બીજે દિવસે ઠાકુર શ્રીરામકૃષ્ણ સરુનાં વૃક્ષો નીચે મણિની સાથે એકલા વાતો કરી રહ્યા છે. આઠ વાગ્યા હશે. સોમવાર, વદ દશમ. ૨૪મી ડિસેમ્બર, ઈ.સ. ૧૮૮૩. આજ મણિનો પ્રભુસંગે નિવાસનો અગિયારમો દિવસ.

શિયાળો છે. સૂર્યનારાયણ પૂર્વ-ખૂણામાં હજી તરત જ ઊગ્યા છે. સરુની ઝાડીની પશ્ચિમ બાજુએ ગંગા વહ્યે જાય છે. અત્યારે ઉત્તરવાહી છે. હજી હમણાં જ ભરતી આવી રહી છે. ચારે બાજુએ વૃક્ષ-લતા, ઝાડી. થોડેક દૂર સાધનાનું સ્થળ પેલું બિલ્વ-તળું દેખાઈ રહ્યું છે. ઠાકુર પૂર્વાભિમુખ થઈને વાતો કરી રહ્યા છે. મણિ ઉત્તરાભિમુખ થઈને નમ્રભાવે સાંભળી રહ્યા છે. ઠાકુરની જમણી બાજુએ પંચવટી અને હંસપુકુર તલાવડી. શિયાળાના દિવસો છે. સૂર્યાેદયથી જગત જાણે કે હસી ઊઠ્યું છે. ઠાકુર બ્રહ્મ-જ્ઞાનની વાતો કરી રહ્યા છે.

(શ્રીઠાકુરને તોતાપુરીનો બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ)

શ્રીરામકૃષ્ણ – નિરાકારેય સાચું, સાકારેય સાચું. 

નાગાજી ઉપદેશ દેતા, સચ્ચિદાનંદ બ્રહ્મ કેવું એ વિશે. એ કહેતા કે જાણે અનંત સાગર; ઊંચે, નીચે, ડાબે, જમણે, ચારે કોર જળ જ જળ, કારણરૂપી જળ. જળ સ્થિર. કાર્ય થયે તરંગ ઊઠે; સૃષ્ટિ, સ્થિતિ, પ્રલયરૂપી કાર્ય.

‘વળી એ કહેતા કે વિચાર જઈને જ્યાં અટકે એ જ બ્રહ્મ. જેમ કે કપૂરને સળગાવ્યે બળી જાય, રાખ સરખીયે રહે નહિ તેમ.

‘બ્રહ્મ વાણી-મનથી અતીત. મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ, પાણી કેટલું ઊંડું છે એ માપવા. પાછી ઉપર આવીને કાંઈ સમાચાર જ આપ્યા નહિ. દરિયામાં જ ઓગળી ગઈ.

ઋષિઓએ રામને કહ્યું, ‘રામ! ભરદ્વાજ વગેરે ભલે તમને અવતાર કહે; પરંતુ અમે એમ કહેતા નથી. અમે શબ્દ-બ્રહ્મની ઉપાસના કરીએ છીએ. અમને  માનવ-રૂપ ન જોઈએ.’ રામ જરા હસીને, પ્રસન્નતાપૂર્વક તેમનો આદર-સત્કાર સ્વીકારીને ચાલ્યા ગયા.

(નિત્ય, લીલા – બંને સત્ય)

‘પરંતુ જેનું નિત્ય તેની જ લીલા. જેમ કે કહ્યું ને, કે અગાસી અને પગથિયાં. લીલાના વિવિધ પ્રકાર છે. ઈશ્વર-લીલા, દેવ-લીલા, નર-લીલા, જગત-લીલા. નર-લીલામાં અવતાર. નર-લીલા શેના જેવી ખબર છે? જેમ કે મોટી અગાસીનું પાણી નળ-વાટે દડદડાટ કરતું પડી રહ્યું છે. એ જ સચ્ચિદાનંદ, એની જ શક્તિ એક રીતે જાણે કે એક નળની અંદર થઈને, આવી રહી છે. માત્ર ભરદ્વાજ વગેરે બાર ઋષિઓ રામચંદ્રને અવતાર તરીકે ઓળખી શક્યા હતા. અવતારને સૌ કોઈ ઓળખી શકે નહિ.

(ઠાકુર શ્રીરામકૃષ્ણ શું અવતાર? – શ્રીમુખે કહેલું ચરિતામૃત – 

ક્ષુદીરામનું ગયા ધામમાં સ્વપ્ન – હૃદયની બાએ કરેલ શ્રીઠાકુરની પૂજા – શ્રીઠાકુરમાં મથુરે કરેલ ઈશ્વર-દર્શન – ફૂલૂઈ શ્યામબજારમાં 

શ્રીગૌરાંગ મહાપ્રભુનો આવેશ)

શ્રીરામકૃષ્ણ (મણિને) – ઈશ્વર અવતાર લઈને જ્ઞાન-ભક્તિનો ઉપદેશ આપે. વારુ, મારે વિશે તમને શું લાગે છે? (મણિ ચૂપ રહ્યા છે.)

