જમ્યા પછી ઠાકુર જરા આરામ કરી રહ્યા છે. આજે ૨૪મી ડિસેમ્બર, ૧૮૮૩. નાતાલની રજાઓ પડી છે. કોલકાતાથી સુરેન્દ્ર, રામ વગેરે ભક્તો એક પછી એક આવતા જાય છે.

બપોરનો એક વાગ્યો હશે. મણિ એકલા સરુનાં વૃક્ષો તરફ આંટા મારી રહ્યા છે. એટલામાં રેલના પાટાની પાસે ઊભો રહીને હરીશ ઊંચે સાદે મણિને કહે છે, ‘પ્રભુ બોલાવે છે, શિવ-સંહિતા વંચાવાની છે.’

શિવ-સંહિતામાં યોગનો વિષય છે, ષટ્ચક્રનો વિષય છે.

મણિ ઠાકુરના ઓરડામાં આવીને પ્રણામ કરીને બેઠા. ઠાકુર પાટ ઉપર, ભક્તો જમીન ઉપર બેઠેલા છે. શિવ-સંહિતા એ વખતે તો પછી વંચાઈ નહિ. ઠાકુર પોતે જ વાતો કરવા લાગ્યા.

(પ્રેમભક્તિ અને શ્રીવૃંદાવનલીલા – અવતાર અને નરલીલા)

શ્રીરામકૃષ્ણ – ગોપીઓની હતી પ્રેમ-ભક્તિ. પ્રેમ-ભક્તિમાં બે વસ્તુ હોય, અહંતા અને મમતા. હું કૃષ્ણની સેવા ન કરું તો કૃષ્ણની તબિયત બગડે, એવો ભાવ. એનું નામ અહંતા. એ ભાવમાં કૃષ્ણ ઈશ્વર છે, એ જ્ઞાન રહે નહિ.

બીજી છે મમતા, મારું મારું કરવું. ગોપીઓની કૃષ્ણ પ્રત્યે એવી મમતા હતી કે કદાચ શ્રીકૃષ્ણનાં ચરણનાં તળિયાંને કંઈક ઈજા થઈ જાય તો? એ બીકથી તેમનાં સૂક્ષ્મ શરીર શ્રીકૃષ્ણનાં ચરણ તળે રહેતાં.

‘યશોદા કહે કે તમારા ચિંતામણિ-કૃષ્ણને હું ઓળખતી નથી, મારો તો ગોપાલ! ગોપીઓ પણ કહે છે કે ‘ક્યાં છે મારા પ્રાણવલ્લભ, મારા હૃદયવલ્લભ?’ ઈશ્વરપણાનો ખ્યાલ નહિ.

‘જેમ કે નાનાં છોકરાં કહે કે ‘મારા બાપુજી!’ જો કોઈ કહે કે ‘ના, તારા બાપુજી નહિ,’ તો એ તરત કહેશે કે ‘ના, મારા બાપુજી!’

‘નર-લીલામાં અવતારને બરાબર મનુષ્યની રીતે જ વર્તવું પડે. એ કારણસર જ અવતારને ઓળખવો અઘરો. માણસ થયેલ છે તો બરાબર માણસ. માણસની પેઠે જ એને ભૂખ, તરસ, રોગ, શોક, ક્યારેક વળી બીક. બધું બરાબર માણસની જેમ જ! રામચંદ્ર સીતાના વિયોગથી દુઃખી-દુઃખી થઈ ગયેલા. ગોપાલકૃષ્ણ નંદજીના જોડા માથા પર મૂકીને લઈ ગયેલા. તેમને બેસવા સારુ પાટલો ઉપાડીને લઈ ગયેલા.

‘નાટકમાં જે સાધુનો પાઠ લે તે સાધુના જેવું જ વર્તન કરે, જેણે રાજા-પાઠ લીધો હોય તે (સાધુ)ની જેમ વર્તે નહિ. જેનો પાઠ લીધો છે તેના જ વર્તનનો અભિનય બતાવવો જોઈએ.

