ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના ઓરડાની દક્ષિણ-પૂર્વ તરફની ઓસરીમાં રાખાલ, લાટુ, મણિ, હરીશ વગેરે ભક્તો સાથે બેઠેલા છે. સમય નવેક વાગ્યાનો. રવિવાર, ૨૩મી ડિસેમ્બર ૧૮૮૩. માગશર વદ નોમ.

મણિનો ગુરુ-ગૃહે રહ્યાનો આજે દસમો દિવસ.

હરીશ

શ્રીયુત્ મનોમોહન કોન્નગરથી સવારે આવ્યા છે. ઠાકુરનાં દર્શન કરીને અને જરા વિસામો ખાઈને પાછા કોલકાતા જવાના છે. હાજરા પણ ઠાકુરની પાસે બેઠેલ છે. નીલકંઠના ગામનો એક વૈષ્ણવ ઠાકુરને ગીત સંભળાવે છે. વૈષ્ણવે પ્રથમ નીલકંઠનું ગીત ગાયું;

‘શ્રી ગૌરાંગ સુંદર નવનટવર તપત-કાંચન કાય.

કરે સ્વરૂપ ભિન્ન ભિન્ન, છુપાવે ચિહ્ન નદિયામાં અવતીર્ણ.

કલિ-ઘોર અંધકાર વિનાશ કરવા, ઉન્નત ઉજ્જ્વલ રસ પ્રકાશિત કરવા.

ત્રણ વાંછા અને ત્રણ વસ્તુનો સ્વાદ ચાખવા, 

આવ્યા છે આ ત્રણ કામ કરવા.

આ ત્રણેયના સ્પર્શથી વિષાદહર્ષે દરશે મોહિત કરે જગતને.

નીલાબ્જ (શ્યામ) હેમાબ્જ (રાધા)ને ઢાંકીને 

એ બંને દેહભેદને દૂર કરી પૂર્ણ કરો કામ.

અધિરૂઢ મહાભાવે વિભાવિત, સત્ત્વગુણે મિલિત,

એ ભાવને આસ્વાદવા, અરણ્યમાં રડે જાણે વહે પ્રેમપૂરે.

નવીન સંન્યાસી, સુતીર્થ શોધક, ક્યારેક કાશી તો ક્યારેક નીલાચલે.

અયાચકને પણ આપે પ્રેમ ભરપૂર, ક્યાંય જાતિય વિભેદ ન્હોયે.

દ્વિજ ‘નીલકંઠ’ ભણે, એ જ વાંછા મનની, ક્યારે સમર્પિત બનું ગૌરાંગ ચરણે.

ત્યાર પછીનું ગીત માનસ-પૂજા સંબંધે હતું.

શ્રીરામકૃષ્ણ (હાજરાને) – આ ગીત (માનસ પૂજા સંબંધે) કોણ જાણે કેવુંય લાગ્યું!

હાજરા – એ સાધક માટેનું નથી! જ્ઞાન-દીપ, જ્ઞાન-પ્રતિમા!

(પંચવટીમાં તોતાપુરીનું ક્રંદન – પદ્મલોચનનું ક્રંદન)

શ્રીરામકૃષ્ણ – મને તો જાણે કોણ જાણે કેવુંય લાગ્યું! અગાઉનાં ગીતો બધાં બરાબર હતાં. પંચવટીમાં નાગાજીની પાસે મેં ભજન ગાયું હતું – ‘જીવ સાજ સમરે, રણવેશે કાળ પ્રવેશે તવ ઘરે,’ અને બીજું એક ગીત – ‘દોષ કોઈનો નહિ મા, હું તો પોતે ખોદેલા ખાડામાં ડૂબી મરું શ્યામા.’

‘એ નાગાજી એવા મહાજ્ઞાની, અર્થ સમજતા ન હતા, છતાં રડી પડ્યા!