‘મારા બાપુ ગયાજી ગયા’તા. ત્યાં રઘુવીર સ્વપ્નમાં આવ્યા છે અને કહે કે ‘હું તારો દીકરો થઈને આવું છું.’ બાપુ બોલી ઊઠ્યા કે ‘પ્રભુ, હું સાવ ગરીબ બ્રાહ્મણ, કેવી રીતે તમારી સેવા કરી શકીશ?’ રઘુવીર બોલ્યા, ‘એ થઈ રહેશે.’

‘મારી મોટી બહેન, હૃદુની બા, મારા પગની પૂજા કરતી ફૂલ વગેરેથી. એક દિવસ તેના માથા ઉપર પગ મૂકીને, મારી અંદર જે છે તેણે (મા કાલી) કહ્યું, ‘તારું કાશીમાં જ શરીર પડશે.’ (અને થયું પણ તેમ જ.)

‘મથુરબાબુ કહેતા, ‘બાબા, તમારી અંદર બીજું કાંઈ જ નથી, એ ઈશ્વર જ છે. તમારો દેહ તો માત્ર ખોેળિયું છે. જેમ કે પતકાળાંનો આકાર હોય, પણ અંદર ગર કે બીયાં એમાંનું કંઈ જ ન હોય તેમ.

‘તમને એક વાર જોયા તો જાણે કે ઘૂમટો તાણીને કોઈક જઈ રહ્યું છે.

‘મા અગાઉથી જ મને બધું દેખાડી દે છે. પંચવટીમાં વડના ઝાડ નીચે ગૌરાંગની સંકીર્તન-મંડળી જોઈ હતી. તેની અંદર જાણે કે બલરામને જોયા’તા; અને જાણે કે તમને જોયા હતા!

‘ગૌરાંગનો ભાવ જાણવાનું મન થયેલું. તે ત્યાં દેશમાં શ્યામબજારમાં દેખાડ્યો. કીર્તન વખતે એટલાં બધાં માણસો, કે ઝાડવે ચડીને, દીવાલો ઉપર, જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો. માણસો રાતદિવસ સાથે ને સાથે! સાત સાત દિવસ સુધી શૌચ જવાનોય સમય ન મળ્યો. ત્યારે પછી માને કહ્યું કે, ‘મા, હવે બસ! હવે જરૂર નથી!’ એટલે હવે શાંતભાવ. 

હજી એક વાર મારે આવવું પડશે. એટલા માટે હું (મારા) પાર્ષદોને સંપૂર્ણ જ્ઞાન આપી દેતો નથી. (હસીને) તમોને જો બધું જ્ઞાન આપી દઉં, તો પછી તમે લોકો પાછા જલદી મારી પાસે આવો શેના?

‘તમને ઓળખી ગયો છું તમારું ચૈતન્ય-ભાગવતનું વાંચન સાંભળીને. તમે મારા પોતાના માણસ, એક સત્તાના છો; જેમ પિતા અને પુત્ર હોય તેમ. જેઓ અહીંયાં આવે છે તેઓ જાણે કે એક જાતની શાકભાજીનો વેલો! તેને એક બાજુથી તાણો એટલે બધી બાજુએથી ખેંચાઈ આવે. એકબીજા જાણે કે સંબંધી, જાણે કે ભાઈ ભાઈ. જગન્નાથપુરીની યાત્રાએ રાખાલ, હરીશ બરીશ બધા ગયા છે, અને ધારો કે તમેય ગયા છો, તે કાંઈ જુદે જુદે ઠેકાણે ઊતરો?

‘જ્યાં સુધી અહીં (મારી પાસે) આવ્યા ન હતા, ત્યાં સુધી વીસરી રહ્યા હતા. હવે તમે પોતાને ઓળખી શકશો. ઈશ્વર ગુરુરૂપે આવીને ઓળખાવી દે.

(તોતાપુરીનો ઉપદેશ – ગુરુરૂપી શ્રીભગવાન સ્વસ્વરૂપને જણાવે છે)

‘નાગાજી બકરાંના ટોળામાં પડેલા વાઘની વાત કહેતા. એક વાઘણ બકરાંના ટોળા પર ત્રાટકી. એક શિકારીએ દૂરથી તેને જોઈને મારી નાખી. વાઘણ હતી ગાભણી. એટલે પેટમાંનું બચ્ચું બહાર આવી પડ્યું. ‘પછી એ બચ્ચું બકરાંની સાથે મોટું થવા લાગ્યું. પ્રથમ તો તે એક બકરીને ધાવતું; ત્યાર પછી જરા મોટું થયું એટલે ઘાસ ખાવાની શરૂઆત કરી. અને બકરાંની પેઠે બેં બેં કરવા લાગ્યું. સમય જતાં એ ખૂબ મોટું થયું; છતાં ઘાસ ખાય અને બેં બેં કરે. કોઈ જનાવર હુમલો કરે તો બકરાંની પેઠે ઊભી પૂંછડીએ ભાગે!

