મણિ પંચવટી અને કાલી-મંદિરનાં બીજાં સ્થળોએ એકલા ફરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે જરા સાધના કરવાથી ઈશ્વર-દર્શન થઈ શકે.
મણિ શું એ જ વિચાર કરી રહ્યા છે? અને તીવ્ર વૈરાગ્યની વાત. અને માયાને ઓળખી લઈએ તો એ એની મેળે નાસી જાય એ વાત!
સમય લગભગ બપોરના સાડાત્રણ વાગ્યાનો. ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં મણિ ફરી બેઠેલા છે. બ્રાઉટન ઇન્સ્ટિટ્યૂશનના એક શિક્ષક કેટલાક વિદ્યાર્થીઓને સાથે લઈને ઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. ઠાકુર તેમની સાથે વાતો કરી રહ્યા છે. વચ્ચે વચ્ચે શિક્ષક પ્રશ્ન કરી રહ્યા છે. પ્રતિમા-પૂજા સંબંધી વાત ચાલી રહી છે.
શ્રીરામકૃષ્ણ (શિક્ષકને) – પ્રતિમા-પૂજામાં દોષ શો? વેદાંત તો કહે છે કે જ્યાં જ્યાં અસ્તિ, ભાતિ અને પ્રિય, ત્યાં ત્યાં પરમાત્માનો પ્રકાશ. એટલે પરમાત્મા સિવાય કોઈ વસ્તુ જ નથી.
વળી જુઓ, નાની છોકરીઓ ઢીંગલી લઈને રમે કેટલા દિવસ? જ્યાં સુધી વિવાહ ન થાય અને સ્વામીનો સહવાસ ન થાય ત્યાં સુધી. વિવાહ થાય એટલે ઢીંગલી બધી પેટીમાં મૂકી દે. ઈશ્વર-પ્રાપ્તિ થાય તો પછી પ્રતિમા-પૂજાની શી જરૂર?
મણિના સામું જોઈને કહે છે :
‘અનુરાગ આવે તો ઈશ્વર-પ્રાપ્તિ થાય. ખૂબ વ્યાકુળતા જોઈએ. ખૂબ વ્યાકુળતા હોય તો સમગ્ર મન ઈશ્વરમાં પરોવાયેલું રહે.
(બાલસહજ શ્રદ્ધા અને ઈશ્વરલાભ – ગોવિંદસ્વામી – જટિલ બાલક)
‘એક માણસને એક દીકરી હતી. બહુ જ નાની ઉંમરમાં એ છોકરી વિધવા થઈ. બીચારીએ વરનું મોં ક્યારેય જોયું ન હતું. બીજી છોકરીઓના વર આવે તે જુએ. એટલે એક દિવસ તેણે તેના બાપને પૂછ્યું : ‘બાપા, મારો વર ક્યાં?’ તેનો બાપ કહે, ‘દીકરી! તારો વર ગોવિંદ. તેમને બોલાવે તો તે દર્શન દે.’ તે છોકરી એ વાત સાંભળીને ઓરડામાં બારણાં વાસીને ગોવિંદને બોલાવે અને કહે ‘ગોવિંદ, તમે આવો, મને દર્શન આપો, તમે કેમ આવતા નથી?’ નાની બાલિકાનું એ રુદન સાંભળીને ભગવાન રહી શક્યા નહિ. આવીને તેને દર્શન દીધાં.
‘આવી બાળકના જેવી શ્રદ્ધા! બાળક માને જોવા માટે જેવું આતુર થાય, તેવી આતુરતા જોઈએ. એ આતુરતા આવે તો ઈશ્વર-દર્શનનો અરુણોદય થઈ ચૂક્યો સમજવો. ત્યાર પછી સૂર્ય ઊગવાનો જ! એ આતુરતાની પછી તરત જ ઈશ્વર-દર્શન.
