સંધ્યા થઈ. ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડાની અંદરના ભાગમાં નાની પાટ ઉપર બેસીને માતાજીનું ચિંતન કરી રહ્યા છે. એટલામાં દેવ-મંદિરોમાં દેવતાઓની સંધ્યા-આરતીનો આરંભ થયો. શંખ, ઘંટા વાગવા લાગ્યાં. માસ્ટર આજે રાત્રે ત્યાં રહેવાના.

થોડી વાર પછી ઠાકુરે માસ્ટરને ‘ભક્તમાળ’ ગ્રંથ વાંચી સંભળાવવાનું કહ્યું. માસ્ટર વાંચે છે :

શ્રી મહારાજ જયમલ – ચરિત્ર

જયમલ નામે એક રાજા શુદ્ધ મતિ; અનિર્વચનીય તેની શ્રીકૃષ્ણ-પ્રીતિ,

ભક્તિ-અંગ પૂજનમાં જે સુદૃઢ નિયમ, જાણે પથ્થરમાં રેખા, નહિ વધુ કમ…

શ્યામ-સુંદર નામે શ્રીવિગ્રહ-સેવા, તેને જ પ્રપન્ન, જાણે નહિ બીજાં દેવી દેવા…

દસ વાગ્યા સુધી તેની સેવા કરે, જોડાઈ રહે સદા, પાકો નિયમ, નહિ ફરે..

રાજપાટ જાય વા વજ્રપાત થાય, તોય સેવા ટાણે ફરી નવ જોય…

શત્રુ-રાજાએ જાણી તેની આ ટેવ, એ અવસરે કીધી ચડાઈ તતખેવ…

રાજાના હુકમ વિના સૈન્ય સામંત ગણ; યુદ્ધ ન કરતાં, માત્ર કરે નિરીક્ષણ…

ક્રમે આવી ગઢ ઘેરે રિપુગણ; તોય તેમાં નહિ રાજાનું જરાય મન…

માતા તેની આવી કરે બૂમાબૂમ, ઉદ્વેગ કરતી કૂટે કપાળ દુમાદુમ…

સર્વસ્વ લીધું, ને સર્વનાશ થાય, તોય તારી ખૂટે નહિ પૂજાય…

જયમલ કહે માતા શાને દુઃખ કરો, જેણે આપ્યું તે લે તેમાં શો શોક ધરો?

પ્રભુ જો રાખે તો કોણ લઈ શકે? તેથી આપણા પ્રયાસે શું થઈ શકે?

શ્યામ-સુંદર આ બાજુ ઘોડે ચડિયા, શસ્ત્રો ધારી યુદ્ધક્ષેત્રે આગળ બઢિયા…

એકલા જ ભક્ત-શત્રુનું સૈન્ય મારે, આવી બાંધે અશ્વ મંદિર-દ્વારે…

સેવા પૂરી કરી રાજા બહાર ચહે, ઘોડો સર્વાંગે ઘામે, નાકે શ્વાસ વહે…

પૂછે લીધો હતો અશ્વ મારો કોણે? દેવ-મંદિરે લાવી બાંધ્યો પછી કોણે?…

સહુ કહે કોણ ચડ્યું, કોણે બાંધ્યો, અમે જાણીએ નહિ ક્યારે અહીં બાંધ્યો..

વિચાર-સાગરમાં રાજા મગ્ન થાયે, સૈન્ય સામંત સહિત યુદ્ધ કરવા જાએ…

યુદ્ધ-ક્ષેત્રે પહોંચી જુએ શત્રુ-સૈન્ય સમરાંગણમાં સૂતું, દેખાડે અતિ દૈન્ય…

રહ્યો એક જ જીવંત શત્રુ રાજા; વિસ્મય પામી તેને પૂછે જયમલ રાજા…

ત્યારે નમી પડ્યો શત્રુ રાજા; દાંતે તૃણ લઈ કરી જયમલની પૂજા…

કરે હાથ જોડી શત્રુ પછી વિનંતી; જયમલ રાજા સામે ઊભીને દીન અતિ…

શું કરીએ યુદ્ધ રાજા, તવ એક સિપાઈ, પરમ આશ્ચર્ય એ યોદ્ધો ત્રિલોકજયી..