‘એક બહુરૂપીએ ‘ત્યાગી સાધુ’નો સ્વાંગ લીધો. તેનો સ્વાંગ આબેહૂબ જોઈને કાલી-મંદિરના માલિકોએ એક રૂપિયો આપવા માંડ્યો. પેલાએ તે લીધો નહિ, ‘ઉંહું’ કહીને ચાલ્યો ગયો. થોડી વાર પછી હાથ પગ મોઢું વગેરે ધોઈ, સ્વાંગ ઉતારીને તે સાદા વેશમાં આવ્યો ને બોલ્યો, ‘(હવે) આપો રૂપિયો!’ માલિકો કહે કે ‘અરે, હમણાં જ તું રૂપિયો નથી જોઈતો કહીને ઉંહું કરીને ચાલ્યો ગયો, અને અત્યારે હવે રૂપિયો માગે છે?’ એટલે એ બોલ્યો કે ‘તે વખતે તો ત્યાગી સાધુ બન્યો હતો, એટલે રૂપિયો લેવાય નહિ!’

‘તેમ ઈશ્વર પણ જ્યારે માણસ થઈને આવે, ત્યારે બરાબર માણસની પેઠે જ વર્તન કરે.’

‘વૃંદાવન જઈએ ત્યારે ઘણાંય લીલા-સ્થળો જોવા મળે.’

(સુરેન્દ્રને ઉપદેશ – ભક્તસેવા માટે દાન અને સત્યકથન)

સુરેન્દ્ર – અમે રજામાં વૃંદાવન ગયા હતા. પણ ‘ત્યાં પૈસા આપો, પૈસા આપો’ એમ કહીને બહુ હેરાન કરે. ‘આપો,’ ‘આપો’ જ કરવા લાગ્યા બધા પંડાઓ અને બીજા ભિક્ષુકો. અમે તેમને કહ્યું કે ‘અમે આવતી કાલે કોલકાતા જવાના છીએ.’ એમ કહીને તે જ દિવસે રવાના!

શ્રીરામકૃષ્ણ – એ શું? છિઃ! કાલે જઈશું કહીને આજ રવાના? છિઃ!

સુરેન્દ્ર (શરમાઈને) – વનની અંદર વચ્ચે વચ્ચે બાબાજીઓને જોયા, તેઓ એકાંત સ્થાનમાં બેઠા બેઠા સાધન-ભજન કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – બાબાજીઓને કાંઈ આપ્યું?

સુરેન્દ્ર – જી, ના.

શ્રીરામકૃષ્ણ – એ સારું નહિ. સાધુ-ભક્તોને કંઈક આપવું જોઈએ. જેમની પાસે પૈસા છે તેમણે સાધુ-ભક્તોને કંઈક આપવું જોઈએ.

(શ્રીમુખે કહેલ ચરિતામૃત – મથુર સાથે શ્રીવૃંદાવનદર્શન, ૧૮૬૮)

‘હું વૃંદાવન ગયો હતો મથુરબાબુની સાથે.

મથુરાનો ધ્રુવઘાટ

જ્યાં મથુરાનો ધ્રુવઘાટ જોયો ત્યાં એની મેળે જ આપોઆપ દર્શન થયું કે વસુદેવ કૃષ્ણને લઈને યમુના પાર કરી રહ્યા છે.

‘વળી સંધ્યા વખતે યમુનાની રેતીમાં ફરી રહ્યા છીએ. રેતી ઉપર નાનાં નાનાં ઘાસનાં ઝૂંપડાં. મોટાં બોરડીનાં ઝાડ. જોયું તો ગોરજ વખતે ગાયો ગૌચરમાંથી પાછી આવી રહી છે. ચાલતી ચાલતી યમુના પાર ઊતરી રહી છે. તેમની પાછળ જ કેટલાક ગોવાળિયા ગાયોને લઈને યમુના પાર ઊતરી રહ્યા છે.

‘જેવું એ બધું જોયું કે તરત જ ‘કૃષ્ણ ક્યાં?’ એમ બોલતો ને હું બેહોશ થઈ ગયો!

‘શ્યામકુંડ, રાધાકુંડ વગેરેનાં દર્શન કરવાની મને ઇચ્છા થઈ હતી. 

વૃંદાવન-પરિક્રમાનું એક દૃશ્ય

મથુરબાબુએ પાલખી કરી આપીને મને રવાના કર્યાે. રસ્તો ઘણોય લાંબો હતો, એટલે પૂરી, જલેબી વગેરે ખાવાનુંય પાલખીની અંદર સાથે આપેલું. ખેતરમાં થઈને પસાર થતાં મનમાં એવું લાવીને રોવા લાગ્યો કે, ‘અરે! કૃષ્ણ રે! આ બધાં સ્થાનો રહ્યાં છે, પરંતુ તમે નથી! અરે આ એ જ ખેતરો કે જ્યાં તમે ગાયો ચરાવતા!’

