શ્રીરામકૃષ્ણ આજે ભક્ત રામચંદ્ર દાનો નવો બગીચો જોવા જઈ રહ્યા છે. બુધવાર ૨૬મી ડિસેમ્બર, ઈ.સ. ૧૮૮૩, (૧૨ પૌષ વદ બારસ)

રામ ઠાકુરને સાક્ષાત્ અવતાર ગણીને પૂજા કરે. એ ઘણીયે વાર દક્ષિણેશ્વરે આવે અને ઠાકુરનાં દર્શન અને પૂજા કરી જાય. સુરેન્દ્રના બગીચાની પાસે તેણે નવો બગીચો બનાવ્યો છે. એટલે એ જોવા શ્રીરામકૃષ્ણ જઈ રહ્યા છે. 

ઘોડાગાડીમાં મણિલાલ મલ્લિક, માસ્ટર અને બીજા એક બે ભક્તો છે. મણિલાલ મલ્લિક બ્રાહ્મ-સમાજી. બ્રાહ્મ-સમાજીઓ અવતારમાં માને નહિ.

શ્રીરામકૃષ્ણ (મણિલાલને) – ઈશ્વરનું ધ્યાન કરવું હોય તો પહેલાં ઉપાધિરહિત પરમાત્માનું ધ્યાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પરમાત્મા ઉપાધિ-રહિત, વાણી-મનથી અતીત. પરંતુ એ ધ્યાનમાં સિદ્ધ થવું બહુ જ કઠણ!

‘ઈશ્વર જ્યારે મનુષ્ય-રૂપે અવતાર લે ત્યારે તેનું ધ્યાન કરવાનું ખૂબ સહેલું થઈ પડે. માણસની અંદર નારાયણ, દેહ એ આવરણ. જાણે કે ફાનસની અંદર દીવો બળી રહ્યો છે. અથવા કાચની બારીમાંથી અંદરની કિંમતી વસ્તુ દેખાઈ રહી છે. 

ઠાકુર ગાડીમાંથી ઊતરીને બગીચામાં પહોંચ્યા અને રામ અને ભક્ત-જનોની સાથે સૌથી પહેલાં તુલસી-વનનાં દર્શન કરવા જઈ રહ્યા છે.

રામચંદ્ર દત્તનું ઉદ્યાનગૃહ, કાંકુડગાછિ

તુલસી-વન જોઈને ઠાકુર ઊભા ઊભા બોલે છે, ‘વાહ સરસ મજાની જગા, 

અહીંયાં સારી રીતે ઈશ્વર-ચિંતન થાય!’

ઠાકુર હવે સરોવરની દક્ષિણ તરફના ઓરડામાં આવીને બેઠા. રામચંદ્રે એક થાળમાં દાડમ, સંતરાં, અને કંઈક મીઠાઈ લાવીને ઠાકુરની પાસે ધર્યાં. ઠાકુર ભક્તો સાથે આનંદ કરતાં કરતાં ફળ વગેરે આરોગી રહ્યા છે.

થોડી વાર પછી ઠાકુર આખો બગીચો ફરી ફરીને જોવા લાગ્યા છે.

હવે ઠાકુર બાજુમાં સુરેન્દ્રને બગીચે જઈ રહ્યા છે. પગે ચાલતા થોડુંક જઈને પછી ગાડીમાં બેસવાના. ગાડીમાં બેસીને સુરેન્દ્રને બગીચે જવાના.

પગે ચાલતા જ્યારે ભક્તો સાથે જઈ રહ્યા છે, ત્યારે શ્રીરામકૃષ્ણે જોયું કે બાજુના બાગમાં ઝાડ નીચે એક સાધુ એકલો ખાટલા પર બેઠેલ છે. તેને જોતાં જ ઠાકુર સાધુની પાસે જઈને આનંદથી તેની સાથે હિંદીમાં વાતો કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ (સાધુને) – આપ કયા સંપ્રદાયના? ગિરિ કે પુરી એવી કોઈ ઉપાધિ છે?