‘આ બધાં ગીતોમાં બોધ કેવો યથાર્થ! –

‘ચિન્તો શ્રીકાન્ત નરકાન્તકારી રે, નિતાન્ત કૃતાન્ત-ભયાન્ત હરિ…’

‘પદ્મલોચન મારે મોઢે રામપ્રસાદનું ગીત સાંભળીને રડી પડેલો. જુઓ, એટલો મોટો પંડિત, છતાં!’

(God-Vision – One and Many: Unity in Diversity  – 

ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ)

જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં સાંભળતાં ઠાકુર આનંદ કરી રહ્યા છે.

શરણાઈ સંભળાઈ રહ્યા પછી ઠાકુર મણિને સમજાવે છે કે બ્રહ્મ જ જીવ જગત થઈ રહેલ છે.

શ્રીરામકૃષ્ણ (મણિને) – કોઈએ કહ્યું કે અમુક જગાએ હરિનામ નથી. સાંભળતાં જ જોયું કે ઈશ્વર જ બધા જીવો (સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ। ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ।  ગીતા.૬.૨૯) રૂપે થઈ રહેલ છે. જાણે કે પાણીનાં અસંખ્ય નાનાં બડબડિયાં, જળમાં આકૃતિ! વળી જોઉં છું કે જાણે કે અસંખ્ય પરપોટા ને પરપોટા!’

‘દેશમાંથી બર્દવાન આવતી વખતે દોડીને એક વાર બાજુના ખેતરમાં ગયો, એ જોવા માટે કે જરા જોઉં કે અહીંયાં જીવો કેવી રીતે રહેતા હશે, શું ખાતા હશે! ત્યાં જઈને જોઉં છું તો ખેતરમાં કીડીઓ ચાલે છે! આખું વિશ્વ ચૈતન્યમય! 

હાજરા ઓરડામાં આવીને જમીન પર બેઠા.

શ્રીરામકૃષ્ણ – તરેહ તરેહનાં ફૂલ-પાંખડીઓના થર ને થર, (આત્મનિચૈવં વિચિત્રાશ્ચૈઃ।। વેદાંત સૂત્ર, ૨.૧.૨૮) એય દેખું છું! નાના પરપોટા, મોટા પરપોટા!

આ બધી ઈશ્વરી રૂપ-દર્શનની વાતો કહેતાં કહેતાં ઠાકુર સમાધિ-મગ્ન થતા જાય છે. બોલે છે, ‘હું (આ બધું) થયો છું! હું આવ્યો છું!’

એ શબ્દો બોલતાં જ એકદમ સમાધિ-મગ્ન થઈ ગયા. બધું સ્થિર!

કેટલીય વાર સુધી સમાધિમાં આનંદનો ઉપભોગ કર્યા પછી ઠાકુરને જરાતરા બહારનું ભાન આવે છે.

હવે બાળકની પેઠે હસે છે. હસતાં હસતાં ઓરડામાં આંટા મારી રહ્યા છે.

(ક્ષોભ, વાસના જવાથી પરમહંસ અવસ્થા – સાધનાકાળે વટવૃક્ષ નીચે પરમહંસ દર્શન-કથા)

કોઈ અદ્ભુત દર્શન પછી નેત્રોમાંથી જે પ્રમાણે આનંદ-ોતિ બહાર નીકળે, એ જ પ્રમાણે ઠાકુરનાં નેત્રોનો ભાવ થયો. મુખ પર હાસ્ય, શૂન્ય દૃષ્ટિ!

ઠાકુર ઓરડામાં ફરતાં ફરતાં બોલે છે :

‘વડ નીચે પરમહંસને જોયો’તો, તે આ પ્રમાણે હસીને ચાલતો’તો. એ જ સ્વરૂપ શું મારું થયું?’

એ પ્રમાણે ચાલી બતાવ્યા પછી ઠાકુર નાની પાટ ઉપર જઈને બેઠા છે અને જગદંબાની સાથે વાતો કરી રહ્યા છે.

ઠાકુર કહી રહ્યા છે, ‘જવા દે, મારે જાણવુંય નથી. મા તમારાં ચરણ-કમલમાં શુદ્ધ ભક્તિ રહે એટલું બસ!’ 

