(પ્રહ્લાદ-ચરિત્ર-શ્રવણ અને ભાવાવેશ – સ્ત્રીસંગની નિંદા)
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં તેમના પેલા પૂર્વ-પરિચિત ઓરડામાં જમીન પર બેસીને પ્રહ્લાદ-ચરિત્ર સાંભળી રહ્યા છે. આઠ વાગ્યા હશે. શ્રીયુત્ રામલાલ ભક્તમાળ ગ્રંથમાંથી પ્રહ્લાદ-ચરિત્ર વાંચી રહ્યા છે.
આજ શનિવાર, (૧ પૌષ, બંગાબ્દ) માગશર વદ એકમ; ૧૫મી ડિસેમ્બર, ૧૮૮૩. મણિ દક્ષિણેશ્વરમાં ઠાકુરની સાથે તેમની ચરણછાયામાં રહેલા છે. તે ઠાકુરની પાસે બેસીને પ્રહ્લાદ-ચરિત્ર સાંભળી રહ્યા છે. ઓરડામાં શ્રીયુત્ રાખાલ, લાટુ, હરીશમાંથી કોઈ કોઈ સાંભળે છે અને કોઈ કોઈ આવજા કરે છે. હાજરા ઓસરીમાં છે.
ઠાકુર પ્રહ્લાદ-ચરિત્રની કથા સાંભળતાં સાંભળતાં ભાવ-મગ્ન થતા જાય છે. જ્યારે હિરણ્યકશિપુનો વધ થયો, ત્યારે નૃસિંહનું રુદ્ર-રૂપ જોઈને અને સિંહનાદ સાંભળીને બ્રહ્મા વગેરે દેવતાઓએ પ્રલયની આશંકાથી પ્રહ્લાદને જ નૃસિંહની પાસે મોકલી આપ્યો. પ્રહ્લાદ બાળકની પેઠે સ્તુતિ કરે છે. ભક્ત-વત્સલ નૃસિંહ સ્નેહથી પ્રહ્લાદનું શરીર ચાટે છે. ઠાકુર ભાવ-મગ્ન થઈને બોલે છે, ‘આહા! આહા! ભક્તની ઉપર શો સ્નેહ!’ બોલતાં બોલતાં ઠાકુરને ભાવસમાધિ થઈ ગઈ! દેહ એકદમ સ્થિર, આંખોના ખૂણામાં પ્રેમાશ્રુ!
ભાવ શમ્યા પછી ઠાકુર નાની પાટ ઉપર જઈને બેઠા. મણિ જમીન ઉપર તેમનાં ચરણ પાસે બેઠા. ઠાકુર તેની સાથે વાત કરી રહ્યા છે. ઈશ્વરના માર્ગમાં ચાલીને જેઓ સ્ત્રી-સંગ કરે તેમના પ્રત્યે ઠાકુર ક્રોધ અને ઘૃણા બતાવે છે.
શ્રીરામકૃષ્ણ – શરમ નથી આવતી? છોકરાં થયાં છે અને તોય પાછો સ્ત્રી-સંગ! ઘૃણા આવતી નથી? પશુઓના જેવું વર્તન! નાડી, રક્ત, મળ, મૂત્ર એ બધાંની ઘૃણા આવતી નથી? જે ભગવાનનાં ચરણકમલનું ચિંતન કરે, તેને તો અતિશય સૌંદર્યવતી સ્ત્રી પણ ચિતાની રાખ જેવી લાગે. જે શરીર ટકવાનું નથી, જેની અંદર કૃમિ, કલેદ, લીંટ વગેરે બધી અપવિત્ર વસ્તુઓ છે એ શરીર સંબંધે આનંદ? શરમ નથી આવતી?
(ઠાકુરનો પ્રેમાનંદ અને મા કાલીની પૂજા)
મણિ નીચું મોઢું રાખીને ચૂપ બેઠા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ ફરી બોલે છે :
‘ઈશ્વરના પ્રેમનું એક બિંદુય જો કોઈ પામે તો કામિની-કાંચન અતિ તુચ્છ લાગે. સાકરનું શરબત મળે તો ચીકણા ગોળનું પાણી તુચ્છ લાગે. ઈશ્વરને આતુર થઈને પ્રાર્થના કર્યે, ઈશ્વરનું નામ, ગુણગાન, કીર્તન સદૈવ કરવાથી ક્રમે ક્રમે તેમના ઉપર પ્રેમ આવે.
