર. બધું સ્વપ્નવત્. એ બહુ જ કઠિન માર્ગ. એ માર્ગમાં ભગવાનની લીલા સ્વપ્નવત્, મિથ્યા થઈ જાય. તેમ વળી ‘હું’ પણ ઊડી જાય. એ માર્ગમાં અવતારનેય માને નહિ. અતિશય કઠણ. આ બધી વિચાર-માર્ગની વાતો, ભક્તોએ ઝાઝી સાંભળવી નહિ.

‘એટલા માટે ઈશ્વર અવતાર લઈને ભક્તિનો ઉપદેશ આપે, શરણાગત થવાનું કહે. ઈશ્વર-કૃપાથી ભક્તિમાંથીયે બધુંય થાય, જ્ઞાન, વિજ્ઞાન બધું થાય.

‘ઈશ્વર લીલા કરે. એ ભક્તને આધીન.

‘કોઈ સંચાની ભક્ત-દોરીએ પોતે જ શ્યામા બંધાઈ છે!’

‘ક્યારેક ઈશ્વર લોહચુંબકરૂપ થાય, ને ભક્ત સોયરૂપ બને. તેમ વળી ક્યારેક ભક્ત લોહચુંબકરૂપ થાય, ને ભગવાન સોયરૂપ બને. ભક્ત ભગવાનને તાણી લે. એ ભગવાન ભક્ત-વત્સલ, ભક્તાધીન!

‘એક મત એવો છે કે યશોદા વગેરે ગોપીઓ પૂર્વજન્મમાં નિરાકારવાદી હતી. તેથી તેમને તૃપ્તિ થયેલી નહિ. એટલા માટે વૃંદાવન-લીલામાં શ્રીકૃષ્ણની સાથે આનંદ! શ્રીકૃષ્ણે એક દિવસ કહ્યું કે ચાલો તમને નિત્ય-ધામનાં દર્શન કરાવું, આવો આપણે યમુનામાં સ્નાન કરવા જઈએ. જેવી તેઓએ ડૂબકી દીધી કે તરત જ ગો-લોકનાં દર્શન! ત્યાર પછી વળી અખંડ જ્યોતિ-દર્શન! એટલે પછી યશોદાએ કહ્યું કે ‘કૃષ્ણ!એ બધું જોવાની હવે ઇચ્છા નથી, હવે તો તારું એ મનુષ્ય-રૂપ જોવાની ઇચ્છા છે, તને ગોદમાં લેવો, તને ખવરાવવું વગેરે.’

‘એટલા માટે અવતારમાં ઈશ્વરનો વધુ પ્રકાશ. અવતારનું શરીર હોય ત્યારે એનું પૂજન, સેવા કરવાં જોઈએ.

‘આ તો કોટડીમાં એક ચોર-કોટડી,

સવાર થાય અને એ બંને અદૃશ્ય!’

‘અવતારને સૌ કોઈ ઓળખી શકે નહિ. દેહ ધારણ કર્યે રોગ, શોક, ક્ષુધા, તૃષા બધું જ છે. આપણને લાગે કે આ તો આપણા જેવા જ છે. સીતાના શોકને લીધે રામ રડ્યા હતા. 

‘પંચભૂતમાં પડે, તો બ્રહ્મ સુધ્ધાં રડે.’

‘પુરાણમાં છે કે હિરણ્યાક્ષનો વધ કર્યા પછી વરાહ ભગવાન બચ્ચાં-કચ્ચાંની સાથે રહેવા લાગ્યા, તેમને ધવરાવવા લાગ્યા’તા. (સૌનું હાસ્ય). સ્વધામમાં જવાનું નામ જ લે નહિ. આખરે મહાદેવે આવીને ત્રિશૂૂલ મારીને વરાહ-શરીરનો નાશ કર્યાે; એટલે ભગવાન ખડખડાટ અટ્ટહાસ્ય કરતાકને સ્વધામમાં ચાલ્યા ગયા.

Total Views: 322
ખંડ 17: અધ્યાય 15 : શ્રીરામકૃષ્ણ મણિ વગેરે ભક્તો સાથે
ખંડ 17: અધ્યાય 17 : શ્રીરામકૃષ્ણ - ભવનાથ, રાખાલ, મણિ, લાટુ વગેરે સાથે