(મણિને) – ક્ષોભ, વાસના જતાંની સાથે જ આ અવસ્થા.

વળી માતાજીની સાથે બોલી રહ્યા છે, ‘મા! પૂજા છોડાવી દીધી! જો જો, કે બધી ઇચ્છા નીકળી જાય નહિ! પરમહંસ તો બાળક. બાળકને મા ન જોઈએ કે? એટલે તમે મા, હું તમારું બાળક. બાળક માથી વિખૂટું કેમ કરીને રહે!’

ઠાકુર એવા તો મીઠા સ્વરે માતાજીની સાથે આ વાતો કરી રહ્યા છે કે પથ્થર સુધ્ધાં પીગળી જાય; વળી પાછા માતાજીને કહી રહ્યા છે, ‘કોરું અદ્વૈત-જ્ઞાન! હેક્ થૂ! જ્યાં સુધી ‘હું પણું તમે રાખ્યું છે ત્યાં સુધી ‘તમે’ ‘તમે’! પરમહંસ તો બાળક, બાળકને તેની મા ન જોઈએ?’

મણિ આશ્ચર્યચકિત થઈને ઠાકુરની આ દેવ-દુર્લભ અવસ્થા નીરખી રહ્યા છે. વિચાર કરી રહ્યા છે કે ઠાકુર અહેતુક-કૃપા-સિંધુ. મારી પોતાની જ શ્રદ્ધાને માટે, મારા જ ચેતનને માટે, અને જીવોના ઉપદેશને માટે ગુરુરૂપી ઠાકુર શ્રીરામકૃષ્ણની આ પરમહંસ અવસ્થા છે!

ઉપરાંત મણિ વિચાર કરી રહ્યા છે ‘ઠાકુર કહે છે કે, અદ્વૈત-ચૈતન્ય-નિત્યાનંદ. અદ્વૈત-જ્ઞાન થયે ચૈતન્ય આવે, ત્યારે જ નિત્યાનંદ થાય. ઠાકુરને એકલું અદ્વૈત-જ્ઞાન જ નથી, તેમની તો નિત્યાનંદની અવસ્થા. જગદંબાના પ્રેમાનંદમાં, સર્વદા મગ્ન, મતવાલા!’

હાજરા ઠાકુરની અચાનક આ અવસ્થા જોઈને, હાથ જોડીને વચ્ચે વચ્ચે બોલવા લાગ્યા, ‘ધન્ય! ધન્ય!’

શ્રીરામકૃષ્ણ હાજરાને કહે છે, ‘તમારામાં શ્રદ્ધા, વિશ્વાસ ક્યાં છે? છતાં તમે અહીં છો, તે જેમ ભગવત્-લીલામાં જટિલા કુટિલા જેવાં ફાલતુ પાત્રો હોય તેમ છો, લીલામાં રંગ જામે એ માટે.’

બપોર નમી ગયા છે. મણિ એકલા દેવાલયમાં એકાંત જગાએ ફરી રહ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણની આ અદ્ભુત અવસ્થા વિશે વિચાર કરી રહ્યા છે. અને વળી વિચારમાં પડી ગયા છે કે ઠાકુર શા માટે બોલ્યા કે ‘ક્ષોભ, વાસના જતાંની સાથે જ આ અવસ્થા!’ આ ગુરુરૂપી રામકૃષ્ણ કોણ? ખુદ ભગવાન પોતે જ શું આપણે માટે દેહ ધારણ કરીને આવ્યા છે? ઠાકુર કહે છે કે ઈશ્વર-કોટિ કે અવતાર ન હોય તો જડ સમાધિમાંથી, નિર્વિકલ્પ સમાધિમાંથી નીચે ઊતરી આવી શકે નહિ.

Total Views: 315
ખંડ 17: અધ્યાય 17 : શ્રીરામકૃષ્ણ - ભવનાથ, રાખાલ, મણિ, લાટુ વગેરે સાથે
ખંડ 18: અધ્યાય 2 : ગૂઢકથા