એમ કહીને ઠાકુર પ્રેમોન્મત્ત થઈને ઓરડાની અંદર નાચતાં નાચતાં ફરવા લાગ્યા અને ગીત ગાવા લાગ્યા :
‘સુરધુનિ તીરે હરિ બોલ કોણ, પ્રેમદાતા નિતાઈ જાણે આવ્યા છે
(નિતાઈ સિવાય પ્રાણ કેમ થાય રે શાંત!’)
લગભગ દસ વાગવા આવ્યા છે. શ્રીયુત્ રામલાલે કાલી-મંદિરમાં કાલી માતાની નિત્ય-પૂજા કરી છે. ઠાકુર માતાજીનાં દર્શન કરવા માટે કાલી-મંદિરમાં જઈ રહ્યા છે. મણિ સાથે છે. મંદિરમાં પ્રવેશ કરીને ઠાકુર આસન ઉપર બેઠા. બે-એક ફૂલ માતાજીને ચરણે ચડાવ્યાં. પોતાને મસ્તકે ફૂલ ચડાવીને ધ્યાન કરે છે. હવે ગીત ગાઈને માતાજીની સ્તુતિ કરે છે.
‘ભવદારા ભયહરા નામ સુણ્યું છે તારું,
તેથી તો આ વેળા મૂક્યો છે ભાર, તારા, તારો કે ન તારો મા..’
ઠાકુર કાલી-મંદિરમાંથી પાછા આવીને તેમના ઓરડાની દક્ષિણ-પૂર્વની ઓસરીમાં બેઠા. સમય દસ વાગ્યાનો. હજી સુધી મંદિરના દેવતાઓનાં નૈવેદ્ય અને ભોગ આરતી થયાં નથી. મા કાલી અને રાધાકાન્તનાં પ્રસાદી – માખણ અને ફળ-મૂળમાંથી થોડુંક લઈને ઠાકુરે જલપાન કર્યું. રાખાલ વગેરે ભક્તોનેય જરા જરા મળ્યું.
ઠાકુરની પાસે બેસીને રાખાલ Smiles નો Self-Help (જાત-મહેનત) નામનો ગ્રંથ વાંચી રહ્યા છે, Lord Erskineનો વિષય.
(નિષ્કામ કર્મ – પૂર્ણજ્ઞાની ગ્રંથ વાંચે નહિ)
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એ (પુસ્તક)માં શું કહે છે?
માસ્ટર – સાહેબ (લોર્ડ અર્સ્કીન) ફળની આશા રાખ્યા વિના કર્તવ્ય કર્યે જવાં, એ વાત કહે છે; નિષ્કામ કર્મ.
શ્રીરામકૃષ્ણ – એ તો મજાનું. પરંતુ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ એ કે એકાદિયે ચોપડી સાથે ન રહે. જેમ કે શુકદેવ. તેમને બધું મોઢે.
‘ચોપડીઓમાં, શાસ્ત્રોમાં, રેતી-ખાંડ સાથે ભળેલાં છે. સાધુ ખાંડ ખાંડ કાઢી લઈને રેતી છોડી દે. સાધુ સાર લે.’
શુકદેવ વગેરેનું નામ લઈને ઠાકુર શું પોતાની જ અવસ્થા સાનમાં સમજાવી રહ્યા છે?
વૈષ્ણવચરણ કીર્તનકાર આવ્યા છે. તેણે ‘સુબલ-મિલન’નું કીર્તન સંભળાવ્યું.
થોડીવાર પછી શ્રીયુત્ રામલાલે ભોજન-પ્રસાદની થાળી લાવીને મૂકી. જમી રહ્યા પછી, ઠાકુરે જરા આરામ કર્યાે.
રાત્રે મણિ નોબતખાનાની ઓરડીમાં સૂતા. શ્રી માતાજી (શારદામણિદેવી) જ્યારે દક્ષિણેશ્વર-મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણની સેવા માટે આવતાં ત્યારે આ જ નોબતની ઓરડીમાં રહેતાં. કેટલાક મહિના થયાં તેઓ કામારપુકુર પધાર્યાં છે.