‘રસ્તામાં સાથે સાથે હૃદય પાછળ ચાલ્યો આવતો હતો. મારાં નેત્રોમાંથી તો જળની ધારાઓ વહેવા લાગી હતી. પાલખી ઉપાડનારાઓને અટકવાનું ય કહેવાયું નહિ!

‘શ્યામકુંડે, રાધાકુંડે જઈને જોયું તો સાધુઓ એક એક ઝૂંપડી જેવું બનાવીને તેની અંદર બારણા તરફ પીઠ કરીને સાધન ભજન કરી રહ્યા છે, લોકો તરફ નજર ન ખેંચાય એ માટે. દ્વાદશ-વન જોવા જેવી જગા. ‘બાંકે-બિહારીને જોઈને ભાવ-અવસ્થા થઈ ગયેલી, હું તેમને ભેટી પડવા ગયેલો. ગોવિંદને બે વાર જોવાની ઇચ્છા થઈ નહિ. વળી મથુરામાં જઈને મેં સ્વપ્નમાં ગોપાલ-કૃષ્ણને જોયા હતા. હૃદુએ અને મથુરબાબુએ પણ જોયા હતા.

બાંકે-બિહારી

(દેવીભક્ત શ્રીયુત્ સુરેન્દ્રના યોગ અને ભોગ)

શ્રીરામકૃષ્ણ – તમારે યોગ પણ છે અને ભોગ પણ છે. 

બ્રહ્મર્ષિ, દેવર્ષિ ને રાજર્ષિ એ ત્રણ શ્રેણી. બ્રહ્મર્ષિ જેવા કે શુકદેવ, એક ચોપડી સરખીયે પાસે ન હોય. દેવર્ષિ, જેવા કે નારદ. રાજર્ષિ, જેવા કે જનક. એ નિષ્કામ કર્મ કરે.

‘દેવી-ભક્ત ધર્મ અને મોક્ષ બેઉ મેળવે. તેમજ અર્થ અને કામનો પણ ઉપભોગ કરે. 

(સુરેન્દ્રને) ‘મેં તમને એક દિવસ દેવી-પુત્ર રૂપે જોયા હતા. તમારે બેઉ છે, યોગ અને ભોગ. નહિતર તમારો ચહેરો શુષ્ક હોત.

(ઘાટ પર શ્રીઠાકુરે કરેલ દેવીભક્તોનું દર્શન – નવીન નિયોગીના યોગ અને ભોગ)

‘સર્વ-ત્યાગીનો ચહેરો શુષ્ક હોય. એક દેવી-ભક્તને ઘાટ ઉપર જોયો હતો. પોતે ખાતો જાય છે અને એ સાથે દેવી-પૂજા કરી રહ્યો છે. તેનો સંતાનભાવ.

‘પરંતુ વધુ પડતા રૂપિયા ભેગા થાય એ સારું નહિ. યદુ મલ્લિકને અત્યારે જોયો, તો (સંસારમાં) ડૂબી ગયો છે. ખૂબ પૈસો વધ્યો છે ને, એટલે!

‘નવીન નિયોગી, તેનેય યોગ અને ભોગ બેઉ છે. નવરાત્રિમાં દુર્ગા-પૂજા વખતે જોયું તો બાપ દીકરો બેઉ જણ માતાજીને ચામર ઢોળી રહ્યા છે.

સુરેન્દ્ર – જી, કેમ ધ્યાન નહિ થતું હોય?

શ્રીરામકૃષ્ણ – સ્મરણ, મનન તો છે ને?

સુરેન્દ્ર – જી, મા, મા, મા, એમ રટતાં રટતાં ઊંઘી જાઉં!

શ્રીરામકૃષ્ણ – એ બહુ સારું. સ્મરણ- મનન ચાલુ રહે એટલે થયું.

ઠાકુરે સુરેન્દ્રનો ભાર પોતાની ઉપર લઈ લીધો છે, પછી એને ફિકર શી?

Total Views: 300
ખંડ 18: અધ્યાય 2 : ગૂઢકથા
ખંડ 18: અધ્યાય 4 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને યોગશિક્ષણ - શિવસંહિતા