અર્થ નવ માગું, મુક્તિ રાજ્ય નહિ ચાહું; ઊલટું મારું રાજ્ય લહો ચાલો આપું…

શ્યામ-સુંદર સિપાહી એક યુદ્ધે આવ્યો, તમ સાથે પ્રીતિ કેમ કરી લાવ્યો?…

સૈન્ય મારું માર્યું તેની પરવા નહિ; દર્શન માત્રે લીધું ચિત્ત મારું ગ્રહી…

જયમલ સમજ્યો, એ શ્યામ-સુંદરનું કર્મ, શત્રુ રાજાને સમજાવ્યો તેનો સર્વ મર્મ…

જયમલ-ચરણ ગ્રહી શત્રુ સ્તવ કરે, તેની કૃપાથી  થઈ કૃષ્ણ-કૃપા શત્રુ પરે…

એ સહુનાં શ્રીચરણ મારાં શરણ; શ્યામલ સિપાહી મારું કરો અંગીકરણ…

પાઠ પૂરો થયા પછી ઠાકુર માસ્ટરની સાથે વાત કરે છે.

(ભક્તમાલ એકપંથી – અંતરંગ કોણ? – જનક અને શુકદેવ)

શ્રીરામકૃષ્ણ – તમને આ બધું માન્યામાં આવે? ભગવાને ઘોડેસ્વાર થઈને શત્રુની સેનાનો વિનાશ કર્યાે, એ બધું માન્યામાં આવે?

માસ્ટર – ભક્તે આતુર થઈને ભગવાનને સમર્યા હતા, એ અવસ્થા માનવામાં આવે. ભગવાનને સવારરૂપે બરાબર જોયા હતા કે નહિ, એ બધું સમજી શકતો નથી. ભગવાન સવાર થઈને આવી શકે. પણ પેલાઓએ તેમને બરાબર જોયા હતા કે નહિ, તે કોણ જાણે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એ ગ્રંથમાં ભક્તોની મજાની વાતો છે. પણ એ એક-પંથીઓ. જેમની જુદી માન્યતા હોય તેમની નિંદા કરી છે.

બીજે દિવસે સવારે બગીચાના રસ્તા પર ઊભા રહીને ઠાકુર વાત કરી રહ્યા છે. મણિ કહે છે, ‘તો પછી હું અહીં આવીને રહું?’

શ્રીરામકૃષ્ણ – વારુ, તમે લોકો આટલા બધા આવો છો એનો અર્થ શું? માણસો બહુ તો એક વાર સાધુનાં દર્શન કરી જાય. પણ તમે બધા આ આટલા બધા આવો છો, તેનો અર્થ શો? 

મણિ આશ્ચર્યમાં ગરકાવ! ઠાકુર પોતે જ પ્રશ્નનો જવાબ આપે છે! 

શ્રીરામકૃષ્ણ (મણિને) – તમે અંતરંગ ન હો તો શું આવો ખરા? તમે અંતરંગ એટલે આત્મીય, પોતાના માણસ. જેમ કે બાપ-દીકરો, ભાઈ-બહેન, તેમ. 

તોય હજી બધી વાતો તો હું તમને કહેતો નથી. કહી દઉં તો પછી તમે આવો શેના?

‘શુકદેવ બ્રહ્મ-જ્ઞાન સારુ જનક રાજાની પાસે ગયા હતા. જનકે કહ્યું કે ‘પહેલાં ગુરુ-દક્ષિણા આપો.’ શુકદેવ કહે કે ‘હજી ઉપદેશ આપ્યા વિના કેવી રીતે દક્ષિણા આપું?’ એટલે જનક હસતાં હસતાં બોલ્યા, ‘ઉપદેશ આપ્યા પછી તમને બ્રહ્મ-જ્ઞાન થઈ જાય તે પછી ગુરુ-શિષ્યનું ભેદ-જ્ઞાન થોડું રહેવાનું હતું? એટલે અગાઉથી દક્ષિણાની વાત કહી.’

Total Views: 273
ખંડ 17: અધ્યાય 2 : ઠાકુરની તપશ્ચર્યા - ઠાકુરનો આત્મીયગણ અને ભવિષ્યનું મહાતીર્થ
ખંડ 17: અધ્યાય 4 : સેવક-હૃદયમાં