સંધ્યાકાળ થયા પછી ઠાકુર ભક્તો સાથે બેઠેલા છે. મણિ પણ ભક્તો સાથે જમીન ઉપર બેઠા છે. યોગનો વિષય, ષટ્-ચક્રનો વિષય નીકળ્યો છે. શિવ-સંહિતામાં એ બધી બાબતો છે.

શ્રીરામકૃષ્ણ – ઈડા, પિંગલા, સુષુમ્ણા; સુષુમ્ણાની અંદર એ પદ્મો છે; ચિન્મય. જેમ કે મીણનું ઝાડ, તેમાં ડાળીઓ, પાંદડાં, ફળ, બધુંય મીણનું; મૂળાધાર પદ્મમાં કુંડલિની શક્તિ રહેલી છે, ચતુર્દલ-પદ્મ. જે આદ્યશક્તિ છે તે જ સૌના શરીરમાં કુંડલિની શક્તિરૂપે રહેલી છે. જેમ કે ઊંઘતો સર્પ, ગૂંચળું વળીને પડ્યો છે! ‘પ્રસુપ્ત ભુજંગાકાર આધાર-પદ્મ-વાસિની!’ 

(મણિને) – ભક્તિયોગથી કુંડલિની શક્તિ જલદી જાગ્રત થાય. પરંતુ એ જ્યાં સુધી જાગ્રત થાય નહિ ત્યાં સુધી ભગવાનનાં દર્શન થાય નહિ. ગીત ગાતાં ગાતાં એકાગ્રતાપૂર્વક ગાજો, એકાંતમાં એકલા એકલા :- 

‘જાગો મા કુલકુંડલિની! તમે નિત્યાનંદ સ્વરૂપિણી,

તમે બ્રહ્માનંદ સ્વરૂપિણી, 

પ્રસુપ્ત ભુજંગાકારા, આધારપદ્મવાસિની,

ત્રિકોણે જલે કૃશાનુ, તાપિત થયું છે તનુ,

મૂલાધાર છોડો શિવે! સ્વયંભૂ શિવવેષ્ટિની!

જાઓ સુષુમ્નાને પથે, સ્વાધિષ્ઠાને થાઓ ઉદિત

મણિપૂર અનાહત વિશુદ્ધાજ્ઞા સંચારિણી!

શિર પર સહસ્રદલે પરમશિવમાં મળે,

ક્રીડા કરો કુતૂહલે સચ્ચિદાનંદદાયિની!’ … વગેરે.

‘ગીતોમાં રામપ્રસાદ સિદ્ધ. આતુર થઈને ગીત ગાવાથી ઈશ્વર-દર્શન થાય.

મણિ – જી, આ બધું એક વાર કરવાથી મનનો ખેદ મટી જાય!

શ્રીરામકૃષ્ણ – ખરેખર જ ખેદ મટે. 

‘યોગનો વિષય કેટલોક, તમને સાધારણ રીતે બતાવી દેવો પડશે.

(ગુરુ જ બધું કરે છે – સાધના અને સિદ્ધિ – નરેન્દ્ર સ્વતઃ સિદ્ધ)

‘વાત એમ છે કે ઈંડાની અંદરનું બચ્ચું બરાબર તૈયાર ન થાય ત્યાં સુધી માદા તેને ચાંચ મારે નહિ. યોગ્ય સમય થતાં વેંત માદા ઈંડું ફોડે.

‘પરંતુ જરા સાધના કરવાની જરૂર ખરી. ગુરુ જ બધું કરે, પણ તોય છેલ્લે શિષ્ય પાસે જરા સાધના કરાવી લે. મોટું ઝાડ કાપતી વખતે લગભગ આખુંય થડ કપાઈ રહે એટલે કાપવાવાળા જરા આઘા ખસીને ઊભા રહે. ત્યાર પછી કડેડાટ કરતુંને એની મેળે ભાંગી પડે.

‘જ્યારે ધોરિયો ખોદીને નદીનું પાણી ખેતરમાં લાવે, ત્યારે ખોદતાં ખોદતાં એક જરાક વધુ ખોદ્યે નદીની સાથે જોડાઈ જવા જેવું થઈ જાય, ત્યારે જે ખોદનારો હોય તે એક બાજુએ ખસીને ઊભો રહે. એટલે વચ્ચેની માટી પલળીને એની મેળે પડી જાય, અને નદીનું પાણી હડેડાટ કરતુંકને ધોરિયામાં ચાલ્યું આવે.