‘જટિલ બાળકની એક વાત છે. જટિલ બાળક રોજ પાઠશાળાએ જતો. પાઠશાળાએ જવાનો રસ્તો વચમાં થોડાક ગીચ જંગલમાં થઈને જતો. ત્યાં થઈને જતાં તેને ડર લાગતો, એ તેણે તેની માને કહ્યું. એટલે મા બોલી : ‘બેટા, તારે બીવું શું કામ? તું તારે મધુસુદનને બોલાવજે.’ છોકરાએ પૂછ્યું, ‘મધુસૂદન કોણ?’ માએ જવાબ આપ્યો કે ‘મધુસૂદન તારો મોટો ભાઈ થાય.’ એ પછી એકલા રસ્તે જતાં જેવી બીક લાગવા માંડી કે તરત તે બાળકે બૂમ મારી, ‘ભાઈ મધુસૂદન!’ પરંતુ ક્યાંયથી કોઈ આવતું નથી. એટલે ઊંચેથી રડીને કહેવા લાગ્યો કે ‘ક્યાં છો ભાઈ મધુસૂદન? તમે આવો ને, મને બહુ બીક લાગે છે!’ નાના છોકરાનું રુદન સાંભળીને ભગવાન રહી શક્યા નહિ. તેમણે આવીને કહ્યું : ‘આ રહ્યો હું, ડરે છે શા માટે?’ એમ કહીને સાથે જઈને પાઠશાળાના રસ્તા સુધી પહોંચાડી દીધો. અને કહ્યું કે ‘તારે બીવું નહિ. તું જ્યારે બોલાવીશ ત્યારે હું આવીશ!’ આવી બાળકની શ્રદ્ધા અને આવી વ્યાકુળતા!

‘એક બ્રાહ્મણને ઘેર દેવ-સેવા હતી. એક દિવસ કંઈક કામ પ્રસંગે તેને પરગામ જવું પડ્યું. જતી વખતે તે પોતાના નાના દીકરાને કહી ગયો કે ‘આજે તું ઠાકોરજીને ભોગ ધરાવજે ને ભગવાનને જમાડજે.’ સમય થતાં છોકરાએ ઠાકોરજીને ભોગ ધરાવ્યો. પણ ઠાકોરજી તો મૂંગા બેઠા છે, બોલે નહિ કે ચાલે નહિ; ને ખાય પણ નહિ. છોકરાએ ઘણી વાર સુધી બેઠાં બેઠાં જોયું કે ઠાકોરજી તો ઊઠતા નથી. તેની પાકી ખાતરી હતી કે ઠાકોરજી આવીને આસન પર બેસીને જમશે. એટલે તે વારે વારે કહેવા લાગ્યો કે ‘ભગવાન! આવો અને જમી લો, બહુ વાર થઈ, હવે મારાથી બેસાતું નથી.’ તોય ભગવાન તો બોલતા નથી. છોકરાએ રડવાનું શરૂ કર્યું ને કહેવા લાગ્યો કે ‘ભગવાન, બાપુ તમને ખવરાવવાનું કહી ગયા છે, તે તમે કેમ આવતા નથી? મારે હાથે કેમ ખાતા નથી?’ વ્યાકુળ થઈને જેવો તે ઘડીક રડ્યો, તેવા જ ભગવાન હસતા હસતા આવીને આસન પર બેસીને જમવા લાગ્યા. ઠાકોરજીને જમાડીને જેવો તે મંદિરમાંથી બહાર આવ્યો એટલે ઘરનાં માણસોએ પૂછ્યું : ‘ભોગ દેવાઈ રહ્યો? તો હવે બધું લઈ આવ.’ છોકરાએ જવાબ આપ્યો કે ‘હા દેવાઈ ગયો, ઠાકોરજી બધું જમી ગયા!’ ઘરના માણસો કહેવા લાગ્યા કે ‘અરે એ શું?’ છોકરાએ સરલતાથી જવાબ આપ્યો કે ‘કેમ, ઠાકોરજી તો જમી ગયા!’ એટલે મંદિરમાં જઈને જોયું તો સૌ નવાઈ પામ્યાં.
સંધ્યા થવાને હજી વાર છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ નોબતખાનાની દક્ષિણ બાજુએ ઊભા ઊભા મણિની સાથે વાતો કરે છે. સન્મુખે ગંગા. શિયાળાના દિવસો. ઠાકુરને અંગે ગરમ કપડાં!
શ્રીરામકૃષ્ણ – પંચવટીની ઓરડીમાં સૂશો?
મણિ – નોબતખાનાની ઉપરની ઓરડી દેશે નહિ?
ઠાકુર મણિની ત્યાં રહેવાની વાત ખજાનચીને કરવાના. તે તેમને રહેવા સારુ એક ઓરડી નક્કી કરી આપે એ વાત. મણિને નોબતખાનાની ઉપરની ઓરડી પસંદ પડી છે, કારણ કે મણિ કવિત્વ-પ્રિય. નોબતખાનામાંથી આકાશ, ગંગા, ચંદ્ર-પ્રકાશ, ફૂલઝાડ વગેરે બધું દેખી શકાય.
શ્રીરામકૃષ્ણ – દેશે નહિ શું કામ? પણ પંચવટીની ઓરડી કહું છું એટલા માટે, કે ત્યાં પુષ્કળ હરિ-નામ, ઈશ્વર-ચિંતન વગેરે થયાં છે.