સાધુ – લોકો મને પરમહંસ કહે છે.

શ્રીરામકૃષ્ણ – સરસ સરસ. શિવોડહં, એ મજાનું. પરંતુ એક વાત છે. આ સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, કે જે રાતદિન ચાલી રહ્યો છે એ બ્રહ્મની શક્તિથી. એ આદ્યશક્તિ અને બ્રહ્મ અભિન્ન. બ્રહ્મને છોડીને શક્તિ હોય નહિ. જેમ જળ વિના તરંગ બને નહિ, વાજિંત્ર વિના બજાવવાનું બને નહિ, તેમ.

‘જ્યાં સુધી ઈશ્વરે આ લીલાની અંદર રાખ્યા છે, ત્યાં સુધી બેપણાનું (દ્વૈતનું) ભાન થાય જ. શક્તિ કહો એટલે બ્રહ્મ છે જ. જેમ રાતનું ભાન છે, એટલે એ સાથે જ દિવસનું ભાન છે. જ્ઞાનનું ભાન છે, એટલે એ સાથે જ અજ્ઞાનનું ભાન પણ છે.

‘બીજી એક અવસ્થામાં ઈશ્વર બતાવે કે બ્રહ્મ-જ્ઞાન અજ્ઞાનથી પાર; મોઢેથી કંઈ બોલી શકાય નહિ. ‘જો હૈ સો હૈ.’

આ પ્રમાણે થોડો સમય વાતચીત થયા પછી શ્રીરામકૃષ્ણ ગાડી તરફ જવા લાગ્યા. સાધુય સાથે તેમને ગાડીમાં મૂકવા સારુ આવે છે. શ્રીરામકૃષ્ણ જાણે કે ઘણા દિવસોના પરિચિત મિત્ર ન હોય, તેમ સાધુના હાથમાં હાથ ભેરવીને ગાડી તરફ જઈ રહ્યા છે. 

સાધુ તેમને ગાડીમાં બેસાડીને પોતાને આસને ચાલ્યો આવ્યો.

સુરેન્દ્ર મિત્રનું ઉદ્યાનગૃહ

હવે શ્રીરામકૃષ્ણ સુરેન્દ્રના બાગમાં આવ્યા છે. ભક્તો સાથે આસન પર બેસતાંની સાથે જ પહેલવહેલાં સાધુની વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ – સાધુ છે સરસ! (રામને) તમે જ્યારે આવો ત્યારે સાધુને દક્ષિણેશ્વરને બગીચે લઈ આવજો. 

સાધુ સરસ છે. એક ગીતમાં છે ને, કે ‘સહજ થયા વિના સહજને ઓળખાય ના.’

સાધુ નિરાકાર-વાદી છે. તે મજાનું. પરમાત્મા નિરાકાર તેમજ સાકાર થઈ રહેલ છે, અને તે ઉપરાંત પણ કેટલુંય. જે નિત્ય, તેની જ લીલા. એ જે વાક્ય-મનથી અતીત છે, તે જ વિવિધ રૂપો ધારણ કરીને કામ કરી રહ્યો છે.

 એ જ ૐમાંથી ૐશિવ, ૐ કાલી, ૐકૃષ્ણ થઈ રહેલ છે. જેમ કે કોઈ શેઠે નોતરું આપનારને ઘેર એક છોકરું જમવા મોકલી આપ્યું હોય, તેમ. ત્યાં એનો કેટલો આદર-સત્કાર કરે, કારણ કે તે અમુકનો દૌહિત્ર કે પૌત્ર.

સુરેન્દ્રને બગીચે સહેજ જલપાન કરીને શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે દક્ષિણેશ્વર તરફ જઈ રહ્યા છે.

Total Views: 309
ખંડ 18: અધ્યાય 4 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને યોગશિક્ષણ - શિવસંહિતા
ખંડ 18: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણને કોલકાતામાં નિમંત્રણ - શ્રીયુત્ ઈશાન મુખોપાધ્યાયના ઘરે શુભાગમન