‘અહંકાર, ઉપાધિ, એ બધાંનો ત્યાગ થતાં જ ઈશ્વરનાં દર્શન થાય. ‘હું વિદ્વાન’, ‘હું અમુકનો દીકરો’, ‘હું પૈસાવાળો,’ ‘હું પ્રતિષ્ઠિત’ એ બધી ઉપાધિનો ત્યાગ થતાં જ ઈશ્વરનાં દર્શન!

‘ઈશ્વર સત્ય, અને બીજું બધું મિથ્યા, સંસાર અનિત્ય; એનું નામ વિવેક. અંતરમાં વિવેક ન હોય તો ઉપદેશની ધારણા થઈ શકે નહિ.

‘સાધના કરતાં કરતાં ઈશ્વર-કૃપાથી સિદ્ધ થાય. જરા મહેનત લેવી જોઈએ. એ પછી તરત જ દર્શન અને આનંદ-પ્રાપ્તિ.

‘અમુક જગાએ સોનામહોરનો ચરુ દટાયેલો છે એ સાંભળતાં જ માણસો દોડી જાય, અને ખોદવાનું શરૂ કરે. ખોદતાં ખોદતાં પરસેવાથી રેબઝેબ થઈ જાય. કેટલુંય ખોદ્યા પછી એકાદ જગાએ ત્રિકમ ચરુને ભટકાયું ને ઠંન શબ્દ થયો; ત્યારે ત્રિકમ બાજુએ ફેંકીને જુએ કે ચરુ છે કે નહિ. ચરુ નજરે ચડતાં નાચવા લાગે!

‘ચરુ બહાર કાઢીને સોનામહોરોનો ઢગલો કરીને, હાથમાં લઈને ગણે, ત્યારે પછી ખૂબ ખૂબ આનંદ! દર્શન, સ્પર્શન, ઉપભોગ! કેમ?

મણિ – જી હા.

ઠાકુર જરા બોલતા બંધ થયા છે. વળી પાછા વાતો કરવા લાગ્યા.

(મારું પોતાનું કોણ? – એકાદશી કરવા ઉપદેશ)

‘જેઓ મારા પોતાના માણસો હશે, તેઓને વઢું તોય તેઓ પાછા મારી પાસે આવવાના.

‘આહા! નરેન્દ્રનો સ્વભાવ કેવો થયો છે! પહેલાં મા કાલીને એ જેમ ફાવે તેમ બોલતો. હું નારાજ થઈને એક દિવસ વઢેલો કે ‘સાલા, તું હવે મારી પાસે આવતો નહિ!’ ત્યારે એ ધીરે ધીરે આઘો જઈને હોકો ભરે. જે પોતાનું માણસ, તેનો તિરસ્કાર કરો તોય એ ગુસ્સે ન થાય. શું કહો છો?

મણિ – જી હા.

શ્રીરામકૃષ્ણ – નરેન્દ્ર સ્વતઃ સિદ્ધ, તેની નિરાકારમાં નિષ્ઠા.

મણિ (સહાસ્ય) – એ જ્યારે આવે ત્યારે એક મોટી ધમાલ સાથે લેતો આવે. ઠાકુર આનંદથી હસી રહ્યા છે. કહે છે કે ‘એક ધમાલ જ, ખરેખર!’

બીજે દિવસે મંગળવાર, ૨૫મી ડિસેમ્બર, કૃષ્ણ-પક્ષની અગિયારશ. સમય લગભગ અગિયારેક વાગ્યાનો હશે. ઠાકુર હજી જમ્યા નથી. મણિ અને રાખાલ વગેરે ભક્તો ઠાકુરના ઓરડામાં બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (મણિને) – અગિયારશ કરવી સારી. એથી મન બહુ પવિત્ર થાય, અને ઈશ્વર ઉપર ભક્તિ આવે, કેમ ખરું ને?

મણિ – જી હા.

શ્રીરામકૃષ્ણ – (રાજગરાની) ધાણી ને દૂધ લેજો. શું કહો છો?

Total Views: 309
ખંડ 18: અધ્યાય 3 : રાખાલ, રામ, સુરેન્દ્ર, લાટુ, વગેરે ભક્તો સાથે
ખંડ 18: અધ્યાય 5 : શ્રીયુત્ રામચંદ્રના બગીચામાં શ્રીરામકૃષ્ણ ભક્તો સંગે