‘એક દિવસ એક ભયંકર વાઘ એ બકરાંના ટોળા પર ત્રાટક્યો, એને નવાઈ લાગી કે એ બકરાં ભેગો એક વાઘ ઘાસ ખાતો હતો અને બકરાંની સાથે સાથે દોડીને નાસવા માંડ્યો! એટલે તેણે બીજાં બકરાંને કંઈ ન કરતાં આ ઘાસખાઉ વાઘને પકડ્યો. એ ઘાસ-ખાઉ વાઘ બકરાંની પેઠે બેં બેં કરવા લાગ્યો અને નાસી જવાનો પ્રયાસ કરવા લાગ્યો.એટલે એ વાઘ તેને ખેંચીને એક તળાવને કાંઠે ઘસડી ગયો અને બોલ્યો, ‘અરે એય, આ પાણીમાં તારું મોઢું જો! છે ને તારું મોં પણ મારી પેઠે બરાબર હાંડલી જેવું?’ એમ કહીને થોડુંક માંસ તેના મોઢામાં નાખ્યું. પહેલાં તો એ કોઈ રીતે માંસ ખાય નહિ. પણ ત્યાર પછી જરાક સ્વાદ આવતાં ખાવા લાગ્યો. એટલે પેલો વાઘ બોલ્યો, ‘તું વાઘ થઈને બકરાંની સોબતમાં રહેતો હતો અને તેમની પેઠે ઘાસ ખાતો’તો? ધિક્કાર છે તને!’ એ સાંભળતાં એ ઘાસ-ખાઉ વાઘ શરમાઈ ગયો!

‘ઘાસ ખાવું એટલે કે કામિની-કાંચનની સાથે રહેવું. બકરાંની પેઠે બેં બેં કરીને બરાડવું અને ભાગવું એટલે સાધારણ સંસારી જીવના જેવું વર્તન કરવું. વાઘની સાથે ચાલ્યા જવું એટલે ગુરુ કે જેમણે ચૈતન્ય આપ્યું તેમના શરણાગત થવું, તેમને જ સાચા સગા સમજવા! પોતાનું મોઢું બરાબર જોવું એટલે કે સ્વ-સ્વરૂપને ઓળખવું!

ઠાકુર ઊભા રહ્યા. ચારેકોર નિઃસ્તબ્ધતા. કેવળ માત્ર સરુનાં વૃક્ષોનો સૂ… સૂ… સ્વર અને ગંગાનો કલકલ અવાજ આવી રહ્યો છે. ઠાકુર રેલના પાટા વટાવી પંચવટીની વચ્ચે થઈને મણિની સાથે વાતો કરતાં કરતાં પોતાના ઓરડા તરફ આવી રહ્યા છે. મણિ મંત્ર-મુગ્ધની પેઠે ઠાકુરની સાથે સાથે ચાલે છે.

(ઠાકુર શ્રીરામકૃષ્ણના વટવૃક્ષને પ્રણામ)

પંચવટીમાં આવીને જ્યાં ડાળ ભાંગીને પડી ગઈ છે ત્યાં ઊભા રહીને પૂર્વાભિમુખ થઈને વટવૃક્ષ નીચેના ચોતરાને ઠાકુરે પોતાના મસ્તક વડે સ્પર્શ કરીને પ્રણામ કર્યા. એ સ્થાન સાધનાનું સ્થાન. 

પંચવટીનું વટવૃક્ષ

એ ઠેકાણે વ્યાકુળ થઈને કેટકેટલાં રુદન, કેટકેટલાં ઈશ્વરી રૂપ-દર્શન અને માતાજીની સાથે કેટકેટલી વાતચીતો થઈ છે! એટલા માટે શું ઠાકુર જ્યારે જ્યારે એ સ્થળે આવે ત્યારે ત્યારે પ્રણામ કરે છે?

બકુલવૃક્ષની પાસે થઈને ઠાકુર નોબતખાનાની પાસે આવ્યા છે. મણિ સાથે છે.

નોબતખાનાની પાસે આવતાં હાજરાને જોયો. ઠાકુર તેને કહે છે, ‘બહુ ખાઓ મા, અને આભડછેટ મૂકી દો. જેઓ બહુ આભડછેટિયા હોય તેમને જ્ઞાન ન થાય! આચાર જેટલો જરૂરનો હોય તેટલો પાળવો, વધુ પડતો કરવો નહિ.’

ઠાકુર પોતાના ઓરડામાં જઈને બેઠા.

Total Views: 339
ખંડ 18: અધ્યાય 1 : સમાધિ ભાવમાં ઈશ્વર-દર્શન અને શ્રીઠાકુરની પરમહંસ અવસ્થા
ખંડ 18: અધ્યાય 3 : રાખાલ, રામ, સુરેન્દ્ર, લાટુ, વગેરે ભક્તો સાથે